ધ ટેટૂ

* આજે એરપોર્ટ પર બોર્ડિંગ પાસની કતારમાં ઉભો હતો ત્યારે આગળ અને પાછળ લગભગ બધા લોકોના હાથમાં સરસ ટેટૂ હતા. આ જોઇને મારો હાથતો મને ફિક્કો લાગ્યો. આગળ જઇને એક જગ્યાએ નાસ્તો કરવા બેઠો ત્યાં સામે લગભગ મારા સાયકલિંગ ટેટૂ જેવું જ ટેટૂ એક જણના હાથમાં દેખાયું. હવે રહેવાયું નહી અને હાય-હેલ્લો કહ્યું ત્યારે ખબર પડીકે તે BRMમાં નિયમિત આવે છે અને આવતા અઠવાડિયે મારી સાથે રેસમાં પણ છે. એટલિસ્ટ, એરપોર્ટની બે ક્ષણો તો આનંદદાયક બની 🙂

ફટાકડા – ૨

* અમે ધાર્યું હતું તેમ, ફટાકડા ન ફોડવાનો સંકલ્પ એકાદ દિવસ ચાલ્યો. પછી છેલ્લે છેલ્લે માળિયાંની સાફ-સફાઇ કરતાં તેમાંથી ગયા વર્ષના વધેલા ફટાકડાઓ મળ્યા એટલે કવિને એક દિવસે તે ફોડ્યા અને પછી પોકેમોન કાર્ડ્સના બજેટમાંથી અડધાનો ખર્ચ ફટાકડામાં કરવામાં આવ્યો (એને પ્લાન બી કહેવાય?) 🙂

IMG_20171019_124546_710
.. અને લાગે છે કે સદામ હજુ પણ લોકપ્રિય છે 🙂

ધ મેન વ્હુ સોલ્ડ હિઝ સફારી

* ના! આ પોસ્ટ ધ મેન વ્હુ સોલ્ડ હિઝ ફરારી વિશેની નથી. કારણ કે,

૧. રોબિન શર્મા આપણને ન ગમે,
૨. મારી પાસે ફરારી નથી.

તો શું છે, મારી પાસે? સફારી! હા. સફારીના જૂના અંકો (છેલ્લા ચાર-પાંચ વર્ષોના) એટલા વધી પડ્યા છે કે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે બધાં સફારીઓ પસ્તીમાં આપી દેવામાં આવે. એવું ન સમજતા કે સફારી હવે કંઇ કામના નથી, પણ હવે અમારા ઘરમાં જગ્યા નથી અને હવે જ્ઞાન-વિજ્ઞાનના બીજાં અઢળક સ્ત્રોત સંદર્ભ અને અન્ય માધ્યમો સાથે છે, એટલે હવે સફારી વાંચીને થોડો સમય રાખીને પસ્તીમાં દુ:ખ સાથે જવા દેવામાં આવશે.

વી વિલ મિસ યુ, સફારી (ના જૂના અંકો)!!

બોનસ: ધ મેન વ્હુ સોલ્ડ ધ વર્લ્ડ

ફટાકડા

* સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા (વેચવા પર) પ્રતિબંધ મૂક્યો એ સાથે કવિને પણ અમને કહ્યું કે હું પણ આ દિવાળીમાં ફટાકડા નહી ફોડું. તેની આ સમજ પર અમને આનંદ થયો પણ સામી એવી શરત હતી કે પેલા ફટાકડામાં ખર્ચવાના પૈસાની જગ્યાએ પોકેમોન કાર્ડ લેવામાં આવશે. હવે ૨-૩ હજાર રૂપિયાના પોકેમોન કાર્ડ અમારા ઘરમાં રખડતા હોય એ દ્રશ્ય મારી નજરે આવે છે ત્યારે થાય છે કે આના કરતાં તો ફટાકડા ફોડીને પાર મૂકવો સારો 😀

વિકિડેટા આધારિત ઇન્ફોબોક્સ – હવે ગુજરાતી વિકિપીડિયા પર!

વિકિપીડિયા પર સામાન્ય રીતે કોઇપણ લેખમાં (ખાસ કરીને કોઇ વ્યક્તિ વિશેના) ઇન્ફોબોક્સ એટલે કે જમણી બાજુ (કે ડાબી બાજુ, જો તમે ઉર્દૂ, અરેબિક કે હિબ્રુ જેવી ભાષાઓ વાપરતા હોવ) મળતા બોક્સનું બહુ મહત્વ છે. આ ઇન્ફોબોક્સમાં સામાન્ય રીતે આપણને જોઇતી માહિતી ઉડતી નજરે મળી જાય છે. આ ઇન્ફોબોક્સ મૂકવા માટે પહેલા બહુ મહેનત કરવી પડતી હતી અને દરેક પેરામીટર (એટલે કે પરિમાણો) જાતે ઉમેરવા પડતા. ચિત્ર કે છબી પણ કોમન્સમાંથી શોધીને લેવી પડતી કે પછી અંગ્રેજી જેવાં સમૃદ્ધ વિકિપીડિયામાંથી કોપી-પેસ્ટ કરવું પડતું.

ગુજરાતી વિકિના અનિકેતભાઇની મહેનતથી હવે ઇન્ફોબોકસ પર્સન (ie Infobox person) હવે વિકિડેટા સંચાલિત કે આધારિત બન્યું છે. એટલે કે, કોઇપણ વ્યક્તિ વિશેના લેખમાં માત્ર નીચેનો કોડ (ie વિકિટેક્સ્ટ),

{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}

ઉમેરતા આપણને વિકિડેટામાંથી માહિતી મેળવતું ઇન્ફોબોક્સ મળી જશે. ઉદાહરણ તરીકે, આર. ડી. બર્મનના લેખમાં ઉમેરેલું ઇન્ફોબોક્સ આવું જોવા મળશે.

Screenshot_20171008_115818

તમે જોઇ શકો છો કે પેલા પેન્સિલ જેવા આઇકન પર ક્લિક કરતાં લેખનું વિકિડેટા પાનું ખૂલશે અને તમે ખૂટતી માહિતી ઉમેરી શકશો. હવે આગળનું કામ એ છે કે, જે પેરામીટર્સ ગુજરાતીમાં નથી એનું ભાષાંતર કરવું એટલે કે હવે વિકિડેટામાં યોગદાન આપવાનું બહાનું મળ્યું છે 🙂