મારા લોકડાઉન અપડેટ્સ – ૫

અહીં વધુ એક મહિનો લોકડાઉન લંબાવાયું છે અને સરવાળે કંઇ ભલીવાર આવ્યો નથી. એટલે કે, જોરથી બોલો – જય મહારાષ્ટ્ર, જય જય ગરવી ગુજરાત! બંને જગ્યાએ એકંદરે સરકારે દાટ વાળ્યો છે અને હજુ વધુ વળવાનો છે. લોકો મરી રહ્યા છે – બાકીના ડફોળો જાણે કંઇ થયું નથી તેમ ચોરે-ચોતરે અને ગલ્લાઓ અને દરિયાકિનારે ફરી રહ્યા છે.

કવિનની ઓનલાઇન સ્કૂલ ચાલી રહી છે. હવે જરૂર પડ્યે તેના માટે ટેબલ મંગાવ્યું છે. Ikea જેવી કંપની તમને તમે આપેલા ઓર્ડરની કોઇ માહિતી તેમની વેબસાઇટ પર ન આપે કે પછી ઓર્ડર ટ્રેકિંગ જેવી કોઇ સિસ્ટમ ન રાખે તે ૨૦મી સદીની આશ્ચર્યજનક વેબ ઘટનાઓમાં ચોક્કસ મૂકી શકાય છે. તો બીજી બાજુ, LIC જેવી વેબસાઇટ કોઇક વખત ચાલી જાય છે એ પણ આ વેબ ઘટનાઓમાં ટોપ ૧૦માં આવી શકે છે.

બીજી દુર્ઘટનાઓમાં જોઇએ તો મારા લેપટોપની બેટરી પેલા ફૂલણજી કાગડાની જેમ ફૂલી છે. હવે નવું લેપટોપ કે બેટરી આવે ત્યારે જીવ આવશે. ત્યાં સુધી ચલાવીશું – ધ્યાન રાખીને.

સાયકલિંગમાં આ મહિનો ઓકે-ઓકે ગયો છે. લગભગ ૯૦૦ કિમી સાયકલિંગ કર્યું છે. હવે જુલાઇ એકદમ મજાનો જશે. કારણ કે, ટુર દી ફ્રાન્સ ઝ્વિફ્ટ પર થવાની છે. આપણને તો શું ફરક પડે, પણ તેના પછી એમેચ્યોર રાઇડર્સ માટે એક ઇવેન્ટ થશે અને પછી ત્યાં નવાં રસ્તાઓ પર સાયકલ ચલાવવા મળશે એ ફાયદો!

ચાલો ત્યારે, જુલાઇમાં મળીએ!

મારા લોકડાઉન અપડેટ્સ – ૪

લોકડાઉન વધુ લંબાવાયું છે, પણ લોકો રામભરોસે છે. આઉટડોર સાયકલિંગ હજુ બંધ જ રાખવામાં આવશે, કારણ કે, રેઇન ઇઝ કમિંગ!

મહત્વના અપડેટ્સમાં જોઇએ તો, મે મહિનો ભારે રહ્યો છે, ખાસ કરીને સાયકલિંગમાં. લોકડાઉન દરમિયાન (માર્ચ ૧૦ પછીથી અત્યાર સુધી) કુલ ૧૨૭ કલાક સાયકલિંગ, ૨૬૮૭ કિમી અંતર, ૪૯૦૮૦ મીટર ઉંચાઇ (એલિવેશન ગેઇન) અને ૫૩,૭૯૪ કેલરી બાળવામાં આવી છે. એટલે, ટૂંકમાં, લોકડાઉનમાં ઢગલાબંધ વાનગીઓ ઝાપટવા છતાં અમારા વજનમાં જરાય વધારો થયો નથી, ઉલ્ટાનો ઘટાડો થયો છે. એટલે, આવતા બે અઠવાડિયા થોડું ઓછું સાયકલિંગ કરાશે. જોકે એવી કોઇ ગેરંટી નથી 😉 છેલ્લાં અપડેટમાં લખ્યું હતું તે ચેલેન્જમાં હું પહેલો આવ્યો છું. ઓફિશિઅલી, વેબસાઇટ પર પરિણામ મૂકાયું નથી!

કવિનની ઓનલાઇન સ્કૂલ આ અઠવાડિયે શરૂ થશે. ઝૂમ પર ક્લાસ ચાલશે અને છોકરાંઓનો ત્રણ મહિના પછી જીવ નીકળશે એવું લાગે છે. જોકે બીજો કોઇ વિકલ્પ નથી અને મારા મત પ્રમાણે આવી સ્થિતિમાં એડજસ્ટમેન્ટ જ જીવન છે. લોકોને જોકે આ પણ નથી ગમ્યું, અને વિરોધ કરવા ખાતર વિરોધ ચાલુ રાખ્યો છે.

અને હા, એક પણ નવી વેબસીરીઝ કે મુવી પણ જોયા નથી. સ્ક્રોલ કરીને ફટાફટ ટાઇમપાસ કર્યો છે. મહાભારત દરરોજ રાત્રે નિયમિત સહકુટુંબ (યુટ્યુબ!) જોવાય છે, એટલું જ.