ઉલ્ટા-પુલ્ટા

* ના. આ પોસ્ટ આપણા માનીતા સ્વ. જશપાલ ભટ્ટીની લોકપ્રિય સીરીઝની નથી. આ પોસ્ટ છે, દિ.ભા.ના ઉલ્ટા-પુલ્ટાની. થયું એમ કે આપણે એડબ્લોકરો (એડબ્લોક પ્લસ, ક્રોમ એક્સટેન્શન) નો ભરપૂર ઉપયોગ કરીએ. ખાસ કરીને ક્લીક-ક્લીક કરીને કમાણી કરવા માટે ક્લીક કરવા માટે લોકોને ભરમાવતી વેબસાઇટો પર આપણે બહુ નિયંત્રણો મૂકીએ (જાવાસ્ક્રિપ્ટ ઝિંદાબાદ). તો આપણા સુપર સ્માર્ટ દિ.ભા.એ પોતાની વેબસાઇટ પર એવી સ્ક્રિપ્ટ મૂકી કે જો હું બ્રાઉઝરમાં દિ.ભા.ની સાઇટ જોવું તો…

ઉલ્ટા-પુલ્ટા દિ.ભા. કે ભા.દિ.?

હવે આ તો દર વખતે તો હેરાનગતિ કહેવાય. થોડો અખતરો કર્યો પણ કંઇ ઉપાય ન મળ્યો. છેવટે આપણું માનીતું એવું સ્ક્રિપ્ટસેફ, ક્રોમ એક્સટેન્શન મદદે આવ્યું (હું પહેલેથી બધી જાવાસ્ક્રિપ્ટો બ્લોક જ રાખું છું અને જરૂર હોય એને જ વ્હાઇટલિસ્ટ કરવાની) અને દિ.ભા.ની સાઇટની બધી જાવાસ્ક્રિપ્ટો બ્લોક કરી દીધી.

અને, આ કામ કરી ગયું!!

ભલું થયું ભાંગી જંજાળ, ક્લિકની ગઇ માયાજાળ! 😉

સી.બી.એસ.ઇ

* નો ઓફેન્સ, પણ આ સી.બી.એસ.ઇ ઉર્ફે CBSE વાળા બાળકો પર મને દયા આવે છે. માંડ વર્ષ પત્યું હોય અને સ્કૂલ ચાલુ. એ પણ કાળઝાળ ગરમી ધરાવતા એપ્રિલમાં. મે મહિનામાં પાછું વેકેશન અને ફરી પાછી જૂનમાં સ્કૂલ ચાલુ. ક્યાંક બે મહિના છોકરાઓને હિમાલયમાં ટ્રેકિંગ કે પછી કાશ્મીર-કન્યાકુમારીની સાયકલ રાઇડ પર મોકલવા હોય તોય ન મોકલાય 😉

મજાક જવા દઇએ તો પણ, આ પાછળનો તર્ક મને કોઇ સમજાવશે?

PS: એવું જ મારી બાજુની મરાઠી માધ્યમની શાળાએ કર્યું લાગે છે. હજુય સ્કૂલ ચાલુ છે!

અપડેટ્સ – ૨૦૪ – અડધો એપ્રિલ

* અડધો એપ્રિલ મહિનો વીતી ગયો હોવા છતાં પણ કોઇ અપડેટ્સ ન જોઇને ઘણાંને શાંતિ થઇ હશે, પણ ના! અમે અશાંતિ અને ભયનું સામ્રાજ્ય ફેલાવવા માટે પાછાં આવી ગયા છીએ.

* એપ્રિલ મહિનો મોટાભાગે કવિનની પરીક્ષાઓ અને સાયકલિંગમાં જ ગયો છે. ૧૫ દિવસમાં રનિંગના નામે માત્ર ૩૦ કિમી જ દોડાયું છે, પણ સાયકલિંગ જોરદાર થયું છે. છેલ્લી ઘડીએ ૨૦૦ કિમીની પેલી મિડસમર નાઇટ રાઇડ બીઆરએમ પણ કરી દીધી (એમ તો નહોતી કરવાની પણ સ્પેનથી આવવા વાળા સાથી કાર્યકર્તા-મિત્રનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ મોકૂફ રહ્યો એટલે અમે સાયકલિંગ કરવાનો મોકો છોડીએ??).

* આગામી દોડ કાર્યક્રમોમાં જૂનમાં ૧૨ કલાકનું સ્ટેડિયમ રન છે અને આપણી તૈયારી ઝીરો કલાક છે. એટલે હવે દોઢેક મહિનો ખેંચવું પડશે. જોકે ગરમીને કારણે ૧૦ કિમીથી વધુ દોડવાનું મુશ્કેલીભર્યું છે. મુંબઈમાં તો ભેજને કારણે વધુ તકલીફવાળું બને છે અને આ સાયકલિંગના કીટાણુંઓ પણ છોડતા નથી 😉

* મે મહિનામાં નાનકડો (કોન્ફરન્સ જ છે!) પ્રવાસ છે, બાકી વેકેશનમાં ક્યાંય જવાનો કાર્યક્રમ નથી. કવિનને પણ કોઇ સમર કેમ્પમાં મોકલવાનો પ્લાન નથી. સ્વિમિંગ હજુ અધ્ધર લટકે છે અને મને ટ્રાયથલોન કરવાની ઇચ્છા નથી, પણ સ્વિમિંગ આવડવું જોઇએ એવું હજુ મનમાં ક્યાંક છે.