ફિલમ: ધૂનકી

પ્રતિક ગાંધીની ફિલમ હોય એટલે જોવા જવાનું જ. હું અને કોકી બંને જણાં પ્રતિક ગાંધીના ફેન છીએ. એટલે રીલીઝ પછી આવતા પહેલાં શક્ય સમયમાં ટિકિટ કરાવી દીધી અને મુવી સસ્તામાં પડ્યું (એટલે કે, ક્રેડિટ કાર્ડ ઉપર જે પૈસા ઉડાવ્યા એ રીતે જોઇએ તો). નજીકમાં તો કોઇ થિયેટરમાં અમારા સમય અનુકુળ શૉ હતો નહી અને શનિ-રવિ એટલે આપણે સાયકલિંગમાં બીઝી પણ હોઇએ. રવિવારે સાંજની ટિકિટ મળી. ટકાઉ અને સસ્તા એવા આપણા એક સમયના ફેવરિટ મૉલ રઘુલીલામાં.

ગુજરાતી મુવીમાં સારું. જાહેર ખબર ઓછી હોય. ૫.૪૫ની જગ્યાએ જોકે ૫.૫૫ જેવું શરું થયું અને અમે પોપકોર્ન ન ખાવાનું નક્કી કર્યું હતું. શરૂઆત આપણા જાણીતા એવા સોફ્ટવેર કંપનીના વાતાવરણથી થઇ. હીરો અને હીરોઇન બીબાઢાળ પતિ-પત્નિ કે પ્રેમી-પંખીડા ન હોય અને મિત્ર હોય એ વાત ગુજરાતી ફિલમ માટે નવી નીકળી અને આપણને ગમી. પ્રતિક ગાંધી એક QA એન્જિનિયર તરીકે જામે છે અને પછી સ્ટાર્ટ-અપના સ્ટ્રગલ કરતા ફાઉન્ડર તરીકે પણ જામી જાય છે. દિક્ષા જોશીનો અભિનય પણ સરસ છે. તેના ફિઆન્સ-બોય ફ્રેન્ડ તરીકે હાર્દિક (કોણ છે આ?) ક્યાંથી ઉપાડ્યો છે?

ભાડાનાં ઘરમાં રહેતા લોકો પ્રત્યેની અમદાવાદી માનસિકતા સચોટ રીતે બતાવવામાં આવી છે. ગુજરાત આઇટીમાં હજુ પણ પાછળ છે (“અમારી કંપનીમાં QA જેવી કોઇ પોઝિશન જ નથી”) એ પણ સ્પષ્ટ જણાય છે.

જોવા જેવી ફિલમ. ખાસ કરીને જેને ખાવાનું ભાવતું હોય તેમને 🙂

PBP અપડેટ

ફાઇનલી, વિઝા હાથમાં આવ્યા પછી PBP જવાની છેલ્લી અડચણ પાર થઇ ગઇ છે. યુરોપના વિઝા અને મારે આમ તો સારાસારી નથી, પણ આ વખતે ત્રણ જ દિવસમાં પાસપોર્ટ ઘરે આવી ગયો ત્યારે નવાઇ લાગી.

અને હવે પછીનું હાફ આર્યનમેન લક્ષ્ય થોડું ખસેડીને માત્ર સાયકલિંગ પર જ ધ્યાન આપવાનું નક્કી કર્યું. જે સરવાળે, સારો નિર્ણય છે. બાવાના બેય બગડે અને છેક ફ્રાન્સ જઇને ધબડકો વળે એના કરતા તો થોડી તૈયારી કરીએ તો સારું. આમ પણ, ત્યાં જઇને ભલભલાની હાલત ખરાબ થાય છે, તો થોડી ઓછી હાલત ખરાબ થાય તો શું વાંધો છે? 🙂

વીકએન્ડ પર ૪૦૦ કિમીની BRM (મુંબઈ-વાગલધારા-મુંબઈ) કરી એ પરથી લાગે છે કે હવે વધુ મહેનતની જરૂર છે. વરસાદમાં લાંબી રાઇડની પ્રેક્ટિસ પણ તકલીફ વાળી બને છે. તેના કરતા તો વધુ મહેનત સાયકલ અને કપડાં ધોવામાં જાય છે! 😉