Flèche

એમ તો ફ્લેચે જેવું દેખાય પણ, બોલાય ફ્લેશ. આ ફ્રેંચ ભાષા પણ. જે હોય તે, Flèche એટલે ૨૪ કલાકની રાઇડ. જેમાં ઓછામાં ઓછું ૩૬૦ કિમી અંતર પૂરુ કરવાનું અને એ પણ ૫ જણાંની ટીમ બનાવીને. એમાંથી ૩ જણાંએ ફરજિયાત પૂરુ કરવાનું. માર્ગ તમારે જાતે નક્કી કરી પહેલાં આપી દેવાનો હોય છે. અમારી ટ્રેડિશનલ બીઆરએમ કરતા કંઇક અલગ અને એક વર્ષમાં એક જ વાર એક જ સમયે આ ગોઠવાય એટલે થયું કે ચાલો આપણે જઇએ.

અમે નાસિક વાળા ગ્રૂપ સાથે જવાનું નક્કી કર્યું. એ લોકોનો એન્ડ-પોઇન્ટ મહાબળેશ્વરમાં હતો એટલે અમને થયું કે અમારે રાઇડ ફરજિયાત મહાબળેશ્વર જ પૂરી કરવાની છે. પહેલી ભૂલ કરી. એવું ન હોય! તમે થોડા આગળ પાછળ પણ કરી શકો. બીજી ભૂલ, એમાં લૂપ બનાવવાનું ન હોય અને એક રસ્તા પર બીજી વાર ન જવાય. અમને એમ કે એક જ રસ્તા પર સામ-સામે પણ ન જવાય. એટલે અમે રાઇડ વિરારથી શરૂ કરવાનું વિચાર્યું. પણ જો, બોરિવલીથી વિરાર ગયા હોત અને પાછાં આવ્યા હોત તો પણ ચાલી જાત. એટલે સવારના ૨ કલાક એમાં જ બગડ્યા. અમારા કેપ્ટન કિરણને છેલ્લી ઘડીએ ઓફિસમાં કામ આવ્યું એટલે અમે કેપ્ટન વિહોણા થયા અને દરેક કંટ્રોલ પોઇન્ટ પર સેલ્ફી અને સમય નોંધવાની જવાબદારી મારે માથે બાય ડિફોલ્ટ આવી. હવે, આમ પણ જવાબદારીમાંથી હું આમ પણ છટકતો હોઉં છું તો આ તો અચાનક આવી પડેલી જવાબદારી હતી. પણ, જે હોય તે. બહુ સેલ્ફીઓ પાડ્યા!

રાઇડની શરૂઆત સારી રહી. બોરિવલી ચા પીવા પણ ઉભા રહ્યા અને ફોટોસ પાડ્યા.

ચા અને હું.

ત્યાંથી પાર્લે પર અમારો પહેલો કંટ્રોલ પોઇન્ટ હતો. ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે પંકચર. પરફેક્ટ ટાઇમે જોયું. ટ્યુબ બદલી અને ફોટો લીધો.

કંટ્રોલ પોઇન્ટ ૧.

ત્યાંથી સો.બો. સુધી રાઇડ અને પછી બોરિંગ ટ્રાફિકમાં ફરતા-ફરતા વાશી ઓળંગીને પનવેલ પહોંચતા પહેલા મેકડોનાલ્ડમાં ખાધું.

જંક ફૂડ.

પનવેલ પછી દીપની સાયકલમાં પંકચર!! અને, ત્યાં સુધીમાં તો બહુ ગરમી થઇ ગઇ હતી. ગરમીમાં ભોરઘાટ ચડાવવાનો હતો એટલે ખોપોલી પર થોડાં રિફ્રેશ થયા. ગરમી એટલી વધી કે છેવટે મારે ગોગલ્સ વાપરવા પડ્યા. થેન્ક્સ ટુ કોકીએ આપેલા ગોગલ્સ, મઝા આવી.

મારી પાસે પણ ગોગલ્સ છે, નંબર વાળા!!

ભોરઘાટ પૂરો કરીને પછી અમારે સીધા જવાનું હતું, પૂણે. ત્યાં પછી કાત્રજ પહેલાં ડિનર માટે રોકાયા. રસ્તામાં પૂછાતી ક્વેરીઓના જવાબો ક્વોરા ક્વોરા કરતા અમે આગળ વધ્યા અને છેવટે પહોંચ્યા, ખેડ-શિવપુર ટોલ નાકા પર.

મોઢા હસતાં છે, પણ મનમાં મરતા છીએ.. 😉

ત્યાંથી કામબાટ્કી ઘાટ અને પછી કોબલસ્ટોન વાળો વાઇ સુધીનો રસ્તો વટાવી પહોંચ્યા. હવે ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધી ૨ કલાકમાં અમારે ૨૫ કિમી કાપવાના હતા. બધાંની હાલત ખરાબ હતી પણ હજુ સ્ટેમિના હતો. ખાટલે મોટી ખોડ એ મહાબળેશ્વરનો ઘાટ હતો. રેકોર્ડ જોતાં દીપ, ચિરાગ, હું અને હિરેન ચારેય જણાં આ ઘાટ પૂરો કરી ચૂક્યા હતા પણ મને તો પંકચર અને ખરાબ રસ્તાનો બહુ ડર હતો. છેવટે, નક્કી કર્યું કે હવે બીજો કોઇ છૂટકો નથી.

૨૫ કિમી પહેલાં તો અમારા બધાંના GPS ખોટા હતા. એટલે, હવે આ રાઇડ ઓર્ગેનાઇઝર સ્વિકારશે કે નહી તે પણ ટેન્શન હતું. પછી થયું કે જે હોય તે, માર્ગ પ્રમાણે આપણે ૩૬૩ પૂરા કરશું જ. મહાબળેશ્વર પહોંચતા પહેલાં હું, દીપ અને ચિરાગ જોડે હતા, પણ હિરેન અમારી જોડે ન રહી શક્યો. રસ્તામાં ચિરાગના વ્હીલના બે સ્પોક (સળિયા) પણ તૂટી ગયા (સરસ રસ્તો, યુ નો!) તો પણ તેણે સરસ ચલાવી અને છેવટે અમારી જોડે ૨૪ કલાક પૂરા કર્યા.

ખોટું GPS અને અમે.

બોધપાઠ: કોઇ પણ રેસ-રાઇડ પહેલાં રુલ્સ સમજી લેવો અને પૂછવામાં શરમ ન રાખવી.

મેડલ મેડલ મેડલ!

ગયા મહિને ઓફિસમાં ફ્રી ટેબલ (આ ટેબલ પર પડેલી કોઇ પણ વસ્તુ તમે લઇ જઇ શકો. ઘણી વખત પેનડ્રાઇવ્સ, મસ્ત ગેજેટ્સ મળી આવે) પર કોઇકે પોતાના ઢગલાબંધ મેડલ્સ મૂકેલા અને પણ મસ્ત-મસ્ત. એકાદ સેકંડ તો લઇ લેવાનું મન થયું, પણ પછી થયું મેડલ તો જીતવાના હોય છે, મેળવવાના ના હોય. પણ હા, ભારતમાં મેડલના નામે જે કચરો પધરાવાય છે એ જોતા એમ થાય છે કે ૫ કે ૧૦ વર્ષ પછી મારા-અમારા મેડલ્સ ક્યાં મૂકીશું. તો આપણે જોઇએ મેડલ પિંજણ. કોઇપણ મેડલમાં ચાર વસ્તુઓ મહત્વની છે:

૧. ડિઝાઇન: ઘણી વખત એવી ડિઝાઇન હોય કે એમાં ઇવેન્ટ કરતા સ્પોન્સર્સ વધુ હોય. અરે, થોડી સારી ડિઝાઇન તો ઇન્ટરનેટ પર મળી શકે. મારો ટેક્સાસ હાફ મેરેથોનનો મેડલ જુઓ કે પછી BRM ૧૦૦૦નો મેડલ જુઓ.


૨. લખાણ: ઘણી વખત ઇવેન્ટ વાળા માસ પ્રોડક્શનમાં પંચ વર્ષીય યોજના માટે મેડલ બનાવે છે જેમાં ઉપર વર્ષ લખે જ નહી. ૫-૧૦-૨૧ કિમીની રેસ હોય તો પણ બધાંને એક જ મેડલ આપે એટલે એ પણ ખર્ચો બચે. જલ્સા. આ વખતે કવિનને ૩ કિમીમાં મળેલો મેડલ જુઓ. ખબર પડે કે કયું વર્ષ છે કે કેટલા કિમીની રેસ હતી?

૩. પટ્ટી: મેડલ સાથે આવતી પટ્ટી મહત્વની છે. ઘણી ઇવેન્ટમાં તો એવી પટ્ટી આવે કે જાણે ઓર્ગેનાઇઝરના લેંઘાનું નાડું હોય. અરે ભાઇલોગ, કંઇક તો ઢંગનું રાખો.

૪. મટીરિયલ: મહત્વનું. મુંબઈમાં તમે તાંબા મિશ્રિત મેડલ આપો તો છ મહિના પછી ઓળખાય જ નહી કે કઇ ઇવેન્ટનો મેડલ હતો!

બીઆરએમ – ૨૦૦ રીપોર્ટ

હાજર છે, ફરી પાછો બોરિંગ બી.આર.એમ. રાઇડ રીપોર્ટ!

શનિવારે ૨૦૦ કિમી બી.આર.એમ. હતી. પ્લાન એવો હતો કે ૭ કલાકમાં રાઇડ પૂરી કરવાની. ૩.૩૦ મિનિટમાં ૧૦૦ કિમી અને ૧૦ મિનિટનો બ્રેક અને પછી ૩.૨૦માં રીટર્નના ૧૦૦ કિમી. સવારે સમયસર પહોંચી ગયો, પણ રાઇડ ૫ મિનિટ મોડી ચાલુ કરી (બાથરૂમ બ્રેક!). શરૂઆતમાં તો સ્પિડ ન આવી પણ પછી ઘોડબંદરના પુલ પછી ઝડપ પકડી અને છેક વિરાર ટોલનાકા સુધી સારી સાયકલ ચલાવી. ત્યાંથી પાણી ભર્યું. ખાવા-પીવામાં ૭ ફાસ્ટ-એન-અપ જેલ, ૨ બ્રેડ વિથ પિનટ બટર અને ચીકી હતા. ફાસ્ટ-એન-અપ રીલોડ પણ ઢગલાબંધ હતું, જે વાંરવાર પીવામાં આવતું હતું. પહેલા ૮૦ કિમી સુધી સરસ ચલાવી. પછી યાદ આવ્યું કે ૧૦૦ પર ટર્ન નથી. ૧૦૧ પર છે. જે હોય તે, હું ૩ કલાક ૩૬ મિનિટમાં ૧૦૧ પર પહોંચ્યો. દુર્ભાગ્યે, સ્ટેમ્પ લગાવવા વાળો વ્યક્તિ જમવા ગયો હતો. ૫ મિનિટ બગડી અને હોટેલ પણ બંધ હતી, એટલે ૫ મિનિટ બચાવવા માટે વહેલા નીકળવાનો પ્લાન પણ નિષ્ફળ ગયો. જે હોય તે. પછી ૧૩૭ કિમી પર પહોંચ્યો ત્યારે લાગ્યું કે હવે કંઇક ખાવું પડશે. ત્યાં સુધીમાં ૧૧ વાગી ગયા હતા અને ગરમી પણ શરૂ થઇ ગઇ હતી.

ઇડલી-સંભાર ખાઇને ૧૫ મિનિટનો બ્રેક લઇ ફરી આગળ વધ્યો પણ, રે ગરમી! સુખેથી સાયકલ ન ચલાવવા દીધી અને છેક અંત સુધી સાથ આપ્યો. ઝડપ ઘટતી જતી ચાલી, સમય વધતો જતો ચાલ્યો!

ઘોડબંદર પછી ફેમસ એવો થાણેનો ટ્રાફિક મળ્યો અને ઝડપ વધુ ઘટી અને એ પહેલા કદાચ પહેલી વાર મસલ્સ ક્રેમ્પ આવ્યા. ખબર પડી કે થોડું વધુ ખાવાનું જોડે રાખ્યું કે ખાધું હોત તો આવું ન થાત. જે હોય તે, છેવટે ૮ કલાક ૧૧ મિનિટમાં રાઇડ પૂરી થઇ. બીજી થોડી મિનિટો એક અંકલના એટીએમમાંથી પૈસા નીકાળવાના નિષ્ફળ પ્રયત્નોના કારણે બગડી જે ફાઇનલ પરિણામમાં ઉમેરાઇ ગઇ. પણ, એકંદરે સારી રાઇડ. વધુ સારી આવતા પ્રયત્ને! અને હા, ૧૦૦ કિમી અને ૨૦૦ કિમી બંને પર પહેલો પહોંચવા વાળો હું હતો (કોઇ અર્થ નથી, છતાં પણ ઉલ્લેખ કર્યો છે).

સ્ટ્રાવા પર: https://www.strava.com/activities/2152126908/

સબટાઇટલ્સ

thud thud

નેટફ્લિક્સ અને પ્રાઇમમાં સબટાઇટલ્સને કારણે હવે અંગ્રેજી સાંભળવાનું કાચું થતું હોય એમ લાગે છે. દા.ત. ફિલમમાં કંઇક અવાજ આવતો હોય તો, સબટાઇટલ્સ આવે, thud, thud. પછી રીયલ લાઇફમાં પણ કોઇ બારણા પર ટકોરા મારે ત્યારે મનમાંથી સબટાઇટલ્સ ઉદ્ભવે, thud thud. કોઇ હળવું હસે ત્યારે giggle લખેલું આંખની સામે આવે. અને હા, સેન્સર્ડ સબટાઇટલ્સ તો અહીં લખતો જ નથી 😉

અપડેટ્સ – ૨૨૬

છેલ્લી અપડેટ છેક ડિસેમ્બરમાં આવી હતી. અને, આ વર્ષમાં આપણે કંઇ ખાસ ઉકાળેલું ન હોવાથી અપડેટ આપવા જેવું નથી. તેમ છતાંય, ઘણી ઘટનાઓ બની છે.

આ વખતે સા.ફ્રા.ના પ્રવાસ દરમિયાન પહેલી વાર ઓફિસના વિવિધ લોકો જોડે નિખાલસતાથી વાતો કરી. સરળ રીતે. એકંદરે બહુ સારુ લાગ્યું. ૫ મિનિટની લાઇટનિંગ ટોક પણ આપી અને બધાંને ગમી. સ્વાભાવિક રીતે વિષય રનિંગ-સાયકલિંગ જ હોય 🙂 આ વખતે એવા લોકોને મળ્યો જેમને હું ૫ વર્ષથી જોતો હતો, પણ ક્યારેય તેમની જોડે કામ સિવાયની વાતો નહોતી કરી. મઝા આવી. કદાચ મારા સ્વભાવની વિરુદ્ધ પગલું ભરવું એ પણ મારા માટે સાહસ છે અને આજ-કાલ મને સાહસો બહુ ગમે છે. અને હા, પ્રિમાને મળ્યો, બહુ વાતો કરી અને મેક્સિકન ડિનરની મઝા લીધી. આ વખતે ફ્લાઇટ દુબઈથી હતી અને એકંદરે એમિરાત આપણને ગમી. સરસ સર્વિસ.

સાહસની વાત કરીએ તો એક સાહસ કવિને ગયા અઠવાડિયે જ કર્યું છે, એટલે ત્રણ-ચાર અઠવાડિયું એ ઘરે જ રહેશે અને મઝા કરશે અને પછી પરીક્ષાઓ આવશે!

વેકેશનનું આગોતરું પ્લાનિંગ કર્યું છે પણ એ પહેલાં પણ બે પ્રવાસો છે. એક હાફ મેરેથોન અને કેટલીક બી.આર.એમ. પણ વચ્ચે આવશે.

બાકી, શાંતિ છે!

ફ્લાઇટની ફિલમો

આ વખતે સા.ફ્રા.ના ટૂંકા પ્રવાસ દરમિયાન એમિરાતમાં બહુ ફિલમો ડાઝોરવામાં આવી. તેમાં ગુજરાતી ફિલમો જોઇ નવાઇ લાગી.


  1. મિસિંગ. સરસ મુવી. જોકે એક બે ઘડી પર ડિરેક્ટરે થાપ ખાધી હોય તેમ લાગે છે. તબુનો અભિનય સરસ. મોરિશિયસની ભૂગોળ ખબર ન હોય તો થોડું અતડું લાગે.
  2. દો અંજાને. બચ્ચન-રેખાની જૂની ફિલમ. શરૂઆત સરસ. છેલ્લી બે મિનિટમાં જે અંત બતાવ્યો છે એ કદાચ 70ના દાયકાની સામાજિક પરિસ્થતિના દબાણ હેઠળ મૂક્યો હોય એમ મને લાગ્યું.
  3. એજન્ટ વિનોદ. જૂનું. અત્યાર સુધીમાં જોયેલી સૌથી ભંગાર ફિલમ!
  4. અજનબી. હોસ્ટેલના જીવન કાળનું. જે જોવાનું વર્ષોથી બાકી રહી ગયેલું. ઓકે. ઓકે.
  5. Bad times at the El Royale. અલ રોયેલમાં ખરાબ સમય. સરસ લોહિયાળ. સસપેન્સ. અમેરિકન હોટેલ પ્રકારની, પણ વધુ સારી. અભિનય પણ મસ્ત.
  6. જિંદગી ના મિલેગી દોબારા. ધાર્યા કરતા સારા નીકળેલી ફિલમ.
  7. જિવન મૃત્યુ. ધર્મેન્દ્ર. મન અડગ રાખીને જોયેલી અને સારી નીકળેલી ફિલમ.
  8. બાકી રહી ગયેલી ફિલમો: ભાવેશ જોશી સુપરહીરો, થોર, કેશ ઓન ડિલિવરી