અપડેટ્સ – ૧૦૦

* ૧૦૦મી અપડેટ્સ! યાય!

* ગયું અઠવાડિયું આખું બીઝી-બીઝી રહ્યો. માત્ર શુક્રવારે થોડું પેટ ખરાબ થયું, જેના કારણે શનિવારનો રનિંગ કાર્યક્રમ રદ થયો, પણ પછી રવિવારે છેક ખારઘર (મને એમ કે ખાર અને ખારઘર જોડે-જોડે છે!) જઇને સરસ રનિંગ કરવામાં આવ્યું. સાયકલિંગ પણ અઠવાડિયામાં સારા પ્રમાણમાં કરવામાં આવ્યું. આ અઠવાડિયું પાછું કોરું જશે એવું દેખાઇ રહ્યું છે!

* વીક-એન્ડમાં બીજી ઢગલાબંધ ખરીદીઓ પણ કરવામાં આવી (ie કપડાંઓ વગેરે) અને શનિ-રવિ કવિનને દાદા-દાદી જોડે મજા આવી ગઇ.

* અને, આ સિવાય કોઇ બીજા નોંધપાત્ર અપડેટ્સ નથી કે પછી લખવા જેવા લાગતા નથી! આજ-કાલ બીજા ગુજરાતી બ્લોગ્સ કે સમાચાર પણ વાંચવાનો વધુ સમય મળતો નથી. હા, ગુજરાત સમાચાર – અમે તો તમારા નિયમિત વાચક છીએ 😉

રન રીપોર્ટ: લોનાવાલા થી એમ્બીવેલી

* છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ ગઇકાલે (૨૧ જુલાઇ) હું અત્યાર સુધીના બેસ્ટ રુટ પર દોડ્યો. એમ તો ચાલ્યો પણ ખરો. વેલ, તો સાંભળીએ આંખે દેખ્યો અને જાતે દોડ્યો અહેવાલ!

મુંબઇ રોડ રનર્સ નામનું ફેસબુક ગ્રુપ છે (ફેસબુકની એક જ સારી વસ્તુ અત્યારે મને લાગે છે! 😉 જેમાં નક્કી થયું કે લોનાવાલમાં કંઇક દોડવાનું આયોજન કરવામાં આવે. વેંકટ અને રામે રહેવા-જમવાની વ્યવસ્થા કરેલી અને કોઇકની ગાડીમાં મારે જવાનું હતું. છેવટે નક્કી થયું કે વિવેક મને નેશનલ પાર્કથી પીક-અપ કરશે. શનિવારે સાંજે હું, વિવેક અને ઉન્મેશ – ત્રણેય જણાં લોનાવાલા જવા નીકળ્યા. મને તો બહુ ઉત્સાહ હતો, કારણ કે હજુ સુધી લોનાવાલાની અંદર ક્યારે ગયો નહોતો (પહેલા પુને જતો ત્યારે વચ્ચે બસ અટકતી એટલું જ) અને હવામાન એકદમ મસ્ત હતું. રસ્તામાં અમને ભયંકર ટ્રાફિક વત્તા બેકાર રસ્તાનો સામનો થયો એટલે છેક રાત્રે ૯ વાગે અમે અમારી જગ્યાએ પહોંચ્યા. જગ્યા એક જૂની લોજ હતી, પણ કેર-ટેકરે જમવાનું મસ્ત બનાવ્યુ. રાત્રે યામાઝાકીનો (ઓરિજીનલ) થોડો ટેસ્ટ કરવામાં આવ્યો અને સવારે વહેલા ઉઠવાનું હતું એટલે સીધાં પથારી ભેગાં.

સવારે લગભગ ૪.૧૫ જેવા જાગ્યા. ફટાફટ ચા અને હળવો નાસ્તો કરી નક્કી કરેલ જગ્યાએ પહોંચ્યા ત્યારે મસ્ત વરસાદ હતો અને એકદમ ઠંડો પવન ફૂંકાતો હતો. લગભગ બધાં જ થથરતાં હતાં અને વાર્મ-અપ કર્યા પછી ધીમે-ધીમે દોડવાનું શરુ કર્યું. એમ તો નક્કી કર્યું હતું કે એમ્બીવેલી સુધી ૨૧.૫ અને પછી પાછાં બીજું ૧૧ જેટલું એટલે કે ૩૨-૩૩ કિલોમીટર દોડીએ. ૧૪ કિલોમીટર સુધી ખાસ વાંધો ન આવ્યો. આરામથી વાતો કરતાં-કરતાં, બીજા લોકોની રાહ જોતાં દોડ્યા. રસ્તો? મસ્ત. હવામાન? મસ્ત. આગળ પાછળ માત્ર પાંચ-છ ફીટ દેખાય એવું ધુમ્મસ!

૧૪-૧૫ કિલોમીટર સુધી વાંધો ન આવ્યો અને અચાનક ડાબા પગનો અંગૂઠો અસહ્ય દર્દ કરવા લાગ્યો (ક્રેમપ!) નસીબજોગે, ત્યાં રાજ અને ભાસ્કર વગેરે આવ્યા અને થોડી પગની મુવમેન્ટ કરવા કહ્યું એ પ્રમાણે કર્યા બાદ ઠીક થઇ ગયું પણ મારી ઝડપ ચોથા ભાગની થઇ ગઇ. એમ્બીવેલી સુધી પહોંચતા આંખે ધુમ્મસ આવી ગયું અને ત્યાં જઇને જોયું કે સપોર્ટ કાર તો ત્યાં નથી. દસેક મિનિટ સ્ટ્રેચીસ વગેરે કર્યા બાદ કાર આવી. બે કિલોમીટર ગયા ત્યાં બીજા રનર્સ મળ્યા (વેકંટ) એટલે તેમને કારમાં જવા દીધા અને પછી શરુ થયું મસ્ત વોકિંગ. ૪૫ મિનિટ! પછી થયું કે હવે ચલાશે નહી. નસીબજોગે, બીજા રનરની કાર આવી અને છેવટે નોનસેન્સ પબ્લિકનો સામનો કરતાં-કરતાં ધીમેથી લોનાવાલા પહોંચ્યા. લોજ પર પહોંચ્યા પછી સરસ ચા પીધી. ફોટો સેશન કર્યું. મસ્ત કાંદા-પોંહા ખાધા અને તરત પાછાં જવા નીકળી ગયા.

સાર: વધુ દોડવાની જરુર છે.
સાર ૨: હિલ્સ આર હાઇ!

PS: આ રનવિતા વાંચો! ટી-શર્ટ, toubebas.com ની છે.

PS ૨: પૂર્ણ ચિત્ર

અપડેટ્સ – ૯૯

* ટેકનિકલી અમે સાયલન્ટ મોડમાં જ છીએ – કારણ? કિટાણું? ના, કામ કે બોજ કા મારા, ઇસે ચાહિએ રજા (રા) 😉 ના, એમ તો કંઇ મળે એમ લાગતું નથી. કાલનો ઓપન લેટર નાછૂટકે લખવો પડ્યો અને આજે એમ થયું કે ચાલો, એકાદ અપડેટ્સ લખી દઇએ!

* ગયો વીક-એન્ડ હતો – બેંગ્લોર ખાતે. જૂની યાદો તાજી થઇ અને મિત્રો સાથે મુલાકાત થઇ. એમ તો, બહુ જૂનાં મિત્રો જેવાં કે અનુરાગ વગેરે વર્ષો પછી મળ્યા અને ધવલ-પિનલભાઇ જોડે ફરીથી વિગતે વાતો કરવા મળી. કોન્ફરન્સ એકંદરે આનંદદાયક રહી. ઇવનિંગ પાર્ટી વધુ આનંદદાયક રહી. મુંબઇ-બેંગ્લોર વચ્ચેની મુસાફરી – બોરિંગ રહી. મને થાય છે કે જે લોકો નિયમિત હવાઇ મુસાફરી કરતા હશે એમને કઇ રીતે ફાવતું હશે? કોઇએ આ અનુભવ લખવા જેવો ખરો. અત્યાર સુધી તો માત્ર સાક્ષરે જ આ મુદ્દા પર લખ્યું છે. (એનો અર્થ એ નહી કે હું લાઇનમાં ઉભો હતો!)

* મારા પ્રિય શોખ્સ – વાંચન્, દોડન્, સાયકલન્, ફિલમન્ – છેલ્લાં બે અઠવાડિયામાં એમનું સત્યનાશ વળી ગયું છે.

* SCMM 2014 એટલે કે મુંબઇ મેરેથોન ૨૦૧૪ માટે રજીસ્ટ્રેશન કરી લેવામાં આવ્યું છે! હજી છ મહિના બાકી છે, પણ વર્ષે-વર્ષે આ મેરેથોન અત્યંત લોકપ્રિય (કે દોડપ્રિય) બનતી જાય છે. તૈયારીરુપે લોનાવાલામાં એક નાનકડી દોડનું આયોજન થયું છે (જે થશે તો અહીં અપડેટ કરવામાં આવશે, બાકી વીક-એન્ડમાં સંપૂર્ણ આરામ જ છે).

* વરસાદ સરસ છે. વરસાદ પાછો વીક-એન્ડમાં જ બૌ આવે 🙂

ઓપન લેટર: ભારતીય ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારાઓને..

વ્હાલા ભારતીય ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારાઓ,

સહર્ષ જણાવવાનું કે અમને તમારી સેવા(ઓ)થી અત્યંત ખુશી થઇ છે. અમો અત્યાર સુધી તમારા વિવિધ અનુભવો જનતા જનાર્દનના હિતાર્થે રજૂ કરીએ છીએ. નોંધ લેવા વિનંતી.

૧. તમારા એજન્ટ (ઉર્ફે એજન્ટ સ્મિથો) જ્યાં-ત્યાં ફરતા હોય છે, જેઓ ખરેખર ઇન્ટરનેટ કેવું ચાલે છે, ખરેખર કેટલી સ્પિડ મળશે એવી કોઇ જાણકારી ધરાવતા નથી અને નવીન ગ્રાહકોને આરામથી ઘુવડ બનાવે છે.

૨. તમારા ટેકનિશિયનોને ગુગલ ક્રોમ શું છે એની કોઇ માહિતી મળતી નથી. વધુમાં તેઓ માય નેટવર્કમાં જવાનું કહે છે. જો ઇન્ટરનેટ જ કનેક્ટ ન હોય તો બ્રાઉરમાં ગુગલ ન ખૂલે તે સ્વાભાવિક છે. છે ને?

૩. તમારી ફોન પરની કસ્ટમર સર્વિસ તો અત્યંત મહાન છે. એટલી મહાન કે તમારે પૈસા કમાવવા માટે એક ટોલ-ફ્રી અને બીજી પેઇડ લાઇન રાખવી પડે છે. જો ટોલ ફ્રી પરથી ફોન કરીએ તો ફોન કદી લાગતો નથી કે બીઝી ટોન આવે છે. જો પેઇડ પરથી કરીએ તો દાખલ કરેલી માહિતી ખોટી છે (દા.ત. એકાઉન્ટ નંબર) એમ કહી અમારા પૈસા (રુપિયા – એમ વાંચવું) બગાડવામાં આવે છે.

૪. કસ્ટમર કેરને ક્યારેક ફોન લાગી જાય તો, અમારા નસીબ. પણ હજી, એવા સદ્ભાગી અમે નથી.

૫. ઓહ, અને જો અમે જોડાણ કપાવવાની વાત કરીએ તો.., ઇમેલ કરીએ તો ઇમેલ બાઉન્સ થાય છે. ફોન કરીએ તો કહે છે, અહીં નહીં, ત્યાં ઇમેલ કરવાનો છે. આજુ-બાજુ વાળાને પૂછીએ તો જાણવા મળે છે કે તમો જોડાણ કાઢી નાખ્યા પછી પણ બીલ મોકલ્યા કરો છો.

૬. અને, જો બિલ ભરવા જઇએ તો,

અ. તમારી વેબસાઇટ ચાલતી નથી.

બ. ચાલે છે તો ફાયરફોક્સ કે ગુગલ ક્રોમમાં મજાક કરતી હોય એમ ચાલે છે.

ક. વધુમાં, તમે પાસવર્ડ ‘પ્લેઇન ટેકસ્ટ’ માં મોકલો છો. તા.ક. આ ૨૦૧૩ છે!

ડ. પેમેન્ટ માટે દરરોજ SMS મોકલો છો. છેલ્લી તારીખને ૧૫ દિવસની વાર હોય તો પણ.

ઇ. પેમેન્ટ માટે કોઇક મૂર્ખાઓને કોલ કરવાનું કામ સોંપો છો, જે ભરબપોરે ફોન કરે છે!

બસ, હજી વધુ મોટો પત્ર લખવાની અમારી ક્ષમતા નથી.

એ જ (તમારાથી) પિડિત,

નવીન ઇન્ટરનેટ ગ્રાહકો.

PS: અહીં કોઇપણ ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારો બંધ બેસતી પાઘડી પહેરી શકે છે!!

સાયલન્ટ મોડ

* થોડા દિવસ માટે આ બ્લોગ સાયલન્ટ મોડમાં છે (અને હજુ થોડા દિવસ માટે આમ જ રહેવાની શક્યતા છે!). એટલે કે, હું બ્લોગર્સ બ્લોક વાળી પરિસ્થિતિમાં છું એમ પણ કહી શકાય 🙂

અપડેટ્સ – ૯૮

#ખાસ નોંધ: આ અપડેટ્સ પોસ્ટમાં રંગ વાપરવામાં આવ્યો છે!

* ગયા અઠવાડિયે સૂર્યા મોર્યને મળવાનું થયું. અમે બન્ને ઘણાં વિષયોમાં રસ એકસમાન રસ ધરાવતા હોવાથી મજા આવી ગઇ. બે-એક કલાક સુધી ઘરેથી ફોન ન આવ્યો ત્યાં સુધી સરસ વાતો કરી અને એણે મને કાંદિવલી વિષયક ઘણું જ્ઞાન આપ્યું – થેન્ક્સ, સૂર્યા. ઝોમ્બી નામનું એક મોકટેલ પીવામાં આવ્યું અને કવિનને ડરાવવામાં આવ્યો કે રાત્રે હું ઝોમ્બી બની જઇશ 😉

* વીક-એન્ડ લખી દેવામાં આવ્યો છે: ફિફ્થ એલિફન્ટમાં!

* રવિવારે જ્યારે જરુર હતી ત્યારે જરાય વરસાદ ન આવ્યો અને હવે ત્રણ દિવસથી મસ્ત વરસાદ વરસી રહ્યો છે. સાયકલ ઘરના એક ખૂણામાં પડી-પડી પોકારો કરી રહી છે! જોકે, આ દુ:ખદ સમાચાર પછી આજનો દિવસ સાયકલને આરામ આપવામાં આવ્યો છે. આવી જ બીજી ઘટનાઓ કે દુર્ઘટનાઓ પરનો લેખ.

* આજે મસ્ત ડોનટ ખાવા માટે સાયકલ લઇને ગયો. ટોટલ કેલોરી બળી: ૧૯૮.

રેસ રીપોર્ટ: R&L આરે મોન્સુન મેરેથોન

* અત્યાર સુધીની સૌથી કઠણ મેરેથોન – રનિંગ & લિવિંગ મોન્સુન મેરેથોનનો (ઓકે – હાફ મેરેથોન!) રેસ રીપોર્ટ વાંચો! એમાં શું વાંચવાનું હોય? મારો સમય: ૨ કલાક ને ૪૬ મિનિટ 😦 વેલ, આ થોડી ટફ ગણાતો રસ્તો હતો (રસ્તા વચ્ચે ખાડા-ખરાબા, સીધું ચઢાણ વત્તા એ જ રસ્તો બે વખત, ૧૦.૦૫ કિમી x ૨) એટલે થોડું ડિસ્કાઉન્ટ આપી શકાય. છતાં, મારો ટાર્ગેટ ૨.૩૦ કલાકનો હતો, જે કંઇક અગમ્ય કારણોસર શક્ય ન બન્યો.

વહેલી સવારે મને સોપાને ઘર આગળથી પિકઅપ કર્યો (થેન્ક્સ!) અને અમે સમયસર પહોંચી ગયા. પાર્કિંગથી ૨૦૦ મીટર જેટલું દૂર અમાર શરુસ્થળ હતું અને લગભગ ૪૫૦ જેટલા હાફ-મેરેથોનર્સ હતા. બીજા બે-ત્રણ જણાં જોડે ઓળખાણ સોપાને કરાવી અને લગભગ સાડા પાંચે રેસ શરુ થઇ. પહેલા પાંચ કિમી હું આરામથી દોડ્યો અને પછી ખબર પડી કે અહીં જ ૪૦ મિનિટ થઇ ગઇ છે! પાંચ કિલોમીટરે યુ-ટર્ન હતો અને ફરી શરુસ્થળ પર જવાનું હતું. ફરી પાછો, એ જ રસ્તો. છેલ્લાં બે કિલોમીટર બહુ ભારે પડ્યા. જો છેલ્લે-છેલ્લે ૨૧ કિલોમીટરની આસપાસ રામ અને રાજ (હા, બન્ને સરસ રનર્સના નામ છે!) ચીઅર્સ ન કરતા હોત તો, હું ત્યાં જ બેસી જવાનો હતો 😉 ટાઇમિંગ ચીપ ન હતી એટલે પરફેક્ટ ટાઇમિંગ આ લોકો કેવી રીતે કાઉન્ટ કરશે એ સવાલ બધાના મનમાં હજી છે. જોકે અહીં તમારો પર્સનલ બેસ્ટ ટાઇમિંગ મેળવી શકાય એવો રસ્તો હતો જ નહી!

ઓવરઓલ, પાણી અને એનર્જી ડ્રિન્ક્સની સગવડ સારી હતી. સૌથી બોરિંગ વાત હોય તો, એ હતાં આરેમાં ચાલવા આવતા લોકો. એના કરતાં તો સારા લોકો ત્યાંના તબેલા કે ઝૂંપડાઓમાં રહેતા લોકો હતા. એટલિસ્ટ, તબેલા વાળાઓ ફિમેલ રનર્સ ઉપર કોમેન્ટ નહોતા કરતાં કે મજાક નહોતા ઉડાવતા!

* થોડાંક મેન્ડેટરી ચિત્રો!

આરે જંગલનું એક દ્રશ્ય

લીલોતરી!

ફિનિસર્સ મેડલ!

વેલ, આગલા દિવસની પેલી ૪૧ કિલોમીટરની રાઇડ થોડી નડી ખરી. નેકસ્ટ ટાઇમ. હવે, હૈદરાબાદ જિંદાબાદ!

રાઇડ રીપોર્ટ: ગોરાઇ-મનોરી

* તો થયું એવું કે અમારે આજે સવારે જવાનું હતું યેઉર હિલ (Yeoor Hill). લગભગ ૧૦૦ કિમીનો પ્લાન હતો જે રાત્રે ૧૧ વાગે પડી ભાંગ્યો! હવે કરવું શું? હું અત્યંત નિરાશ થયો પણ પછી સમાચાર મળ્યા કે, અમુક લોકો ગોરાઇ જવાનો પ્લાન બનાવે છે, તો એ પ્લાન અમલમાં મૂકવાનો નક્કી કર્યો.

સવારે ૪.૩૦ એ ઉઠ્યા પછી, તૈયાર થઇને લગભગ ૪.૫૦ જેવો નીકળ્યો ત્યારે વરસાદ નહોતો એટલે હું બહુ ખુશ હતો. જોકે મારી ખુશી બહુ ટકી નહી અને દહિંસર પહોંચતા સુધીમાં જોરદાર વરસાદ (નોંધ: મુંબઇનો વરસાદ!) ચાલુ થઇ ગયો. આ સમય મારું માનીતું વિન્ડચીટર કામમાં આવ્યું અને હું નક્કી કરેલા સ્થળે (ચેક નાકા) પહોંચ્યો એની બે-ત્રણ મિનિટ પછી કીથ ત્યાં આવ્યો. કીથ જોડે પ્રથમ મુલાકાત. ફેસબુક ઉપર રાત્રે ૧૧ વાગે જ ઓળખાણ થઇ હતી. રસ્તો મેં જોયેલો નહોતો એટલે હું તેની પાછળ-પાછળ સાયકલ ચલાવતો હતો. એક સ્થળે જઇ અમે અટક્યા અને અજવાળું થાય ત્યાં સુધી રાહ જોઇ, કારણ કે રસ્તા પર ક્યાંય સ્ટ્રીટ લાઇટ્સ ચાલતી નહોતી. ત્યાં થોડી વાતો કરી અને એક નવા સરસ વ્યક્તિનો પરિચય થયો. અમે ઘણી વાતો કરી – સાયકલિંગ, લાઇફ અને સ્વાભાવિક રીતે – હું ગુજરાતથી છું તો, ન.મો.ની વાત નીકળ્યા વગર રહે? 🙂 ગોરાઇનો રસ્તો એકદમ મસ્ત છે. લાગે જ નહી કે આપણે મુંબઇમાં છીએ! ત્યાંથી પછી ફેરી શરુ થાય છે ત્યાં પહોંચ્યા. એક ફેરી અમે પહોંચ્યા ત્યારે જ નીકળી ગઇ હતી એટલે ફરી ગપ્પાં મારવાનો મોકો મળ્યો અને બીજી ફેરી આવી એટલે મારી સાયકલે પ્રથમ જળસવારી કરી! અભિનંદન, મારી વ્હાલી સાયકલ!!

સાયકલની સવારી!

ત્યાંથી મનોરી પહોંચ્યા અને પછી માર્વે રોડ થી લિંક રોડથી ઘરે આવ્યો. આ એક યાદગાર રાઇડ બની રહી. ૮ વાગે મારે આરે ફોરેસ્ટમાં આવતી કાલની હાફ-મેરેથોન માટે બિબ નંબર વગેરે લેવા માટે જવાનું હતું એટલે છેલ્લી દસ મિનિટ સરસ સ્પિડે સાયકલ ચલાવી. આરે ફોરેસ્ટમાં જવાનું હતું, એ સૌ કોઇને પહેલી વાર જ મળ્યો અને આજના એક દિવસમાં (૪ કલાકમાં!) ચાર રસપ્રદ વ્યક્તિઓ જોડે મુલાકાત થઇ ગઇ. ટૂંકમાં – મજા આવી ગઇ!

અને, આવતી કાલનો રેસ રીપોર્ટ પણ રસપ્રદ બની રહેશે એવી શક્યતા! 🙂

અપડેટ્સ – ૯૭

* આજે અપડેટ્સ વત્તા કડીઓ સાથે-સાથે!

* સરસ સમાચારમાં છે: લિહાસભાઇએ ટ્રેન્ડમિલ પર સતત ૨૪ કલાક દોડીને સ્થાપેલો વિક્રમ લિહાસભાઇને હવે વિક્રમો બનાવવાની આદત પડી ગઇ લાગે છે! અભિનંદન, લિહાસભાઇ!

આ નિમિત્તે અમારે પણ અહીં હાફ-મેરેથોનનો પ્લાન હતો (ગયા રવિવારની જેમ બાંદ્રામાં), પણ પછી સવારે એલાર્મ મિસ થઇ એટલે લિંક રોડ પર સાડા અઢાર કિમીની નાનકડી દોડ કરવામાં આવી. લિંક રોડ સરવાળે દોડવા માટેની મારી નિયમિત જગ્યા બનશે એવું લાગે છે.

* મુંબઇ-થાણે નજીક આવેલા ‘કિલ્લાઓ’ ની યાદી (નોંધ: કિલે કા રહસ્ય :)) સરસ છે. એટલે સાયકલિંગ માટે પણ જગ્યાઓની કમી વર્તાશે નહી એવું લાગે છે. આ પરથી યાદ આવ્યું કે સાયકલને હવે સ્ટેન્ડ (કેરિયર નહી!) અને રીઅલ લાઇટ આવી ગઇ છે, એટલે હવે નાઇટ રાઇડિંગ વત્તા ક્યાંય શોપિંગ માટે જવું હોય તો એ રેડી છે. એક મિત્રને મળવા માટે ગોરેગાંવ ગયો અને ૧૦૦ રુપિયાની બચત કરી (જોકે ત્યાં જઇને સ્ટેન્ડ નંખાવ્યું એટલે.. :)).

* વરસાદ સરસ છે. મુંબઇનો વરસાદ જિંદાબાદ! વર્ષો પછી વિન્ડચીટર લેવામાં આવ્યું છે! જે ખાસ કરીને સાયકલિંગ વખતે ઉપયોગી બની શકે છે. વરસાદમાં સાયકલિંગ ઘરમાં જ રાખવામાં આવે છે, એટલે હજી લોંગ ડિસ્ટન્સ સાયકલિંગનો કોઇ વિચાર નથી.

ભવિષ્યમાં,

૧. વલસાડ (૧૭૫ કિમી. સપ્ટેમ્બર ૨૦૧૩)

૨. નાસિક (??? કિમી. ઓક્ટોબર ૨૦૧૩)

૩. ગોઆ (એટલે કે ગોઆ જઇને સાયકલિંગ. આઠેક દિવસ. જાન્યુઆરી ૨૦૧૪)

કોઇને જોડે આવવું હોય તો, વેલકમ!

* આ પહેલાં જુલાઇ-ઓગસ્ટમાં સારી એવી મુસાફરીઓ આવવાની શક્યતા છે. એની વાત બધું કન્ફર્મ થાય ત્યારે.

* અને – કવિનને સ્કૂલમાં કોમ્પ્યુટર વિષય આવે છે. હા, હા!