૧૯ દિવસોની ફિલમો – ૨૫

* તો અમને સમય મળ્યો ખરો, આ પોસ્ટ લખવા માટે અને ફિલમો જોવાનો. એવું લાગે છે કે આ પ્રકારની અઠવાડિક ફિલમોની પોસ્ટ્સની આવૃત્તિ હવે ઓછી થઇ જશે અને કવિનનાં પરાક્રમો સંબંધિત પોસ્ટ્સની આવૃત્તિઓ વધતી જશે!

૧. કત્લ (૧૯૮૬)

સરસ ફિલમ. સિવાય કે એકસ્ટ્રા વધારે પડતાં ડાન્સ ગીતો. સંજીવકુમારનો અભિનય હોય ત્યારે કંઇ કહેવાનું હોય નહી. મહામહેનતે આ ફિલમ મળી અને એક જ બેઠકે, એટલે કે સૂતાં-સૂતાં પૂરી કરવામાં આવી (કન્ફેશન: ગીતો ભગાડીને જોવામાં આવી હતી).

૨. રિસ્ટકટર્સ – અ લવ સ્ટોરી (૨૦૦૬)

ઉપર કત્લની સ્ટોરી તો આ આત્મહત્યા કરવા વાળાઓની સ્ટોરી. એક છોકરો આત્મહત્યા ઉર્ફે સુસાઇડ કર્યા પછીની દુનિયામાં જાય છે. એને એમ કે મર્યા પછી કોઇ ટેન્શન નહી હોય પણ, અહીં પણ અજીબ દુનિયા છે. નવી જાતની સ્ટોરી એટલે મજા આવી, બાકી મને લવસ્ટોરીની ફિલમો ગમતી નથી એ તો તમને ખબર જ હશે (બાકી એક વખત જોઇ લેવાય એવું લખાણ અહીં ધારી લેવું!)

૩. ધ લાસ્ટ સ્ટેન્ડ (૨૦૧૩)

આર્નોલ્ડની જય હો. શેરિફની જય હો. સરસ એક્શન મુવી. શરુઆતનો ભાગ થોડો બોરિંગ લાગે એમ છે, પણ બીજો ભાગ ધમાધમ એક્શનથી ભરપૂર. આર્નોલ્ડને બિચારાને જોકે આરામની સખ્ત જરુર છે (આમ પણ ગવર્નર તરીકે આરામ કરી લીધો જ હશે). ઓવરઓલ, સારું મુવી.

૪. ધ હોસ્ટ (૨૦૧૩)

મને મનુષ્યોને જ એલિયન સ્વરુપે દેખાડ્યા હોય એવાં મુવી ન ગમે. પૂર્ણવિરામ 🙂

અપડેટ્સ – ૮૯

* છેલ્લી પોસ્ટ લખ્યા પછી વીકએન્ડ સુધી એવી કોઇ ઘટના ન બની કે જેની માટે મારે સ્પેશિયલ પોસ્ટ લખવી પડે, પણ વીકએન્ડ આનંદદાયક રહ્યો જેથી આ અપડેટ્સ પોસ્ટ તમારા માથે!

શનિવારે ભવ્ય પ્રોગ્રામ હતો – ધવલભાઇ-વૈશાલીબેનના ઘરે લંચનો. ધવલભાઇનો પરિચય DocTypeHTML5 વખતે થયેલો અને ત્યારબાદ અમે BOTSની મુલાકાત વખતે મળેલા. ધવલભાઇને મળો એટલે તરત જ તમને એમના વ્યક્તિત્વનો ખ્યાલ આવી જાય કે આમને વારંવાર મળવાનું ગમે. સ્પષ્ટ અને પહાડી અવાજ હોય એવી વ્યક્તિ મને બહુ ગમે અને એમાં ધવલભાઇનો અવાજ પહેલા નંબરે મૂકી શકાય. એની સાથે જ તમને જો જાવાસ્ક્રિપ્ટ વિશે કંઇ પણ જાણવું હોય તો ધવલભાઇને મળવું પડે. વૈશાલીબેન સાથે પ્રથમ મુલાકાત અને તેઓ અત્યારે તેમના દાદાની રચનાઓને ઇન્ટરનેટ પર મૂકવાનો સરસ પ્રયાસ ઘરદીવડા.કોમ પર કરી રહ્યા છે. અને હા, મસ્ત ગુજરાતી લંચ અને ‘સાતમો કોઠો‘ પુસ્તક માટે આભાર! સૌથી વધુ મજા ગુજરાતીમાં અલક-મલકની વાતો કરવાની આવી એ કહેવાની જરુર છે?

શનિવારની સાંજ-રવિવારની બપોર સામાન્ય રહી. સ્વાભાવિક છે! હા, થોડીક કસરત વગેરેની ફરી શરુઆત કરી અને વાંચનની ફરી શરુઆત કરી એ વાત નોંધપાત્ર ગણી શકાય ખરી.

રવિવારે સાંજે આપણા ફેવરિટ પિનલભાઇના ઘરે ડિનરનો ભવ્ય કાર્યક્રમ હતો. ડિનર તો સેકન્ડરી, પણ પિનલભાઇને મળવાના વારંવાર ગુમાવેલા મોકા અને બેંગ્લોર આવ્યા પછીની એક મુલાકાત પછી એમ થયું કે એમને મળવાની તક જ્યારે મળે ત્યારે ઝડપી લેવી જ જોઇએ. લગભગ સાડા ૬ જેવો પહોંચ્યો અને અમે બહુ વાતો કરી (બ્લોગ, બ્લોગજગત થી લઇને સ્કોટ એડમ્સ અને તારક મહેતા સુધી!) અને પછી મારા પ્રમાણમાં બહુ જમ્યા. મારા વજનમાં વળતી વખતે વધારો બીજાં ત્રણ પુસ્તકોનો થયો જે મારા માટે મહિના-બે મહિનાનો સ્ટોક ગણી શકાય. અને, નાનકડી શૈવી જોડે મસ્તી કરવાની મજા આવી. કવિન અત્યારે એવી ઉંમરમાં છે કે તેની જોડે મસ્તી કરવી એટલે મારા ચશ્માં કે બીજી કોઇ વસ્તુનો વીમો પાકી જાય અને દીકરીઓ સામાન્ય રીતે ડાહ્યી હોય. એટલિસ્ટ, એમનાં મા-બાપ સિવાયના લોકો એવું કહેતા હોય છે! એટલે શૈવી-ઢીંગલી જોડે વધારે મજા આવી. પણ, પછી તેનો ફોન અને બીજાં રમકડાં લઇ જવાની વાત કરી ત્યારે તેણે સોફાની પાછળ બધું છુપાવી દીધું. નિર્દોષતા 🙂 મને ત્યારે થયું કે મોટા થઇને આ ક્ષણે-ક્ષણે જૂઠું બોલવુ-બોલાવવું એના કરતાં તો નાનાં રહીએ તો કેટલી મજા આવે?!

સરસ પુસ્તકો અને ભંગાર ફોટો :)
સરસ પુસ્તકો અને ભંગાર ફોટોગ્રાફર (ie હું) દ્વારા પાડવામાં આવેલો બેકાર ફોટો 🙂

વેલ, એક સરસ વીકએન્ડનો અંત. PG પર પાછો આવ્યો પછી મોડા સુધી (૨-૩?) વાંચવાનું કામકાજ ચાલ્યું અને સવારનો દોડવાનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો.

જ્યારે લખવા માટે કંઇ ન હોય..

.. ત્યારે આવી બોરિંગ પોસ્ટ બને છે.

આપણે એને ‘બ્લોગર્સ બ્લોક’ કહી શકીએ. એકપણ નવું પુસ્તક, નવી ફિલમ હાથમાં આવી નથી (વાસ્તવમાં છે, પણ વાંચવાની કે ફિલમ જોવાની ઇચ્છા જ થતી નથી). એટલે એકાદ-બે અઠવાડિયાં બેંગ્લોરમાં બધાંને મળવાનો પ્લાન બનાવ્યો છે. ડેબિયન ડેવલોપર્સને ભેગાં કરી નાનકડું ડિનર કરવાનો પણ પ્લાન છે. જોઇએ હવે, બાકી દરેક મેટ્રો શહેરની જેમ, બેંગ્લોરમાં પણ ક્યાંય જવું એ કષ્ટદાયક છે અને લોકો ઘરે બેસી રહેવાનું જ પસંદ કરે છે (એવા લોકોમાં મારો સૌથી પહેલો નંબર આવે, કારણ કે અહીં આવ્યા પછી હું ભાગ્યે જ કોઇ જગ્યાએ ‘ફરવા’ માટે ગયો છું). આ કંટાળામાં ઉમેરાનું બીજું કારણ એ પણ ખરું કે, અહીં દરરોજ સાંજે વરસાદ આવે છે અને એ સાથે અમારા વિસ્તારમાં ‘પાવરકટ’ થઇ જાય છે. અરે ભાઇ, આ ૨૦૧૩ છે. એટલિસ્ટ, અમારા વિસ્તારમાં વીજળીના વાયરો થાંભલા પર લટકતાં છે, એ જોઇને મને પાલનપુરની યાદ આવે છે. વરસાદ આવે એટલે પાવરકટ થાય જ. એમાં શંકાને કોઇ સ્થાન નહી. અને જ્યારે વરસાદ ગયા પછી પાવર પાછો આવે ત્યારે નાનાં-મોટાં છોકરાંઓ ભેગાં થઇને બૂમો-ચિચિયારીઓ સાથે હર્ષનાં પોકારો કરે. ઘણી વખત તો એ પોકારો સાંભળીને જ ખબર પડે કે પાવર પાછો આવી ગયો છે 😉

જુઓ, આ બ્લોગર્સ બ્લોકમાં બોરિંગ પોસ્ટ લખાઇ ગઇ ને? થોડા સમય પછી આ કંટાળાના મૂળ કારણો વિશે એક પોસ્ટ લખીશ. અત્યારે તો આ સમયે ટ્રેનમાં લાંબું વેઇટિંગ લિસ્ટ જોઇને આવતો કંટાળો આ પોસ્ટનાં અંત માટે કારણભૂત ગણી શકાય ખરો.

મારી ‘બસ’ મુસાફરી

* છેલ્લી પોસ્ટમાં લખેલું તેમ મુંબઇ-થી-ગોઆની જગ્યાએ મુંબઇ-થી-બેંગ્લોરની બોરિંગ મુસાફરી બસમાં કરવામાં આવી હતી. એકદમ સમયસર (એટલે કે સમય કરતાં વહેલાં) બસ સ્ટેન્ડ પર પહોંચ્યો ત્યારે મારી જેમ કેટલાય લોકો વિવિધ બસોની રાહ જોઇ ઉભા હતાં. વચ્ચે ગોઆની એક-બે બસ આવી તો થયું કે ચાલો ગોઆ જતા રહીએ અને ત્યાં બે-ત્રણ દિવસ આનંદ કરી આરામથી ઓફિસ પહોંચીએ, પણ પછી વિવિધ ચહેરાઓ સામે તરવરવા લાગ્યા અને એ પ્લાન પડતો મૂકવામાં આવ્યો અને બેંગ્લોરની બસની રાહ જોવામાં સમય પસાર કરવામાં આવ્યો. બસ સમય કરતાં અડધો કલાક મોડી આવી, પણ એકંદરે આરામ-દાયક લાગી એટલે હાશ થઇ. આખી રાત તો સરસ નીકળી ગઇ, પણ મને ખબર નહોતી કે બીજા દિવસે શું થવાનું છે.

દિવસ ઉગ્યો એટલે ૮ જેટલા વાગે બસ એક જગ્યાએ બ્રેક-ફાસ્ટ માટે ઉભી રહી અને અમે સવાર-સવારમાં ફરી પાછી ઇડલી-સંભાર અને કોફીના રુટિનની શરુઆત કરી. પાછો બસમાં આવ્યો ત્યારે બસમાં મુવી ચાલુ થઇ ગયું હતું. કયું હતું એ? ‘જબ તક હૈ જાન‘. ઓહ માય ગોડ! ઇન્ટરવલ સુધી ઠીક, પછી તો જબ તક હૈ જાનની જેમ માંડમાંડ જોવામાં આવ્યું અને પૂરુ થયાં પછી બસવાળાએ બીજું મુવી મૂક્યું. કયું હતું એ? ‘રેસ – ૨‘. જવું તો ક્યાં જવું? ઓકે, જોવામાં આવ્યું અને માથું દુખવાની શરુઆત થઇ. એ પૂરુ થયું પછી? ‘કાઇ પો છે‘ – પણ પ્રિન્ટ તદ્ન ખરાબ (પાયરેટેડ. કહેવાની જરુર?) વત્તા સાઉન્ડ ક્વોલિટી પણ તદ્ન કચરો.

શરુઆતમાં આ મુવી મને ગમ્યું, પછી બાજુમાં બેઠેલા એક વ્યક્તિ જોડે મુવીની ઘટનાઓ સત્યતા અને મિડિઆના રોલ વિશે લાંબી ચર્ચા ચાલી. તેણે કહ્યું હું પ્રેસ રીપોર્ટર છું, મેં કહ્યું હું ગુજરાતથી છું 🙂 પછી, ૨૦૦૨ની ઘટનાઓની માનવીય રીતે મૂલવણી ચાલુ થઇ. તેને ખબર નહોતી કે ગોધરા કાંડ અને પછીના તોફાનો માટે જવાબદાર લોકો ઓલરેડી જેલમાં જ છે. એ પછીની બધી ધાંધલ-ધમાલ (એમાં છાપાં, લોકો અને બ્લોગર-બ્લોગ્સ પણ આવી જાય છે) પેઇડ મિડિઆ દ્વારા થાય છે. અમે બન્ને સંમત થયા કે, એમાં સરવાળે બે કોમ વચ્ચેની ખાઇ-તણાવ વધતો જાય છે અને સરવાળે દરેક વસ્તુની જેમ સામાન્ય લોકોને ભોગવવાનું આવે છે.

વેલ, ‘કાયપો છે’ અધૂરી રહી. ફરી ક્યારેક જોવાશે. બેંગ્લોર પહોંચ્યા પછી, મને મારા સ્થળે પહોંચતા કુલ ૨.૫ કલાક થયા! એટલે કે બસ મુસાફરીને બસ કહેવામાં આવ્યું!

અપડેટ્સ – ૮૮

* આ અઠવાડિયાંનો બોધપાઠ: ગમે તેટલી સાવધાની રાખો, ગમે તેટલા પૈસા આપો કે ગમે તેટલું ધ્યાન રાખો – સામાન ફેરવવાનું કામ એ માથાકૂટ ભર્યું છે!

* વર્ષો પછી બસમાં લાંબી લચક મુસાફરી કરવામાં આવી (રહી છે!). ગમે તેટલી પ્રગતિ થાય, પણ આ ટ્રાવેલ્સવાળાઓ એવાં જ છે. આ અઠવાડિયામાં કુલ ૩૦૦૦ કિલોમીટરની આસપાસની મુસાફરી ટ્રેન-બસ દ્વારા કરવામાં આવી. હવે જોઇએ છીએ કે આવતા અઠવાડિયામાં બીજી ૧૦૦૦ કિલોમીટરની મુસાફરી આવે છે કે નહી – આશા રાખીએ કે આવી જ જાય! 🙂

* વજનમાં ૧.૫ કિલોનો વધારો!!

ગુડ બાય અમદાવાદ – ભાગ ૨

* તો છેવટે,

પુસ્તકો

અમે અમદાવાદથી ફાઇનલી ઉચાળા ભરવા (એમ તો આ શબ્દપ્રયોગ ખોટા અર્થમાં વપરાય છે, છતાંય) માટે આવ્યા અને,

૧. પહેલા દિવસે, બોસ્ટન મેરેથોનમાં બોમ્બ બ્લાસ્ટ. પણ, આ ક્વોટ નોંધી લેજો.

“If you’re trying to defeat the human spirit, marathoners are the wrong group to target.”

૨. બીજા દિવસે, ભૂકંપનો અનુભવ.
૩. ત્રીજા દિવસે, બેંગ્લોરમાં બોમ્બ બ્લાસ્ટ.

ઇન શોર્ટ, અમારું આગમન કોઇને ગમ્યું નહોતું 😉 એટલે કે અહીંથી જવું જ હિતાવહ હતું.

આજે કેટલાંક ADR મેમ્બર્સ (ખાસ તો રાજેશ)ની કંપનીમાં ઇસરો-સેટેલાઇટ રોડ પર હિલ રિપિટ્સ રન કરવામાં આવી. થોડા દિવસનો થાકેલો હોવાથી ૩-૩.૫ કિલોમીટર કરતાં વધુ દોડી શક્યો નહી, પણ મજા આવી ગઇ.

અને હા, વોટ ઓફ થેન્ક્સ:

૧. જયકિશન, નેહાબેન અને માસી – અમારા લેટર્સ, મેઇન્ટેનન્સ અને લાઇટબિલની તકેદારી લેવા માટે.
૨. નયનામાસી – બેસ્ટ મકાનમાલિક ઓફ ધ ડેકાડેનો એવોર્ડ અને થેન્ક્સ ફોર ગિફ્ટ્સ.
૩. ડો. નિશિત – એકદમ ઝડપી અને પરફેક્ટ નવા દાંત માટે.
૪. બીજા બધાં જેમણે અમારી બહુ મદદ કરી – હેમા-ધવન, પરેશકુમાર, કુંદનબેન.

PS: ગુડ બાય અમદાવાદ, ભાગ ૧.

બે અઠવાડિયાની ફિલમો – ૨૪

* ઓશન્સ થર્ટિન (૨૦૦૭)

છેવટે નવરા બેઠાં-બેઠાં માણસો કરે શું? કેટલું પ્રોગ્રામિંગ શીખે? કેટલું વાંચે? 😉 જોડે પડેલી ‘ઓશન્સ થર્ટિન’ કામમાં આવી અને ધાર્યા કરતાં કંઇ ખરાબ ન નીવડી, પણ એક જ પ્રકારની ત્રણ ફિલ્મો તબિયત માટે સારી ન કહેવાય! પહેલી બે ફિલમો કરતાં અત્યંત નબળી ગણી શકાય.

હવે, હિન્દી સસ્પેન્સ!

* ખોજ (૧૯૮૯)

રામસે બ્રધર્સમાંના કોઇની ફિલમ. વાહ, કિમિ કાટકર 😉 અને નસરુદ્દીન શાહ વત્તા રીશી કપૂર. સરસ વાર્તા વત્તા અલમોસ્ટ બધાંની એક્ટિંગ સરસ. વાર્તામાં થોડા લૂપ-હોલ્સ લાગ્યા, પણ છેલ્લે સુધી રહસ્ય અકબંધ રહે છે. ડેનીને ઘણાં સમય પછી જોવામાં આવ્યો અને જૂનાં દિવસો યાદ આવી ગયા.

(આ પરથી એક ગુજરાતી સિરીયલ પણ બની હતી અને પછી ખેંચાઇ-ખેંચાઇ કે અમે તેને જોવાનું બંધ કર્યું હતું એ યાદ છે.)

* વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ (૧૯૭૫)

આ ફિલમ વિશે વધુ લખવું નથી. કારણ? શિશિરભાઇએ ઓલરેડી લખી દીધું છે! બ્રિલિયન્ટ ફિલ્મ અને લગભગ દરેક પાત્રનો એવો જ ઉત્તમ અભિનય. (PS: આ પણ અત્યાર સુધી કેમ રહી ગઇ?). અદ્ભૂત અંત પણ ખરો.

આ સિવાય ‘શેરલોક‘ સીરીઝનો એક વર્ષથી બાકી રહેલો ભાગ પણ પૂરો કરવામાં આવ્યો 🙂

છેલ્લે,

* ધ કેટ રીટર્ન્સ (૨૦૦૨)

પેલાં ટોટોરો અને વ્હિસ્પર ઓફ ધ હાર્ટની જેમ જ સ્ટુડિઓ ગ્હીબ્લીનું એક સરસ મુવી. જેને બિલાડી ઉર્ફે કેટ બહુ ગમતી હોય એના માટે ખાસ જોવા જેવું. વત્તા સરસ સ્ટોરી પણ, સ્ટોરી આપણને સ્પિરિટેડ અવે કે વ્હિસ્પર ઓફ ધ હાર્ટ જોતા હોય એવું ક્યાંક-ક્યાંક દેખાઇ આવે છે, પણ જોવા જેવું તો ખરું જ.

જ્યારે અમે નાના હતાં – embarrassing ક્ષણો – ૧

* મોટા થયા પછી ડગલેને પગલે આપણને embarrassing moments નો અનુભવ થાય છે (અને એ તો લખી શકાય એવી પણ ન હોય ;)), એ વખતે આપણે નાનપણમાં કરેલી ભૂલો કેવી વ્હાલી લાગે છે, તે મને હવે ખબર પડી. વાંચો અમારી આવી જ કેટલીક ક્ષણો, ધોરણ પ્રમાણે.

ધોરણ ૨:

પપ્પા મારા માટે મુંબઇથી બન્ને બાજુએ પર (એટલે કે ઉલ્ટો કરીને) પહેરી શકાય એવો શર્ટ લાવેલા. એક બાજુ ડાર્ક કલર, અંદરની બાજુ લાઇટ બ્રાઉન કે એવો કંઇક રંગ હતો. અમારી વખતે ૪થા ધોરણ સુધી શાળામાં યુનિફોર્મ નહોતો. કંઇ પણ પહેરાય . એટલે, હોંશિયારી મારવા માટે મેં નક્કી કર્યું કે રીસેશ દરમિયાન શર્ટ ઉલ્ટો પહેરવો અને લોકોને આંજી દેવા. તો, રીસેશ પડી ત્યારે અમે શર્ટ કાઢીને ઉલ્ટો કરીને પહેરવા ગયા, પણ કંઇક ગરબડ થઇને આપણાથી સીધો શર્ટ પણ માંડ-માંડ પહેરી શકાયો. પછી, કદાચ બીજી વાર એ શર્ટ શાળામાં પહેરવામાં નહોતો આવ્યો.

ધોરણ ૩:

અંગ્રેજી આપણો અણમાનીતો વિષય. એટલે, ઘણી વાર હું હોમવર્ક કર્યા વગર જાઉં અને જે લોકોને હોમવર્ક બાકી હોય તેમને ક્લાસરુમની બહાર બેસાડીને હોમવર્ક પૂરુ કરીને પછી જ ક્લાસની અંદર આવવાનું એવું એ વખતે અંગ્રેજીના ટીચર માનતા હતા. થાય એવું કે અમારા ઘરે ટ્યુશનમાં આવતી મારા કાકાની દીકરી બહેનને અમારા અંગ્રેજીના તાસ વખતે જ ચિત્રનો તાસ હોય અને ચિત્રનો ક્લાસ અમારા ક્લાસની બાજુમાં. જુઓ આ ફોટો:

શિશુશાળા
શિશુશાળા. જ્યાં લાલ છે ત્યાં અમને બેસાડવામાં આવતા હતા 😉

સ્વાભાવિક રીતે, અમારા આ પરાક્રમની જાણ મમ્મીને થઇ જ જાય, અને એ વખતે અમારું મોઢું જોવા જેવું એટલે કે, ઉપરની લાલ લીટી જેવું થઇ જાય 😉

ધોરણ ૪:

‘ગુજરાતીઓ આરંભે શૂરા’ એ ન્યાયે જ્યારે પણ નવું વર્ષ શરુ થાય એટલે હું હોમવર્ક, ક્લાસવર્ક, સ્વાધ્યાય-પોથીઓ, રીવીઝન — વગેરેમાં એકદમ પરફેક્ટ હોઉં. જેમ-જેમ દિવાળી નજીક આવતી જાય એમ રખડપટ્ટી કે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધતું જાય (એ વખતે અમારી ઇતર પ્રવૃત્તિ – સાયકલ ચલાવવા પર મર્યાદિત રહેતી!) અને સરવાળે ખાસ કરીને હોમવર્કમાં ગાબડા પડવાના શરુ થાય. આપણે નિરિક્ષણ કર્યું કે શિક્ષક હંમેશા છેલ્લાં પાનાં પર સહી કરે છે, આગળનું હોમવર્ક જોતા નથી. એટલે, અમે તેમને બનાવવાનું શરુ કર્યું અને માત્ર એક જ પાનાંનું હોમવર્ક કરવાનું અને જ્યારે તેઓ ચકાસવા આવે ત્યારે એ પાનું કાઢીને સહી કરાવી લેવાની. પરફેક્ટ. ક્યાંય સુધી ચાલ્યું. છેવટે, એક દિવસ અમારી પોલ પકડાઇ અને ક્લાસમાં ‘સટ્ટાક’ અવાજ ગૂંજ્યો.

બસ. બસ, યાદ ન કરાવો એ ક્ષણો 😉 વધુ આવતી પોસ્ટમાં!

હેપ્પી બર્થ ડે, કોકી!

વ્હાલી કોકી!

સૌ પ્રથમ તો જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

ઓહ, આજે પાંચ વર્ષ પછી તારા બર્થ ડે ઉર્ફે જન્મ દિવસ પર આપણે સાથે નહી હોઇએ. પણ, ડોન્ટ વરી!! આજે હું કેક અથવા પેસ્ટ્રી ખાવાનો છું. નક્કી કર્યા મુજબ ૧૦ કિલોમીટર દોડવાનો છું અને પછી તને ‘હેપ્પી બર્થ ડે!!’ કહેતો ફોન કરવાનો છું.

લિ. એ જ,

કાર્તિક.

વોટ ફોર…

* આ આપણી સ્ટાન્ડર્ડ ચૂંટણી વિશે પોસ્ટ નથી.

અત્યારે ડેબિયન પ્રોજેક્ટ લીડર (એટલે કે DPL) માટે ચૂંટણી ચાલી રહી છે. ડેબિયન પ્રોજેક્ટમાં મજાકમાં કહેવાય છે કે, વોટ અર્લી, વોટ ઓફન. અને, ખરેખર તમે એક કરતાં વધુ વખત મત આપી શકો છો, તમારો જે છેલ્લો મત સ્વીકાર થાય તે ગણાય છે. વોટિંગ અને આખી સિસ્ટમ પણ અદ્ભૂત છે. અહીં None of the above ને તમે તમારો મત આપી શકાય છે. વોટિંગ પૂરૂ કર્યા પછી કોણે-કોણે વોટ આપ્યો તેની માહિતી મળે છે (જેથી ઇનએક્ટિવ ડેવલોપર્સનો ટ્રેક રાખી શકાય!), કોને આપ્યો તે નહી. જો તમારે તમારો મત બરોબર રેકોર્ડ થયો છે એ ચકાસવું હોય તો તમારી GPG કીનો ઉપયોગ કરીને તમે તે કરી શકો છો. અહીં દરેકને ચૂંટણી લડવાની તક છે (તો સામે પક્ષે ઢગલાબંધ જવાબો આપવાની તૈયારી પણ રાખવી પડે).

પરિણામ પંદર તારીખની આસપાસ આવવાની શક્યતા છે (શક્યતા નહી, નક્કી જ છે). લગભગ ત્રણેય ઉમેદવારો મજબૂત છે, એટલે વોટ કોને આપવો એ નક્કી થતું નહોતું, છેવટે વોટનો ઇમેલ મોકલી દેવાયો અને બરોબર મળી ગયો છે તેવો જવાબી ઇમેલ પણ તરત આવ્યો ત્યારે શાંતિ થઇ (થોડા વર્ષ પહેલાં આવા કોઇ વોટિંગ દરમિયાન મારો રિજેક્ટ થયેલો વોટ સ્પામમાં ગયેલો અને મને વોટિંગ પૂરુ થયાં પછી ખબર પડેલી ;))