અપડેટ્સ – ૧૬૨

* ટૂંક સમયમાં, વિકિપીડિયામાં યોગદાન કઇ રીતે આપવું – એ વિષે વિગતે પોસ્ટ્સ લખવામાં આવશે. ૨૦૧૫ હોવા છતાં વિકિપીડિયામાં લોકો આવીને મૂંઝાય છે એ જોઇને હું મૂંઝાઇ ગયો છું – આ એક નિષ્ફળતા છે કે લોકો સુધી વિકિપીડિયાનો ધ્યેય હજી પહોંચ્યો નથી? :/

* દોડવાનું? કાલે ૧૦ કિમીની રેસ બીકેસી ખાતે છે. પણ, આરામથી જ દોડાશે. સાયકલિંગની પણ હાલત દોડવા જેવી જ છે.

* આ અમેરિકાની વેક્સિન વિરોધી લહેર અહીં પહોંચે એ પહેલાં કવિનને બાકી રહેલી વેક્સિન અપાવી દીધી !!

* કવિન પેલી બોરીવલી રોટરી ક્લબની ૨ કિલોમીટર દોડ્યો હતો (એની પ્રથમ રેસ), પણ હજી એનું સર્ટિફિકેટ-પ્રમાણપત્ર આવ્યું નથી. આ ઇવેન્ટ ઉપર હવે ચોકડી xxx.

* સાયકલિંગ હવે એટલું ખર્ચાય ગણાય છે કે તેને નવી ગોલ્ફ કહેવાય છે 😀

જ્યારે અમે નાના હતાં – સાયકલ

* મારી સાયકલ સ્ટોરી!

ફાસ્ટ બેકવર્ડ ટુ ધોરણ ૨. સાયકલ શીખવાની શરુઆત. નજીકની સાયકલ દુકાનમાંથી ભાડા પર સાયકલ લાવી શકાય એટલી હિંમત આવી ગઇ હતી અને ૧ રુપિયામાં ૧ કલાક ઇઝ ગુડ ડીલ. ૧૦ રુપિયામાં ૨૪ કલાક. અમેઝિંગ ડીલ. તો આવો અને આ ઓફરનો લાભ ઉઠાવો – અમે બહુ જ ઉઠાવ્યો અને ધોરણ ૪ સુધી પડી-પડીને સાયકલ શીખ્યા બાદ અમને ધોરણ ૫માં હીરો રેંજર સાયકલ મળી. હવે આ રેંજર એ સમયમાં પહેલી જાડા ટાયર વાળી સાયકલ હતી અને કિંમત મને યાદ છે ત્યાં સુધી હતી – ૧,૦૨૫ રોકડા. સાથે સ્ટેન્ડ, મડગાર્ડ (એય સ્ટીલનાં), ઘંટડી વગેરે આવ્યું. થોડો સમય તો સાયકલ ફાવી નહી અને પછી ફાવી ગઇ. બે-ત્રણ વખત પડ્યો પણ ખરો. આ સાયકલે પાંચેક વર્ષ મારો સાથ નીભાવ્યો પછી તે રીનીતને આપી અને કદાચ બીજાં બે વર્ષ ચાલી.

૧૧માં આવ્યા પછી દાદાની સાયકલ અમે લીધી – ‘રોયલ હન્ટર’. નામ અને દેખાવ મસ્ત, પણ આ સાયકલ ચાલી એના કરતાં ઘરે વધારે પડી રહી. એક વર્ષ પછી હું કંટાળ્યો અને લીધી કાળા ઘોડા ઉર્ફે એટલાસ. આ કાળા ઘોડા ઉર્ફે દૂધવાળાની સાયકલ સરસ હતી પણ એ પણ એકાદ-બે વર્ષ રાખ્યા પછી હું કંટાળ્યો અને કોલેજમાં સાયકલ કોણ લઇ જાય એવી અફવાનો અમે ભોગ બન્યા. રીનીતે સરસ સાયકલ આ સમય લીધી જે મેં હોસ્ટેલમાં બહુ ચલાવી. ત્યારબાદ ચિંતનની સાયકલ એડોપ્ટ કરી અને હોસ્ટેલથી લાઇબ્રેરી કે રુમ (જ્યાં અમારું કોમ્પ્યુટર રાખવામાં આવેલ) સુધી બહુ સફરો ખેડી. કોઇક વખત તો ૧૫-૨૦ કિલોમીટર.

પછી? કંઇ નહી. લગભગ ૧૦ વર્ષ સાયકલથી અમે દૂર રહ્યા. પોસ્ટ્સ લાઇક કરતાં રહ્યા અને છેવટે હાલની સાયકલ પર સ્થાયી થયા છીએ.

આજની ૫૦ કિલોમીટરની રાઇડ સાયકલ સ્ટોરીને નામ!

PS: ભારત જીતવાનું હતું (સુધારો, સજેસ્ટેડ બાય કોકી!) એટલે રોડ લગભગ ખાલી હતા 🙂

અપડેટ્સ – ૧૬૧

* આ અઠવાડિયામાં ઢગલાબંધ કામ આવી પડ્યું (મજા આવી, એ વાત અલગ છે!) અને હવે જમણો પગ થોડો હચમચ્યો છે એટલે દોડવામાંથી બ્રેક લીધો છે, પણ ટ્રેઇનિંગ શરુ કરી દીધી છે. ૨૨ તારીખે ૧૦ કિલોમીટરની દોડ છે, પણ ઇઝી દોડવામાં આવશે.

* સોશિઅલ નેટવર્કિંગના ત્રાસમાંથી છૂટવા માટે પહેલું પગલું – ફેસબુક અને ટ્વિટરને અનઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, તેમજ બધાં રનિંગ ગ્રૂપમાંથી બાય-બાય કહેવામાં આવ્યું છે. સાયકલિંગ સમૂહો નિરુપદ્રવી હોવાથી હજી એમનાં એમ છે. જ્યારે લાગશે કે આ પણ નોનસેન્સ તરફ ગતિ કરે છે તો તેમને પણ બાય-બાય.

* ગઇકાલે વિક્રમ-વેતાળની દૂરદર્શન વાળી ધારાવાહિક જોવાની ચાલુ કરી છે. દરરોજ એક પ્રકરણ જોવાનું નક્કી કર્યું છે. યુટ્યુબ ઝિંદાબાદ!

* નવું અને મોટ્ટું ટીવી લેવાનો વિચાર હાલ પૂરતો પડતો મૂકવામાં આવ્યો છે. ભારત હારી જાય તો ભાવ ઓછાં થઇ જાય અને બજેટમાં આવી જાય એવી ગણતરીથી નક્કી કર્યું કે વર્લ્ડકપ પછી જ લઇશું 😉 (સોરી, ક્રિકેટપ્રેમીઓ)

* નવી ઘડિયાળ મંગાવવામાં આવી છે. વધુ વિગતો, આવતા અંકે…

જ્યારે અમે નાના હતાં – ૯૯ ટકા

જૂની સીરીઝ યાદ આવી.

ચોથા ધોરણમાં હતો ત્યારે અમારી શાળામાં બહારથી (એટલે કે બીજી શાળામાંથી) એક નવી છોકરી આવેલી – નિયતી (કે એવું કંઇક નામ હતું). થોડા વખતમાં ખબર પડી કે એ તો બહુ હોશિંયાર છે. પહેલી પરીક્ષાનું એનું પરિણામ આવ્યું – ૯૯ ટકા. હા, ૯૯ ટકા. અમે તો ભારે શોકમાં આવી ગયા. કારણ? અમારા હોશિંયાર મિત્રો તો આજુ-બાજુ દેખાતા જ નહોતા (ઉમંગ, ભરત?) (અમને તો ગણવા જ નહી). એટલું જ નહી ભણવા ઉપરાંત તે નાટક, વકૃતત્વ વગેરેમાં પણ એટલી જ હોશિંયાર. એ એક જ વર્ષ અમારી શાળામાં રહી. પાંચમાં ધોરણમાં મોટી શાળા (વિનય મંદિરમાં) ગયા પછી કદાચ તેણે શહેર બદલ્યું. અત્યારે કહેતા શરમ આવે પણ મને એ વખતે આનંદ થયો કારણ કે મારો એક નંબર ઉપર આવ્યો 😉 અને પેલા આઘાતમાંથી થોડી રાહત મળી.

PS: આ પોસ્ટ કાલનાં આપ ના પરિણામો જોઇને યાદ આવી છે.

હેન્રીની કેબ

ખાસ નોંધ: આ પોસ્ટ ઓ.હેન્રી વિશે નથી 😉

થયું એવું કે ડલ્લાસથી પાછાં આવતી વખતે ચિંતનના ઘરેથી એરપોર્ટ (DFW) જવાનું હતું. આગલી રાત્રે ટેક્સી માટે ગુગલમાં શોધ કરી તો આ હેન્રીભાઇની કેબ સેવા સસ્તી અને સારી લાગી. ઓનલાઇન ફોર્મનો ઉપયોગ કર્યો. પહેલી વખત પ્રયત્ન કર્યો તો સફળ ન થયો (કારણ? એડબ્લોક, નો સ્ક્રિપ્ટ, વગેરે કિટાણુંઓ). બીજી વખત પ્રયત્ન સફળ થયો પણ હું વેલિડ યુએસ ફોન નંબર આપવાનું ભૂલી ગયો (મેન્ડેટરી ફિલ્ડ હોવા છતાંય!) અને તારીખ ખોટી આપી (ફેબ્રુઆરીની જગ્યાએ જાન્યુઆરી!) તોય ફોર્મ સબમિટ થઇ ગયું અને સક્સેસ! નો મેસેજ સ્ક્રિન પર આવ્યો. ખાતરી કરવા માટે ચિંતને ફોન કર્યો તો હેન્રી વાળાઓએ કહ્યું કે તમે જો ફોર્મ સબમિટ કર્યું હશે તો ટેક્સી બૂક થઇ ગઇ છે. ઓહ. એમ?

થોડી વાર પછી ઇમેલ આવ્યો કે અમુક માહિતી ખૂટે છે (ઉપર જણાવેલ). મેં જરુરી વિગતો મોકલી અને લખ્યું કે ટેક્સી કન્ફર્મ થાય તો મને વળતો ઇમેલ કરજો. રાત્રે મોડા સુધી ઇમેલ ન આવ્યો તો મેં ફરી ઇમેલ કર્યો. જવાબ ‘હા’ આપ્યો હોય તો ચાલત, પણ અહીં જવાબ આવ્યો…

The last question on your reservation form states that once you press the submit button, you can consider that your confirmation that you are on the schedule.

બોલો. બે-ત્રણ વખત વાંચ્યુ ત્યારે ખબર પડી કે હેન્રીવાળાઓએ હા પાડી છે 😀

બીજા દિવસે ટેક્સી સમયસર આવી, ડ્રાઇવર પણ મદદરુપ હતો અને સરવાળે આરામથી એરપોર્ટ પહોંચ્યો અને અમેરિકન બર્ગર ખાધું.

પુસ્તક: યુગયાત્રા

યુગયાત્રા

* બેકગ્રાઉન્ડ

આ પુસ્તક સને ૧૯૯૩-૧૯૯૪માં જોવા મળ્યું હતું (પુસ્તકાલયમાં) અને લગભગ દસેક વખત વાંચી લીધા પછી અમને વિશ્વાસ થઇ ગયો કે સાયન્સ ફિક્શન જ ભવિષ્ય છે! 🙂 ત્યારબાદ રેડિયો પર નાટક સ્વરૂપે પણ સાંભળવામાં આવેલું (એક પણ પ્રકરણ ગુમાવ્યા વગર).

* પુસ્તક

યશવન્ત મહેતા પહેલેથી જ મારા ફેવરિટ સાયન્સ ફિક્શન લેખક રહ્યા છે. ધોરણ ૬ અને ૭ ના ગાળામાં જ્યારે વિજ્ઞાન એ જ મારો પ્રિય વિષય હતો (પ્રિય એટલે કે એમાં જ માર્ક્સ આવતા ;)) ત્યારે સાયન્સ ફિક્શનની ભૂખની જ્વાળા ઠારવા માટે વિજ્ઞાન શબ્દ લખેલું દરેક પુસ્તક વાંચી કાઢવામાં આવતું હતું. યુગયાત્રા કદાચ પહેલું એવું પુસ્તક હતું જે ઓરિજીનલ વાર્તા ધરાવતું હતું (અગાઉ વાંચેલા મોટાભાગનાં ભાષાંતર હતા) અને મારા પ્રિય ઉપ-વિજ્ઞાન વિષયો જેવાં કે, ટાઇમ ટ્રાવેલ, લાંબી સમાનવ અવકાશી મુસાફરી (કફ, ઇન્ટરસ્ટેલર!), એલિયન્સ, પ્રાચીન સંસ્કૃતિ વગેરેને ટચ કરતું હતું.

પુસ્તકની શરૂઆત અલગ રીતે થાય છે. ગિર (જે હજું જોવાનું બાકી છે) બેકગ્રાઉન્ડ આપણને બહુ ગમે એટલે વાર્તા જોડે તરત જ સમન્વયની શરુઆત મારા માટે થાય છે. કોને ૨૦,૦૦૦ વર્ષ પહેલાંની કાળ-યાત્રા ન ગમે?? યુગ યાત્રા શરુ થયા પછી કદાચ હવે એવું લાગે કે વાર્તા બોરિંગ બનશે પણ યશવન્તભાઇની કલમનો કમાલ યાનના ઉતરાણ પછી છે. પ્યોર સાયન્સ પ્રામાણે થોડીક વસ્તુ ખૂંચે પણ એ તો સાયન્સ ફિક્શનમાં ચાલે 🙂

* શોધ

આ પુસ્તકની તપાસ છેલ્લાં ૧૦ વર્ષોથી કરતો હતો, પણ ક્યાંય ઓફલાઇન કે ઓનલાઇન મળ્યું નહી. કંટાળીને (યુગયાત્રા શબ્દની ગૂગલમાં શોધ કરો, મારી શોધ ખબર પડશે!) એક દિવસ ગૂર્જરમાં ફોન કર્યો તો ખબર પડી કે સ્ટોકમાં છે (કારણ? પુર્નમુદ્રણ! ડિસેમ્બર ૨૦૧૦). ઓર્ડર આપ્યો અને થોડી રાહ જોતાં મળ્યું, ફરી વાંચવામાં આવ્યું અને એના પ્રતાપે આ પોસ્ટ આવી!

અપડેટ્સ – ૧૬૦

* હેલ્લો ઇન્ડિયા. (અને, હેલ્લો નો લગેજ પણ!) લગેજ મોડા પડવાની શક્યતા તો હતી, કારણ કે ડલ્લાસ થી એટલાન્ટા અને એટલાન્ટા થી એમસ્ટરડેમ થી મુંબઇ. ખાસ કરીને એમસ્ટરડેમમાં બે ફ્લાઇટ વચ્ચે ૪૦ મિનિટ કરતાં પણ ઓછો સમય હતો. સદ્ભાગ્યે કોઇ ફ્લાઇટ મોડી નહોતી, નહીતર નો લગેજની જગ્યાએ નો કાર્તિક હોત. એટલે કે, મોડો-મોડો કાર્તિક એમ કહેવાત.

* થાને હિરાનંદાની હાફ મેરેથોનની તારીખ જતી રહી છે, પણ વાંધો નહી. બહુ થઇ ગયું દોડવાનું. એટલે, ફરી પાછાં મુંબઇ-નાસિક-મુંબઇની સાયકલ સવારી કરીશું (અને, આ વખતે પૂરી પણ કરવામાં આવશે!). કસારાઘાટ, સાવધાન!

* કદાચ પહેલીવાર કવિન માટે કોઇ જ ટોય-રમકડું લાવ્યો નથી, પણ કવિને ટેમ્પરેચર ગુમાવ્યું નહી. શાબાશ, કવિન 😀

* વન પ્લસ વાળા ઢગલાબંધ આમંત્રણો મોકલ્યા કરે છે.

* બીજું શું? કામ-કાજ ફરી પાછું શરું. જોકે સરવાળે ૪ દિવસ કોન્ફરન્સ, ૭ ફ્લાઇટ્સ, લે-ઓવર, ખોવાયેલ સામાન, જેટ લેગ, ઠંડી, મેરેથોન અને ટેન્શન – વજન એટલું જ છે 😉

* છેલ્લે. યુગયાત્રા – યશવન્ત મહેતા (લેખ આજે જ બનાવ્યો છે, એઝ યુઝઅલ, કોઇની પાસે યશવંતભાઇનો ફોટો હોય તો, કોમન્સમાં મોસ્ટ વેલકમ!) આવી ગઇ છે. પહેલા વાંચેલી અને રેડિયો પર સાંભળેલી આ વિજ્ઞાન સેમી-નોવેલ મળતાં મને અનેરો આનંદ થયો છે. રીવ્યુ અને અલગ પોસ્ટ આવતી કાલે કે પરમ દિવસે ચોક્કસ!

અપડેટ્સ – ૧૫૯

* શુક્રવારે સાન ફ્રાન્સિસ્કોને બાય-બાય કહ્યું અને ટેક્સાસને હેલ્લો.

* ચિંતન મને એરપોર્ટ પર લેવા આવ્યો. આ DFW બહુ મોટ્ટું એરપોર્ટ છે. ચિંતન આવ્યો એટલે મારી ચિંતા ઓછી થઇ ગઇ. ત્યાંથી તેના ઘરે ગયા જે ટેક્સાસ હાફ મેરેથોનનાં સ્થળ જોડે જ હતું. અને ચિંતને ત્યાં ઘર અઠવાડિયાં પહેલાં જ બદલ્યું એટલે સરસ કોમ્બો.

* શનિવારે ડલ્લાસનાં એક્વેરિયમમાં ગયા. સરસ જગ્યા. પહેલી વાર પેંગ્વિન જોડે ફોટો પડાવ્યો અને ત્યાર પછી પેરોટ સાયન્સ મ્યુઝિયમમાં ગયા. આ પણ મસ્ત જગ્યા છે. ત્રણ-ચાર કલાક તો આરામથી નીકળી જાય. નીકળતી વખતે સારો એવો વરસાદ આવતો હતો એટલે મને ટેન્શન થઇ ગયું. પછી થયું, જે થાય તે. એકાદ શોપમાં રનિંગ સંબંધિત વસ્તુઓની તપાસ કરી પણ GU જેલ સિવાય બીજું કંઇ લેવો જેવું ન લાગ્યું. એટલે હવે ડિકાથલોનની મુલાકાત પાક્કી.

* સવારે ચિંતન એરવિંગ કન્વેન્શન સેન્ટર મૂકવા માટે આવ્યો અને રેસ ૮ વાગ્યે શરુ થઇ. આટલા ઓછા (સાડા પાંચસો) લોકો વાળી મારી પહેલી દોડ હતી. ઠંડી અને વરસાદ હતાં નહી પણ પવન સારો એવો હતો. રેસ શરુ થઇ એ પહેલાં સેન્ટરમાં પાણી, કેળાં, હોટ ચોકલેટ! વગેરેની સરસ વ્યવસ્થા હતી. ઓકે. રેસનો રસ્તો મસ્ત. પહેલી હાફ ૧ કલાકમાં સરસ રીતે પૂરી કરી, પણ પછી ૧૪ અને ૧૭ કિલોમીટર પર ડચકાં ખાવાની શરુઆત થઇ એટલે મજા ન આવી. વળી પાછાં, ૫૦૦ મીટર બાકી હતાં જ ત્યારે ડાબા પગે ટેમ્પરરી દગો દીધો. ટોટલ સમય ૨.૦૯.૦૦ રોકડા.

અને મેડલ? મસ્ત.

ટેક્સાસ હાફ

ટેક્સાસ હાફ મેડલ

ઘરે આવી આરામ કર્યો. કદાચ ભારત તરફથી આ રેસમાં દોડવા વાળો હું એકલો જ હતો 😉

* જમીને ટેક્સાસ અરલિંગ્ટન યુનિવર્સિટી જોવા ગયા. ત્યાં કલ્પના ચાવલા મેમોરિયલ જોયું. ૩ડી શો જોયો. જે થોડો ટૂંકો હોત તો મજા આવત, પણ ઓવરઓલ સરસ હતો.

* અમેરિકન એડવેન્ચરનો કાલે અંત આવશે. ફરી પાછી ફ્લાઇટ્સ બદલવાની મગજમારી થશે, પણ ઘરે પહોંચવાનો આનંદ? 😀

ખાસ નોંધ: આ પોસ્ટ અમેરિકન સમય પ્રમાણે લખવામાં આવેલ છે!