ક કોવિડનો ક

ના. આ વખતે ક એટલે કાર્તિકનો ક નહી પણ કોવિડનો ક રાખવો પડ્યો. ૩૧ ડિસેમ્બરની પાર્ટી તો ન કરી પણ એક પાર્ટી ૨જી જાન્યુઆરીએ કરી તેના પરિણામે (મોટાભાગે! કારણ કે પાર્ટીમાં આવેલા બીજા કોઇને તો કોવિડનો ચેપ નહોતો કે લાગ્યો નથી) કોવિડ ચોંટ્યો.

૫ જાન્યુઆરીએ સવારની આસપાસ લાગ્યું કે શરીર ઢીલું છે અને તાવ જેવું લાગે છે. બીજા દિવસે પણ તાવ હતો એટલે ટેસ્ટ કરાવ્યો અને મમ્મી-પપ્પાને પહેલાં તો સાવચેતી રૂપે રિનિતને ત્યાં મોકલી દીધા અને અંદરના રુમમાં ક્વોરન્ટાઇન થઇ ગયો. ડોક્ટરની સલાહ ફોન-વોટ્સએપ પર જ લીધી અને ૭ દિવસનો સંપૂર્ણ આરામ. દવાઓમાં તો આપણી ફેવરિટ એવી ડોલો-૬૫૦ લીધી અને તાવ ગયા પછી ખાલી વિટામીનની ગોળીઓ (જે હજુ ચાલુ છે!) જ આપવામાં આવી હતી. હા, કફ સીરપ પણ ખરો. લક્ષણોમાં તો ૩ દિવસ તાવ, કફ અને માથું ભારે લાગ્યું. બાકી તદ્ન સામાન્ય. થોડો થાક પણ લાગ્યો હતો, પણ તાવ આવ્યો ત્યાં સુધી જ.

એટલે હવે, બહારની પાર્ટીઓ બંધ છે અને ઇન્ડોર સાયકલિંગની પાર્ટીઓ ફરી શરુ કરી છે!

PS: નવરા બેઠાં રીલ બનાવે!

અપડેટ્સ – ૨૪૧ (અથવા અપડેટ્સ – ૨૦૨૧)

આ પોસ્ટનું નામ એમ તો ૨૦૨૧ની અપડેટ્સ એવું હોવું જોઇએ પરંતુ ક્રમ સાચવવા માટે અપડેટ્સ ક્રમાંક ૨૪૧ એવું રાખ્યું છે. ૨૦૨૧ એકંદરે સૌથી ભંગાર વર્ષ નીવડ્યું છે, મોટાભાગના લોકો માટે. કેટલીક સારી ઘટનાઓ પણ બની છે. મારી રીતે જોઇએ તો કોઇપણ વર્ષ સારું કે ખરાબ જવું એ પોતપોતાનો મત છે, તો પણ કેટલાક આંકડાઓમાં જોઇએ તો..

— કાર્તિક
  • બ્લોગ:
    • સદંતર નિષ્ફળતા. લખવાનું બહુ મન થાય પણ કલમ (સોરી, કી-બોર્ડ) ઉપડે નહી અને મોબાઈલમાં વર્ડપ્રેસ હજુ પણ તદ્ન પા-પા પગલી ભરે છે. ગુજરાતી કી-બોર્ડ પર કામ કરવાની જરુર છે તે મોબાઈલ વડે પોસ્ટ લખવાના બે-ત્રણ પ્રયત્નો પછી સમજાયું. ૨૦૨૧માં લખેલી કુલ પોસ્ટ: ૧૯! બાકીના આંકડાઓ કંઇ જોવા જેવા નથી. એક સમયે અમારા બ્લોગના પણ દિવસો હતા 😉
  • સાયકલિંગ:
    • એક જ ચિત્રમાં ૨૦૨૧ને વર્ણવવું હોય તો:
  • બી.આર.એમ.
    • ૨૦૨૧માં કરેલી બી.આર.એમ.ની સંખ્યા: ૧૫, જેમાં ૨ x ૧૦૦, ૪ x ૧૫૦, ૩ x ૨૦૦, ૧ x ૩૦૦, ૨ x ૪૦૦, ૨ x ૬૦૦ અને છેલ્લે ૧ x ૧૦૦૦ નો સમાવેશ થાય છે. આ ૧૦૦૦ની એક અલગ પોસ્ટ બને તેમ છે, કારણ કે તે અત્યાર સુધીની સૌથી વધુ મુશ્કેલ બી.આર.એમ. હતી. પણ, એ વિશે ફરી ક્યારેક (અથવા ક્યારેય નહી! ;))
  • રેસ:
  • વિકિપીડિયા:
    • ગુજરાતી વિકિપીડિયામાં ફેરફારોની સંખ્યા: ૬૭૦૫
    • ૪ ઓનલાઇન એડિટોથોન (સ્પર્ધા) નું આયોજન.
  • અન્ય શોખ: રનિંગ, ફિલમ, પુસ્તકો – આ વિશે તો વાત કરવા જેવી જ નથી!

એક નવો અનુભવ

થોડા મહિના પહેલા સાયકલિસ્ટ ફ્રેન્ડ દેવયાનીએ પૂછ્યું કે તેની કોલેજમાં વેબ ડિઝાઇન માટે વિઝિટિંગ ફેકલ્ટીની જરુર છે અને પૂછ્યું કે તું શીખવાડી શકે કે? પહેલાં તો તેનો અભ્યાસક્રમ કેવો છે પૂછ્યું અને એ જોયા પછી લાગ્યું કે આ કામ કરી શકાય તેવું છે.

ઓનલાઇન અને સમય પણ આપણો પ્રિય એવો બપોરનો. એટલે કે અઠવાડિયામાં બે દિવસ મને ૨ થી ૪ ઊંઘવામાંથી મક્તિ! સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી ભણાવવાનું હતું અને કોલેજ જવાનું નહોતું એટલે કંઇ વાંધો નહોતો. ધાર્યા કરતા શરુઆત સારી થઇ. શરુઆતમાં તો મોટા ભાગની મુશ્કેલીઓ મારા ઝૂમે કરી. લિનક્સ અને ઝૂમને ઝૂમ બરાબર ઝૂમ જેવો સંબંધ. ખાસ કરીને મારું માઇક તો જાણે ફુલ ટાઇટ! વિદ્યાર્થીઓ બિચારા કંઇ બોલે નહી, પણ તેમને ઘણી વખત મારો અવાજ બરોબર સંભળાતો જ નહોતો (હવે ખબર પડીકે લોકો ઓનલાઇન એજ્યુકેશનની મજાક કેમ ઉડાવે છે!). સપ્ટેમ્બર-ઓક્ટોબર અને નવેમ્બર તો ઝૂમ પર ખેંચી કાઢ્યા અને છેવટે દિવાળી પછી જ્યારે ખરેખર કોલેજમાં જવાનો સમય આવ્યો ત્યારે ખરી મુશ્કેલીની શરુઆત થઇ.

એક તો કોલેજ ૯ કિમી દૂર અને બપોરે જમ્યા પછી જવાનું. ઓફલાઇન ક્લાસનો સમય પણ થોડો વધારે હતો, તો ઓફિસનું કામ-કાજ પણ વચ્ચે ન આવે તે રીતે સેટિંગ કરવું શરુઆતમાં થોડું મુશ્કેલ લાગ્યું પણ પછી રીક્ષામાં ત્યાં જવાનું ધાર્યા કરતા આરામદાયક નીવડ્યું અને મુંબઈની સૌથી મોટી સમસ્યા – ટ્રાફિક – અમને ન નડી. એકાદ વખત થયું કે સાઈકલ લઇને જઉં પણ કવિનની સાઈકલ તે સમય દરમિયાન વ્યસ્ત હતી (તેની પણ સ્કૂલ-ક્લાસ વગેરે શરૂ થઇ ગયા હતા). ગીતો સાંભળતા રીક્ષામાં જવાનું અને પાછા આવવાનું. લેક્ચર એકંદરે સારા ગયા પણ સેમિસ્ટર પદ્ધતિમાં સમય ઓછો અને સિલેબસ વધુ – એ તો રહેવાનું જ હતું.

હવે કદાચ પેપર ચેક કરવા જવું પડશે ત્યારે સાઈકલ લઇને જવાની છેલ્લી ઇચ્છા પૂરી થશે અને ફિલ્મ સીટીમાં સાઈકલ ચલાવવાનો કદાચ મોકો પણ મળે 🙂