અપડેટ્સ – ૧૮૬

* શનિવારે બેંગ્લુરુથી (ie બેંગ્લોર) સવારે ૮.૩૦ જેવો ઘરે આવ્યો. ઘરમાં બધું વ્યવસ્થિત કરીને તૈયાર થઇને કવિનનું વાર્ષિક પરિણામ લેવા ગયો. પછી ખબર પડીકે પરિણામ તો ૨૯મી એ આવશે. આ તો આપણને આપણા સંતાનોએ કેવું ધોળ્યું છે તે બતાવવા માટેનો દિવસ (ie ઓપન હાઉસ) હતો 😀 જે હોય તે. ધાર્યા મુજબ કવિને હિંદીમાં ધોળ્યું નથી (જુઓ, આ પોસ્ટ) એટલે મને શાંતિ થઇ.

બપોરે સાયકલને તૈયાર કરી અને પછી ૪ વાગ્યા જેવો ચેમ્બુર જવા માટે નીકળ્યો. ભાઇ, ભારે ટ્રાફિક આ તો. લોકો દરરોજ કેવી રીતે મુસાફરી કરતા હશે? જે હોય તે. સમયસર ચેમ્બુર પહોંચ્યો. ત્યાં રાઇડ માટે લગભગ ૧૦૦ જણાં હતા. ૭ વાગે રાઇડ શરુ થઇ. ભોરઘાટ સુધી વાંધો ન આવ્યો અને આ વખતે ભોરઘાટ સંપૂર્ણ પણે સાયકલ પર પાર કર્યો. લોનાવાલા પછી આરામથી સાયકલ ચલાવી, કામશેત (રીટર્ન પોઇન્ટ) પર પહોંચી આરામ કરી લોનાવાલા ફરી નાસ્તો કર્યો. ત્યાં યુવાન રાઇડર અચિંક્ય જોડે બીજાં ૬૦ કિમી સાયકલ ચલાવવાની મજા આવી. છેલ્લાં ૨૦ કિમી ફરી આરામથી અને છેલ્લે ચેમ્બુર પહોંચી નાસ્તો કર્યો. ઘરે પાછાં ફરી સાયકલ પર જવાનું નક્કી કર્યું પણ અંધેરી પછી એટલો કંટાળો આવ્યો કે સાયકલને રીક્ષામાં મૂકી ઘરે આવ્યો. ત્યાંથી ફરી દહિંસર અને ફરી પાછાં. ૪ કલાકની ઉંઘ પછી પણ ઉંઘ મને જાગવા નહોતી દેતી. એમ થયું કે થોડી સાયકલ ચલાવીએ, પણ પછી થયું કે હવે બહુ થયું.

આરામ. પીઝા. અને ૯ કલાકની લાંબી ઉંઘ.

આજથી ફરી કવિનનો અવાજ આવી જશે. એની પાસેથી એકાદ સ્ટોરી પરથી બ્લોગની પોસ્ટ પાક્કી!

બ્લોક રે કરે રે…

* એમાં થયું એવું કે એક જણે મને ફેસબુકમાં બ્લોક કર્યો. ઓકે. વાંધો નહી. પરંતુ, એણે જ મારો એક ફોટો બીજા સોશિયલ નેટવર્કમાં લાઇક કર્યો.

હવે, આમાં મારે શું સમજવું? 🙂

અપડેટ્સ – ૧૮૫ – બેંગ્લુરૂ

* આ વખતના અપડેટ્સ બેંગ્લુરૂથી છે. ઘણાં વખત પછી અહીં પાછો આવ્યો એટલે મજા આવી રહી છે. ટ્રાફિક સરસ છે, એટલે કે મુંબઈના ટ્રાફિક કરતાં પણ વધુ છે.

અત્્યાર સુધીતો કબન પાર્કમાં દોડવા અને ટીમ અહીં હોવાથી કામ કરવા (અને હા સરસ બ્રેકફાસ્ટ!) સિવાય બીજું કંઇ કર્યું નથી. ક્યાંય જવાનો કે કંઇ જોવાનો સમય પણ મળ્યો નથી કે મળશે નહી. મુંબઈ પાછા જઇને પણ બાકી રહેલાં કામ પતાવવા સિવાય બીજું કંઇ કામ જ નથી (એટલે કે નવરો છું) 🙂

અને હા, ખાસ કામ તો કવિનનું વાર્ષિક પરિણામ લેવા જવાનું છે!

* અહીં ગરમી પણ વધતી જાય છે. ૨૦૦૪ થી ૨૦૦૮ દર વર્ષે એક અઠવાડિયું જેવું અને ૨૦૦૮નો થોડો સમય અને પછી ૨૦૧૨નો અંત અને ૨૦૧૩નો પ્રથમ ચતુર્થ ભાગ અહીં વીતાવ્યા પછી આ વાત પાક્કી છે.

૯૮ ટકા

* ના. કોઇને ૯૮ ટકા આવ્યા નથી. કે અમારા કોઇમાંથી આવવાના નથી. આ તો આજે મળેલાં મારા વાર્ષિક મેડિકલ રીપોર્ટમાં (સ્ટ્રેસ ટેસ્ટ) જણાવવામાં આવ્યું કે આગલા ૧૦ વર્ષ સુધી ટકી રહેવાનો મારો ચાન્સ ૯૮ ટકા છે. હા, મેડિકલ રીપોર્ટ વગેરે બાકી ઓકે છે. હવે બાકીના બે ટકાનું શું કરવું એ વિશે વિચારી રહ્યો છું 🙂

અને હા, જો તમે વાર્ષિક મેડિકલ ચેકઅપ ન કરાવતા હોવ તો ચાલુ કરી દો. મેડિકલ સુવિધાઓ અત્યંત મોંઘી બનતી જાય છે.

અપડેટ્સ – ૧૮૪

.. અથવા શું ચાલે છે?

* કવિન વેકેશન માણે છે અને અમે દોડ-મ-દોડી એટલે કે કામ-કાજ.

* ખબર નથી પડતી કે આજ-કાલ દેશમાં શું ચાલી રહ્યું છે. લોકો એકબીજાંને દોષ દેવા મંડી પડ્યા છે. કોઇ આત્મહત્યા માટે પંખાને તો કોઇ પૂર માટે હનીમૂનને દોષ દે છે. એટલે, હું મારા બ્લોગ-દુષ્કાળ માટે મને જ દોષ આપીશ!

* આવતું અઠવાડિયું પ્રવાસોનું છે એટલે એકાદ પોસ્ટ તેના વિશે આવશે (બાકી વિષયોમાં મંદી છે).

* કવિન કોઇ પણ સમર-કેમ્પમાં જવાનો નથી, તે જાણી મને અત્યંત આનંદ થયો છે. તો પણ ક્યાંક સ્વિમિંગમાં જવાનું આયોજન છે. સ્વિમિંગ આવડવું જોઇએ એવું હજુ પણ મારું માનવું છે.

* ગરમી વધી રહી છે. કેરીઓ આવી ગઇ છે (આફૂસ).

* ગયા વર્ષની જેમ દર વર્ષનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે, જોઇએ કેવો રીપોર્ટ આવે છે. ડોક્ટરે પૂછ્યું તમને ૧૦ મિનિટ દોડવામાં કોઇ તકલીફ તો નહી પડે ને? (હું મનમાં હસ્યો, કારણ કે સવારે જ ઝડપી ૫ કિમી દોડીને ત્યાં ગયો હતો) (૧૨ કલાકના ઉપવાસ પછી).

* બાકી, શાંતિ છે.

અપડેટ્સ – ૧૮૩

* એપ્રિલ મહિનો આવ્યો અને ગરમી ચાલુ થઇ ગઇ છે. હજુ એસી ચાલુ થયું નથી, પણ મારું એકાઉન્ટ ખાલી થઇ ગયું છે 🙂

* એપ્રિલમાં પરીક્ષાઓ પણ આવી છે, એટલે બધાં ટેન્શનમાં છે, કવિન મજામાં છે!

* વેકેશન નથી પણ એકાદ ટ્રેકિંગ અને એક રેસનું (૧૦ કિમી) આયોજન એપ્રિલમાં છે, એટલે આ મહિનો પૂરો. બાકી સાયકલિંગ ઠંડુ છે, દોડવાનું મંદુ છે, પણ આજથી ફરી શરુ કર્યું છે. ઘણાં વખતે વાલકેશ્વરમાં હિલ પર દોડવામાં આવ્યું. દોડ્યા પછી છોલે-કુલ્ચા, ગુલાબજાંબુ બ્રેકફાસ્ટ હોવાથી વજન તો હજુ એટલું જ છે. દોડવામાં નિયમિતતા આટલા વર્ષો પછી પણ નથી આવી એ નવાઇની વાત છે. તો પણ, આ વર્ષની શરુઆત તો સારી જ છે.

* બીજા સમાચારમાં ગુજરાતી વિકિપીડિયામાં મારા દ્વારા કરેલા ફેરફારોની સંખ્યા ૧૦,૦૦૦ એ પહોંચી. નાનો આંકડો છે અને હવે તો ક્વોલિટી > ક્વોન્ટિટી પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.