તૂટેલો સ્ટેક

ઉપરોક્ત છબી છે લોકડાઉન દરમિયાનના મારા ડેબિયન યોગદાનોની. એક ચોરસ ખાનું એક દિવસ દર્શાવે છે અને આછા થી ઘાટો રંગ ગીટ કમિટની આવૃત્તિ દર્શાવે છે. ૧૬ માર્ચથી શરૂ થયેલો આ ક્રમ ૨૧ મે ના રોજ તૂટ્યો છે અને પછી તો કંઇ ખાસ કામ બાકી રહેતું ન હોવાથી અહીં થોડો વિરામ લીધો છે.

હવે એક અઠવાડિયામાં ૩૬૨ કિમી અને ૧૦,૦૦૦+ મીટર ઊંચાઇનું સાયકલિંગ કરવાનું છે એટલે ડેબિયનને થોડો આરામ આપીએ તો સારું. વચ્ચે-વચ્ચે એકાદ-બે બગ્સ પર થોડું ધ્યાન આપી દઇશું. ત્યાં સુધી, વાટોપિયા ઝિંદાબાદ!

મફત

સામાન્ય રીતે અસામાન્ય પ્રમાણમાં લોકોને મફત વસ્તુઓ મળે તો અત્યંત ખુશ થઇ જાય છે. યાદ છે કોંગ્રેસનું “ઘરનું ઘર?”. આ જ રીતે મફતનું રાજકારણ ભારતમાં જેટલું ફૂલ્યું-ફાલ્યું છે જે જોઇએ એમ થાય છે કે હવે સરકાર ક્યારે મફતની સાયકલ આવે. ઓહ, વેઇટ. એ પણ તેમણે આપી હતી – જે થોડા સમય પછી તેમના મા-બાપો વેચી કાઢતા હતા.

આ વાત યાદ આવી છે સ્ટ્રાવાએ કરેલી ગઇકાલની જાહેરાત પરથી. સાયકલિંગ કોમ્યુનિટીએ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ કરી છે, હજુ વધુ આવશે. જોકે સ્ટ્રાવાએ મોટાભાગની થર્ડ પાર્ટી APIs બંધ કરીને શું સારું કર્યું એ મને ખબર નથી પડી.

જીવનમાં કશું જ મફત નથી. જો તમને સારી વસ્તુ જોઇએ તો પૈસા ખર્ચો. સરળ છે!

મારા લોકડાઉન અપડેટ્સ – ૩

લોકડાઉન લંબાવાયું છે એટલે હવે સમય છે, બીજાં એક લોકડાઉન અપડેટ્સનો!

સૌથી પહેલાં મહત્વના અપડેટ. અમારું ક્યારનુંય મંગાવેલું હેર ટ્રીમર આવ્યું અને પહેલો અખતરો કવિન અને બીજો અખતરો મારા પર થયો. પરિણામી ફોટાઓ અહીં મૂકવા જેવા નથી અને લોકડાઉનમાં ક્યાંય ખાસ બહાર જવાનું નથી એટલે અમારી લાજ સલામત છે 😀

અહીં સ્થિતિ જરાય સારી નથી છતાં મૂર્ખાઓ બહાર રખડે છે, દારૂની દુકાનોએ લાઇનો લગાવે છે. માસ્ક દાઢી પર પહેરીને ફરે છે. રસ્તા પર બુઢ્ઢાઓ ઉભા રહીને માસ્ક નીચો કરીને સિગરેટ ફૂંકે છે. વિશ્વના શ્રેષ્ઠ મુખ્યમંત્રી ઘરમાં બેસીને આ તમાશો જુએ છે અને લોકો મરી રહ્યા છે.

આ વર્ષે પણ અમારો હિમાલય પ્રવાસ (મારા માટે તો બે પ્રવાસો!) રદ થયો છે. જેવી કેદારનાથની મરજી! આવતા વર્ષે ફરી ગોઠવીશું.

સાયકલિંગમાં જોઇએ તો ઝ્વિફટ હજુ ઝિંદાબાદ છે. એક વધુ ચેલેન્જ લેવામાં આવી છે, જેનું પરિણામ આ મહિનાના અંતે આવશે. જો હું ટોપ ૩માં આવીશ તો અહીં પોસ્ટ કરીશ, બાકી નહીં કરું 😉

પુશઅપ્સ-પ્લાન્ક શરૂ કર્યા છે, બાકી શાંતિ છે.

એવરેસ્ટિંગ

એવરેસ્ટની ઊંચાઇ ૮૮૪૮ મીટર છે. એટલે, સાયકલિંગમાં જો એક જ રાઇડમાં આટલી ઊંચાઇ મેળવીએ (એટલે કે elevation gain), તો તેને એવરેસ્ટિંગ કહે છે. તે માટે everesting.cc નામની વેબસાઇટે ખાસ નિયમો નક્કી કર્યા છે:

૧. એક જ રાઇડ, એક જ ચઢાણ (તમે ગમે તેટલી વખત ઉપર-નીચે રાઇડ કરી શકો). દા.ત. ભોર ઘાટ પર એવરેસ્ટિંગ કરવું હોય તો ૧૦ વખત કરવું પડે (અંદાજીત).

૨. સમયની મર્યાદા નથી.

૩. વચ્ચે બ્રેક લઇ શકાય, પણ સૂવાનું નહી.

૪. જે રસ્તે ચઢાણ, ત્યાંથી ઉતરાણ કરવું પડે.

હવે થોડા સમય પહેલાં ટ્રેનર પર પણ એવરેસ્ટિંગ કરાય તેવી જાણકારી મળી તો, ગઇકાલે આપણે ચેલેન્જ લીધી અને ઝ્વિફ્ટના આલ્પ દુ ઝ્વિફ્ટ નામના મસ્ત મઝાના પર્વતના ૪.૨૫ આંટાઓ પૂરા કરીને એવરેસ્ટિંગ બેઝ કેમ્પ (૪૪૨૪ મીટર ઊંચાઇ) નો પડાવ પૂર્ણ કર્યો. વેબસાઇટ પ્રમાણે ટ્રેનર પર આ પ્રકારની રાઇડ કરવા વાળો હું પ્રથમ ભારતીય છું!

  • વેબસાઇટની સીધી અને પરમેનન્ટ લિંક, હવે જ્યારે પણ હું એવરેસ્ટિંગ કરીશ ત્યારે અહીં અપડેટ થશે: https://everesting.cc/hall-of-fame/#/hill/3383721075

હવે લોકડાઉન પછી નવા પંખા(ઓ) આવે ત્યારે ફૂલ એવરેસ્ટિંગ કરવામાં આવશે. ત્યાં સુધી, વાટોપિયામાં મળીએ!