બેગાની શાદી મેં..

કેન્સાસમાં રહેતા કાર્લને કદાચ ખબર પણ નહી હોય કે દુનિયાના નકશામાં ભારત ક્યાં આવ્યું પણ કાંદિવલીમાં રહેતા કાર્તિકને અમેરિકાની ચૂંટણીમાં ઇલેકટ્રોલ કોલેજ સિસ્ટમ વિશે જાણવાની બહુ આતુરતા.

— અજ્ઞાની.

એકંદરે, અમેરિકાની ચૂંટણીમાં આખી દુનિયા દિવાની થાય છે, પણ આ વખતે તો હદ થઇ છે. થેન્ક્સ ટુ સોશિયલ મિડીયા.

બી.આર.એમ. ૬૦૦

અત્યાર સુધી એવું થયું કે ઓક્ટોબરમાં કરેલી દરેક બી.આર.એમ. મારે શરુ થઇ નહોતી કે પૂરી થઇ નહોતી. એટલે, જ્યારે આઉટડોર સાયકલિંગ ફરી શરુ કર્યું ત્યારે નક્કી કર્યું કે આ વખતે તો એક જ મહિનામાં બધાં ઓક્ટોબરોનો બદલો (!) લેવો. ૨૦૦, ૩૦૦ સફળ રીતે પૂર્ણ કર્યા પછી ૪૦૦ જવા દીધી (નવરાત્રિ ઉપવાસ વત્તા એવરેસ્ટિંગનો નિષ્ફળ પ્રયત્ન!) અને ૬૦૦ બીઆરએમ કરવાનું નક્કી કર્યું.

દર વખતે થાય છે તેમ, સવારે રાઇડ કરીને મુલુંડ ગયો. આ વખતે થોડો વહેલો પહોંચ્યો. કોરોનાના ડરને કારણે નક્કી કરેલું કે રસ્તામાં ખાવા માટે બને તેટલું ખાવાનું લઇ જવું. તો જર્સીના પોકેટમાં શું ભર્યું?

  • ૭ ભાખરીઓ
  • ૫ ફાસ્ટ એન્ અપ જેલ્સ
  • ૫ બીસીએએ
  • સોલ્ટ ટેબ્લેટ્સ
  • માસ્ક, બંડાના, રુમાલ
  • વોલેટ
  • મોબાઇલ
  • ફાસ્ટ એન્ અપ – રીલોડ
  • સેનિટાઇનઝર

બસ આટલું જ જોડે લીધું. બાકીનો સામાન (ટ્યુબ, પંકચર કીટ, ક્લિટ કવર, વધારાની લાઇટ્સ, સ્પેર વાયર, ટુલ કીટ, પાવરબેંક, ફેસ વાઇપ, વગેરે) સેડલ અને ફ્રંટ બેગમાં ભર્યો. જોડે પંપ તો લેવો જ પડે.

શરૂઆતના ૧૫૦ કિમી સરસ ગયા. નાસિક પછી આવતા ઓઝર અને પીપલગાંવ (પીપલગાંવના પીપલ્સ – આ તમારા ફ્લાયઓવર્સ કેટલા વર્ષે બનશે?) બાયપાસમાં રસ્તા ખરાબ છે. બાકી આ રસ્તા પર ગુજરાતની જેમ ફ્લાયઓવર્સ ઓછા છે એટલે લોકોએ મસ્ત બમ્પ બનાવ્યા છે (કહેવાય છે કે ભારત બમ્પપ્રધાન દેશ છે). એટલે, એકંદરે ઝડપ ઓછી જ આવે. ૩૦૦ સુધી ભાખરી પર રાઇડ કરી. વચ્ચે-વચ્ચે પાણી તો લેવું જ પડે. ૩૦૦ પર પહોંચ્યા ત્યાં અમારે સૂવાની સગવડ ગુરુદ્વારામાં હતી એ પહેલા કેટલાય લોકોએ સાયકલ વિશેના સવાલોનો મારો ચલાવ્યો હતો, જેના અમે અત્યંત શાંતિપૂર્વક જવાબો આપ્યા હતા. ત્યાં પહોંચી કપડાં બદલી થોડીવાર સૂઇ ગયો (વધારે સૂઇ ગયો હોત તો સારું હતું). ઉતાવળમાં સાયકલની સેડલ બેગની ઝીપ ખૂલ્લી રહી ગઇ અને સદ્ભાગ્યે સોલ્ટ ટેબ્લેટ (જે જર્સીમાંથી બેગમાં મૂકી હતી) સિવાય કંઇ પડ્યું નહી. ૧૧.૩૦ જેવો થોડું કંઇ ખાવા એક જગ્યાએ રોકાયો ત્યારે નજર પડી. બચી ગયો! ત્યાર પછી ટુકડે-ટુકડે બ્રેક લેતા ચાંદવડ ઘાટ પર આવ્યો એ પહેલા હાર્ટરેટ મોનિટર ડચકા ખાવા લાગ્યું. તેની બેટ્રી બદલી અને આગળ વધ્યો. પછી ઊંઘની શરુઆત થઇ ગઇ હતી.

ઊંઘથી બચવા ચા પીધી તો પણ લાગ્યું કે હવે સાયકલ ચલાવતા કંઇક દિવાસ્વપ્ન જેવી લાગણી થાય છે એટલે સહેજ માટે રોડ પરથી સાઇડમાં જતો રહ્યો અને તરત જ રાઇડ અટકાવી અને લગભગ એક કલાક (કે તેથી વધુ?) સમય માટે આરામ કર્યો અને ઊંઘ ખેંચી કાઢી. ૪૦૦ કિમી પર પહોંચી નાસ્તો કર્યો અને લોકોના સવાલોથી બચતો-બચતો નાસિક પહોંચ્યો ત્યારે ૮.૩૦ થઇ ગયા હતા. એકંદરે ૩૦૦ થી ૪૫૦ વચ્ચે સૌથી વધુ સમય લાગ્યો.

નાસિક પહોંચ્યો ત્યારે ખબર પડે કે એક પેડલ ઢીલું છે. તરત જ પાછું સરખું કર્યું અને ધીમે-ધીમે આગળ વધ્યો. આ ૧૫૦ કિમી આરામથી કર્યા અને મજાથી કોફી પીધી (હા, બરિસ્તા હજુ પણ એવી જ કોફી બનાવે છે કે આપણને એમ થાય – કેમ પીધી?). કોકોનટ વોટર, ઓરેંજ અને પાણીનો મારો ચાલુ જ હતો. છેલ્લે ફરી ૧૦-૧૨ કિમી પર કોકોનટ વોટર પીધું ત્યારે એનર્જી આવી અને સાંજે ૫.૧૫ જેવી રાઇડ પૂરી કરી.

બોધપાઠો:

૧. વિન્ટર ઇઝ કમિંગ.

૨. બેગની ઝીપ ચકાસતા રહેવું.

૩. સાયકલ સર્વિસનો સમય થઇ ગયો છે.