ડેબકોન્ફ ૧૮ – ભાગ ૧

* ડેબકોન્ફ ૧૮ તાઇવાનમાં છે અને અત્યારે કોફી-બ્રેક પડ્યો છે એટલે ઊંઘ આવે એવા વાતાવરણમાં હું આ લખી રહ્યો છું.

દિવસ ૦:

મુંબઈથી રાતની બેંકોકની ફ્લાઇટ સમયસર હતી અને બેંકોક એરપોર્ટ પર બોરિંગ રીતે બે કલાક પસાર કરી એકાદ કોફી પીને તાઇપેઇની ફ્લાઇટ પકડી. તાઇ એરવેઝ – બેંકોકથી તાઇપેઇની ફ્લાઇટમાં વેજેટેરિયન લોકોની દરકાર કરતી નથી એ વાત ધ્યાનમાં રાખવી. વધુમાં આખી ફ્લાઇટમાં થાઇ ફૂડની વાસ આવતી હતી એ અલગ. ચોકડી. તાઇપેઇ એરપોર્ટ પર ઉતરી સૌથી પહેલા કરન્સી લીધી, દોઢ કલાક ઇમિગ્રેશનમાં ઊભો રહ્યો અને પછી નવું સીમ કાર્ડ (૧૦ દિવસ, અનલિમિટેડ ડેટા વત્તા ૧૦૦ NTD ટોક ટાઇમ – ૫૦૦ NTD – બે મિનિટમાં!) વત્તા ઇઝીકાર્ડ (પ્રવાસો માટે) લીધું અને ત્યાંથી એરપોર્ટ ટ્રેન પકડી. ત્યાંથી હાઇ સ્પિડ ટ્રેનની ટિકિટ લીધી જે ૨૦૦ કિમી/કલાકની ઝડપે દોડતી હતી એવું જાણવા મળ્યું. ત્યાંથી એક બસમાં ૩૦ મિનિટ પ્રવાસ કરીને બસ સ્ટોપ પર આવ્યો જ્યાંથી ૩૦ મિનિટ ચાલીને કોન્ફરન્સના સ્થળે પહોંચ્યો ત્યારે થાકી ગયો હતો પરંતુ મારો રૂમ તૈયાર થયો નહોતો. વધુમાં મારી પાસે બહુ કેશ હતા નહી એટલે ATM શોધ્યું. તરત મળી ગયું. કોન્ફરન્સની જગ્યા NCTU સરસ જગ્યા છે. આવી યુનિવર્સિટી અહીં હોય તો ભણવાની પણ મઝા આવે 🙂 રાત્રે ડિનર પછી લોકોને મળીને તરત રૂમમાં આવીને સૂઇ ગયો. એ પહેલાં મારો રૂમ પાર્ટનગર ગ્વાટેમાલાથી આવ્યો હતો તેની જોડે થોડા ગપ્પાં માર્યા.

દિવસ ૧:

IMG_20180728_191540
પેશન ફ્રૂટ, ખવાયેલું!

સવારે સૌથી પહેલાં તો શાવર અને બાથરૂમ શોધ્યા. મળી ગયા. ગયા વખતની જેમ ઓપન શાવર નહોતો એટલે શરમ ન આવી પણ સવારે ૭ વાગ્યા પછી પ્રિપ્લાન્ડ ઇલેક્ટ્રિસીટી બંધ રહેવાની હતી એટલે તરત બ્રેકફાસ્ટ કરવા ગયો. હવે ફૂડ-કોન્ફરન્સ-રૂમ – આ ત્રણેય વચ્ચે લગભગ અડધો કિમીનું અંતર છે અને ત્રણેય ત્રિકોણના ત્રણ ખૂણાઓ પર છે. એટલે દરરોજના ૬-૭ કિમી ચાલવાનું મિનિમમ! થોડી ટોકમાં હાજરી પૂરાવી અને કોફીનો પૂરતો સ્ટોક પેટમાં ઠાલવ્યો. ત્રણ-ચાર જૂનાં અને ત્રણ-ચાર નવાં મિત્રો મળ્યા એટલે વાતો કરવાની મઝા આવી. રાત્રે ફરી પાછો જલ્દી આવીને સૂઇ ગયો. અહીં એર કન્ડિશનર માટે એક પ્રિપેઇડ કાર્ડ લેવું પડે એટેલ એસી પણ ધ્યાન રાખીને વાપરવાનું. સરસ. કોઇ ખોટી વીજળી બાળે જ નહી! અને હા, સૂપ તો તમારે દરરોજ પીવો જ પડે. પેશન ફ્રૂટ નામનું નવું ફળ જાણવા મળ્યું. સરસ વસ્તુ છે.

દિવસ ૨:

અહીં કૂકડા બોલ્યા વગર સવાર જલ્દી થાય છે એટલે વહેલો ઉઠી ગયો અને યુનિવર્સિટીમાં દોડવા ગયો. પણ ૬ કિમીમાં ગરમી અને ભેજને કારણે હાલત ખરાબ થઇ એટલે પછી ૧૦ કિમીનો કાર્યક્રમ પડતો મૂક્યો અને આરામથી તૈયાર થઇ બ્રેકફાસ્ટ કર્યો. કોન્ફરન્સમાં જઇ નવાં લોકોને મળ્યો અને કી-સાઇનિંગ પાર્ટીની પ્રક્રિયામાં ભાગ લીધો. કોફીનો ડોઝ તો ચાલુ જ હતો અને સાંજે ફરી પાછો ડિનર પછી રૂમમાં આવીને આરામ કર્યો. અહીં મુંબઈ કરતાં વધુ ભેજ છે જેને કારણે થાક પણ વધુ લાગે છે. આપણે તો ઠીક, યુરોપ-અમેરિકાના લોકોની હાલત ખરાબ છે. છતાંય, કેમ્પસ હર્યુ-ભર્યું છે એટલે હજુ પણ સારું છે. ટાયફૂન આવવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી એટલે હું તો છત્રી-રેઇનકોટ-બેગ કવર લઇને આવ્યો છું પણ હજુ વરસાદનું એક ટીપુંય પડ્યું નથી 🙂

વધુ આવતા અંકે..

પાસવર્ડ રીસેટ

થોડા દિવસ પહેલાં fast&upમાં એક-બે વસ્તુઓ ઓર્ડર કરી. ઉતાવળ હતી એટલે લોગીન કર્યા વગર ગેસ્ટ લોગીન વાપરી ઓર્ડર કર્યો. પૈસા ભર્યા અને બેંકમાંથી પણ સંદેશો આવી ગયો પણ એ લોકો તરફથી ન આવ્યો. એક દિવસ રાહ જોઇ, બે દિવસ જોઇ પછી વેબસાઇટ ઉપર કોન્ટેક્ટ અસમાંથી ફોર્મ ભરી સંદેશો મૂક્યો પણ કંઇ જવાબ ન આવ્યો. પછી ફોન કર્યો. તો એ લોકોએ કહ્યું કે, હા તમારા પૈસ મળ્યા છે. તમારી ડિટેલ્સ આ નંબર પર SMS કરો. કર્યો અને બે દિવસમાં મંગાવેલી વસ્તુઓ આવી પણ ગઇ.

હવે, એમ થયું કે ચાલો મારું એકાઉન્ટ જોઇએ. પાસવર્ડ તો યાદ નહોતો એટલે થયું કે Forget Password કરીએ. તો પછી, આ પાનાં પર ગયો: https://www.fastandup.in/reset_pass હવે ખાટલે મોટી ખોડ કે આ લોકો Last Old Password You Remember માંગે અને મને તો યાદ જ નહી કે કયો પાસવર્ડ વાપર્યો. બહુ પ્રયત્ન કર્યા પણ પરિણામ શૂન્ય.

ટૂંકમાં, આવું પાસવર્ડ રીસેટ પાનું ન બનાવવું!!

પાસવર્ડ સંબંધિત મારી જૂની પોસ્ટ્સ:
* પ પાસવર્ડનો પ..
* ઇ(જી)મેલ અને સલામતી
* તમારો પાસવર્ડ કેટલો મજબૂત?

PS: લોકોને તો એ પણ ખબર નથી કે વિકિપીડિયામાં Special:PasswordReset થી પાસવર્ડ બદલવાની વિનંતી મોકલી શકાય છે!

અપડેટ્સ – ૨૧૮

* વરસાદ: ધોધમાર ચાલુ જ છે અને વરસાદમાં પ્રવાસોનું આયોજન થઇ રહ્યું છે. સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો! દર વખતની જેમ “વ ફોર વિઝા”ની પોસ્ટ પણ કદાચ ટૂંક સમયમાં આવશે.

* સાયકલિંગ: ટુર-દી-ફ્રાન્સ DSports ચેનલ પર આવે. સરસ. પણ, એ લોકો વચ્ચે-વચ્ચે WWE એટલે કે રેસ્લિંગ જેવી રમતો(?) માટે ખરા સમયે TdFને પડતી મૂકે. કદાચ આપણે ૮-૯ વર્ષના હતા ત્યારે રેસ્લિંગ ગમતું હતું, પણ સાયકલિંગ જેવી ખરેખરી રમતો માટે રેસ્લિંગ જેવી નકલી રમતો બતાવવાની? પૈસા મહત્વના છે!!

૧૫મી જુલાઇએ ટુર-દી-વસઈ છે, જે ટુર-દી-ફ્રાન્સ જેવી નથી 🙂 પણ, મજા આવશે. બાકી હાલમાં તો સાયકલિંગ લગભગ બંધ જ છે.

સાયકલ ટ્રેઇનરનો પ્લાન ટૂંક સમય માટે પડતો મૂકવામાં આવ્યો છે.

* રનિંગ એકંદરે સારું છે. ૧૨ કલાક પછી પગના નખના હાલ બેહાલ હોવા છતાંય સારું દોડી રહ્યો છું. હવે સપ્ટેમ્બર અંતમાં ૧૦ કિમી સિવાય કોઇ રનિંગ ઇવેન્ટ દેખાતી નથી (હાલ પૂરતી) એટલે શાંતિ છે.

* નેટફ્લિક્સ પર હવે સરસ ડોક્યુમેન્ટરી અને ફિલ્મો આવી રહી છે. સેક્રેડ ગેમ્સની પહેલી સીઝન દોઢ દિવસમાં પૂરી કરી દીધી છે. રાધિકા આપ્ટેના અભિનય સિવાય દરેક બાબતે એ સારી છે. ૧૮+ છે, એટલે બાળ-બચ્ચાઓને દૂર રાખવા. ચોખલિયા લોકોને પણ દૂર રાખવા અને જોવી.