પંચવાર્ષિક (પોસ્ટ) અહેવાલ

* આ પોસ્ટ એ આ વર્ષની છેલ્લી પોસ્ટ છે. તો થઈ જાય વર્ષ વાર પોસ્ટનું સરવૈયું.

વર્ષ – પોસ્ટની સંખ્યા
૨૦૦૬ – ૬૯
૨૦૦૭ – ૧૦૪
૨૦૦૮ – ૨૩૯ (બે ગણો ઉછાળો!)
૨૦૦૯ – ૨૧૨
૨૦૧૦ – ૨૩૨ (આ પોસ્ટની સાથે)

* નોંધપાત્ર ઘટનાઓ:

+ અત્યાર સુધી માત્ર બે જ વખત મહિનાઓના દિવસો કરતાં પોસ્ટની સંખ્યા વધુ થઈ – એપ્રિલ ૨૦૦૯ અને ફેબ્રુઆરી ૨૦૧૦.
+ સૌથી ઓછી પોસ્ટ – નવેમ્બર ૨૦૦૬ અને સપ્ટેમ્બર ૨૦૦૭.
+ ખબર નહી પણ ૨૨ જાન્યુઆરી, ૨૦૦૯ ના દિવસે સૌથી વધુ વાચકો મળ્યા!!
+ સૌથી વધુ વાચકો – ઓક્ટોબર ૨૦૧૦માં, સ્વાભાવિક રીતે ૨૦૧૦માં ગુજરાતી બ્લોગવાચકોનો રાફડો.. અને વાંદરાઓ દ્રારા બ્લોગાલેખન પણ.. 🙂
+ વાચકોની સંખ્યાના ઉતરતા ક્રમ પ્રમાણે: ઓક્ટોબર ૨૦૧૦, માર્ચ ૨૦૧૦, ડિસેમ્બર ૨૦૧૦, ફેબ્રુઆરી ૨૦૧૦, જુલાઈ ૨૦૧૦.
+ સૌથી ઓછા વાચકો – ફેબ્રુઆરી ૨૦૦૬માં – શૂન્ય. કારણ કે એ વખતે બ્લોગ હતો જ નહી. માત્ર હેલ્લો વર્લ્ડ હતુ. કદાચ એક અંગ્રેજી પોસ્ટ લખી હતી જે પછી કાઢી નાખી હતી.
+ સ્પામની વાત કરીએ તો વર્ડપ્રેસની એન્ટિસ્પામ સેવા (અકિસ્મેત) દિવસે દિવસે સરસ થાય છે. લગભગ ૯૯ ટકા ચોકસાઈ. જોકે સપ્ટેમ્બર, ઓક્ટોબર ૨૦૦૮ દરમિયાન સ્પામ આક્રમણ થયેલું અને કુલ સ્પામના ૩૦ ટકા એ બે મહિનાઓમાં હતા. અત્યારે શાંતિ છે 🙂

૨૦૦૬માં જ્યારે (ગુજરાતી) બ્લોગિંગ ચાલુ કરેલ ત્યારે મહિને ત્રણ-ચાર વખત પોસ્ટિંગ થતું હતું. કદાચ કૉમ્પ્યુટર ૨૪ કલાક જોડે ન હોવાથી એવું બનતું. ૨૦૦૮ પછી હવે ગુજરાતી બ્લોગ-જગત ઘણું વ્યાપ બન્યું છે. સરળ રીતે ગુજરાતીમાં લખી શકવાનું, સસ્તાં ઈન્ટરનેટ અને કૉમ્પ્યુટરની લોકો સુધી પહોંચના કારણે જ આ શક્ય બન્યું છે. આમાં તો આપણે – થેન્ક્સ ટુ ટેક્નોલૉજી, યુનિકોડ અને વર્ડપ્રેસ – જ કહેવું પડે.

તો, નવાં વર્ષમાં મળીશું..

૨૦૧૧નાં સંકલ્પો અને ઘણું બધું..

* અરર. પેલી દિવાળી વાળી પોસ્ટ ભૂલી ગયા? અને, ૨૦૧૧ – આપણે તો એટલા બધાં નવા વર્ષ આવે કે આપણે કયા વર્ષમાં છીએ તે ભૂલી જઈએ. સરળતા ખાતર દિવાળી અને ઈસુનું નવું વર્ષ આપણે યાદ રાખીએ છીએ. પણ, ૨૦૧૧માં શું કરીશું? પહેલાં તો દિવાળી વાળી પોસ્ટને યાદ રાખીશું, એ સિવાય –

– અક્ષયકુમાર, રજનીકાંતનાં એકપણ મુવી ન જોવા. કસમથી.

– લિસ્પ અને સી પ્રોગ્રામિંગ ઉપર ધ્યાન આપવું.

– બને તેટલી જગ્યાઓએ ફરવા જવું. કવિન હવે બહાર લઈ જવા જેવો થયો છે, એટલે વેકેશન મળે ત્યારે ફરવા જવું. ન મળે તો ધરાર વેકેશન લેવું.

– ૨૦૧૦માં ઘણું ફાસ્ટ ફૂડ ખાધું, જોકે દિવાળી પછી ઓછું કર્યું છે, પણ નવાં વર્ષથી એ ઓછું કરવું. વજન પર ધ્યાન રાખવું. આખો દિવસ મોઢું ચાલુ રહે એ ન ચાલે.

૨૦૧૦ એમ તો સારું વર્ષ રહ્યું. લોકોની મૂર્ખાઈઓ જોઈ અને મારી ભૂલો સુધારવાનો મોકો મળ્યો (એટલે કે જોબ ચેન્જ). પ્રથમ વખત બચત કોને કહેવાય તે સમજાયું અને ભયંકર ખર્ચાઓ પણ કર્યા. ઘણું નવું શીખ્યો અને ઘણાં નવાં લોકોને મળ્યો અને મિત્રો પણ બન્યાં.

અલવિદા, સરસ વર્ષ.

બીજુ કંઈ, તમને યાદ આવે છે, મારા માટે?

કેડીઈ.ઈન કોન્ફરન્સ

* લિનક્સ કોન્ફરન્સ સામાન્ય રીતે મજાની હોય છે. નવાં-નવાં લોકોને મળવું અને ટેકનોલોજીથી માહિતગાર થવું. લેક્ચર્સબાજી ઓછી અને પ્રેક્ટિકલ જ્ઞાન વધુ. આવી જ એક કોન્ફરન્સ, કેડીઈ.ઈન ટીમ દ્વારા ૯-૧૦-૧૧ માર્ચે બેંગલોર ખાતે રાખવામાં આવી છે. જો તમે કેડીઈ અંગે માહિતી મેળવવા કે તેના ભારતીય ડેવલોપર્સને (અને મારા જેવાં ટ્રાન્સલેટર્સ અને બગ રીપોટર્સ) મળવા માંગતા હોવ તો સુવર્ણ મોકો.

વેબસાઈટ મસ્ત છે – http://kde.in/conf/

જો મારો પ્લાન કંઈ આડાઅવળો ન થાય તો ત્યાં મળીશું.

મો’ અપડેટ્સ

* બીજાં અનેક ફરજિયાત અપડેટ્સ:
+ ગુરુવારે પહેલીવાર કૃણાલભાઈને મળ્યો અને મ્યુનિસિપલ માર્કેટમાં કોફી પીતાં-પીતાં (અને તેના એક કલાક પછી પણ..) મન ભરીને ભારત, આઈ.ટી., અમદાવાદ, નોકરી, મુંબઈ, બોસ, કંપનીઓ, સિંગાપોર, ગુજરાતી બ્લોગ્સ અને બીજી અનેક વાતો કરી. મજા આવી ગઈ. કૃણાલભાઈ પાસે સમયનો અભાવ હતો એટલે વિથ-ફેમિલી મળવાનું શક્ય ન થયું. ફરી ક્યારેક. સિંગાપોરના આઈ.ટી. ફેરની વાતો સાંભળી મારું મને એકાદ મુલાકાત લેવાની ઈચ્છા ધરાવે છે. પણ, હજી વાર છે 🙂
+ તીસ માર ખાઁ જોયા પછી, માથું દુખતું હતું નહિતર ગઈકાલે દ્રુપલ મિટિંગમાં જવાનો વિચાર હતો.
+ નવાં વર્ષનાં પ્રથમ સોમવારે મોબાઈલ મન્ડે કરીને એક સરસ ઈવેન્ટ છે, તો પહેલી તારીખે અમદાવાદ ટ્વિટ અપ છે. જોકે બન્ને જગ્યાએ જવાનું કદાચ શક્ય ન પણ બને.
+ વધુ શોપિંગ.
+ નવું પુસ્તક – Land of LISP – Barski. લિસ્પ શિખવાનો કાર્યક્રમ ગઈકાલથી ચાલુ કર્યો છે 🙂

આજની કડીઓ

૧. તમારા પર આક્રમણ? ડેરેન હાર્ડીએ ઉત્પાદક ક્ષમતા પર સરસ લેખ લખ્યો છે. ખાસ કરીને મારા જેવા ચંચળ મનનાં વ્યક્તિઓએ વાંચવા જેવો. કડી માટે ટક્સમેનિઆકનો આભાર. વાંચો, http://darrenhardy.success.com/2010/10/under-attack

૨. ઓપન અને ફ્રી ઈન્ટરનેટ. શા માટે? જુઓ – http://www.theopeninter.net

ક્રિસમસ ટ્રી

ચિત્ર – http://xkcd.com/835/

એમ તો એક અઠવાડિયા પહેલાનું છે, પણ – હંમેશની જેમ જોરદાર. xkcd જીંદાબાદ!! અને હા, બધાંને ક્રિસમસની શુભેચ્છાઓ. અમારે તો ગઈકાલે પણ રજા હતી 🙂

બીજું કંઈક,

૧. જો તમે VLC પ્લેયર વાપરતા હોવ તો, ક્રિસમસના અઠવાડિયા દરમિયાન તમને કંઈ નવું જોવા મળ્યું? VLC પ્લેયર મને ડેબિયન પછી ગમતો સૌથી સરસ ઓપનસોર્સ પ્રોજેક્ટ છે. નવું કોમ્પ્યુટર લો તો ઓપરેટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા પછી VLC પ્લેયર ડાઉનલોડ કરવું એ મોટાભાગે બીજું કામ હોય છે (પહેલું કામ – ફાયરફોક્સ ડાઉનલોડ કરવાનું).

૨. આ કોમિક પણ તમને ગમશે 🙂

ફિલમ: તીસ માર ખાઁ

* આજની બોરિંગ સવારે વિચાર આવ્યો કે શીલા કી જવાની ગીત મોટા પડદે જોવું જોઈએ એટલે અમે આજે પહેલી વાર પીવીઆરની ટીકીટ(સ) લઈને તીસ માર ખાઁ જોવા ગયા. પીવીઆરનું ઓનલાઈન બુકિંગ બીગ સિનેમા કરતાં સારું છે. (બીગ સિનેમા ઘરની સામે છે, છતાંય એક વખત ઓનલાઈન બુકિંગનો કુપ્રયત્ન કરેલો, પણ..). કવિન હવે ૩ વર્ષનો થયો છે, એટલે એક ટીકીટ વધુ લેવી પડે છે, પણ તે તેની જગ્યાએ તો હોતો જ નથી 🙂 એની વે, મુવી રીવ્યુ આગળ વાંચો.

પીવીઆર સરસ સિનેમા છે અને બહુ ભીડ પણ નહોતી. સ્ક્રિન પહેલા દિવસે માંડ ભરાયો એટલે ધ્રાસકો પડ્યો કે ફિલમ વાટ લગાવશે. અને, દુર્ભાગ્યે આ ડર સાચો પડ્યો. ફિલમની શરુઆત જ ઓકે ઓકે છે. અક્ષયકુમાર નામીચો ચોર છે (અને કેટરિના તેની ગર્લફ્રેન્ડ અને ચીપ ફિલમોમાં કામ કરે છે, શીલા કી જવાની તેનો જ ભાગ બતાવ્યુ છે). આ બાજુ ભારતનો મોટો ખજાનો દિલ્હી ટ્રેન વડે પહોંચાડવાનો છે અને તેના માટે પોલીસ બંદોબસ્ત કરે છે. તેને ચોરી શકે એવો ચોર તીસ માર ખાઁ પકડાઈને પેરિસથી વિમાનમાં અહીં લાવવામાં આવે છે, તેનું આખું દ્રશ્ય હસવાની જગ્યાએ કંઈક વિચિત્ર ફિલિંગ કરાવે છે. અક્ષયકુમારને સિયામી ટ્વિન્સ એવા જોહરી બ્રધર્સ આ ખજાનો લૂંટવાનું સોંપે છે અને અક્ષય કંઈક વિચિત્ર પ્લાન બનાવે છે કે ફિલમની શૂંટિગ દરમિયાન ટ્રેન લૂંટાઈ જાય. અક્ષય ખન્ના ઓસ્કાર ઘેલો હીરો છે તેનો અને ગામવાસીઓનો અક્ષય પોતાના પ્લાનમાં ઉપયોગ કરે છે. કેટરિના જબરજસ્ત વેડફાઈ છે. એ તો પ્રેમ-બ્રેમના સિન વગેરેમાં નથી. તેનું હિન્દી નબળું છે એ દેખાઈ જાય છે.

ટૂંકમાં, મોઝર બેયરની ૩૦ રુપિયાની સીડી પર જ જોવાય એવી ફિલમ. ડાઉનલોડ પણ ન કરતાં. શીલા કી જવાની ટીવી પર જોવું વધારે હિતાવહ છે. કવિને પાછો રંગ બતાવ્યો અને મસ્તી કાઢી. પોપકોર્ન ટબની ટોપી બનાવી તેનો ફોટો લેવાનો રહી ગયો 😦

અપડેટ્સ

* કવિનને કાલે સ્કૂલમાં ક્રિસમસ પાર્ટી છે. અને, પછી ક્રિસમસ વેકેશન. ઓહ, નો.
* જન્મેશ – અમારો કોલેજ મિત્ર – ગઈકાલે બે વર્ષ પછી મળ્યો. કોલેજની ખાસિયતો, ફેકલ્ટી, મિત્રો અને મિત્રાણીઓને યાદ કરવાની મજા આવી.
* ઠંડી સરસ છે, ત્રણ દિવસથી ઘરમાં જ છું. અને ક્રિસમસની પાર્ટી વગેરેનો કોઈ પ્લાન નથી. થોડી ખરીદી વગેરે બાકી છે, જે નજીકમાંથી જ પતાવવામાં આવશે. લાગે છે કે ઊનનાં પગમોજાં લેવા પડશે.
* ઘણાં સમય પછી આંબળા ખાધા!
* સ્કાઈપે ગઈકાલે-આજે ડાઉન છે.

સુંદરકાંડ

* ખરેખર, કાર્તિક અને સુંદરકાંડ? હા. ગઈકાલે રાત્રે અમારા બ્લોકમાં સુંદરકાંડનો પાઠ હતો. કવિન તો ઓલરેડી ઉપર ધાબા પર ધમાલ કરતો જ હતો. થોડીવાર પછી જમીને અમે પણ થોડો લાભ લેવા ગયા. થોડીવારમાં જ કવિનની મસ્તી વધી ગઈ એટલે કોકી-કવિન પાછાં ઘરે ગયા અને જીવનમાં પહેલીવાર હું સુંદરકાંડને સમજવા બેઠો. કમનસીબે, કવિન પાછો આવ્યો અને મારે તેને પકડવા જવું પડ્યું. (ધાબાની પાળી બહુ નાની છે. અમદાવાદનાં ૨૦-૨૫ વર્ષ જુનાં ફ્લેટ્સની ખાસિયત) અને આમ, મારા પ્રથમ સુંદરકાંડ શ્રવણનો અસુંદર અંત આવ્યો..

ACMA IT પ્રદર્શન

* ગઈકાલે સાંજે અત્યંત કંટાળો આવતાં, અહીં AES મેદાન ખાતે આવેલ ACMA IT પ્રદર્શન (એટલે કે એક્સપો)માં જઈ આવ્યો. પહેલાં તો તેને એક્મા હાર્ડવેર પ્રદર્શન કહેવું જોઈએ. પણ, દર વખત કરતાં આ વખતે વધુ સ્ટોલ (અને કદાચ વધુ સારી કંપનીઓ) મેદાનમાં હતા. અમદાવાદમાં આઈટીનો વિકાસ ચોક્કસ વધ્યો છે, પણ હજી એ આઈટી જાયન્ટ કંપનીઓ એક્સપોમાં આવે તે દિવસો નથી આવ્યા. જો તમારે સસ્તી પેન ડ્રાઈવ, સીડી, માઉસપેડ (હું એક સરસ માઉસપેડ લાવ્યો), સ્પાઈકગાર્ડ (જેની જોડે જેમ્સ બોન્ડની બે ઓરીજીનલ ડીવીડી ફ્રી આવી) વગેરે લેવું હોય તો ઉત્તમ સ્થળ છે. પબ્લિક પણ સારી એવી હતી. કદાચ શનિ-રવિ વધુ ભીડ હોઈ શકે છે. એસી વાળું પેવેલિયન જોકે ખાલી-ખાલી લાગ્યું (કદાચ એ કોર્પોરેટ જગત અને મોટી કંપનીઓ માટે હતું).

સ્થળ: AES મેદાન, હેલ્મેટ સર્કલ પાસે.
તારીખ: ૧૭-૧૮-૧૯-૨૦ ડિસેમ્બર, ૨૦૧૦.