રંગ બરસે

દુનિયાની એક-માત્ર વેબસાઇટ જેમાં તમને ફોન્ટના રંગ બદલવાનો વિકલ્પ મળે છે. બોલો કઇ વેબસાઇટ છે એ?

.

.

.

LIC!

જીએસઆરટીસી-૨

છેલ્લી જીએસઆરટીસી પોસ્ટમાં લખ્યું હતું તેમ થોડીક તકલીફ પછી અમે ટિકિટ મેળવવા માટે સફળ થયા હતા. ડર હતો કે બસ આવશે કે નહી. વહેલી સવારે અમદાવાદની ગુલાબી ઠંડી અને રીક્ષાવાળાઓનો સામનો કરી અમે ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પહોંચ્યા. પહેલા ઇન્કવાયરી પર પૂછ્યું તો વ્યવસ્થિત જવાબ મળ્યો કે બસ આવી ગઇ છે. એ પહેલા મારા મોબાઇલ પર કોઇનો ફોન આવતો હતો અને બસ જોડે પહોંચ્યા ત્યારે ખબર પડી કે એ તો કન્ડકટર સાહેબ ફોન કરતા હતા. સરસ. અમારી રીઝર્વ સીટો પર અલીબાબા ચાલીસ ચોરમાં આવતી ચોકડીઓની જેમ ચોકડી મારેલી હતી એટલે અમને નિરાંત થઇ (ના, અમને બધી સીટો પર ચોકડી મારવાની ઇચ્છા ન થઇ). બસ સમય કરતા એક મિનિટ વહેલી ઉપડી અને અમે રીઝર્વ સીટો પર પણ બેસવાની માંગણી કરતા મુસાફરો જોડે પનારો પાડીને અમારા ગંતવ્ય સ્થાને સહીસલામત પહોંચી ગયા.

ફરીથી અમે વળતી મુસાફરીમાં પણ જીએસઆરટીસીની આ સેવાનો લાભ અમારા સંબંધીને આપ્યો. તેમની બસ હતી ૪.૨૫ની અને અમારી હતી ૫.૪૫ની. તેઓ અમારા કરતા વહેલા નીકળ્યા અને અમે ૫ વાગ્યા જેવા પીક-અપ પોઇન્ટ પર પહોંચવાની ગણતરીએ ઘરેથી નીકળ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે ૪.૨૫ની બસ હજુ આવી જ નથી! મને ડર લાગ્યો કે બસ જતી ન રહી હોય. જીએસઆરટીસીના આપેલા કસ્ટમર કેર નંબરોમાંથી એક પણ લાગ્યા નહી. એક ટોલ ફ્રી નંબર લાગ્યો પણ તેમાં કસ્ટમર કેરનો સંપર્કનો વિકલ્પ પસંદ કરતા ફોન કટ થઇ ગયો! મને આઘાત ન લાગ્યો પણ છેવટે ૫.૧૫ જેવી તેમની બસ આવી. અમે ધાર્યું હતું તેમ અમારી બસ ૫.૪૫ની જગ્યાએ ૬.૨૦ પછી આવી. અને આવી ત્યારે કન્ડકટરે ફોન પણ કર્યો હતો. ચિક્કાર ભરેલી બસમાં અમને હકથી જગ્યા મળી એથી વધુ સારી વસ્તુ કઇ હોય? બસ આવી તે સારું થયું, કારણ કે પીક-અપ પોઇન્ટથી પાછા જવાની કોઇ સગવડ નહોતી અને રાત પડી ગઇ હતી.

બોધપાઠ્સ: ૧. સમય ચકાસી લેવો. ૨. જીએસઆરટીસીની વેબસાઇટ પર બૂકિંગ કન્ફર્મ કરવું. ૩. શક્ય હોય તો જ્યાંથી બસ શરૂ થતી હોય એ બસ બૂક કરાવવી. ટેન્શન ઓછું. ૪. રીટર્ન જર્ની જોડે કરાવો ડિસકાઉન્ટ મળે છે. લાભ લેવો!

વોટ્સએપ

* દર દિવાળીએ તેમજ બેસતા વર્ષે વોટ્સએપ દાટ વાળે છે, પરંતુ મારી હાલની મજબૂત એન્ટિ-સોશિયલ નિતીઓને કારણે આ વખતે બહુ મારો ન આવ્યો. તો પણ એકાદ-બે લોકો એવા દેખાયા જે દર દિવાળીએ ભૂલ્યા વગર વિશ કરી જ દે છે. એમનો છેલ્લો સંદેશો ગઇ દિવાળીનો જ હોય અને એના આગળનો એની પહેલાની દિવાળીનો! એમાનાં જો બહુ નજીકના હોય તો બર્થ ડે પરની વિશ હોય છે.

હવે આવા લોકોની વિશ-પ્રાર્થના-દુઆને કારણે હું ટકી રહ્યો છું, એટલે મળતા રહીશું દર વર્ષે આ જ રીતે!

PS: 🙂

અપડેટ્સ – ૨૨૪: મિત્રો!

* થોડા દિવસ પહેલાં નક્કી થયું કે બધાં મિત્રો મળીએ અને અમે મળ્યા સુરતમાં. સુરતનું જમણ પ્રખ્યાત એટલે વજનમાં ૨ કિલોનો ધરખમ વધારો થયો (કોકો, ચીઝ સેન્ડવિચ, લોચો, ખમણી, રતાળુ-ટામેટાના ભજિયાઓ, સોસિયો અને ઘણું બધું!). કવિને મન ભરીને તેના નવા અને જૂનાં મિત્રો જોડે મસ્તી કાઢીને મન ભરીને મોબાઇલ પણ મચડ્યો. અમે મન ભરીને વાતો કરી અને મારી ક્ષમતા કરતા વધારે સુધી મોડા સુધી જાગ્યો અને અપવાદ રૂપે મોડો-મોડો ઉઠ્યો અને જરા પણ ન દોડ્યો 🙂 કોઇ વખત આમ કરવું એ મન-મગજ માટે સારું છે!

જીએસઆરટીસી

                   યે બૂકિંગ બ્લર હૈ

ઉપરોક્ત સ્ક્રિનશોટ છે, જીએસઆરટીસીમાં બૂકિંગ કરાવવાના પ્રયત્ન વખતનો.

જોકે મોબાઇલથી સાઇટ બે પ્રયત્નો પછી ખૂલી અને બે નિષ્ફળ પ્રયત્નો વડે અમે આગામી પ્રવાસ આયોજનનું બૂકિંગ સફળતાપૂર્વક ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની બસમાં કરાવ્યું છે. હવે સમયસર ત્યાં પહોંચીએ અને અમને બસ ગંતવ્ય સ્થાને સમયસર પહોંચાડે એટલે ‘બસ’ છે!