પ્રોજેક્ટ લખોટી

* થોડા દિવસ પહેલાં, મારા ભાઈના લગ્ન દરમિયાન અમે બધાં ભેગા થઈને બાળપણમાં રમી-રમીને ટીચી નાખેલી રમતો વિશે વાતો કરતા હતા. મને વિચાર આવ્યો કે હું ભલે તે સમયે ખાસ કંઈ ઉકાળી ન શક્યો, પણ તે રમતોની યાદગીરી રહે તે માટે કંઈક કરી શકું. તો શરુ થાય છે, પ્રોજેક્ટ લખોટી.

(ચિત્ર સ્ત્રોત: અંગ્રેજી વિકિપીડિયા)

તમે પણ આમાં નીચે પ્રમાણે મદદ કરી શકો છો. ના, તમારે તમારી વધેલી લખોટીઓ મને મોકલી આપવાની નથી 😉

૧. તમે જો લખોટી રમતા હોય તો એવો ફોટો હોય તો મોકલી આપો. કોપીરાઈટ તમારો રહેશે. શરત એ કે આ ફોટો હું નોન-કોમર્સિશલ ઉપયોગ કરી શકું એવી તમારી પરવાનગી હોવી જોઈએ. સંપૂર્ણ ક્રેડિટ આપવામાં આવશે, ના – હું આજ-કાલનાં છાપાં-મેગેઝિન્સ જેવું નહી કરું.
૨. લખોટીની રમત કઈ રીતે રમી શકાય તેનું વર્ણન વગેરે
૩. તમારો યાદગાર પ્રસંગ.
૪. ખાસ શબ્દપ્રયોગો જે તમે રમત સાથે સાંકળેલા. દા.ત. પાલનપુરમાં, સબ બાપ કા, દોન તીન તીનો તીન વગેરે શબ્દપ્રયોગો વપરાતા..

નોંધ ૧: આ માહિતી પછી વિકિપીડિયામાં મૂકાશે. ત્યાં સુધી ‘પ્રોજેક્ટ લખોટી’ નામનું એક પાનું બ્લોગમાં બનાવેલ છે.

નોંધ ૨: હો કરવાની છૂટ છે. જો આ ટર્મ તમને ખબર ન હોય તો, તમે લખોટી રમી નથી 😉

મોટા થવું તે..

* આપણે સૌ કોઈ મોટા બનવાનો પ્રયત્ન કરીએ છીએ, તેના કરતા તો નાના બનીએ તો કેવું રહે? મજા આવી જાય. જો કે હું, તમે અને સૌ – નાનાઓને પણ મોટાની જેમ વર્તન કરવાની સલાહ આપીએ છીએ. “કાર્તિક, હવે તો તું મોટો થઈ ગયો!” આ વાક્ય છેલ્લા દસ વર્ષથી હું સાંભળતો આવ્યો છું અને અવગણતો આવ્યો છું.

મોટા થવું એટલે કહેવાતા ઘરડા અને મોટા લોકોની જોડે જ બેસવું તે નહી, પી.જે. ન ફેંકવા તે નહી, વાળ લાલ રંગના ન કરવા તે નહી, જીદ ન કરાય તે નહી. મોટા થવું એટલે ખરેખર ઊંમરમાં મોટા થવું – એ સિવાય બીજી કોઈ વ્યાખ્યા મારા શબ્દકોષ કે થિસોરસમાં બંધ બેસતી નથી. પણ, જ્યારે લોકો પોતાનાં શબ્દકોષ પ્રમાણે મને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેમને મારા તરફથી જે સાંભળવું પડે તે માટે હું જવાબદાર નથી. દેખાવમાં ભલે હું ગંભીર લાગુ છું, સોરી – તે એક બાહ્ય આવરણ જ છે 😉

કવિન કે એવા બીજા કોઈ ટપુડા જોડે જો મોટાઈ બતાવવામાં આવે તો કેવું પરિણામ આવે તે તો તમારે નજરે જ જોવું પડે. નસીબજોગે, મારી જીવનસંગિની ઉર્ફે કોકી – મારા અને કવિનનાં બધાં જ બાળપણ કે મસ્તીવેડાં સહન કરે છે, તે માટે તેનો આભાર.

વાસી ઉત્તરાયણ કેમ?

* એક પ્રશ્ર્ન: ઉત્તરાયણના તહેવારના બીજા દિવસને ‘વાસી ઉત્તરાયણ’ કેમ કહેવામાં આવે છે? ‘કાળી ચૌદસ’ના બીજા દિવસને આપણે કંઈ ‘વાસી કાળી ચૌદસ’ કહેતા નથી. તો, ઉત્તરાયણ માટે આમ કેમ?

જવાબ: કારણ કે, અમદાવાદમાં તમને લોકોનાં ઘરે વાસી ઉંધિયું ખાવા મળી શકે છે 😉

ઓકે, મજાક કરું છું. જવાબ મળે તો કોમેન્ટ કે ઈમેલ તરીકે આપવા વિનંતી. તમારો જવાબ ગુપ્ત નહી રાખવામાં આવે તેની ગેરંટી. વિકિપીડિયામાં મકર સંક્રાતિનો નાનકડો લેખ છે, જે થોડી માહિતી આપે છે તે મુજબ આ વાસી ઉત્તરાયણ વાળી પ્રથા માત્ર અમદાવાદમાં જ છે એટલે પેલા કુત્તે પે સસ્સા આયાની જેમ કંઈક ઘટિત બનાવ કોઈક પોળમાં બન્યો હોય તેવી સંપૂર્ણ શક્યતા રહેલ છે. જો તમે જવાબ તેવી કોઈ પોળનાં સંદર્ભ વગેરે સાથે આપશો તો તમને તાજુ ઉંધિયાની પાર્ટી આપણા તરફથી…

ઉત્તરાયણ..

* આજનો સ્કોર ૧/૩ રહ્યો. જોકે ૧૬મીએ રીનીતનાં લગ્ન હોવાથી ઘરમાં ઉત્તરાયણ કરતાં લગ્ન પ્રસંગ ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કવિનને પતંગ ઉડાવવા કરતાં ધાબા પર ફૂટબોલ રમવામાં અને દોડાદોડી કરવાની જ મજા આવી.

થોડાક ફોટાઓ ફેસબુક પર મૂક્યા છે..

સાંજે કોકી-મમ્મી મહેંદી મૂકવા ગયા હતા તો મારા ફોઈ અને પપ્પાએ રસોઈ (બાજરીનાં રોટલા-કઢી) બનાવી. મેં થોડુંક રસોડું સાફ કર્યું. મજા આવી. પરંતુ, કવિને કહ્યુ, પપ્પા છી આવી છે. ઓહ, શીટ. રીઅલ શીટ ધોવી પડી.

.. કવિને આજે પપ્પા જોડે આરામથી જમી લીધું એ આજના દિવસનો યાદગાર પ્રસંગ રહ્યો. વાસી ઉત્તરાયણની સુગંધ આવે છે. આવજો.

ટચચચચચ..

* એટલે કે આઈપોડ ટચ. ગિફ્ટ. ૩૨ જીબી. તો હવે શું કરવાનું?

૧. ગુજરાતી કેવી રીતે લખી શકાય તે માટે પ્રયત્ન કરવાના. ટ્રાન્સલિટરેશન નામની એક એપ્લિકેશન દેખાય છે, તે હજી જોવાની બાકી છે. ગુજરાતી રેન્ડિરીંગ થતું નથી. એપલ, બચકું ભરવાનું મન થાય છે..

૨. જેલબ્રેક. એટલે ટર્મિનલ જેવી એપ્લિકેશન ઉમેરી શકાય.

વર્ડપ્રેસ.કોમની એપ્લિકેશનમાં પોસ્ટ

🙂

એજ્યુકેટેડ

* શરુઆત એક જૂની જોકથી કરીએ.

એક વાર એક જાપાનીઝ અમદાવાદમાં ફરવા આવ્યો. બિચારાને ગુજરાતી આવડે નહી ને અંગ્રેજી પણ કાચુ. અહીં આવ્યો અને કાલુપુર સ્ટેશને ઉતર્યો. ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજીમાં એક જણને પૂછ્યું, ઈઝ ધીસ કાલુપુર? એક જણાં એ જવાબ આપ્યો, હોવે. આગળ ગયો, બીજા એક જણને પૂછ્યુ, ઈઝ ઘીસ કાલુપુર? જવાબ મળ્યો, હોવે. આગળ એક જણ વ્યવસ્થિત દેખાતો હતો, તેને પૂછ્યુ, ઈઝ ધીસ કાલુપુર? તેના તરફથી જવાબ મળ્યો: યસ. જાપાનીઝ હરખાઈ ગયો અને ફોર્મમાં આવીને પૂછ્યુ, વ્હાય ધીસ પીપલ આર સ્પિકિંગ હોવે-હોવે? પેલા માણસે જવાબ આપ્યો, ધે આર અનએજ્યુકેટેડ. સો, ધે આર સ્પિકિંગ ઈન ગુજરાતી. જાપાનીઝે પૂછ્યુ, આર યુ એજ્યુકેટેડ? જવાબ: હોવે.

હસવાની છૂટ છે. પણ ના – એક પ્રશ્ન. એજ્યુકેટેડ કોને કહેવાય? લખી-વાંચી-ગણી શકે તેને? કે અમુક ધોરણ ભણેલા હોય તેમને? મારા ખ્યાલ અને જ્ઞાન મુજબ ૭ ધોરણ ભણે તેને શિક્ષિત ઉર્ફે એજ્યુકેટેડ કહેવાય છે. મને સુધારી શકો છો. આજે ઓફિસમાં લન્ચ દરમિયાન એક સરસ ઉદાહરણ મળ્યું. મહારાષ્ટ્રનાં એક ગામડામાં એક ભાઈને પંચાયતે ભણાવવા માટે નિમ્યા. એ ભાઈએ લોકો પોતાનું નામ અને સહી કરી શકે એટલા જ અક્ષરો શીખવાડ્યા અને આખા ગામને શિક્ષિત જાહેર કર્યું. વિચારવા જેવી વાત છે – મારા નામ સહી સિવાય ફલાણા ભાઈનું નામ મારે લખી કે જાણીને શું કામ? 😉

અને, એજ્યુકેટેડ – અનએજ્યુકેટેડ એ મારા મતે વિચારો પર પણ આધારિત છે. આઈઆઈટી કે આઈઆઈએમમાંથી બહાર પડેલો માણસ જો મૂર્ખ જેવા વિધાનો કે વર્તન કરે તો તેને અનએજ્યુકેટેડની કક્ષામાં જ મૂકાય..

ફ્લિપકાર્ટ

* આમ તો હું ક્રોસવર્ડ અને પરંપરાગત બુક-સ્ટોર્સમાં જઈને પુસ્તક લેવાનો શોખ ધરાવું છું – પણ, આમ કરતાં તમારે ડિસ્કાઉન્ટ અને પસંદગી બન્ને ગુમાવવા પડે છે. વધુમાં ત્યાં જવા-આવવાનો સમય પણ બગડે તે અલગ. કોમ્પ્યુટરના પુસ્તકો હું મુંબઈમાં આવેલ Computer BookShop (CBS) પરથી લઉં છું. મુંબઈના ઘરે ઓર્ડર આપવાનો અને કોઈ આવતું-જતું હોય તો પુસ્તકો મંગાવી લેવાના. આમા, મુશ્કેલી એ કે ૫૦૦ રુપિયા કરતા ઓછું બજેટ હોય તો ૫૦ રુપિયા વધુ આપવા પડે! બે-ત્રણ દિવસ પહેલાં મને નવી સાઈટ મળી, ફ્લિપકાર્ટ.કોમ. સરળ દેખાવ, ફટાફટ ખરીદવાની સુવિધા અને સૌથી મસ્ત વાત કે મારા જેવા ક્રેડિટ કાર્ડ વગરના ગરીબ માણસનાં ડેબિટ કાર્ડ અથવા નેટબેંકિગ જોડે સરળ જોડાણ. જોકે કોમ્પ્યુટર પુસ્તકો તો હજી તેના પર એટલા ડિસ્કાઉન્ટ સાથે નથી મળતા, પણ બીજા અંગ્રેજી પુસ્તકો જે મારા વિશલિસ્ટમાં છે – તે હવે ફ્લિપકાર્ટના વિશલિસ્ટમાં આવી ગયા છે અને ટૂંક સમયમાં તે પુરું થવાની તૈયારીમાં છે!!

એક પુસ્તકનો ઓર્ડર આપ્યો છે, સર્વિસ વગેરે કેવું છે તે હવે ખબર પડશે – ત્યાં સુધી હોલ્ડ ઓન. મારા બીજા મિત્રોનો અનુભવ સારો બોલે છે.

અને, સોરી. કિન્ડલ કે એવું કોઈ ઈ-બુક રીડર હજી આપણા બજેટમાં નથી. આવશે ત્યારે વાત 🙂

જ્યારે અમે નાનાં હતા – ૩

* જ્યારે અમે ધોરણ ૫માં (શાળા: શ્રી આઈ.જે. મહેતા વિનયમંદિર) આવ્યા ત્યારે કંઈક અજીબ પ્રકારના શાળાજીવનની શરુઆત થઈ. વિષયો ભારે થવા લાગ્યા. અને, અમારી શાળામાં અંગ્રેજી તો ધોરણ ૨થી શરુ થયેલું એટલે ગુજરાત પ્રાથમિક શિક્ષણ બોર્ડની અંગ્રેજીનું પુસ્તક મજાકમાં બનાવેલું હોય તેવું લાગતુ હતું. જો કે, ૨થી ૪ ધોરણમાં સમજ્યા વગરની ગોખણપટ્ટી વધુ થતી હતી તે હવે સમજાય છે! અને કદાચ ૫માં ધોરણથી મને સામાન્ય જ્ઞાન ઉર્ફે જનરલ નોલેજમાં વધુ રસ પડવા લાગ્યો. તે જ વખતે શાળામાં ક્વિઝ વગેરેની શરુઆત થઈ અને તે માટે જવાબદાર હતા અમારા સમાજશાસ્ત્રના શિક્ષક – પિનાકિનભાઈ જાની.

પિનાકિનભાઈ વિશે તો આખું પુસ્તક લખી શકાય પણ તે વાત ક્યારેક પછી. નિરસ પાઠને રસપ્રદ બનાવી દેવાની કળા તેમનામાં હતી – અને કડક એટલા કે ભલભલા ફફડી જાય. કદાચ તેઓ સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ અળખામણા બન્ને હતા. પમાં ધોરણથી મારી આળસ પણ વધવા માંડી. ખબર નહી પણ હું કેમ શિક્ષકોમાં લોકપ્રિય હતો, મારા આળસુપણાંમાં આથી વધારો થયો. ટ્યુશન વગેરે પ્રોફેશનલ બનવાનો આ સમયગાળો હતો, ઢગલાબંધ છોકરાઓ પોતાના તરફ ખેંચવાની હરિફાઈઓ વધવા લાગી હતી. પોતાના માનીતા છોકરાઓને વધુ માર્ક્સ (ગુણ) આપવાનું પણ સામાન્ય થઈ ગયુ હતું.

પમું ધોરણ એકંદરે સરસ રહ્યું. હસુમતીબેન અમારા વર્ગશિક્ષક (ગુજરાતી-હિન્દી બન્ને ભણાવે..), દિલીપભાઈ (વિજ્ઞાન-ગણિત), પિનાકીનભાઈ (સ.શા.), નરેન્દ્રભાઈ (અંગ્રેજી). બીજા કયા વિષયો હતા તે યાદ નથી, પણ બધા પરિણામપત્રકો મારી પાસે પડ્યા છે જોવા પડશે. અમુક પરિક્ષાઓમાં તો મેં કેવો ધબડકો કરેલ તે હજી મને યાદ છે 🙂

# ભાગ ૧
# ભાગ ૨

આવી હિંમત આપણામાં કેમ નથી?

* થોડા સમય પહેલા આપણા પ્રિય મોદીજીએ સરકારને પડકાર ફેંક્યો હતો કે હિંમત હોય તો મને પકડીને બતાવો.. અને હવે આપણા પપૂ (એટલે કે પરમ પૂજ્ય) આશારામ બાપૂએ પણ સરકારને પડકાર ફેંક્યો છે કે હિંમત હોય તો મારી ધરપકડ કરી બતાવો. મને થાય છે કે આવી હિંમત-પડકાર ફેંકવાની તાકાત વગેરે ખાલી નેતાઓને જ કેમ આવતી હોય છે? જો કે નીચે પ્રમાણેના પડકારો આપણે ફેંકીએ જ છીએ..

૧. રસ્તા પર કચરો ફેંકીએ છીએ, છે કોઈની હિંમત આવી?

૨. હેલ્મેટ વગર, ફોન પર માથું ૪૫ ડિગ્રી રાખીને, ત્રણ સવારી પર, છતાં છે કોઈની આવી હિંમત?

૩. બસ ચલાવતા-ચલાવતા ફોન પર વાત કરવાની, મારા જેવો કોઈ ફરિયાદ કરે તો ઝગડો કરીને દાદાગીરી કરવાની, છે કોઈની આવી હિંમત?

૪. ટેક્સ ન ભરવાનો, છે કોઈની હિંમત પકડવાની?

૫. ગુટકા-તમાકુ-મસાલા – છે કોઈની હિંમત આ વસ્તુઓ પર પ્રતિબંધ લાવવાની?

.. અને આ હિંમત સ્ત્રી લિંગ કેમ છે, હિંમત તો પુરુષનું નામ છે!

પુસ્તક મેળો

* આપણા સી.એમ. પણ જ્યારે એમ કહે કે દરેક ઘરમાં ૫૦ પુસ્તકો હોવા જ જોઈએ, ત્યારે મને બહુ લાગી આવ્યુ કે બસ ૫૦ જ? કેમ ૧૦૦ નહી? કારણ કે, આ વર્ષમાં મારે ૧૦૦ પુસ્તકો વાંચવાનું લક્ષ્ય છે!

હા, તો પોસ્ટના મુદ્દા પર આવીએ તો, લૉ-ગાર્ડન સામેના લૉ કોલેજ મેદાનમાં સ્વર્ણિમ ગુજરાતની તૈયારીના ભાગરુપે એક પુસ્તક મેળો ભરાયો છે. ૫ રુપિયાની ટિકીટ લઈને અંદર જઈ શકાય છે અને ૧૦% જેટલું માતબર ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. હું, ‘લીલી નસોમાં પાનખર – ચંદ્રકાંત બક્ષી’ લઈને આવ્યો. ૧૭ વખત વાંચેલી હોવા છતાં આ પુસ્તક મારી પાસે કેમ નહોતું?? અને હા, દરેક પ્રકાશને નરેન્દ્ર મોદી વિશે એકાદ પુસ્તક બહાર પાડ્યું છે એમ લાગે છે. એકંદરે ગુજરાતનાં બધા જ પ્રકાશનો અહીં જોવા મળી જાય છે. સુ.દ.નું ઇમેજ પબ્લિકેશન સરસ મજાનું પ્રિન્ટીંગ વગેરે કરે છે એમ લાગ્યું. અંદર શું હોય છે, એ તો ખબર નથી. એક સ્ટોલમાં ગુજરાતી અને અંગ્રેજી ક્વોટ લખેલ ફ્રેમ વગેરે સરસ હતું, પણ પરમ દિવસે જ કોકી-કવિન અને મારા-કવિનનાં ફોટાઓની ફ્રેમનો ઓર્ડર આપ્યો હોવાથી ઘરની દિવાલો પર વધુ એક ખીલી લગાડવાનો પ્રોગ્રામ પડતો મૂક્યો..

અને એક સરસ પુસ્તક જોયું: કીટી-પાર્ટીમાં રમાડવાની રમતો. થેન્ક ગોડ, કોકી હજી સુધી કીટી-પાર્ટી વગેરેમાં જતી નથી..