તેર તારીખની એ બારસો

એમ તો આ પોસ્ટ લખવાનું મન થતું નહોતું, છતાં પણ નિષ્ફળતાની નોંધ થવી જોઇએ અને એમાં શરમાવવાનું શું? કારણ કે, આપણે પ્રયત્ન કર્યો છે. કોઇકને કદાચ આમાંથી કંઇક શીખવા મળે ન મળે, મને તો જરુર મળશે એ વિચાર આવ્યા પછી મારી ૧૩ ઓગસ્ટની ૧૨૦૦ની આ લાંબી પોસ્ટની શરુઆત કરુ છું..

૧૨૦૦ની જાહેરાત થઇ ત્યારે અખિલેશભાઇએ મને અંગત રીતે જાણ કરી એટલે તરત જ રજીસ્ટ્રેશન કરાવ્યું – ત્યારે બે વાત હું ભૂલી ગયો હતો: ૧. એ લોંગ વીકઅેન્ડ હતો અને ૨. ફ્રેન્ડ્સ અને ફેમીલી સાથે કદાચ ક્યાંક કાર્યક્રમ બની શકે તેમ હતો. વાત ક્રમાંક ૧ તો ઠીક, પણ વાત ક્રમાંક ૨માં ખાસ્સું એવું સમાધાન કરવું પડ્યું. કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે!

આ બી.આર.એમ. વગેરે એમ તો પૂરી કરવી સરળ છે, પણ તે માટેની તૈયારી બહુ સમય માંગી લે. ખાસ કરીને જો તે બીજા શહેરમાં હોય. મારી તૈયારીની શરુઆત થઇ – સાયકલને સરખી કરાવવાથી. એમાંથી થોડું મોડું કર્યું અને છેલ્લા અઠવાડિયામાં દોડમદોડી થઇ. બ્રેક પેડ્સ બદલાવવાના હતા, જે ન બદલાવી શક્યો એટલે એમાં પાછલી બ્રેકના પેડ્સને આગલી બ્રેક્સના પેડ્સ સાથે બદલ્યા (એટલે કે થીગડાં કામથી ચલાવ્યું!). ટાયર બદલાવ્યા, ગીયર્સમાં લોચા હતા તે સરખા કર્યા વગેરે. છેવટે, ૧૨૦૦ કિમી ચલાવવા લાયક સાયકલ તૈયાર થઇ એટલે શાંતિ થઇ. હવે, બીજું મુખ્ય કામ હતું – સુરત જવું કેવી રીતે? સરળ. કારમાં. મુશ્કેલ? કાર ક્યાંથી લાવવી. ઉપાય? ભાડેથી. ક્યાંકથી કોઇની મદદથી કાર તો મળી, પણ બે જણાં હોય તો સસ્તું પડે એટલે રાકેશને પૂછ્યું અને તેણે હા પાડી. એટલે એ પણ બરોબર થઇ ગયું. રહેવાની વ્યવસ્થા માટે, પિયુષની ઓળખાણથી ફરી સુરત જીમખાનામાં ગોઠવ્યું, જ્યાંથી સ્ટાર્ટ પોઇન્ટ (અને એન્ડ પોઇન્ટ) કંટ્રોલ ૧૦૦ મીટરના અંતરે જ છે. તો ઓલ સેટ? ના. રાકેશને છેલ્લી ઘડીએ કંઇ કામ આવી ગયું એટલે છેવટે મારે એકલા જ કારમાં જવાનું થયું. ડ્રાઇવર જોડે બે વાર બાબતો સ્પષ્ટ કરી અને શુક્રવાર સવારે (એટલે કે ૧૨ ઓગસ્ટે) કાર આવી ગઇ. સાયકલ અને સામાન બરાબર ગોઠવી અને લાંબી મુસાફરીની શરુઆત થઇ.

સુરત સુધી રસ્તામાં ખાસ વરસાદ નહોતો પણ નવસારીથી વરસાદ શરુ થયો. ડ્રાઇવરે રસ્તામાં સારો એવો ટાઇમપાસ કર્યો અને એનો ઇતિહાસ, બિઝનેશ, ભૂગોળ, કુટુંબ, એણે કેવી રીતે ૧ રુપિયાના રોકાણથી કરોડોનું ટર્નઓવર અને નુકશાન કર્યું અને કુટુંબમાં કોણ છે અને કોણ નથી અને કેટલા આઇફોન લીધા – એવી બધી જ માહિતી આપી દીધી. મને પૂછ્યું – તમે સોશિયલ મીડિયા નથી જોતા? મેં કહ્યું – ના 😀

જલારામના ફાફડા – જેના પછી ડ્રાઇવરનો જોશ બમણો થયો..

સમયસર સુરત પહોંચીને આરામ કર્યો. સાયકલ ફરી જોડી અને બપોરે આરામ કર્યો. સાંજે બી.આર.એમ.ની બ્રિફિંગ મિટીંગમાં જવાનું હતું એ પહેલાં પિયુષ જોડે નજીક જ રહેલા મૈસુર કાફેમાં ડિનર માટે ગયો અને ત્યાંથી બી.આર.એમ. રાઇડર્સ જોડે મુલાકાત. એ સમયે બહુ વરસાદ હતો. હવે આરામ હતો. સમયસર ઉઠી જવું એ સવારની સૌથી સારી શરુઆત કહેવાય એટલે એ માટે જલ્દીથી રુમ પર પાછો ફર્યો.

સોનગઢ, સૂસવાટ અને સવાસોનો કેબલ

સવારે સમયસર ૬ વાગે રાઇડ શરુ થઇ. અમારે પહેલા પલસાણા ચોકડી અને ત્યાંથી સોનગઢ તરફ માંડલ ટોલનાકા સુધી જવાનું ત્યું. ૯૦ કિમી સરસ ગયા. ટ્રાફિક પણ નહી અને રસ્તો પણ એકંદરે સારો. થોડો વરસાદ શરુ થયો પણ બહુ નહોતો. લગભગ બધા જ અંતર સુધી વડોદરાનો જાગૃપ મારી સાથે જ હતો એટલે આરામથી વાતો કરતા-કરતા રસ્તો પૂરો થયો. ૯૦ કિમીના કંટ્રોલ પર બ્રેવે કાર્ડ પર સ્ટેમ્પિંગ અને ફોટો સેશન પછી અમુલ કાફે પર પફ અને ચાનો બેવડો ડોઝ લેવામાં આવ્યો. ત્યાં ધુલેના સુનિલ નાઇક મળ્યા અને થોડી વાતોનો દોર પણ ચાલ્યો.

શાંતનુ, હું, જાગૃપ અને અખિલેશભાઇ

ત્યાંથી ફરી પલસાણા જવા માટે પ્રયાણ કર્યું. હવે પછીનો કંટ્રોલ પોઇન્ટ ૨૬૧ કિમી (કરજણ) પર હતો. એટલે અમારે લગભગ ૧૭૦ કિમી પસાર કરવાના હતા. પલસાણા આવતા પહેલાં સાયલિસ્ટોના નં ૧ દુશ્મન એવા હેડવિન્ડ નો સામનો થયો અને માંડ માંડ પલસાણા પહોંચ્યા. જાગૃપ ત્યારે પાછળ રહી ગયો હતો અને હવે હું એકલો જ હતો. જેવો NH-8 પર આવ્યો ત્યારે ટ્રાફિક અને ખરાબ રસ્તાની શરુઆત થઇ. રસ્તો તો ઠીક પણ ટ્રાફિકનો વારંવાર સામનો થયો. એક વખત તો કંટાળીને સામે દેખાતા મેકડોનાલ્ડમાં બેસીને કોફી પીધી ત્યારે થોડી શાંતિ થઇ. છેક અંકલેશ્વર સુધી લગભગ આમ જ ચાલ્યું અને પછી થોડી સ્પીડ પકડીને કરજણ પહોંચ્યા ત્યારે રાત્રે ૭.૩૦ થઇ ગયા હતા. ત્યાં પહોંચીને આરામથી કોફી પીધી. એ વખતે થયું કે ચાલો હવે પાવરબેંકથી લાઇટ ચાર્જ કરીએ. પણ, પછી થયું કે જવા દો – જરુર પડશે ત્યારે કરીશું. આ એક ભૂલ હતી! હવે ત્યાંથી આગળ વધ્યો ત્યારે ખબર પડીકે ફ્રંટ લાઇટ તો ચાર્જ જ નથી! લો ત્યારે! તો કંઇ નહી, પાવરબેંકનો કેબલ લગાવીને ચાર્જમાં મૂકી – ચાર્જ જ ન થાય. તેનાથી ગારમિન ચાર્જ કર્યું તો ગારમિન પણ ચાર્જ ન થયું. જો પાવરબેંક બંધ પડી તો માર્યા ઠાર. પછી ટેસ્ટ માટે યુએસબી-C કેબલથી મોબાઇલ ચાર્જ કર્યો તો થયો. એટલે કે કેબલ જ ખરાબ હતો. જોકે મારી પાસે બીજી લાઇટ હતી પણ તે પણ ૪-૫ કલાકથી વધુ ચાલે તેમ લાગી નહી એટલે કોઇ મોટી હોટલ જેમાં દુકાન જેવું હોય તો તે શોધતા આગળ વધ્યો અને છેવટે એવી હોટલ મળી એટલે સૌથી પહેલું કામ જૂનાં કેબલને કચરા પેટીમાં નાખવાનું કર્યું. અને, જે કેબલ ૨૦-૩૦ રુપિયામાં મળે તે સવાસોમાં લેવો પડ્યો (અને હા, કંટ્રોલ પોઇન્ટ પરની બેગમાં બીજો કેબલ પણ હતો ;))

બોધપાઠ: કેડમાં છોકરું અને ગામમાં શોધવું.

આણંદથી મંગળ

પછી સવારી ચાલુ થઇ રાતની મજા સાથે. હવે, બે લાઇટ્સ ચાલુ રાખી અને આરામથી આણંદ પસાર કર્યું. રસ્તો સરસ હતો એટલે મઝા આવી. કરજણ પછી હું એકલો જ હતો પણ સરવાળે એકાદ વખત કૂતરાં પાછળ પડવા સિવાય કોઇ ખાસ ઘટના ન બની. હા, રસ્તામાં એક જગ્યાએ સરસ કાઠિયાવાડી સાદી ખીચડી ખાધી (સાદી ખીચડીમાં પણ તજ, લવિંગ અને મસાલાનો ભરભાર – લો બોલો!) હવે, અસલાલી પહોંચ્યો ત્યારે ધ્યાનથી રીંગ રોડ તરફ વળ્યો અને હું આવી પહોંચ્યો – મંગળ ગ્રહ પર! હા, એવો જ અલૌકિક અનુભવ. અંધારુ, ખાડા અને ગંધ મારતું વાતાવરણ. મને એમ કે આવું થોડું જ હશે, પણ મઝા હજુ બાકી હતી. પાંચેક કિમી પછી જ્યાં નવા ફ્લાયઓવર બને છે, તેની બાજુનો રસ્તો પસાર કરતા તો આંખોમાં શુક્ર, બુધ અને પ્લુટો દેખાઇ ગયા. સવારે વહેલા પહોંચવાનો જે પ્લાન હતો તે મૂકાયો તડકે અને આરામથી વૈષ્ણોદેવી સર્કલ ગયો, જ્યાં અમારી હોટેલ હતી. રસ્તામાં કેટલાય અમદાવાદી સાયકલિસ્ટ દેખાયા. હોટેલ પહોંચ્યો ત્યારે અમને મળેલા રુમમાં સુરતના ધર્મેશભાઇ આરામ કરતા હતા (એક રુમમાં ત્રણ સાયકલિસ્ટ). ફટાફટ શાવર લઇને સૂવાની તૈયારી કરતો હતો ત્યારે જાગૃપ આવી ગયો. અને રસ્તામાં તેણે તેનો ફોન ગુમાવ્યો હતો. અમે નક્કી કર્યું કે ત્રણેક કલાકમાં નીકળી જવું. આ ત્રણ કલાક ક્યારે પૂરા થયા તે ખબર જ ન પડી!

અમદાવાદથી પાલનપુર વાયા કડી કલોલ

હવે અમારો ફેવરિટ રસ્તો હતો. પાલનપુર!! મમ્મી-પપ્પા ત્યારે પાલનપુર જ હતા, તો તેમને કહેલું કે જો માનવીય સમય (એટલે કે દિવસના સમયે!) દરમિયાન હું પાલનપુર પસાર કરીશ તો લંચ કે ડિનર માટે તમને હાઇવે પર મળી શકીશ. અને, લાગ્યું કે લંચ માટે મળી શકાય. તો પણ, નક્કી કર્યું કે સિદ્ધપુર પહોંચીને જ ફોન કરું. એ પહેલાં નિઝિલ પણ મહેસાણામાં હતો તો તેને પણ વિકિહેલ્લો કરતા જવાનું નક્કી કર્યું અને કલાક પહેલા ફોન કર્યો. આ વખતે જાગૃપ જોડે હતો અને રસ્તો સારો હતો એટલે સાયકલ ચલાવવાનો સ્ટેમિના સારો રહ્યો. મહેસાણામાં નિઝિલને રાધનપુર ચોકડી પર મળ્યો. કદાચ ચારેક વર્ષ પહેલા આવી જ કોઇ મેહોણા મુલાકાત દરમિયાન મળેલા. વિકિપીડિયા પર થયેલી ઓળખાણ પછી અંગત રીતે બીજી વખત મળવાનું થયું. થોડી વાતો કરી. આઇસક્રીમ ખાધો અને પછી પાલનપુર જવા નીકળ્યા.

સંકલ્પનો સંભાર, પાલનપુર

પાલનપુર હાઇવે પર મમ્મી-પપ્પા પહોંચી ગયા હતા એટલે સીધા જ સંકલ્પમાં ગયા અને આરામથી બેસી વાતો કરી અને ઢોસા ખાધા. સંકલ્પનો સ્વાદ એવો જ લાગ્યો. મુંબઈમાં તો નજીકમાં હવે કોઇ સંકલ્પ હોટેલ રહી નથી એટલે ઘણાં વર્ષો પછી આ ટેસ્ટ મળ્યો. પાલનપુર પર પહોંચ્યા ત્યારે કુલ અંતર મારા ગારમિન પ્રમાણે ૫૮૪ કિમી થયું હતું. હવે અહીંથી આબુરોડ અને પછી ત્યાંથી માઉન્ટ આબુ પહોંચવાનું હતું. પાલનપુરમાં સંખ્યાબંધ ગાય (હે ગાય્સ!) અને ટ્રાફિક પસાર કરી આબુરોડ તરફ પહોંચવાનું શરુ કર્યું. રસ્તામાં બાલારામનું પાટીયું જોયું અને જૂની યાદો તાજી કરી. ફરી ક્યારેક આવીશું સાયકલ પર બાલારામ! આબુરોડ પહોંચતા પહેલા અંધારુ થઇ ગયું હતું અને હાઇવે થી આબુરોડ તરફ જવાનો ફાંટો અદ્ભૂત હતો. આટલા મોટા હીલસ્ટેશન પર જવાનો રસ્તો આટલો સાંકડો, ગંદો અને ભંગાર? :/ જે હોય તે, આબુરોડ પહોંચી થોડો આરામ કર્યો અને સ્થાનિક લોકોની સાથે આગળ પહોંચેલા રાઇડર્સ તરફથી ચેતવણી મળી કે હવેના રસ્તા પર ટ્રાફિક હશે એટલે સંભાળીને ચલાવજો. આમ પણ, ૬૦૦ કિમી પછી પગ થાક્યા હતા એટલે આરામથી જવાનું હતું. માઉન્ટ આબુનું ચડાણ શરુ કર્યું અને સામેથી આવતા ટ્રાફિકથી બચવાની સાથે અઘરું ચડાણ કરવાનું હતું. કુલ ચડાણ હતું – ૧૭.૮ કિમી. થોડા સમય પછી ઉપરથી આવતો ટ્રાફિક બંધ થયો અને જાગૃપ પાછળ રહી ગયો. આજુ-બાજુથી માત્ર વરસાદમાં બનેલા ધોધનો અવાજ અને રીફલેક્ટર્સના ચમકારા – બસ આ જ દ્રશ્ય જોવા મળે! લગભગ ૨ કલાક પછી એક હનુમાન મંદિર આગળ હું રોકાયો. ૧૦ મિનિટ ઊંઘ લીધી પછી ૪ કિમી બાકી હતા, જે એકંદરે સરળ હતા અને માઉન્ટ આબુ શહેરમાં અમારા કંટ્રોલ પોઇન્ટ પહોંચ્યો. ત્યાં ધર્મેશ, શાંતનુ અને અખિલેશભાઇ રુમમાં હતા. થોડી વાતો કરી અને થોડો થાક ખાધો. ભૂખ લાગી હતી અને જાગૃપ આવ્યો પછી થોડા સમયમાં નીકળી ગયા અને સરસ પંજાબી ડીનર કર્યું. હવે નીચે ઉતરવાનો રસ્તો હતો અંધારા કાયમ રહેગા જેવો! અંધારુ, અંધારુ અને માત્ર અંધારુ!

આબુથી અમદાવાદ

માઉન્ટ આબુની તળેટીમાં આવ્યા ત્યારે વરસાદ શરુ થઇ ગયો અને છેક હાઇવે સુધી રહ્યો. રસ્તામાં ન છૂટકે એક કલાકની ઊંઘ લેવી પડી અને જોકે બહુ કામમાં આવી અને તેના પછી ચા-પાર્લે બિસ્કિટના જોર પર છેક પાલનપુર સુધી સાયકલ ચલાવવાની મઝા આવી. હવે જાગૃપ પાછળ હતો અને ધર્મેશનો સાથ હતો. મહેસાણામાં એક જગ્યાએ સરસ લંચ કર્યું.

થાળી!

મહેસાણાથી અમદાવાદની મુસાફરી એકંદરે ઠીક રહી. અમદાવાદ પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઇ હતી અને અમારા પગની રાત પડી હતી. નક્કી કર્યું કે ૨ કલાક આરામ કરીએ પણ નીકળતા ૮.૩૦ જેવા થઇ ગયા. જાગૃપ આવી ગયો હતો અને ધર્મેશ આગળ. મને મોટ્ટો ડર હતો રીંગરોડના ખાડાઓનો એટલે જોડે જ ચલાવવાનું નક્કી કર્યું, તો પણ અસલાલી પહોંચ્યા પછી બધાં અલગ-અલગ થઇ ગયા હતા.

ક કરજણનો ક, પ પગનો પ

રસ્તામાં વિવેક મળ્યો જે તેના દર્દભર્યા પગની સાથે પણ સાયકલ ચલાવતો હતો, પછી ખબર પડીકે પેઇનકીલર લઇને ચલાવતો હતો. મને થયું – આ પેઇનકીલર એટલે શું? 🙂 પેઇનની વાત નીકળી તો યાદ આવ્યું કે વાર્તામાં ખરો પેઇન તો હજુ પેન ડાઉન કરવાનો બાકી છે! પહેલો વળાંક આવ્યો હતો પેટના પેઇન સાથે, જે ટોલનાકાના ટોઇલેટ પર થોડો શમ્યો. પછી, શાંતિ થઇને હું આગળ નીકળ્યો. હવે પછીનો કંટ્રોલ કરજણ હતો. કરજણ પહોંચતા સુધીમાં જોરદાર વરસાદ આવતો-જતો હતો. વડોદરા બાયપાસ આગળ ક્યાંક જાગૃપ મળ્યો અને અમે સાથે જ કરજણ પહોંચ્યા. અહીંથી હવે ખરો ખેલ બાકી હતો. હવે ૧૫૦ કિમી હતા અને મારી પાસે લગભગ ૧૨ કલાક બાકી હતા. ગમે તેવો રસ્તો હોય તો પણ હું ૧૨ કલાકમાં આટલું અંતર પૂરું કરી શકું. એટલે કંટ્રોલ પર પહોંચીને આરામથી નાસ્તો કર્યો. વાતોના વડા કર્યા વગેરે..

ફુડકોર્ડમાં ફુગાયેલો હું – ફું ફું!

નીકળતા પહેલાં હાથમોજાં-રુમાલ કાઢીને ક્યાંક મૂક્યા, જે હું ત્યાં જ ભૂલી ગયો અને ત્યાંથી ભૂલોની પરંપરા ચાલુ થઇ. રાઇડ ચાલુ કર્યા પછી એકાદ કિમીમાં જ પગ અચાનક દુખવા આવ્યા. જાગૃપને કહું, ભાઇ, ધીરો પડ. શૂઝ ખોલીને જોયા તો પાંવમેં પડ ગયે છાલે. હવે આગળ જવાય જ નહી. જેમ તેમ કરીને થોડું અંતર કાપ્યું. આગળ એક હોટેલથી જાગૃપ મારા માટે બે-ત્રણ જોડી ચંપલ ઉઠાવીને લાવ્યો, એમાંથી એક પસંદ કર્યા અને એ દુકાન વાળાએ અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવીને ત્રણ ગણા પૈસા પડાવ્યા. દુઆ મેં યાદ રખના – બીજું શું? 😉

હવે ક્લીટ વાળા પેડલ પર ચંપલ પહેરીએ તો શું થાય એ સાયકલિસ્ટ જ જાણી શકે અને એ દિવસે જાણ્યું કે આ ન જાણીએ તો જ સારું. જાગૃપને આગળ મોકલ્યો. અખિલેશભાઇ હજુ પાછળ જ હતા એટલે તેમની કારની રસ્તામાં રાહ જોઇ અને તેમને મળી બેગમાંથી સેંડલ લીધા. એ વખતે પગની હાલત કંઇક આવી હતી:

તો પણ, આગળ વધ્યો. હવે પગની સાથે રસ્તાની પણ હાલત ખરાબ થતી જતી હતી. ભરુચ નર્મદા બ્રીજ પસાર કર્યો ત્યારે ફરી વરસાદ શરુ થઇ ગયો હતો. એક સમયે લાગ્યું કે પગમાં ફ્રેકચર થવાની શક્યતા લાગે છે. એ પહેલાં કોઇ રેન્ડમ ગામમાં સાયકલ સ્ટોરની પણ તપાસ કરી ૩૦ મિનિટ પણ બગાડી હતી. છેવટે, એક જગ્યાએ બેઠો, વિચાર કર્યો, અખિલેશભાઇને ફોન કર્યો કે હું હવે બી.આર.એમ. છોડી રહ્યો છું. તેમને મને ઘણો સમજાવ્યો, પણ હવે મન અને પગ બંને થાક્યા હતા. પણ, વાર્તા હજુ બાકી હતી. લગભગ ૧૧૨૫ જેવું કુલ અંતર કપાયું હતું (સ્ટાર્વા ૧૧૩૫ બતાવે છે, જે ખોટું હતું!).

મદદ મદદ મદદ

હોટેલમાં થોડો ફ્રેશ થયો, ચા પીધી, પણ મને ઠંડી ચડી હતી. ઉબર-ઓલા કે ટેક્સી ક્યાંય દેખાયા નહી. હોટેલ વાળાને પૂછ્યું તો ત્યાં રહેવાની જગ્યા નહોતી. માર્યા ઠાર. હવે શું કરવું? પિયુષને ફોન કર્યો અને જાણકારી આપી અને ટેક્સીનું સેટિંગ કરવાનું શરુ કર્યું. આ બાજુ અખિલેશભાઇને પણ જણાવ્યું અને તેમણે તરત તેમની ઓળખાણમાં આજુબાજુના લોકો જોડે વાત કરી અને અંકલેશ્વરમાં રહેતા બે સાયકલિસ્ટને મને લેવા મોકલ્યા. હરીશભાઇ અને લલિતભાઇ છેક અંકલેશ્વરથી અજાણ્યા સાયકલિસ્ટને સુરત સુધી ગાડીમાં સાયકલ સાથે મૂકી જાય! તેમની આ મદદ મને હંમેશા યાદ રહેશે. તેઓએ પહેલા પિયુષના ઘરે સાયકલ મૂકાવડાવી પછી મને એન્ડ કંટ્રોલ પોઇન્ટ પર છોડ્યો. ત્યાં સુરતનું નિયમિત એવું સેલિબ્રેશન થયું અને વાતોનો બીજો દોર ચાલ્યો. ત્યાંથી મારો સામાન લઇ રીક્ષામાં પિયુષના ઘરે આવ્યો. જમણો પગ કંઇ ખાસ કામ કરતો નહોતો, તો પણ, ધીમે-ધીમે આરામથી આવી પહોંચ્યો. નહાવામાં ૧ કલાક ગુજારીને જ્યારે સૂઇ ગયો ત્યારે કંઇક શાંતિ થઇ. બીજા દિવસે સવારે નાસ્તો કરી મુંબઈ જવા નીકળ્યો અને ઘરે શાંતિથી પહોંચ્યો. પિયુષનો અત્યંત આભાર, તે પણ તેની ટ્રીપમાંથી થાકીને જ આવ્યો હતો.

હવે શું?

બીજું શું? બીજી ૧૨૦૦ 😉

અપડેટ્સ – ૨૪૪

  • લો અમે ફરી આવ્યા છીએ. એજ જુનાં-પુરાણા અને ઐતિહાસિક સાયકલિંગ અપડેટ્સ સાથે. જુલાઈમાં સુરત-મનોર-સુરત ૪૦૦ બી.આર.એમ. કરી અને ધોવાયેલા રસ્તાઓની સાથે જ અમે ધોવાઇ ગયા. બે વખત પંકચર સાથે માંડ-માંડ રાઇડ પૂરી કરી. જોકે પછીના દિવસે સુરતી લોચાની મઝા લીધી ખરી. હવે ફરી પાછો સમય થઇ ગયો છે – ધોવાઇ જવાનો અને કદાચ જો આ ૧૨૦૦ થોડી જલ્દી પૂરી કરીએ તો લોચો પણ ખાવા મળે. એ લાલચમાં કદાચ જલ્દી પણ થઇ જાય 😉 અર્થાત, લોચા ફોરએવર!
  • જોકે આ વખતની ૧૨૦૦માં મારા માનીતા સ્થળ એવા માઉન્ટ આબુ સુધી જવાનું છે. પહેલાં રસ્તો વધારે રમણીય હતો, પણ રસ્તા રમણીય નહોતા એટલે પછી જૂનાં અને જાણીતા અને ભીડભાડ ધરાવતા NH-8 પર પાછી રાઇડ કરવાની આવશે. સારી વાત એ કે ખાવા-પીવાની કોઇ તકલીફ રહેશે નહી. ૧૨૦૦માં કદાચ વજન વધી પણ જાય.
  • ઓગસ્ટની પેલી પ્રબલગઢ ફૂટહિલ્સ હાફ મેરેથોન દોડ્યા પછી દોડવાનો જોશ ઠંડો પડ્યો છે. વધુમાં ૨૧ ઓગસ્ટની આલ્ફા ટ્રેલ હાફ મેરેથોન રદ થઇ ગઇ છે. એટલે હવે દોડવાની કોઇ તક દેખાતી નથી. જોકે આ ૧૨૦૦ પછી ત્રણેક અઠવાડિયા માટે મારે પ્રોફેસરની ડ્યુટી પાછી આવશે એટલે એ સમય દરમિયાન દોડવાની ઉજ્જવળ તકો રહેલી છે. દોડીને તો કોલેજમાં ન જવાય પણ એ દરમિયાન સાયકલિંગ ઠંડુ પડે એટલે દોડવાનો કાર્યક્રમ ઘડી શકાય તેમ છે. હા, જૂની અને જાણીતી ટાટા મુંબઈ મેરેથોન પાછી આવશે (કાલથી કદાચ રજીસ્ટ્રેશન શરુ થશે એવું ક્યાંક વાંચેલું) તો એ ફૂલ મેરેથોનથી ૨૦૨૩ની શરુઆત થશે.
  • ખાસ સમાચાર: બિલાડો મઝામાં છે.

બે બી.આર.એમ.

એમાં થયું એવું કે ૮ ફેબ્રુઆરીએ ૪૦૦ અને ૧૫ ફેબ્રુઆરીએ અમારી ૪૦૦ અને ૬૦૦ કિમી બી.આર.એમ. હતી. સોરી ફોર મોડો રીપોર્ટ. એના પહેલાંનો સા.ફ્રા. રિપોર્ટ હજુ ડ્રાફ્ટમાં છે અને આશા રાખું છું કે આ મહિનામાં નવી ટ્રીપ આવે એના પહેલાં એ જન્મ પામશે 😉

૦૦

સૌથી પહેલાં ૪૦૦નો રિપોર્ટ. એકદમ સરળ છે. ૪૦૦ કિમી સાયકલ ચલાવવાની. જોકે આ સરળ કામમાં આડખીલી હતી ગયા મે મહિનાની ૪૦૦, જેમાં અમે અમારા મિત્ર નોએલને ગુમાવ્યો હતો. એટલે જ્યારે ૪૦૦નો માર્ગ નક્કી થયો ત્યારે નક્કી કર્યું કે આ બીઆરએમ નોએલને સમર્પિત કરવી અને એકદમ સરસ રીતે પૂરી કરવી. ઘરેથી હું ૨૩ કિમી રાઇડ કરીને ગયો જેથી સવાર-સવારમાં ટેક્સી વાળા જોડે માથાકૂટ ન કરવી પડે અને મગજ શાંત રહે. સમયસર પહોંચી ગયો અને શરૂઆતમાં તો આરામથી અને પછી થોડી સ્પિડ પકડી. માલસેજ ઘાટ પહેલાં મસ્ત ઠંડકની મજા લેતો ૧૦૦ કિમી પર પહોંચ્યો ત્યારે મારી જોડે બીજાં ત્રણ જણાં હતા. નિહાર, શશી અને સુધીર. ત્રણેય અનુભવી રાઇડર્સ એટલે મને બહુ રાહત થઇ. નક્કી કરેલું કે જરા પણ થાક લાગે તો ઘાટ પર જરાય શરમાયા વગર ઉભા રહીને આરામ કરવો. પ્રથમ તબક્કાના ઘાટ પર પહોંચીને લીંબુ-પાણી પીધું અને પર્વતોને માણ્યા.

ત્યારપછી ઘાટનો બીજો તબક્કો રોકાયા વગર પાર કર્યો અને ઓતુર આગળ જમવા માટે રોકાયો ત્યારે નિહાર-શશી-સુધીરથી આગળ નીકળી ગયો હતો અને પછી લગભગ સાંજ પડી ત્યાં સુધી એકલો જ હતો. રસ્તામાં બે-ત્રણ ક્લિક કર્યા પણ મારો ઇરાદો તકલીફ વાળા રસ્તાઓને બને ત્યાં સુધી દિવસ દરમિયાન જ પાર કરવાનો હતો. જે એકંદરે સફળ થયો એમ કહેવાય. પછી પડી લાંબી રાત અને અમારે વેશ પણ ઝાઝાં હતા.

હવે હું થોડી-થોડી વારે રોકાતો હતો અને છેવટે નિ.શ.સુ. ગેંગ મળી અને અમે નક્કી કર્યું કે જોડે જ રાઇડ કરી. નાસિક અમે ૧૦ વાગ્યા જેવા પહોંચ્યા અને ત્યાં રોકાયા વગર નીકળી ગયા. મારો પ્લાન તો બે કલાક ઉંઘ લેવાનો હતો પણ, પછી થયું જવા દો. ત્યાંથી પછી ઇગતપુરી સુધી પહોંચ્યા પછી મને ઠંડી ચડી. સુધીરે મને તેની ટી-શર્ટ આપી એટલે રાહત થઇ. કસારા ઘાટ પર આ વખતે સૌપ્રથમ ઉતરતી વખતે પેડલ મારવા પડ્યો એટલો બધો સામો પવન (એટલે કે – હેડવિન્ડ) હતો. એક સમયે તો એવું લાગ્યું કે હું પડી જઇશ એટલે થોડી વાર સાઇડમાં ઉભો રહી ગયો. પછીના ૫૦ કિમી આરામથી કર્યા પછી સૌથી પહેલા કોણ પહોંચે તેની રેસ લગાવી જેમાં છેલ્લે-છેલ્લે ૫ કિમીમાં બરોબર સાયકલ ભગાવીને હું કલ્યાણ પહોંચ્યો.

૪૦૦!

ત્યાંથી પાછું ઘર ૫૦ કિમી હતું. પહેલાં તો વિચાર આવ્યો, ચાલો રાઇડ કરીએ. પછી થયું. મૂકો તડકે અને પકડો ટેક્સી 🙂

૬૦૦

૬૦૦ માટેનો રિપોર્ટ પણ સરળ છે. ૩૦૦ વત્તા ૩૦૦! પણ આ ૬૦૦ હતી, સુરત-અમદાવાદ-સુરત એટલે સુરત જવું પડે. સૌ પહેલાં મારો શેતાની પ્લાન હતો ૧૪ તારીખે અહીંથી સુરત રાઇડ કરીને જવું. પણ સંત વેલેન્ટાઇન તરફ જોયા પછી આ શેતાની પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો. અનિરુદ્ધ અને મયૂરની જોડે ગાડી (કાર)માં જવાનું નક્કી થયું.

શરૂઆતમાં બિલાડીના શુકન થયા એટલે થયું કે હવે તો આ બીઆરએમ મસ્ત જ જશે. જોડે શરૂઆત મોડી થઇ અને અમારા અનુમાન મુજબ ૪ વાગે સુરત પહોંચવાની જગ્યાએ અમે ૮ વાગે પહોંચ્યા. ત્યાં હોટેલ સ્ટાર્ટ પોઇન્ટ આગળ જ હતી. પહેલાં સાયકલ સરખી કરી. ડિનર કર્યું અને પિયુષ અમને મળવા આવ્યો. એ પહેલાં કોકો પીધો (એના વગર ચાલે?). પિયુષે અમને અલગ પ્રકારના આઇસક્રીમનો ટેસ્ટ કરાવ્યો.

હવે રાઇડ પર આવીએ. અખિલેશભાઇનું કામકાજ એકદમ પરફેક્ટ. સમયસર રાઇડ શરૂ થઇ અને ૨ કિમી પછી સ્પિડ પકડી અને છેક ૩૪ કિમી સુધી નોન-સ્ટોપ ચલાવી. ૩૪ કિમીએ ઘરે અપડેટ આપી. પછી, લગભગ ૧૫૦ કિમી સુધી પાણીના બ્રેક સિવાય ક્યાંય ઉભો ન રહ્યો. પ્રથમ કંટ્રોલ પર ૫.૪૦ કલાકમાં પહોંચ્યો ત્યારે યાદ આવ્યું કે આ જ કંટ્રોલ પર ૧૦૦૦ બી.આર.એમ.માં હું છેલ્લે પહોંચ્યો હતો 😉 ત્યાં સીસીડીમાં ગયો અને થોડો ઠંડો થયો. હવે ગરમીની શરૂઆત થઇ ગઇ હતી એટલે નક્કી કર્યું કે હવે આરામથી જવું.

૧૫૦ થી ૩૦૦ લગભગ આરામથી ચલાવી. રોંગ રાઇડમાં આવતા વ્હીકલ્સથી બચતો-બચતો અસલાલી (અમદાવાદ) પહોંચ્યો ત્યારે રાત પડી ગઇ હતી. રીટર્ન પર પહોંચ્યો એ પહેલાં ગારમિન અચાનક બંધ થઇ ગયું એટલે હોટેલ પર પહોંચીને ૩૦૦ કિમીની રાઇડ સાચવી લીધી અને પછી ત્યાં લગભગ ૨ કલાક જેવો સૂઇ ગયો, શાવર લીધો અને પછી ૧૧.૧૫ જેવો નીકળ્યો ત્યારે ખબર પડી કે ૪ રાઇડર્સ નીકળી ગયા છે. ૫૦ કિમી જેવા અંતરે એ લોકો મળ્યા ત્યારે ઠંડી શરૂ થઇ ગઇ હતી. પીબીપીના ઠંડા-કડવા અનુભવ પછી મોઢું-કાન ઢાંકી રાખું છું એટલે સારું રહે છે. તો પણ, જ્યારે એકલા અને રાત્રે સાયકલ ચલાવો ત્યારે ઠંડી વધુ લાગે. ચાર રાઇડર્સ (શશી, મેહુલ, ..) આણંદ પર રાતે રોકાવાના હતા અને મને તો પૂરતી ઉંઘ મળી ગઇ હતી એટલે હું આગળ વધ્યો. તો પણ, વડોદરા પહેલાં હાઇવે પર એક રેન્ડમ બસ સ્ટેશન પર ૧૦ મિનિટનું ઝોકું ખાવું પડ્યું!!

કરજણ ટોલ નાકા (૪૫૦ આસપાસ) પહોંચ્યો ત્યારે હું પહેલો જ પહોંચવા વાળો હતો. ત્યાં ફરી સીસીડીની કોફીનો લાભ લીધો અને ધીમે-ધીમે સુરત તરફ નીકળ્યો. ૨ કલાક સળંગ રાઇડ કર્યા પછી હવે ગરમીનો લાભ શરૂ થઇ ગયો હતો. આશ્ચર્યની વાત હતી કે ગઇકાલ કરતાં ગરમી વધુ હતી અને હવે સાયલિસ્ટના દુશ્મન હેડવિન્ડે પણ પરચો દેખાડવાનો શરૂ કર્યો હતો, એટલે બ્રેકની સંખ્યા વધતી ગઇ હતી..

હવે છેલ્લાં ૮૦ કિમી તકલીફ વાળા હતા. ગરમી, સામો તડકો, ૧૦૦ કિમીની ઝડપે સામેથી-રોંગ સાઇડમાં આવતા આત્મવિશ્વાસથી ભરપૂર ટુ-થ્રી-ફોર-વ્હીલર્સ! આઇસક્રીમ, લીંબુ પાણી, શેરડીનો રસ અને છેલ્લે ૩૦ કિમીએ રેડબુલ! આટલું પીધા પછી કોઇના હોશ ન રહે, તો પણ હું સુરત એમ.ટી.બી. કોલેજ પહોંચ્યો.

ફરી કોકો અને સોસિયો પીધો 😉 ત્યાં નિમેશભાઇ મળ્યા, જે મારા બ્લોગના વાચક નીકળ્યા (આ પોસ્ટ એટલે જ ફટાફટ લખવાનો વિચાર આવ્યો!). ત્યાં થોડો સમય વીતાવ્યા પછી ૭ કિમી બીજી રાઇડ કરીને માસ્ટરમાઇન્ડ જવા નીકળ્યો. સાયકલ ત્યાં સર્વિસમાં આપી અને ત્યાં પિયુષના ઘરે ગયો. ફ્રેશ થયો. મસ્ત સુરતી નાસ્તો અને પછી વાતોના વડાં. ઉંઘ હજુ ચડી નહોતી. પિયુષ જોડે ફરી કંટ્રોલ પોઇન્ટ પર ગયા અને અનિરુદ્ધ અને મયૂર આવ્યા ત્યાં સુધી રોકાયા. સુરતી ઘારીની ખરીદી કરી અને પછી તેના ઘરે પાછાં જઇને ‘ભાઇ-ભાઇ’ ખાતે મસ્ત ડિનર કર્યું. પિયુષ જોડે હોય એટલે ખાવાનું મસ્ત જ હોય, એ કહેવું પડે?

હવે, ખરી કઠણાઇ હતી કે અમારે પાછાં મુંબઈ આવવાનું હતું. સાયકલ હતી એટલે ગાડી ધીમી ચલાવવાની હતી પણ બધાંને ઉંઘ આવતી હતી એટલે એટલી ધીમી ગાડી ચલાવવામાં આવી કે છેક સોમવારે સવારે ૧૦ વાગે હું ઘરે પહોંચ્યો. પણ, સહી સલામત પહોંચ્યો – એ મહત્વનું હતું! 🙂

અપડેટ્સ – ૨૨૪: મિત્રો!

* થોડા દિવસ પહેલાં નક્કી થયું કે બધાં મિત્રો મળીએ અને અમે મળ્યા સુરતમાં. સુરતનું જમણ પ્રખ્યાત એટલે વજનમાં ૨ કિલોનો ધરખમ વધારો થયો (કોકો, ચીઝ સેન્ડવિચ, લોચો, ખમણી, રતાળુ-ટામેટાના ભજિયાઓ, સોસિયો અને ઘણું બધું!). કવિને મન ભરીને તેના નવા અને જૂનાં મિત્રો જોડે મસ્તી કાઢીને મન ભરીને મોબાઇલ પણ મચડ્યો. અમે મન ભરીને વાતો કરી અને મારી ક્ષમતા કરતા વધારે સુધી મોડા સુધી જાગ્યો અને અપવાદ રૂપે મોડો-મોડો ઉઠ્યો અને જરા પણ ન દોડ્યો 🙂 કોઇ વખત આમ કરવું એ મન-મગજ માટે સારું છે!

BRM ૧૦૦૦

વર્ષોથી અમારી ઇચ્છા એક ચાર આંકડા વાળી રાઇડ કરવાની હતી જે ગઇકાલે પૂરી થઇ. મુંબઈ-કચ્છ વખતે ૯૫૦ પર અટકેલા. જોકે આ વખતે પણ ગારમિન ૯૭૦ પર બંધ થયું, એટલે પછી ઘડિયાળનો ઉપયોગ કરવો પડ્યો પણ એનું કોઇ દુ:ખ નથી 🙂

દિવસ ૦:

અમારી આ BRM હતી, સુરત-આબુ રોડ-સુરત. જોકે અમારે આબુ રોડ જવાનું જ નહોતું અને ગુજરાત-રાજસ્થાનની બોર્ડરના ૧૦ કિમી પહેલા અવાલ ગામની હોટેલ વે-વેઇટથી પાછા વળવાનું હતું (યુ ટર્ન વધુ ૧ કિમી તેના પછી). લોકોની પાસે GPX હતી અને માર્ગ એકદમ સરળ હતો એટલે ભૂલા પડવાનો સવાલ નહોતો, તો પણ શું થયું એ આપણે આગળ જોઇશું. સવારે દીપ અમને અમારા ચા પોઇન્ટ પર મળવાનો હતો. ઘરેથી મને એમ કે સાયકલ લઇને ૫ કિમી જઇશું પણ ત્યાંજ જોરદાર વરસાદ શરુ થયો એટલે રીક્ષામાં ગયો.

રેડી ફોર રાઇડ!
રેડી ફોર રાઇડ!

વસઇ આગળ રાકેશને તેની પિનારેલો ડોગ્મા એફ૧૦ સાથે ગાડીમાં લીધો અને ત્યાંથી સુરત સુધીનું સ્મૂથ ડ્રાઇવિંગ અને સીધા માસ્ટરમાઇન્ડ બાઇક સ્ટુડિયોમાં જઇને સૌથી પહેલા બાઇક ચેક કરાવ્યું ત્યારે ખબર પડી કે પાછલા વ્હીલમાં કંઇક ગરબડ છે, તો પણ ૧૦૦૦ કિમી ચાલશે એવું લાગ્યું. વ્હીલ થોડું આડું હતું. બ્રેકપેડ્સ બદલાવ્યા. ઓઇલિંગ કરાવ્યું વગેરે. બપોરે વિનય-પિયુષને મળવા માટે ગયો અને ત્યાં વિનયની બર્થ ડે પાર્ટી એન્જોય કરી. હા, પિયુષે મને મારી બાંડિયા ગંજી ટી-શર્ટની જગ્યાએ સારી ટી-શર્ટ આપી અને મારી ટી-શર્ટ તેણે રાખી. આવતી સાલ તે એ ટી-શર્ટમાં ફીટ થશે એવું મેં કહ્યું છે.

સાંજે રાઇડ બ્રિફિંગ પતાવીને અને ડિનર કરીને (ખીચડી-કઢી!) રાત્રે વહેલા સૂવા માટે શેરવિનને ત્યાં ગયા. ઊંઘ આવી ન આવી અને સવાર પડી ગઇ.

દિવસ ૧:

સવારે ગાડી એક જ હતી એટલે અમે ત્રણ જણાં સ્ટાર્ટ પોઇન્ટ (એમટીબી કોલેજ) રાઇડ કરીને ગયા. આગલા દિવસે બાઇક ચેક સિવાય બધી ફોર્માલિટી થઇ ગઇ હતી એટલે ૬ વાગે રાઇડ શરૂ થઇ. પહેલાં ૩૩ કિમી સુધી રાઇડ સરસ થઇ અને પછી કુલ બે કલાકમાં ૫૫ કિમી પહોંચી ગયો પછી પાણી લેવા ટોલનાકા આગળ ઉભો રહ્યો. બે-ત્રણ કિમી આગળ ગયો અને પંકચર! ફટાફટ ટ્યુબ બદલીને આગળ વધ્યો. ઘણાં સમય પછી હેન્ડ પંપ વાપર્યો ત્યારે ખબર પડીકે ભાઇ આ તો બહુ ભારે વસ્તુ છે!! વધુ આગળ વધ્યો અને બીજું પંકચર. ફરી ટ્યુબ બદલીને આગળ વધ્યો અને ફરી ત્રીજું પંકચર. હવે આ તો ફ્લાયઓવર પર પડ્યું. ૨૭ કિમી પ્રતિ કલાકની સરેરાશ ઘટીને ૨૨ પર આવી ગઇ હતી! ત્યાંથી એક પંકચરની દુકાન દેખાઇ અને થયું કે બે પંકચર ફિક્સ કરી દઉં અને ટ્યુબ પણ બદલી દઉં. હું બે ટ્યુબ લઇને નીકળ્યો હતો. ત્રીજી ટ્યુબ બેગમાં હતી, જે પ્રથમ કંટ્રોલ પોઇન્ટ (કિમી ૧૪૭) પર હતો. પંકચરની દુકાનમાં પાણી હોય એટલે ફટાફટ પંકચર ઠીક થાય. ફટાફટ બે પંકચર ફિક્સ કર્યા અને ટ્યુબ બદલવા ગયો ત્યાં તે ટ્યુબ ફાટી ગઇ! તો પછી ઠીક કરેલી ટ્યુબ લગાવી આગળ વધ્યો. પાંચેક કિમી પછી ફરી પંકચર. હવે તો કોકીને ફોન કર્યો અને કહ્યું કે હવે જો પછી પંકચર થશે તો ઘરે પાછો આવી જઇશ. કોકીએ હિંમત આપી અને કહ્યું કે હજુ એક ટ્યુબ બાકી છે ને. તો હિંમતે મર્દા તો મદદે ભગવાન. ફરી આગળ વધ્યો અને રે મારા નસીબ!! ફરી પંકચર પડ્યું. આ વખતે એક પંકચર દુકાન નજીક હતી. ત્યાં જઇને પંકચર ઠીક કર્યા. કંટ્રોલ પોઇન્ટ હજુ ૨૨ કિમી દૂર હતો.

ત્યાં દીપને ફોન કર્યો. દીપે પણ હિંમત આપી કે, ડોન્ટ ક્વિટ! કંટ્રોલ પોઇન્ટ પર મારી બેગમાં ટાયર છે, તે લઇ લેજે. ટ્યુબ પણ છે. તો પછી, આ ૨૨ કિમી જીવ અધ્ધર રાખીને કંટ્રોલ પોઇન્ટ પર બપોરે ૨.૫૫ એ પહોંચ્યો ત્યારે હું છેલ્લો પહોંચવા વાળો હતો. ટાયર બદલ્યું. બોટલમાં પાણી ભર્યું. હા, મૂર્ખાઇ કરીને ટ્યુબ ન બદલી. ૧૦ કિમી આગળ ગયો ત્યાં ફરી પંકચર (ક્રમાંક ૬!) હવે તો હદ થતી હતી. તો પણ આગળ વધ્યો અને ધીમે-ધીમે ઝડપ વધારતો-વધારતો આગળ વધતો રહ્યો. આણંદ આગળ પહોંચ્યો ત્યારે રાત પડી ગઇ હતી.

img_20180901_192512

ત્યાંથી અખિલેશભાઇ, જાગૃતિબેન અને સમીર મળ્યા. તેમની જોડે આગળ વધ્યો ત્યાં પાછલી લાઇટ બંધ થઇ ગઇ. બદલી ત્યાં સુધીમાં તો એ લોકો આગળ વધી ગયા હતા. અમદાવાદ જવા માટે અમારે NH48 થી સરદાર પટેલ રીંગ રોડ લેવાનો હતો પણ સ્પિડ વધારવાની ધૂનમાં હું એ ડાબો વળાંક ભૂલી ગયો અને ૨.૫ કિમી જેટલું આગળ વધી ગયો. ફરીથી મેપમાં જોઇને એકાદ-બે જણને પૂછી પાછો આવ્યો અને ભંગાર રીંગ રોડ પરની સફર શરૂ કરી. અમદાવાદના રસ્તા આટલા ખરાબ હશે તેવું નહોતું ધાર્યું. હવે ઊંઘ અસર કરવા લાગી હતી, તો પણ આખરે ૩૩૧ કિમી પર અમદાવાદની મઢૂલી હોટેલ પર રાત્રે ૧.૧૫ એ પહોંચ્યો. દીપ-ચિરાગ અને રાકેશ ત્યાં ૭.૩૦ વાગે જ પહોંચી ગયા હતા અને ફરીથી રાઇડ કરવાની તૈયારી કરતા હતા. મારે તો સૂવાનું હતું એટલે શાવર લઇને ફટાફટ એક કલાક સૂઇ ગયો અને બે વખત એલાર્મ સ્નૂઝ કરીને ઉઠ્યો.

દિવસ ૨:

સવારે ફટાફટ નીકળી ગયો. અમદાવાદ-પાલનપુર આપણો ફેવરિટ રુટ. હજારો વખત તેના પર બસ-કાર-ટ્રેનમાં પ્રવાસ કરેલો અને ૨૦૧૫માં એક વખત સાયકલ પર પણ. એટલે જોશ હતો અને પાલનપુર મમ્મી-પપ્પા અને મિત્રો પણ મળવાના હતા. મહેસાણા સુધી ફટાફટ સાયકલ ચલાવી પછી થોડો નાસ્તો કર્યો. મેહોણા સ્ટાઇલની ફ્રેંચ ફ્રાય્સ.

ફ્રેંચ ફ્રાય્સના પાવર વડે આગળ વધતો હતો ત્યાં રસ્તામાં વિનય ગાડીમાં પાલનપુર જતો હતો ત્યાં મળ્યો. થોડી વાતો કરી. નીવે મારો સરસ ફોટો પણ પાડ્યો. પાલનપુર પહોંચતા ધાર્યા કરતા વાર થઇ. મમ્મી-પપ્પા ત્યાં વે-વેઇટ આગળ આવી ગયા હતા. સ્કૂલ ગ્રુપમાંથી વિનય, પરેશ (અને કથન), કેયુર, કુંતલ, શૈલેષ, ભરત ત્યાં આવ્યા હતા. ત્યાં ઊભા રહી ચા-બિસ્કિટ ખાધા. શીતળા સાતમનો પ્રસાદ ખાધો. થોડા ફોટા પડાવ્યા અને પાલનપુરનો ટ્રાફિક દેખી આગળ વધ્યો.

ત્યાં થોડી વાર પછી અનિલ મળ્યો. થોડીવાર ઉભો રહ્યો અને ૫૦૦ કિમી પહેલા અખિલેશભાઇ અને ગ્રુપ મળ્યું એટલે છેલ્લા પાંચ કિમી વાતો કરતા પૂરા કર્યા. એ પહેલા હેમંત, જે ટુર ઓફ અરાવલીથી પાછો આવતો હતો, તે સામેની બાજુએથી બૂમ પાડી પણ મારું મગજ અને મન તરત એક્ટિવેટ ન થયું અને મને પાંચ મિનિટ પછી યાદ આવ્યું કે ઓહ, એ તો નિરાલા હતો! કંટ્રોલ પોઇન્ટ ૪ પર હું ૧.૨૪ વાગ્યા જેવો પહોંચ્યો. ત્યાં થોડું જમીને અને વધુ પ્રવાહી પદાર્થો (જેવાં કે લસ્સી અને આપણું ફેવરિટ સોસિયો) લઇને તરત નીકળી ગયો. રીટર્નમાં રસ્તો થોડો ટફ હતો. બાલારામ યાદ આવી ગયું. ટોલનાકા આગળ આઇસક્રીમ ખાધો અને ત્યાંથી ફરી અખિલેશભાઇ અને જાગૃતિબેનની જોડે આગળ વધ્યો. લગભગ મહેસાણા સુધી અમે જોડે જ રાઇડ કરી પણ રસ્તામાં મારી ટેઇલ લાઇટ પડી ગઇ તે શોધવા અને લગાવવામાં ૧૫ મિનિટ બગડી. જે હોય તે. વચ્ચે-વચ્ચે લોકો મળતા રહ્યા અને હું આગળ વધતો રહ્યો. છેલ્લાં ૨૦ કિમી પસાર કરતાં-કરતાં પાછો જીવ નીકળી ગયો અને છેવટે રાત્રે ૨.૩૫એ હોટેલ મઢૂલી પર પહોંચ્યો ત્યારે ફરી દીપ-ચિરાગ-રાકેશ ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા. મૂર્ખાઇ નંબર ૨: મારી પાસે ઢગલો ટી-શર્ટ હોવા છતાં બે જ ટી-શર્ટ રાખેલી એટલે આજની ટી-શર્ટ ફરી ત્રીજા દિવસે પહેરવી પડી!

સવારે એસ.પી. રીંગરોડ પર જ અખિલેશભાઇ મળી ગયા અને થોડીવાર પછી ઝીણો વરસાદ શરૂ થઇ ગયો. રસ્તામાં મસ્ત વાતાવરણ અને બેકાર રોડને પસાર કરતા આગળ વધ્યા અને અખિલેશભાઇના વાહૂએ કંઇ ગરબડ કરી. મેં ગારમિનના વખાણ કર્યા અને અમે અસલાલી પહોંચ્યા ત્યાં સુધીમાં થાકી ગયા હતા. ખેતલાઆપાની ચા અને નાસ્તો તેમજ સેલ્ફીથી અમે રિલેક્સ થયા.

ત્યાંથી ફરી પાછો વરસાદ અને બરોડા એક્સપ્રેસ હાઇવેના જંકશન પર પહોંચ્યા ત્યારે અમે થેપલા પણ ખાધા 🙂

થેપલા પાવર વડે અમે આગળ વધ્યા અને ફરી પાછા લીજેન્ડ હોટેલમાં રોકાયા. ત્યાં બરોડા સાયકલિંગના લોકો મળ્યા અને ચીઝ સેન્ડવિચ, કોલ્ડ કોફી અને બીજો ઘણો નાસ્તો ઝાપટ્યો. ફરી પાછી રાઇડ શરૂ કરી અને છેવટે સાંજે ૫.૩૭એ કંટ્રોલ પોઇન્ટ પર પહોંચ્યો ત્યારે થાકી ગયો હતો. રાત્રિની તૈયારી રૂપે કોફી પીધી. થોડો રિલેક્સ થયો અને નીકળ્યો. હવે ૧૪૭ કિમીનો રસ્તો મારો અણગમતો હતો કારણકે રાત પડી ગઇ હતી અને સામેથી રોંગ રાઇડમાં આવતા લોકોનો ત્રાસ હતો. આ ત્રાસમાં વરસાદે વધારો કર્યો અને અંકલેશ્વર પહોંચતા સુધીમાં તો મને ઠંડી ચડી ગઇ. પાછો, હું એકલો હતો અને ગારમિન અને ફ્રંટ લાઇટ (જોકે બીજી લાઇટ હતી) બંને પાવર બેંક પર આધારિત હતા, જેની બેટરી બહુ જ ઓછી હતી. બોધપાઠ: વધુ એક પાવર બેંક જોડે રાખવામાં શરમ રાખવી નહી અને રાત્રે બધી જ વસ્તુ ચાર્જ કરી લેવી. ફેસબુકમાં અપડેટ કરતો આગળ વધ્યો. વચ્ચે એક જગ્યાએ ગારમિન ચાર્જ કરવા મૂક્યું પણ સમય બહુ વેડફાતો લાગતો હોવાથી આગળ વધ્યો. ધીમે-ધીમે જતો હતો. હવે ઊંઘ અસર કરવા લાગી હતી અને મને વિચિત્ર આકારો દેખાતા હતા. દા.ત. મંડપ બાંધ્યો છે અને લોકો નાચે છે 😀

રસ્તામાં મારું સ્ટેટસ અપડેટ જોઇને મુકુંદે ફોન કર્યો કે કાર્તિક, સૂવાનું નથી અને રાઇડ પૂરી કરવાની છે. તો પછી જીવમાં જીવ લગાવી દીધો. પલસાણા પહોંચ્યો એ પહેલા વરસાદ અને ભંગાર રસ્તાનો સામનો કર્યો. ત્યાંથી પછી ૩૩ કિમી બાકી હતા એ પહેલાં ગારમિને બાય-બાય કહ્યું. જોકે ૧૦ ટકા બેટરી બાકી હતી, તો પણ પછી ઘડિયાળ વાપરીને રાઇડ રેકોર્ડ કરી. ધીમે-ધીમે છેક ૬.૧૪ જેવી રાઇડ પૂરી કરી અને હાશ થઇ.

ત્યાંથી ફરી પાછો શેરવિનને ત્યાં રાઇડ કરવાનો પ્રયત્ન કર્યો પણ હાથ-પગ-મોં-બધું જ બૂમો પાડવા લાગ્યું એટલે થોડી મહેનત પછી રીક્ષા મળી એટલે તેમાં બેઠો અને મીટર વગરની રીક્ષાની સફર ઘણા સમયે કરી. શાવર લીધો અને દીપ જોકે એન્ડ પોઇન્ટ પર આવી ફટાફટ કેક ખાધી અને લોકોને મળીને મુંબઈ જવા નીકળ્યા. હું ઝોમ્બી સ્થિતિમાં હતો અને આ પોસ્ટ પણ એ જ હાલતમાં લખાઇ છે 😀

હવે? બીઆરએમ ૧૨૦૦ 🙂