અપડેટ્સ – ૨૧૯

* કેરાલામાં વરસાદ પડ્યો અને તેનો કાળો કેર સોશિયલ મિડિયામાં વધુ વાપ્યો. એમાય ફેસબૂકે તો પત્તર ફાડી દીધી અને લોકો આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને મોદીજીને નીચું દેખાડવામાંથી ઊંચા ન આવ્યા. હે રામ!

* ૧૫ ઓગસ્ટે અગાઉ લખ્યું હતું તેમ ૧૨ કલાકની મુંબઈ અલ્ટ્રા પૂરી કરી. લગભગ ૭૫ કિમી પૂરા કર્યા. કદાચ ૮૦ થઇ જાત પણ પછી થયું, જવા દો! પુષ્પક જોડે આરામથી આખા ગામના ગપાટા મારતા દોડ્યો અને બીજા અલ્ટ્રા રનનું પ્લાનિંગ પણ કરી દીધું.

હા, પગની બધી આંગળીઓના નખની હાલત વધુ ખરાબ છે. બાય બાય ઓલ નખ્સ.

* થોડા દિવસ પહેલાં સહકુટુંબ માલ્સેજ જઇ આવ્યા. સરસ જગ્યા. સપ્ટેમ્બર ૨૦૦૪માં ઓફિસમાંથી ત્યાં ગયેલા એવું યાદ છે. એ સમયના ફોટાઓ મળતા નથી, એ દુ:ખની વાત છે. પણ, ક્યાંક પડ્યા હોઇ શકે છે.

* “જીપ્સીની ડાયરી” પુસ્તક કિંડલમાં પ્રાપ્ત છે. આજ-કાલમાં શરૂ કરવામાં આવશે.

અપડેટ્સ-૧૩૯

* એમ તો અમે ક્યારનાય પાછાં આવી ગયા પણ કામ-કાજ અને પછી આપણા આ મહાન ઇન્ટરનેટ રીલાયન્સે બધું બગાડ્યું. આજે સવારે ધમકી આપી કે અનિલ મારી જોડે દોડવા આવે છે, તેને વાત કરું? ચમત્કાર. ઇન્ટરનેટ ચાલુ!

* ચાર દિવસનું વેકેશન ક્યાં આવ્યું ને ક્યાં ગયું તે ખબર ન પડી.

* વેકેશન અહેવાલ:

રાત્રે અરાવલી એક્સપ્રેસમાં જવા નીકળ્યા. કવિનને એક સીટ ઉપરથી બીજી સીટ પર કૂદકાંઓ મારવાની મજા આવી અને અમને તેને જોઇને મજા આવી.

ડોકિયાં અને જીભડાં કરતો કવિન IMG_20140517_063407

બીજાં દિવસે આરામ હી રામ. પણ, સાંજે બાજુમાં આવેલા ગામે ચાલતાં ગયા. મજા આવી.

આરામ

ત્રીજા દિવસે ગબ્બર-અંબાજી જવાનું ગોઠવવામાં આવ્યું. પ્લાન હતો કે ગબ્બર ચડીને જવું અને રોપ-વેમાં ઉતરવું પણ, કવિનને પગથિયાંની મજા લેવી હતી એટલે એની જોડે નીચે મજાથી ઉતરવામાં આવ્યું. રોપ-વેમાંથી મારો અને કવિનનો ફોટો સરસ આવ્યો છે, જે થોડા દિવસ પછી મને મળશે (કેમેરા અત્યારે કોકી-કવિન પાસે છે).

પગથિયાં ઉતરતો કવિન.. પહાડી કાચિંડો

અંબાજી પછી નજીકમાં આવેલાં મોકેશ્વર ડેમ પર ગયા. બપોર થઇ ગઇ હોવાથી કંઇ ખાસ મજા ન આવી. ચોમાસાંમાં મજા આવી જાય એવી જગ્યા છે (એવું અનુમાન કરું છું).

મોકેશ્વર ડેમ મોકેશ્વર તળાવ

રસ્તામાં મારા ફેવરિટ (એક સમયે?) ગુંદા ખાધાં.

ગુંદા

PS: અમારી યાત્રા અધુરી રહી!!

PS: અમારી યાત્રા અધુરી રહી.

ચોથો દિવસ અમદાવાદ ખાતે. સૌથી પહેલા ફાલસાનો જ્યુશ પીધો.

ફાલસાનો જ્યુશ

નયનામાસીને મળવા માટે ચંદ્રપુરી ગયો (અમદાવાદમાં જ છે :)), અને ત્યાંથી ઇશિતા જોડે “ડીકાથલોન” (સાચો ઉચ્ચાર)માં જવાનો પ્લાન બનાવેલો. પણ, મારી પાસે હજી સમય હતો એટલે નક્કી કર્યું કે ટાઇમપાસ કરવા (અને ગરમીથી બચવા) માટે કોઇ મુવી જોવા જઇ શકાય એટલે પછી મિલિયન ડોલર આર્મ જોવામાં આવ્યું. જે સરસ મુવી છે. ત્યારબાદ પેલાં ડીકાથલોનમાં ગયા. દુર્ભાગ્યે, ત્યાં દરેક વસ્તુઓ પર ભયંકર ધૂળ લાગેલી હતી. કવિન માટે સાયકલ લાઇટ, એક ધૂળ વાળી ટી-શર્ટ લીધી. બિલ્ડિંગ બનાવવું હોય તો જે તે પ્રદેશનું વાતાવરણ જોઇને બનાવાય એ વાત ડીકાથલોન વાળાને સમજાઇ લાગતી નથી! (અને અમદાવાદમાં બિલ્ડિંગ ઉપર કાચ લગાવવાવાળાઓને પણ) ત્યાંથી મારે કોનારકને મળવાનું હતું. GSoC વિશે થોડી ચર્ચા કરી. લાઇમ સોડા પીધો અને ત્યાંથી આપણા ફેવરિટ દર્શિતભાઇની મુલાકાત કરવાની હતી (મારોબગીચો.કોમ વાળા!). તેમને HL આગળ મળ્યો. નક્કી થયું કે ટોમેટોસ્ માં જઇને બેસીએ પણ, અલાસ, એ તો બંધ હતી એટલે પછી પાછાં આવી કોલ્ડ કોકો પીધો અને ત્યાંથી મારે મણીનગર જવાનું હતું એટલે વાત-ચીતનો દોર ગાડીની ૪૫ મિનિટમાં જમાવ્યો. તેમનાં વિશે વધુ જાણ્યું. મારા વિશે તો કંઇ ખાસ વાત કરવાની હતી જ નહી.

કોલ્ડ કોકો

મણિનગર પહોંચીને ખબર પડીકે મોદી ત્યાં આવવાના છે. થોડીવાર ટીવી પર મોદીને સાંભળ્યા અને પછી ધવલ જોડે ડિનર પતાવી ત્યાંથી કાલુપુર સ્ટેશન. સરસ વેકેશનનો અંત! 🙂

અપડેટ્સ: ૧૧૯: મેકરફેસ્ટ અને સાબરમતી હાફ મેરેથોન

* આ મોટ્ટી પોસ્ટ છે!

* શનિવારે લોકશક્તિમાં અમદાવાદ પહોંચ્યો ત્યારે ખબર પડી કે અહીં તો ઠંડી પડે છે 😉 મારી પાસે પેલું KDE નું જેકેટ હતું એટલે વાંધો ન આવ્યો. સવારે થોડો ટાઇમ-પાસ કરીને NID પહોંચ્યો. NID માં મેકરફેસ્ટમાં જવાનું હતું. ત્યાં સમ્યક, હર્ષ વગેરે મળ્યા. અમે જે વર્કશોપમાં જવાનું પ્લાન કર્યું હતું, તે ૨ વાગે હતી એટલે અહીં-તહીં ફર્યા અને વિવિધ ઓપન-સ્ટોલની મુલાકાત લીધી. ૧૧.૩૦ જેવો હું ત્યાંથી નીકળી ગયો અને મને એમ કે સાંજે ત્યાં પાછો આવીશ.

મેકરફેસ્ટનાં ફોટાઓ અહીં છે.

મેરેથોન એક્સપોમાં પહોંચ્યો ત્યારે મારા ફેવરિટ ADRians ત્યાં હતા. બધાંની જોડે મજાની વાતો કરી. થોડી વાર પછી મુંબઇથી બીજા રનર્સ રાજ, ભાસ્કર વગેરે ત્યાં આવી પહોંચ્યા એટલે વળી નવી ઓળખાણો અને મજાકનો દોર ચાલ્યો. ત્યાંથી ટોમેટોસ માં લંચ માટે ગયા. નોન-આલ્કોહોલિક બીયર પીધો અને એકદમ મસ્ત રોટી-પાલક પનીરનું શાક ખાધું. થોડી વાર પછી એક્સપોમાં પાછો આવ્યો અને ઇશિતાને મળ્યો. ટૂંકમાં, આ દિવસ મિત્રોને સમર્પિત હતો. કીટલી પર ચા પીને વિશલિસ્ટમાંથી એક આઇટમ ઓછી કરી અને સાંજે વળી પાછો મામાનાં ઘરે આંટો માર્યો. યાદ આવ્યું કે ચિરાગભાઇ આટલામાં જ ક્યાંય રહે છે. તેમને ફોન કર્યો અને અમે મળ્યા. મારે બીજા દિવસે મેરેથોન હોવાથી ઝાઝો સમય નહોતો પણ, થોડીવારની મુલાકાત યાદગાર બની ગઇ. તેમણે મને પ્રેમથી તેમનું અનુવાદિત કરેલું પુસ્તક (શેઠજી) આપ્યું. ચાણક્ય મંત્ર તો મારી પાસે ઘરે આવી જ ગયું હતું. બ્લોગ પર ઓળખાણ હોવાને લીધે અમને લાગ્યું નહી કે અમે પહેલી વાર મળ્યા છીએ! રાત્રે તેઓ મને મારા સ્થાન સુધી મૂકી ગયા અને બીજા દિવસની રાહ જોતો હું મોડા સુધી પડ્યો રહ્યો. શાળામાં કાલે પરીક્ષા હોય તેવી પેટમાં પતંગિયા ઉડે તેવી લાગણી થતી હતી (દરેક રનરને થાય છે ;)) છેવટે ઊંઘ આવી ત્યારે એલાર્મ વાગ્યું. ઇશિતા પણ ડ્રીમ રન દોડવાની હતી એટલે અમે અને બીજા મિત્રો જોડે જવાના હતા, પણ તેઓ ૫.૩૫ સુધી દેખાયા નહી એટલે જે મળી તે રીક્ષા લીધી અને સમય સર પહોંચી ગયો, ત્યારે વાતાવરણ રનમય બની ગયું હતું. ત્યાં ડીજે લોકોના ઉત્સાહ જગાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા દેખાયા. જ્યાં સુધી મોદીજી આવ્યા નહી ત્યાં સુધી લોકો ઉત્સાહમાં આવ્યા નહી એવું લાગ્યું.

૬.૨૫ – રેસ શરુ થઇ. મારો ટારગેટ હતો કે ૨ કલાકની આસપાસ ફિનિશ કરી દેવું. પહેલાં બે કિલોમીટર ઠીક રહ્યા પણ ૨ થી ૧૦ કિલોમીટરમાં મજા આવી ગઇ. ૧૦-૧૧ કિલોમીટર વચ્ચે માર્કિંગના અને વોલિયન્ટરની સમજના ભયંકર લોચા હતા, અને એનાં કારણે જેટલાં પણ લોકો < ર કલાકમાં દોડ્યા તેમણે ૫૦૦ મીટર જેટલું ઓછું દોડ્યા. ૧૯-૧૮ કિલોમીટરના માર્કિંગ પણ ખોટાં હતાં. ટેરિબલ કહેવાય. છેલ્લાં બે કિલોમીટરમાં મારા પગ થાક્યા પણ એકંદરે મજા આવી ગઇ. અત્યાર સુધીની મારી સૌથી ઝડપી રેસ. હવે? મુંબઇ મેરેથોનમાં પણ આ જ ઝડપ રાખવાની છે!

અપડેટ: ઓફિશીઅલ સમય: ૧.૫૬.૪૯

રેસ પછી ભાસ્કર વગેરેની રાહ જોઇ. અમારા ગ્રુપમાંથી ત્રણ જણાં ઇનામ લઇ ગયા (મુંબઇ વાળાઓ) અને મોટાભાગનાં લોકોએ પોતાનું પર્સનલ બેસ્ટ પરિણામ મેળવ્યું. રેસનાં + અને – નીચે પ્રમાણે રહ્યાં.

+ મસ્ત ઠંડક.
+ લગભગ સીધો-સપાટ ઝડપી રસ્તો.
+ લગભગ આખા રસ્તા પર પાણી અને એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા.
+ પહોળા રસ્તા. અથડાવાનો ડર નહી.
+ મસ્ત ડીજે-મ્યુઝિક.
+ ટ્રાફિક બ્લોકની સરસ વ્યવસ્થા.
+ મોદીજીને દેખવાનો લ્હાવો.

– વોલિયન્ટર કે પછી જેની પણ ભૂલ હોય, ખોટું માર્કિંગ, ખોટું રસ્તાનું માર્ગદર્શન.
– ચીઅર અપ – અમદાવાદીઓ એકદમ ઠંડા!
– રસ્તાની બંધ સ્ટ્રીટલાઈટ (આશ્રમ રોડ!).
– ફિનિશલાઇન પર પાણીની અવ્યવસ્થા.
– ફિનિશ પછી – નો ફૂડ. માત્ર ચા.
– મગજ લોકઅપમાં મૂકીને દોડવા આવેલાં પોલીસ કર્મચારીઓ અને તેમની ફાલતૂ કોમેન્ટ્સ.

નેગેટિવ પોઇન્ટ્સ ઘણાં હોવા છતાં, આવતી સાલ ત્યાં ફરી દોડવામાં આવશે 🙂

અને હા, કોને મળવાનું રહી ગયું? સચીન, અર્નવ, પ્રણવભાઇ, નયનામાસી, દર્શિતભાઇ (બગીચાનો માળી ફેમ), બીજાં બ્લોગર્સ અને સગાં-સંબંધીઓ. ફરી ક્યારેક!

સાબરમતી મેરેથોનનાં ફોટાઓ અહીં છે.

ઇલેક્શન રીઝલ્ટ સ્પેશિઅલ

* કેમ ભઇ, બધાં લોકો મંડી પડે તો અમે કેમ બાકી રહી જઇએ? આ બ્લોગને ૨૦૦૭ અને ૨૦૧૨ બન્નેમાં ગુજરાતની ચૂંટણી જોવાનો મોકો મળ્યો છે. અને, આ પાંચ વર્ષમાં ચાર-સાડા ચાર વર્ષ હું ગુજરાતમાં હતો એટલે હું જે કંઇ લખીશ એ દિલ્હીથી ચેનલ ચલાવતા લોકો જેવો બકવાસ તો નહી જ હોય 🙂

૧. ગુજરાતનાં લોકો મૂર્ખ નથી. એમને ખબર છે કે અત્યાર સુધી કઇ સરકારે ચૂંટણીમાં આપેલા વચનો પાળ્યા છે. પાળ્યા છે તો એ આપેલી વસ્તુઓની ક્વોલિટી (ઘર, લેપટોપ કે ટેબ્લેટ) કેવી રહી છે. ગુજરાતી કદાચ મફત લેવા માટે લલચાશે પણ એ વસ્તુમાં સરવાળે ફાયદો કે નુકશાન – એ મહત્વનું છે. વોટ કરતાં ટેબ્લેટ સસ્તું? ના, ભાઇ ના.

૨. ૨૦૦૨-૨૦૦૭નાં પ્રમાણમાં આ વખતે ગોધરાકાંડ કે કોમી તોફાનોનો મુદ્દો ઓછો ઉછળ્યો. મનેય નવાઇ લાગી.

૩. કેટલાંક હારવા જેવા લોકો જીતી ગયા, જીતવા જેવા લોકો હારી ગયા (eg જયનારાયણ વ્યાસ).

૪. કેટલાંક બ્લોગબાબાઓ બહુ ધમપછાડા કર્યા. ઠંડ રખ, ભાઇ ઠંડ. મજા આવી ગઇ.

૫. હા, મોદીજીને અભિનંદન. આશા રાખીએ કે હવે પાંચ વર્ષમાં ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે. અમારી તો એવી ઇચ્છા કે, આ વિકાસનો ચેપ દેશનાં બીજા રાજ્યોને પણ લાગે! 🙂

૬. ઓવરઓલ, ભાજપે કોંગ્રેસ પાસેથી ઘણું શીખવા જેવું છે, અને પોતાની પાસેથી ઘણું ભૂલવા જેવું છે. થોડામાં ઘનું સમજવા જેવું છે.

૭. અને, આ એક્ટરોને ટિકિટ આપવાનું સદંતર માંડી વાળવું ન જોઇએ?

૮. ગમે તે હોય, પણ જીપીપીને કારણે ભાજપને એટલિસ્ટ ૮ થી ૧૦ સીટોનું નુકશાન થયું. જ્ઞાતિવાદનો પરાજય થયો, પણ હજીયે લોકો સુધરતા વાર લાગશે.

૯. સૌથી ચિંતાજનક વાત કે ગુજરાતમાં NCP, GPP, કે JD જેવી પાર્ટીઓએ ખાતું ખોલ્યું. સ્થાનિક પાર્ટી ઓવરઓલ નોટ ગુડ ફોર હેલ્થ!

૧૦. અને, પાલનપુરમાં કોંગ્રેસ. ઉપ્સ! 😦

પુસ્તક મેળો

* આપણા સી.એમ. પણ જ્યારે એમ કહે કે દરેક ઘરમાં ૫૦ પુસ્તકો હોવા જ જોઈએ, ત્યારે મને બહુ લાગી આવ્યુ કે બસ ૫૦ જ? કેમ ૧૦૦ નહી? કારણ કે, આ વર્ષમાં મારે ૧૦૦ પુસ્તકો વાંચવાનું લક્ષ્ય છે!

હા, તો પોસ્ટના મુદ્દા પર આવીએ તો, લૉ-ગાર્ડન સામેના લૉ કોલેજ મેદાનમાં સ્વર્ણિમ ગુજરાતની તૈયારીના ભાગરુપે એક પુસ્તક મેળો ભરાયો છે. ૫ રુપિયાની ટિકીટ લઈને અંદર જઈ શકાય છે અને ૧૦% જેટલું માતબર ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. હું, ‘લીલી નસોમાં પાનખર – ચંદ્રકાંત બક્ષી’ લઈને આવ્યો. ૧૭ વખત વાંચેલી હોવા છતાં આ પુસ્તક મારી પાસે કેમ નહોતું?? અને હા, દરેક પ્રકાશને નરેન્દ્ર મોદી વિશે એકાદ પુસ્તક બહાર પાડ્યું છે એમ લાગે છે. એકંદરે ગુજરાતનાં બધા જ પ્રકાશનો અહીં જોવા મળી જાય છે. સુ.દ.નું ઇમેજ પબ્લિકેશન સરસ મજાનું પ્રિન્ટીંગ વગેરે કરે છે એમ લાગ્યું. અંદર શું હોય છે, એ તો ખબર નથી. એક સ્ટોલમાં ગુજરાતી અને અંગ્રેજી ક્વોટ લખેલ ફ્રેમ વગેરે સરસ હતું, પણ પરમ દિવસે જ કોકી-કવિન અને મારા-કવિનનાં ફોટાઓની ફ્રેમનો ઓર્ડર આપ્યો હોવાથી ઘરની દિવાલો પર વધુ એક ખીલી લગાડવાનો પ્રોગ્રામ પડતો મૂક્યો..

અને એક સરસ પુસ્તક જોયું: કીટી-પાર્ટીમાં રમાડવાની રમતો. થેન્ક ગોડ, કોકી હજી સુધી કીટી-પાર્ટી વગેરેમાં જતી નથી..

લો, હું તો કહેતો જ હતો..

.. કે ભાઇ, ગોધરા કાંડમાં ન.મો. અને સરકારનો કોઇ હાથ નથી.

બોલો, બોલો..

ખૂબ ખૂબ અભિનંદન..

* જેમ નક્કી જ હતું. શ્રી મોદીજીને મારા તરફથી હાર્દિક અભિનંદન. આનંદની વાત છે કે વિજય વિશે સાંભળ્યું તે વખતે હું મણિનગરમાં જ હતો! ચારે તરફથી નકારાત્મક વાતાવરણ ઉભું કરેલ હોવા છતાં, વિરોધીઓને ધોબીપછાડ મળી તેનો આનંદ અનેરો જ છે..

જ ય ગુજરાત!