બે બી.આર.એમ.

એમાં થયું એવું કે ૮ ફેબ્રુઆરીએ ૪૦૦ અને ૧૫ ફેબ્રુઆરીએ અમારી ૪૦૦ અને ૬૦૦ કિમી બી.આર.એમ. હતી. સોરી ફોર મોડો રીપોર્ટ. એના પહેલાંનો સા.ફ્રા. રિપોર્ટ હજુ ડ્રાફ્ટમાં છે અને આશા રાખું છું કે આ મહિનામાં નવી ટ્રીપ આવે એના પહેલાં એ જન્મ પામશે 😉

૦૦

સૌથી પહેલાં ૪૦૦નો રિપોર્ટ. એકદમ સરળ છે. ૪૦૦ કિમી સાયકલ ચલાવવાની. જોકે આ સરળ કામમાં આડખીલી હતી ગયા મે મહિનાની ૪૦૦, જેમાં અમે અમારા મિત્ર નોએલને ગુમાવ્યો હતો. એટલે જ્યારે ૪૦૦નો માર્ગ નક્કી થયો ત્યારે નક્કી કર્યું કે આ બીઆરએમ નોએલને સમર્પિત કરવી અને એકદમ સરસ રીતે પૂરી કરવી. ઘરેથી હું ૨૩ કિમી રાઇડ કરીને ગયો જેથી સવાર-સવારમાં ટેક્સી વાળા જોડે માથાકૂટ ન કરવી પડે અને મગજ શાંત રહે. સમયસર પહોંચી ગયો અને શરૂઆતમાં તો આરામથી અને પછી થોડી સ્પિડ પકડી. માલસેજ ઘાટ પહેલાં મસ્ત ઠંડકની મજા લેતો ૧૦૦ કિમી પર પહોંચ્યો ત્યારે મારી જોડે બીજાં ત્રણ જણાં હતા. નિહાર, શશી અને સુધીર. ત્રણેય અનુભવી રાઇડર્સ એટલે મને બહુ રાહત થઇ. નક્કી કરેલું કે જરા પણ થાક લાગે તો ઘાટ પર જરાય શરમાયા વગર ઉભા રહીને આરામ કરવો. પ્રથમ તબક્કાના ઘાટ પર પહોંચીને લીંબુ-પાણી પીધું અને પર્વતોને માણ્યા.

ત્યારપછી ઘાટનો બીજો તબક્કો રોકાયા વગર પાર કર્યો અને ઓતુર આગળ જમવા માટે રોકાયો ત્યારે નિહાર-શશી-સુધીરથી આગળ નીકળી ગયો હતો અને પછી લગભગ સાંજ પડી ત્યાં સુધી એકલો જ હતો. રસ્તામાં બે-ત્રણ ક્લિક કર્યા પણ મારો ઇરાદો તકલીફ વાળા રસ્તાઓને બને ત્યાં સુધી દિવસ દરમિયાન જ પાર કરવાનો હતો. જે એકંદરે સફળ થયો એમ કહેવાય. પછી પડી લાંબી રાત અને અમારે વેશ પણ ઝાઝાં હતા.

હવે હું થોડી-થોડી વારે રોકાતો હતો અને છેવટે નિ.શ.સુ. ગેંગ મળી અને અમે નક્કી કર્યું કે જોડે જ રાઇડ કરી. નાસિક અમે ૧૦ વાગ્યા જેવા પહોંચ્યા અને ત્યાં રોકાયા વગર નીકળી ગયા. મારો પ્લાન તો બે કલાક ઉંઘ લેવાનો હતો પણ, પછી થયું જવા દો. ત્યાંથી પછી ઇગતપુરી સુધી પહોંચ્યા પછી મને ઠંડી ચડી. સુધીરે મને તેની ટી-શર્ટ આપી એટલે રાહત થઇ. કસારા ઘાટ પર આ વખતે સૌપ્રથમ ઉતરતી વખતે પેડલ મારવા પડ્યો એટલો બધો સામો પવન (એટલે કે – હેડવિન્ડ) હતો. એક સમયે તો એવું લાગ્યું કે હું પડી જઇશ એટલે થોડી વાર સાઇડમાં ઉભો રહી ગયો. પછીના ૫૦ કિમી આરામથી કર્યા પછી સૌથી પહેલા કોણ પહોંચે તેની રેસ લગાવી જેમાં છેલ્લે-છેલ્લે ૫ કિમીમાં બરોબર સાયકલ ભગાવીને હું કલ્યાણ પહોંચ્યો.

૪૦૦!

ત્યાંથી પાછું ઘર ૫૦ કિમી હતું. પહેલાં તો વિચાર આવ્યો, ચાલો રાઇડ કરીએ. પછી થયું. મૂકો તડકે અને પકડો ટેક્સી 🙂

૬૦૦

૬૦૦ માટેનો રિપોર્ટ પણ સરળ છે. ૩૦૦ વત્તા ૩૦૦! પણ આ ૬૦૦ હતી, સુરત-અમદાવાદ-સુરત એટલે સુરત જવું પડે. સૌ પહેલાં મારો શેતાની પ્લાન હતો ૧૪ તારીખે અહીંથી સુરત રાઇડ કરીને જવું. પણ સંત વેલેન્ટાઇન તરફ જોયા પછી આ શેતાની પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો. અનિરુદ્ધ અને મયૂરની જોડે ગાડી (કાર)માં જવાનું નક્કી થયું.

શરૂઆતમાં બિલાડીના શુકન થયા એટલે થયું કે હવે તો આ બીઆરએમ મસ્ત જ જશે. જોડે શરૂઆત મોડી થઇ અને અમારા અનુમાન મુજબ ૪ વાગે સુરત પહોંચવાની જગ્યાએ અમે ૮ વાગે પહોંચ્યા. ત્યાં હોટેલ સ્ટાર્ટ પોઇન્ટ આગળ જ હતી. પહેલાં સાયકલ સરખી કરી. ડિનર કર્યું અને પિયુષ અમને મળવા આવ્યો. એ પહેલાં કોકો પીધો (એના વગર ચાલે?). પિયુષે અમને અલગ પ્રકારના આઇસક્રીમનો ટેસ્ટ કરાવ્યો.

હવે રાઇડ પર આવીએ. અખિલેશભાઇનું કામકાજ એકદમ પરફેક્ટ. સમયસર રાઇડ શરૂ થઇ અને ૨ કિમી પછી સ્પિડ પકડી અને છેક ૩૪ કિમી સુધી નોન-સ્ટોપ ચલાવી. ૩૪ કિમીએ ઘરે અપડેટ આપી. પછી, લગભગ ૧૫૦ કિમી સુધી પાણીના બ્રેક સિવાય ક્યાંય ઉભો ન રહ્યો. પ્રથમ કંટ્રોલ પર ૫.૪૦ કલાકમાં પહોંચ્યો ત્યારે યાદ આવ્યું કે આ જ કંટ્રોલ પર ૧૦૦૦ બી.આર.એમ.માં હું છેલ્લે પહોંચ્યો હતો 😉 ત્યાં સીસીડીમાં ગયો અને થોડો ઠંડો થયો. હવે ગરમીની શરૂઆત થઇ ગઇ હતી એટલે નક્કી કર્યું કે હવે આરામથી જવું.

૧૫૦ થી ૩૦૦ લગભગ આરામથી ચલાવી. રોંગ રાઇડમાં આવતા વ્હીકલ્સથી બચતો-બચતો અસલાલી (અમદાવાદ) પહોંચ્યો ત્યારે રાત પડી ગઇ હતી. રીટર્ન પર પહોંચ્યો એ પહેલાં ગારમિન અચાનક બંધ થઇ ગયું એટલે હોટેલ પર પહોંચીને ૩૦૦ કિમીની રાઇડ સાચવી લીધી અને પછી ત્યાં લગભગ ૨ કલાક જેવો સૂઇ ગયો, શાવર લીધો અને પછી ૧૧.૧૫ જેવો નીકળ્યો ત્યારે ખબર પડી કે ૪ રાઇડર્સ નીકળી ગયા છે. ૫૦ કિમી જેવા અંતરે એ લોકો મળ્યા ત્યારે ઠંડી શરૂ થઇ ગઇ હતી. પીબીપીના ઠંડા-કડવા અનુભવ પછી મોઢું-કાન ઢાંકી રાખું છું એટલે સારું રહે છે. તો પણ, જ્યારે એકલા અને રાત્રે સાયકલ ચલાવો ત્યારે ઠંડી વધુ લાગે. ચાર રાઇડર્સ (શશી, મેહુલ, ..) આણંદ પર રાતે રોકાવાના હતા અને મને તો પૂરતી ઉંઘ મળી ગઇ હતી એટલે હું આગળ વધ્યો. તો પણ, વડોદરા પહેલાં હાઇવે પર એક રેન્ડમ બસ સ્ટેશન પર ૧૦ મિનિટનું ઝોકું ખાવું પડ્યું!!

કરજણ ટોલ નાકા (૪૫૦ આસપાસ) પહોંચ્યો ત્યારે હું પહેલો જ પહોંચવા વાળો હતો. ત્યાં ફરી સીસીડીની કોફીનો લાભ લીધો અને ધીમે-ધીમે સુરત તરફ નીકળ્યો. ૨ કલાક સળંગ રાઇડ કર્યા પછી હવે ગરમીનો લાભ શરૂ થઇ ગયો હતો. આશ્ચર્યની વાત હતી કે ગઇકાલ કરતાં ગરમી વધુ હતી અને હવે સાયલિસ્ટના દુશ્મન હેડવિન્ડે પણ પરચો દેખાડવાનો શરૂ કર્યો હતો, એટલે બ્રેકની સંખ્યા વધતી ગઇ હતી..

હવે છેલ્લાં ૮૦ કિમી તકલીફ વાળા હતા. ગરમી, સામો તડકો, ૧૦૦ કિમીની ઝડપે સામેથી-રોંગ સાઇડમાં આવતા આત્મવિશ્વાસથી ભરપૂર ટુ-થ્રી-ફોર-વ્હીલર્સ! આઇસક્રીમ, લીંબુ પાણી, શેરડીનો રસ અને છેલ્લે ૩૦ કિમીએ રેડબુલ! આટલું પીધા પછી કોઇના હોશ ન રહે, તો પણ હું સુરત એમ.ટી.બી. કોલેજ પહોંચ્યો.

ફરી કોકો અને સોસિયો પીધો 😉 ત્યાં નિમેશભાઇ મળ્યા, જે મારા બ્લોગના વાચક નીકળ્યા (આ પોસ્ટ એટલે જ ફટાફટ લખવાનો વિચાર આવ્યો!). ત્યાં થોડો સમય વીતાવ્યા પછી ૭ કિમી બીજી રાઇડ કરીને માસ્ટરમાઇન્ડ જવા નીકળ્યો. સાયકલ ત્યાં સર્વિસમાં આપી અને ત્યાં પિયુષના ઘરે ગયો. ફ્રેશ થયો. મસ્ત સુરતી નાસ્તો અને પછી વાતોના વડાં. ઉંઘ હજુ ચડી નહોતી. પિયુષ જોડે ફરી કંટ્રોલ પોઇન્ટ પર ગયા અને અનિરુદ્ધ અને મયૂર આવ્યા ત્યાં સુધી રોકાયા. સુરતી ઘારીની ખરીદી કરી અને પછી તેના ઘરે પાછાં જઇને ‘ભાઇ-ભાઇ’ ખાતે મસ્ત ડિનર કર્યું. પિયુષ જોડે હોય એટલે ખાવાનું મસ્ત જ હોય, એ કહેવું પડે?

હવે, ખરી કઠણાઇ હતી કે અમારે પાછાં મુંબઈ આવવાનું હતું. સાયકલ હતી એટલે ગાડી ધીમી ચલાવવાની હતી પણ બધાંને ઉંઘ આવતી હતી એટલે એટલી ધીમી ગાડી ચલાવવામાં આવી કે છેક સોમવારે સવારે ૧૦ વાગે હું ઘરે પહોંચ્યો. પણ, સહી સલામત પહોંચ્યો – એ મહત્વનું હતું! 🙂

BRM ૪૦૦: અલવિદા નોએલ!

નોએલ અને હું – સતારાથી મુંબઈ બસમાં, ઓક્ટોબર ૨૦૧૮

ગયા અઠવાડિયે છેલ્લી ઘડીએ ૪૦૦ કિમીની બી.આર.એમ.માં રજીસ્ટ્રેશન કરાવ્યું. શનિવાર સવારથી જ નસીબ ખરાબ દેખાવાના શરૂ થયા. સૌ પહેલા તો કોઇ સલમાન ભાઇએ પોતાની ઉબરની સીટ બગડી જાય એટલે મુલુંડ સાયકલ સાથે આવવાની ના પાડી પછી ૨૦૦ રૂપિયા વધારા આપો તો હું લઇ જાવ એવી ઓફર કરી, જે અમે રીજેક્ટ કરી અને બીજી ગાડી કરી. બીજો ડ્રાઇવર સરસ હતો. અલક-મલકની વાતો કરતો મુલુંડ પહોંચ્યો ત્યારે ૬.૧૦ થઇ ગઇ હતી. ૧-૨ મિનિટમાં જ ફોર્માલિટી પતાવી રાઇડ ચાલુ કરી. ધીમે-ધીમે રાઇડર્સને પસાર કરતો રહ્યો. પહેલું સ્ટોપ છેક મુરબાડ. ત્યાં પછી ગરમી વધવાની શરૂઆત થઇ ગઇ હતી. ૧૦૦ કિમી પર પહોંચ્યો ત્યારે ૨૦૦ વાળા રાઇડર્સમાંથી સ્વાતિ સાથે મળી હતી. ૪૦૦માંથી કેટલાક આગળ પહોંચી ગયા હતા. માર્ગ હતો માલ્સેજ-આલેફાટા-નાસિક અને ત્યાંથી મુંબઈ. માલ્સેજ ઘાટ પર પહેલી વાર બે બ્રેક લીધા. માલ્સેજના બીજા ચઢાણ પર પણ એક બ્રેક લીધો – જે ડહ્યાપણ ભર્યું પગલું હતું. માલ્સેજ ઘાટ લગભગ ૧૦ કિમીનો છે જ્યાં માત્ર ટોચ પર અને બીજા ઘાટના ચઢાણ પછી એક જગ્યાએ જ પાણી વગેરે મળે છે. બાકી, અત્યંત સૂકું વાતાવરણ વત્તા ગરમ પવન (હેડવિન્ડ) વચ્ચે હાલત ખરાબ થવાની પૂરી શક્યતા હોય છે (ઉનાળામાં જ. ચોમાસામાં આ માર્ગ અત્યંત સરસ અને લીલો હોય છે – એ વાત અલગ છે).

હું માલ્સેજ પસાર કરીને આગળ વધ્યો ત્યાં પુણેના ડો. પ્રકાશ મળ્યા. તેમની જોડે એક કલાક સારી રાઇડ કરી અને હું વચ્ચે એક જગ્યાએ નાસ્તો કરવા ઉભો રહ્યો ત્યારે વિનોદ (જે પણ ૪૦૦ કિમીમાં હતો) નો મિસ કોલ જોયો. તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે કંઇક મેડિકલ ઇસ્યુ થયો છે. ઓફિશિયલનો ફોન લાગતો નથી. એટલે તેને બધાં નંબર મોકલ્યા અને ઓફિશિયલ-ડ્રાઇવરને ફોન કરી વિનોદની જોડે પહોંચવા કહ્યું. મને એમ કે તે લોકો સંભાળી લેશે.

ત્યાંથી આગળ વધ્યો અને આલેફાટા (લગભગ ૧૫૦) અને ત્યાંથી પછી મસ્ત ઢાળ-ચઢાણ વાળો નાસિક-પુણે હાઇવે શરૂ થયો. ૧૭૦ કિમી પર બહુ ગરમીને કારણે એક નાની હોટલમાં છાંયડામાં બેઠો અને નક્કી કર્યું કે થોડો આરામ કરી તડકો ઓછો(!) થાય એટલે આગળ વધવું. ત્યાં જ સંકેત ભાઇ (એમસીસી)નો સંદેશો આવ્યો કે નોએલ ફોન્સેકા ઇઝ નો મોર!! મને થયું કે આવી ક્રૂર મજાક? નોએલ જોડે ઘણી બી.આર.એમ. રાઇડ કરી છે. પછી, ખબર પડીકે વિનોદનો ફોન નોએલની ઇમરજન્સી માટે હતો અને તેને કાર્ડિઆક એરેસ્ટ (હાર્ટ એટેક) આવ્યો હતો. ૧૦ મિનિટ સૂન્ન બેઠા પછી કોકીને ફોન કરીને હું થોડીવાર રડ્યો. કોકીએ કહ્યું કે ઘરે આવી જા. પણ, આજુ-બાજુ પૂછ્યું તો ટેક્સી મળવાની કોઇ શક્યતા નહોતી. નાસિક પણ ૧૦૦ કિમી દૂર હતું. અને પાછા એ જ રસ્તા પર તો જવાનો કોઇ ચાન્સ જ નહોતો. શું કરવું એ વિચારમાં જ એક કલાક કાઢ્યો અને સાંજ પડતા પહેલા રાઇડ ચાલુ કરી. એક જગ્યાએ ચા પીધી પણ માથું દુખવાનું શરૂ થઇ ગયું હતું. સદ્ભાગ્યે, થોડા રાઇડર્સ મળ્યા અને તેમની જોડે જેમ-તેમ આગળ વધ્યો. વચ્ચે બે-ત્રણ બ્રેક લીધા પણ મારું મગજ સાથ નહોતું આપતું. પછી, જે હોટેલ દેખાઇ તેમાં રાત્રે રોકાઇ ગયો.

બીજા દિવસે સવારે નાસિક પહેલાં જ્યાં ઓલા મળે ત્યાં ગયો અને ત્યાંથી બપોરે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં માનસિક રીતે જે થાક લાગ્યો હતો એવો ક્યારેય લાગ્યો નહોતો. હજુ પણ હું શોક્ડ છું. નોએલ માત્ર ૩૫ વર્ષનો હતો. લગભગ ૧૦ વર્ષથી સાયકલ ચલાવતો હતો એટલે એવું નહી કે નવો રાઇડર હતો અને બહુ જોર કરવાથી હાર્ટ પર અસર થઇ હશે. જોકે પછી જાણવા મળ્યું કે એ બે-ત્રણ દિવસથી અસ્વસ્થ હતો. તો પણ, આ કંઇક વધારે પડતું અસ્પષ્ટ લાગ્યું.

જો તમે રનિંગ-સાયકલિંગ કરતા હોવ તો,

૧. દર વર્ષે ફૂલ બોડી મેડિકલ ચેકઅપ કરાવવો. ફેમિલી હિસ્ટરી ચકાસવી.

૨. હાર્ટ રેટ મોનિટર રાખવું. આજ-કાલ મોટાભાગની સ્માર્ટ ઘડિયાળોમાં તે આવે છે, અને ચોક્કસ ન હોય તો પણ અંદાજે આપણને ખ્યાલ આવે કે આપણો ઝોન કયો છે.

૩. જોશ પહેલાં હોશ જોઇ લેવો. કંઇપણ એકદમ-અચાનક કરવું ખતરનાક બની શકે છે. કોઇની નકલ ન કરવી.

૪. ઇમરજન્સી થાય તો શું કરવું – તે શીખવું.

નોએલ – યુ વિલ બી મિસ્ડ!

અપડેટ્સ – ૨૧૯

* કેરાલામાં વરસાદ પડ્યો અને તેનો કાળો કેર સોશિયલ મિડિયામાં વધુ વાપ્યો. એમાય ફેસબૂકે તો પત્તર ફાડી દીધી અને લોકો આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને મોદીજીને નીચું દેખાડવામાંથી ઊંચા ન આવ્યા. હે રામ!

* ૧૫ ઓગસ્ટે અગાઉ લખ્યું હતું તેમ ૧૨ કલાકની મુંબઈ અલ્ટ્રા પૂરી કરી. લગભગ ૭૫ કિમી પૂરા કર્યા. કદાચ ૮૦ થઇ જાત પણ પછી થયું, જવા દો! પુષ્પક જોડે આરામથી આખા ગામના ગપાટા મારતા દોડ્યો અને બીજા અલ્ટ્રા રનનું પ્લાનિંગ પણ કરી દીધું.

હા, પગની બધી આંગળીઓના નખની હાલત વધુ ખરાબ છે. બાય બાય ઓલ નખ્સ.

* થોડા દિવસ પહેલાં સહકુટુંબ માલ્સેજ જઇ આવ્યા. સરસ જગ્યા. સપ્ટેમ્બર ૨૦૦૪માં ઓફિસમાંથી ત્યાં ગયેલા એવું યાદ છે. એ સમયના ફોટાઓ મળતા નથી, એ દુ:ખની વાત છે. પણ, ક્યાંક પડ્યા હોઇ શકે છે.

* “જીપ્સીની ડાયરી” પુસ્તક કિંડલમાં પ્રાપ્ત છે. આજ-કાલમાં શરૂ કરવામાં આવશે.

ટ્રેકિંગ: હરિશ્ચંદ્રગઢ

* ૧લી મે ના રોજ અમારે રજા હતી અને ૨ અને ૩ શનિ-રવિનો કોમ્બો. એટલે નક્કી કર્યું કે હરિશ્ચંદ્રગઢ ટ્રેકિંગ કરીએ. છેલ્લું ટ્રેકિંગ જુલાઈમાં વન ટ્રી હીલ ખાતે કરેલું અને એ વખતે મજા આવેલી એટલે થયું કે આ ઓવરનાઈટ ટ્રેકિંગમાં પણ મજા આવશે.

સવારે ત્રણ વાગ્યા જેવો ઉઠ્યો. જયદિપ કાંદિવલીમાં મળ્યો અને ત્યાંથી કિરણને પીક-અપ કરીને ઘાટકોપર ગયાં. ત્યાંથી લોકલમાં કલ્યાણ (કલ્યાણની પહેલી મુલાકાત). ત્યાંથી મહારાષ્ટ્ર એસ.ટી.માં (પહેલો અનુભવ) માલ્સેજ ઘાટ પછી ખૂબી ફાટા આગળ ઉતર્યા. પાંચેક કિમી દૂર દેખાતાં પહાડો અમારા સ્વાગત માટે તૈયાર હતા.

પહાડો

ત્યાંથી પાંચેક કિમી સીધો જ ધૂળિયો રસ્તો (પથ્થરો વાળો). હોટલ ઐશ્ચર્યા ખાતે નાસ્તો કર્યો (નામ પર ન જતાં, તે એક ઘર જ હતું જ્યાં પાણી અને કાંદા-પોહા સિવાય કંઇ મળતું નહોતું, પણ આ મળતું હતું એ મહત્વનું હતું) અને ત્યાંથી જંગલમાં થઇને ઉપર ચઢવાની શરૂઆત કરી. બે પર્વતોની વચ્ચેથી પસાર થઇને જવાનું હતું. દેખવામાં સિમ્પલ લાગતું હતું. ૧૦ મિનિટમાં જ રસ્તો ભૂલ્યા. જમણી તરફ જવું કે ડાબી? આગળ જઇ પાછાં આવ્યા અને બીજું એક ગ્રુપ આવતું હતું તેમની જોડે આગળ ચાલ્યા. ૧૫ મિનિટ પછી થયું કે અહીં તો આગળ જવું અશક્ય છે. ગામનાં બે-ત્રણ લોકોએ નીચેથી બૂમ પાડી કહ્યું કે અહીંથી ન જવાય એટલે પાછાં આવ્યાં અને તેમને રસ્તો બતાવ્યો. ગુડ.

હવે પછી સીધાં ચઢાણ હતાં. અને એ દિવસે હતો શુક્રવાર. અડધે રસ્તે ગયા પછી કિરણને યાદ આવ્યું કે આજે તો કોઇ લીંબુ-પાણી વાળાં નહી હોય. નહીંહીંહીંહી… પાણીનું રેશનિંગ. ડર હતો કે રસ્તામાં તો ઠીક, ઉપર જો કોઇ ન હોય તો માર્યા ઠાર. તેમ છતાંયે અડધે આવી ગયા છીએ તો આગળ વધીએ.

સીધાં ચઢાણ અથવા તો મુશ્કેલીમાં કાર્તિક!

અને અમે આગળ વધ્યાં. એક નાનકડી ગુફામાં થોડીવાર રોકાયાં. ફરી આગળ વધ્યાં અને ફરી રોકાયાં. ઉપર પહોંચીને ફરી રસ્તો ભૂલ્યાં અને ખોટા અને કઠણ રસ્તે ખરાં રસ્તે પહોંચ્યા ખરાં. ત્યારબાદ? હાશ ઇન્ડિયા હાશ!

એમ તો ગુફાઓમાં રહેવાનું નક્કી કરેલું પણ અમારા સિવાય બીજાં કોઇ ટ્રેકર્સ ન હોવાથી એક ઝૂંપડી જેવી હોટલમાં ડિનર વત્તા રાતવાસો કરવાનું નક્કી કર્યું.સામાન વગેરે ત્યાં મૂક્યા પછી કોકણકાડા નામનાં પોઇન્ટ ઉપર સૂર્યાસ્ત જોવાં ગયાં. મસ્ત જગ્યા. પૈસા વસૂલ. અને ત્યાં? જમ્પ ઇન્ડિયા જમ્પ!

જમ્પ કાર્તિક જમ્પ.

રાત્રે ડિનરમાં – ચોખા-બાજરીની રોટલી, કાંદા-બટાટાનું શાક, અથાણું અને ભાત. રાત્રે થોડું ફર્યા, બહુ વાતો કરી. તારા જોયા. ગુરુ અને શુક્ર ઓળખાયા. ધ્રુવનો તારો જોવાનો પ્રયત્ન કર્યો. ઉંઘ સરસ આવી અને સદ્ભાગ્યે મચ્છરોનો ત્રાસ નહોતો. પણ, સવારે સાડા ચારની આસપાસ સરસ ઠંડી લાગવાની શરૂઆત થઇ. વર્ષો પછી જમીન પર કોઇ પ્રકારના ગાદલાં વગર ઉંઘવાની મજા આવી.

સવારે ૬ વાગે તૈયાર થઇને નીચે ઉતરવાની શરુઆત કરી. હવે છાસ અને લીંબુ શરબતવાળાઓ આવી ગયા હતા. પેલી ભયંકર જગ્યાએ આવી ફરી તકલીફથી નીચે ઉતરાયું.

પહાડી કાર્તિક

ફરી પાછાં કાંદા-પોહાનો નાસ્તો અને આ વખતે ડેમના સરોવરમાં થોડુંક નહાવાનું. તરતા નથી આવડતું એ વાતનો અફસોસ થયો!

હવે બસ પકડવાની ખરી મગજમારી હતી. બે બસ ઉભી ન રહી પણ ત્રીજી બસ સીધી જ મળી જે છેક મુલુંડ જવાની હતી. બસમાં ટાઇમ-પાસ, વાતો અને ઝોકાં. ત્યાંથી રીક્ષા અને સાંજે ૫.૩૦ જેવો ઘરે આવ્યો ત્યારે ભયંકર થાકી ગયો હતો.

સ્ટાર્વા પ્રમાણે ઉપર ચઢવા-ઉતરવા વગેરેના કુલ કિમી ૨૫ થી ૨૭ થયા. કુલ ચડાણ ૧૨૦૦ મીટર. હવે વિચારો કે એવરેસ્ટ ૮ કિમી ઉંચો છે, તો આપણું શું થાય? 😀