રેસ રીપોર્ટ: BRM ૩૦૦

છેલ્લે લખ્યું તેમ, ૩૦૦ કિલોમીટરમાં અમે કૂદી પડ્યા હતા અને પછી જે થયું (એટલે કે અમે પડ્યા), એનો નાનકડો રીપોર્ટ હાજર છે:

ગઇકાલે વહેલી સવારે પહેલાં તો ૬ કિમીની વાર્મઅપ રાઇડ ગોરેગાંવ સુધી થઇ. ત્યાંથી બાંસુરીની ગાડીમાં મુલુંડ જવાનું હતું. ગાડીમાં સાયકલ માંડ-માંડ ફીટ થઇ. અમે તો સમયસર પહોંચીને બધી ફોર્માલિટી પૂરી કરી પણ રેસ ૨૦ મિનિટ મોડી શરુ થઇ. આ BRM માં નિયત સમયમાં રાઇડ પૂરી કરવી પડે. દા.ત. ૧૦૦ કિલોમીટર માટે ૧૨.૧૩ અને ૧૫૦ કિલોમીટર માટે ૪.૨૩નો સમય હતો. પહેલાં ૫૭ કિલોમીટર સરસ ગયા. આસનગાંવ ખાતે ઇડલી-સંભારનો બ્રેકફાસ્ટ કરવામાં આવ્યો, ત્યાંથી આગળનું ગામ જેનું નામ મને યાદ નથી આવતું (ખરાડી?) ત્યાં સુધી રસ્તો સરસ હતો. ત્યારબાદ કસારા ઘાટ શરુ થયો. મને સામાન્ય રીતે પર્વતો પર સાયકલ ચલાવવામાં વાંધો નથી આવતો અને અહીં વાંધો આવ્યો! આવો જોરદાર રસ્તો, હવામાન અને રસ્તામાં જોવા મળેલાં અભૂતપૂર્વ એક્સિડેન્ટસ (એક ટ્રક તો પુલ પરથી સીધો રેલ્વે ટ્રેક પર પડેલો!) અને સીધાં ચઢાણ ક્યારે જોયા નહોતાં. તેમ છતાંય, નિયત સમય કરતાં અડધો કલાક વહેલો ઇગતપુરી (૧૦૬ કિમી) પહોંચ્યો. ત્યારબાદ નાસિક સુધીના ૫૦ કિમી સરસ રહ્યા. નાસિક ખાતે એટીએમમાંથી બેલેન્સ ચેક કે પૈસા ઉપાડીને એટીએમ સ્લિપ સાચવી રાખવાની (જે સમય ચકાસવા કામમાં આવે, મસ્ત આઇડ્યા!). નાસિકથી વળતી મુસાફરી કરી ત્યારે ૩.૩૫ થઇ ગયા હતા. લગભગ કલાક પછી જોરદાર વરસાદની શરૂઆત થઇ. ૬ વાગ્યાને મને ખબર પડીકે આગલા ટાયરમાં પંકચર છે એટલે તરત જ તેની ટ્યુબ બદલી (ગલતી નં ૧, એ ટ્યુબનું પંકચર રીપેર કરવાની દરકાર કરી નહી. ગલતી નં ૨, એક જ સ્પેર ટ્યુબ રાખેલી). આગલી મુસાફરી, ઇગતપુરી ક્રોસ કર્યું. ૨૦૬ કિમી. બીજા થોડાક કિલોમીટર ગયો અને કસારા ઘાટ ઉતરવાની શરૂઆત થઇ.

કસારા ઘાટની ચેતવણીઓ અમને મળેલી, છતાંય હું ઉત્સાહમાં હતો અને રસ્તાની બહુ સાઇડમાંથી થોડો વધુ નીચે ઉતરી ગયો અને મસ્ત રીતે પડ્યો. કોણી, કમર અને ડાબો પગ – ઘવાયા. તેમ છતાંયે અમારો નિર્ણય અડગ હતો પણ અમારું ટાયર નહી. પાંચેક કિલોમીટર ગયો હોઇશને પાછલાં ટાયરમાં પંકચર! હવે શું કરવું? અમારા સંચાલકને ફોન કર્યો, તેણે કહ્યું – બે રસ્તા છે, ૧. પંકચર રીપેર કરવું, ૨. નીચે ઉતરવું. અમે રસ્તો ૧ પસંદ કર્યો, પણ પાણીની કમી અને લાઇટની કમી હોવાથી પંકચર મળ્યું નહી. એટલે બીજો રસ્તો, ઘાટ ઉતરવાનો અને બે કિલોમીટર સાયકલ હાથમાં પકડીને નીચે આવ્યો. કાર પંકચરની દુકાનમાં સાયકલ પંકચર કર્યું. બીજી ટ્યુબ પણ સરખી કરી અને ગાડી આગળ ચલાવી.

પણ, કુદરત અમારી જોડે નહોતી 🙂 આમ પણ, ઘણો સમય વ્યય થઇ ગયો હતો અને મારી કોણીએ જવાબ દઇ દીધો. બીજું એક પંકચર (પડઘા ગામ આગળ). તેમ છતાંય આગળ વધ્યો. છ કિલોમીટર બાકી હતાં (૩૦૧.૧ કિમી થયા હતાં) અને મુલુંડમાં જ બીજું પંકચર. મારી પાસે ૨૦ મિનિટ હતી. બે રસ્તાં હતાં. ૧. ચાલીને પૂર્ણ વિરામ પોઇન્ટ પર જવું અને ૨. પડતું મૂકવું અને ટેક્સી કરીને ઘરે જવું.

અમે (એટલે કે હું) રસ્તો ૨ લીધો. કસારા ઘાટ, અમે પણ યાદ રાખીશું – આવતી વખતે.

બોધપાઠ્સ:
૧. ઓછામાં ઓછી, ૫ કે ૬ સ્પેર ટ્યુબ રાખવામાં વાંધો નહી.
૨. સાયકલની ટ્યુબનું પ્રોટેક્શન કવર આવે છે. લઇ લેવામાં આવશે.
૩. એકલા સાયકલ ચલાવવા કરતાં સાથે-સાથે સાયકલ ચલાવવામાં સારું. બિગ બોધપાઠ.
૪. સારી હેડલાઇટ જરૂરી છે.

ફોટાઓ આવશે ત્યારે મૂકવામાં આવશે 🙂

4 thoughts on “રેસ રીપોર્ટ: BRM ૩૦૦

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.