અપડેટ્સ – ૨૫૦

  • ઓહ, ર૫૦ અપડેટ્સ!! એક નવો માઇલસ્ટોન જેને કોઇ નોંધવાનું નથી 😉
  • અપડેટ્સમાં જોઇએ તો મારા લેહ સાયકલિંગ પ્રવાસ વિશે અલગથી પોસ્ટ લખવાનું ચાલુ છે, કદાચ કાલે પૂરી થઇ જાય. લેહ પ્રવાસ ઘટના-દુર્ઘટનાઓથી ભરેલો રહ્યો એટલે પોસ્ટ મોટી બનશે (મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે). ઘણાં વર્ષો પછી આટલું મોટું વેકેશન લેવામાં આવ્યું એટલે હું પણ મૂંઝવણમાં મૂકાઇ ગયો હતો. મારા વગર જોકે કોઇને કંઇ ફરક ન પડ્યો અને ઓફિસ (અને દુનિયા) જેમ ચાલતી હતી એમ જ ચાલી!
  • કવિનની કોલેજ શરુ થઇ છે. તેને રીક્ષા, મેટ્રો, લોકલ ટ્રેન અને બસ કેવી રીતે પકડવી તે આવડી ગઇ છે, એટલે બાકીની ચીજો આવડી જશે. મેટ્રોને કારણે ઘણી સરળતા રહે છે. આશા રાખીકે મેટ્રોના આગળનો માર્ગ જલ્દી બની જાય તો વધુ સરળતા રહે.
  • મોટરબાઇક સર્વિસ કરાવવું એ પણ એક મોટું કામ છે અને લોકો અત્યંત ધીમા, આળસુ અને બેદરકાર હોઇ શકે તે પણ આજે ખબર પડી. જોકે એમાં આળસુપણા અંગે હું વધુ નહી બોલું કારણકે તે ગુણધર્મ મારામાં સરસ રીતે વણાયેલો છે.
  • દોડવાનું બાજુ પર છે પરંતુ આ રવિવારે ૧૦ કિમી છે અને ૨૦ ઓગસ્ટે એક હાફ મેરેથોન પણ છે. હવે રજીસ્ટર કર્યું છે તો દોડવું પડશે એવી સ્થિતિ છે, બાકી તૈયારી તો જરાય નથી. તૈયારી કરવા માટે જ આવી ઇવેન્ટમાં પૈસા ભરવામાં આવે છે – એ બહાને કંઇક તો પગ ઉપડે!
  • દોડવા પરથી યાદ આવ્યું કે લેહમાં જૂનાં શૂઝ ફાટી ગયા હોવાથી નવાં સરસ વાદળી રંગના રનિંગ શૂઝ લેવામાં આવ્યા છે. જોડે નવાં મોજા અને ટોપી પણ લીધી એટલે બિલમાં પાર્ટી થઇ ગઇ.
  • બસ, અત્યારે આટલું જ. કાલે લેહ-ઉમલિંગ લાની પોસ્ટ પાક્કી!

અપડેટ્સ – ૨૪૮

વિકિકોન્ફરન્સ ૨૦૨૩

આખરે ૨૦૧૬ પછી લગભગ ૭ વર્ષ પછી વિકિકોન્ફરન્સ થઇ. એટલે કે, ઓફલાઇન થઇ. આ વખતે કોન્ફરન્સ હૈદરાબાદમાં હતી. એટલે ફરી પાછું બે મહિના પછી ત્યાં જવામાં આવ્યું. કોન્ફરન્સમાં લગભગ ગુજરાતી વિકિપીડિયાના બધાં જ સક્રિય સભ્યોએ ભાગ લીધો હતો એટલે મજા આવી ગઇ. અન્ય ભાષાના વિકિપીડિયન્સને પણ મળવાની તેમજ વાત કરવાની તક મળી.

વાતોના વડા સાથે વજન વધારીને આવ્યો છું!

કિકિ

કિકિ એકદમ મઝામાં છે. હવે ગઇકાલથી ૧૫ મે સુધી ઘરે હું અને કિકિ – બંને જ છીએ એટલે એકલાં તો ન કહેવાઇએ, તો પણ ઓફિસ ચાલુ અને મારી લેપટોપ જોડે ચોંટી રહેવાની આદત એટલે કિકિને કદાચ થોડું એકલું લાગશે પણ તે મને એવું નહી લાગવા દે એ પાક્કું છે. નિઝિલે કિકિ માટે સરસ મોજાં આપ્યા છે, જે તેને ટ્રાય કરાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો. આ એકલા દિવસોમાં કિકિને એક વખત ડોક્ટર પાસે લઇ જવાની છે એટલે મારે એક એડવેન્ચર કરવાનું આવશે. મોટાભાગે તે સવારે થોડી મસ્તી કર્યા પછી બપોર સુધી આરામ કરે છે અને પછી બપોરે તો અમારી જેમ જ સૂઇ જાય અને સાંજે ફરી પાછો મોટો બ્રેક લે અને રાત્રે પાર્ટી કરે 😉 તેની પાર્ટી પર નજર રાખવા એક સિક્યુરીટી કેમેરો પણ લીધો છે જેમાં તે રાત્ર ૨-૩ વાગે મસ્તી કરતી દેખાઇ છે!!

સાયકલિંગ-રનિંગ-વોકિંગ

લગભગ બંધ છે – છેલ્લા બે મહિનાથી. અને હવે પછીના ૧૫ દિવસ પણ બંધ રહેશે. હૈદરાબાદનું વાતાવરણ આ વખતે વિચિત્ર હતું – બે વખત દોડવા જવાનો પ્લાન બનાવ્યો અને તે જ વખતે ધોધમાર વરસાદ પડ્યો. માત્ર હોટેલથી કોન્ફરન્સ વખતે સવાર-સાંજ જે કંઇ ચાલવાનું થયું એ જ મારી એક્ટિવિટી રહી. હવે કિકિ થોડો સમય સવારે શાંતિ રાખે કે પછી સાંજે સૂઇ જાય એટલે થોડું સાયકલિંગ-રનિંગ ચાલુ કરીએ. જૂનમાં ૧૨૦૦ આવવાની છે, પણ બહુ વરસાદ હશે તો – ના બાબા ના! બીજી ભવિષ્યની ઘટનામાં લેહ જવાનું ગોઠવ્યું છે અને આપણે સરળ વસ્તુઓને તો અડીએ નહી એટલે મનાલી-લેહને બાજુ પર રાખીને નવો રસ્તો લેવાનું નક્કી કર્યું છે. એમાં પણ હજુ થોડીક ચીજોનો મેળ પાડવાનો બાકી છે પણ મેળવણ મળી જશે અને તેમાંથી છાશ સુધી પહોંચી શકાશે એવું મારું માનવું છે.

અપડેટ્સ – ૨૪૬

છેલ્લી અપડેટ્સ પોસ્ટ લખીને અને એક મહિનો સડસડાટ નીકળી ગયો. ત્યાં સુધી બનેલી ઘટનાઓમાં જોઇએ તો,

૧. મુંબઈ મેરેથોન ૨૦૨૩

એકંદરે સરસ દોડાઇ. સાચ્ચી રીતે કહું તો અત્યાર સુધીની સૌથી ઓછી તૈયારી સાથે સૌથી વધુ સરસ રીતે કરેલી મેરેથોન. સદ્ભાગ્યે ડિસેમ્બરમાં થયેલી પેલી એમ.સી.સી. ચેલેન્જના પ્રતાપે સારું એવું રનિંગ થઇ ગયું અને સહ્યાદ્રિ ક્લાસિક રેસનો થાક હોવા છતાં આ વખતે દોડવાની ખરેખર મઝા આવી. અને, જે વસ્તુમાં મઝા આવે તેમાં કોઇ વધુ વર્ણનની જરુર ખરી?

૨. મુંબઈ-ગોઆ-મુંબઈ ૧૨૦૦

ગયા ઓગસ્ટની દુર્ભાગ્યપૂર્ણ ૧૨૦૦ પછી નક્કી કરેલું કે એક બીજી ૧૨૦૦ સરસ રીતે કરવી. મૂળમાં તો માર્ગ હતો – મુંબઈ-પુણે-મહાબળેશ્વર-બેલગાંવ-ચોરલા-ગોઆ-ચોરલા-સતારા-મહાબળેશ્વર-પુણે-ખોપોલી. પણ પછી, ભલું થજો ઓર્ગેનાઇઝરનું કે માર્ગને થોડો સરળ(?) બનાવવામાં આવ્યો અને તે બન્યો – મુંબઈ-પુણે-મહાબળેશ્વર-નિપાણી ઘાટ-અંબોલી ઘાટ-ઉત્તર ગોઆ-કંકાવલી-રાજાપુર-આંબા ઘાટ-કરાડ-સતારા-પુણે-મુંબઈ. છે ને સરળ! સતારા પહોંચ્યા ત્યાં સુધીમાં ૫ માંથી ૨ જણા જ બાકી રહ્યા હતા. હું અને ભૂષણ અને ગોઆ પહોંચ્યા ત્યાં સુધી તો હાલત ખરાબ જ હતી. ગોઆ થી આંબા ઘાટ સુધીનો રસ્તો એકંદરે સરસ હતો. હજુ હાઇવે પર બહુ કામ બાકી છે, પણ સરસ રીતે ચાલી રહ્યું છે. ત્યાંથી કરાડ એકંદરે સારી રીતે પહોંચ્યા, પણ ત્યાર પછી મારી હાલત ખરાબ થઇ. ચાલુ રાઇડમાં એક ઝોકું આવ્યો અને મસ્ત રીતે પડ્યો. સદ્ભાગ્યે કંઇ છોલાયું-તૂટ્યું નહી પણ મારી ઊંઘ ઉડી ગઇ. સતારા પછી છેલ્લા દિવસનો ખેલ શરુ થયો. પુણે સુધી ટ્રાફિક પસાર કરતા જેમ-તેમ પહોંચ્યા પછી ભૂષણને ગળામાં દુખવા આવ્યું પણ તેને નેક બેન્ડ પહેરીને પણ રાઇડ ચાલુ રાખી. પછી અમે આગળ-પાછળ થઇ ગયા અને લોનાવાલા મળ્યા. હવે મારી પાસે ૬ કલાકથી ઓછો સમય હતો એટલે સાયકલ જેટલું જોર હતું તે લગાવીને ભગાવી. નવી મુબંઈ પછી ટ્રાફિક શરુ થઇ ગયો હતો. છેવટે ઐરોલી પછી ટ્રાફિક જામ મળ્યો. માંડ-માંડ એક-બે મિનિટ કટ-ઓફ પહેલાં પહોંચ્યો.

એન્ડ પોઇન્ટ પર વિપુલ અને પછી અન્ય લોકો મળ્યા અને નાનકડી પાર્ટી પણ કરી. ભૂષણે પનવેલ આગળ રાઇડ છોડી દીધી હતી. પણ, આ ૧૨૦૦ અત્યાર સુધીની મારી સૌથી અઘરી સાયકલ ઇવેન્ટ હતી.

હવે? વધુ અઘરી-તકલીફ વાળી રેસ આવે ત્યારે કરીશું!!

૩. ખોવાયેલો બિલાડો!

ક્યાં છે તું?

હું જ્યારે ૧૨૦૦ કરતો હતો ત્યારે છેલ્લી વખત ઘરે આવેલો બિલાડો લગભગ એક અઠવાડિયાથી દેખાયો નથી. આજુ-બાજુ તપાસ કરી અને બહુ રાહ જોઇ છે. બિલાડી વિચિત્ર પ્રજાતિ છે, એ તો ખબર જ છે, પણ ક્યાં ગયો હશે, શું કરતો હશે? આવા પ્રશ્નો અમે ઘરે એક-બીજાંને પૂછીને સમય પસાર કરીએ છીએ. છેલ્લે થોડા સમયથી તેની તબિયત થોડીક ઠીક લાગતી નહોતી અને શેરીનો બિલાડો એટલે વિસ્તાર તેમજ પ્રેમિકાઓ માટે મારામારી કરી હોઇ શકે. ભૂતકાળમાં આવું એકાદ-બે વખત બનેલું પણ એ ઘટનાઓમાં તે બે-ત્રણ દિવસ પછી તો દેખાયો જ હતો. એટલિસ્ટ, અમને ગુડબાય પણ તેણે ન કહ્યું :/

અપડેટ્સ – ૨૪૫

આમ તો આ અપડેટ્સની પોસ્ટ નવેમ્બર ૨૦૨૨માં આવવી જોઇતી હતી, પણ વચ્ચે લગભગ ચાર-પાંચ મહિનાઓના લાંબા વિરામ પછી ફરી અહીં આવ્યો છું. (અપડેટ: આ પોસ્ટ ભૂલથી નવેમ્બરમાં જ પ્રકાશિત થઇ ગઇ હતી!) વર્ડપ્રેસ સાથે ૧૭ વર્ષ થયા પછી લાગે છે કે આ પ્લેટફોર્મ સાથે એટલો બધો સારો મેળ રહ્યો નથી, છતાંય સોશિયલ મિડિયા કરતા અહીં એકંદરે સારુ છે. ભલેને બે-ત્રણ મીણબત્તીઓ સળગતી રહી છે, છતાંય હૂંફ વર્તાય છે! ક્યારેક બ્લોગના દિવસો ફરી પાછા આવશે!!

સપ્ટેમ્બરથી શરુ કરીને અત્યાર સુધી અનેક ઘટનાઓ બની ગઇ. મોટાભાગે સારી જ રહી, છતાંય લાંબા સમય પછી લાગણીસભર ઘટના જ્યારે બને ત્યારે કંઇક અલગ જ અનુભવ થાય છે. આ વિશે પછીની પોસ્ટમાં લખીશ. એમ તો એ પોસ્ટ પણ નવેમ્બર-ડિસેમ્બરમાં જ આવવી જોઇતી હતી. ગયા અઠવાડિયે જ ફરીથી સહ્યાદ્રિ ક્લાસિકની ચોથી આવૃત્તિમાં રેસિંગ કરી આવ્યો અને સ્ટ્રોબેરી લઇને ઘરે આવ્યો. હવે, નવાં-નવાં લોકો જોડાતા જાય છે, એટલે રેસ અઘરી બનતી જાય છે. વધુ મહેનતની જરુર છે. રેસિંગની વાત નીકળી છે તો આવતા અઠવાડિયે જૂની ને જાણીતી મુંબઈ મેરેથોન છે. જે ૨૦૨૦ પછી હવે થશે એટલે લોકો બહુ ઉત્સાહી છે. મારા ઉત્સાહ પર તો હંમેશની જેમ જ ઠં઼ડુ પાણી હું જ ઉમેરતો રહ્યો છું – કારણ કે, તૈયારી તો નથી. તો પણ, ડિસેમ્બરમાં અમારી મલાડ સાયકલિંગ ક્લબની એક ચેલેન્જ ઉપાડી હતી અને ૧૫૦-૧૬૦ કિમી જેવું રનિંગ થયું. કોકીએ પણ ૫૦ કિમી વોકિંગમાં ભાગ લીધો અને તેનો પહેલો મેડલ મેળવ્યો.

ડિસેમ્બરમાં શાળા મિત્રો જોડે વાર્ષિક પ્રવાસ પણ કર્યો અને મઝા કરી. એ વિશેની પોસ્ટ ક્યારેક આવતા ૨૦-૨૫ વર્ષોમાં 😉

હવે બીજી અપકમિંગ ઘટનાઓમાં જોઇએ તો કદાચ જાન્યુઆરી અંતમાં ૧૨૦૦ કિમી આવશે. વચ્ચે પેરિસ-બ્રેસ્ત-પેરિસનું પ્રિ-રજીસ્ટ્રેશન પણ આવશે, જે અંગે હજુ મૂંઝવણ છે કે તેમાં જવું કે ન જવું. મિડ-લાઇફ-ક્રાઇસિસ :/

કવિન હવે ૧૦માં ધોરણની પરીક્ષા આપશે અને તેની ચિંતા અમને કોરી તો નથી ખાતી પણ ટિપીકલ મા અને બાપની જેમ અમે સ્વાભાવિક રીતે થોડી ચિંતા કરીએ. સ્વાભાવિક મારા સ્વભાવ વડે હું ચિંતા તો નથી કરતો પણ છૂપી રીતે નજર તો રાખું છું જ. એટલું તો હું કરી જ શકું.

અને હા, એક વાત તો કહેવાની રહી ગઇ – મોટર બાઇક શીખવાનું શરુ કર્યું છે. અત્યાર સુધી તો સારું છે, જોઇએ આ નવો શોખ આ ક્યાં લઇ જાય છે!

તેર તારીખની એ બારસો

એમ તો આ પોસ્ટ લખવાનું મન થતું નહોતું, છતાં પણ નિષ્ફળતાની નોંધ થવી જોઇએ અને એમાં શરમાવવાનું શું? કારણ કે, આપણે પ્રયત્ન કર્યો છે. કોઇકને કદાચ આમાંથી કંઇક શીખવા મળે ન મળે, મને તો જરુર મળશે એ વિચાર આવ્યા પછી મારી ૧૩ ઓગસ્ટની ૧૨૦૦ની આ લાંબી પોસ્ટની શરુઆત કરુ છું..

૧૨૦૦ની જાહેરાત થઇ ત્યારે અખિલેશભાઇએ મને અંગત રીતે જાણ કરી એટલે તરત જ રજીસ્ટ્રેશન કરાવ્યું – ત્યારે બે વાત હું ભૂલી ગયો હતો: ૧. એ લોંગ વીકઅેન્ડ હતો અને ૨. ફ્રેન્ડ્સ અને ફેમીલી સાથે કદાચ ક્યાંક કાર્યક્રમ બની શકે તેમ હતો. વાત ક્રમાંક ૧ તો ઠીક, પણ વાત ક્રમાંક ૨માં ખાસ્સું એવું સમાધાન કરવું પડ્યું. કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે!

આ બી.આર.એમ. વગેરે એમ તો પૂરી કરવી સરળ છે, પણ તે માટેની તૈયારી બહુ સમય માંગી લે. ખાસ કરીને જો તે બીજા શહેરમાં હોય. મારી તૈયારીની શરુઆત થઇ – સાયકલને સરખી કરાવવાથી. એમાંથી થોડું મોડું કર્યું અને છેલ્લા અઠવાડિયામાં દોડમદોડી થઇ. બ્રેક પેડ્સ બદલાવવાના હતા, જે ન બદલાવી શક્યો એટલે એમાં પાછલી બ્રેકના પેડ્સને આગલી બ્રેક્સના પેડ્સ સાથે બદલ્યા (એટલે કે થીગડાં કામથી ચલાવ્યું!). ટાયર બદલાવ્યા, ગીયર્સમાં લોચા હતા તે સરખા કર્યા વગેરે. છેવટે, ૧૨૦૦ કિમી ચલાવવા લાયક સાયકલ તૈયાર થઇ એટલે શાંતિ થઇ. હવે, બીજું મુખ્ય કામ હતું – સુરત જવું કેવી રીતે? સરળ. કારમાં. મુશ્કેલ? કાર ક્યાંથી લાવવી. ઉપાય? ભાડેથી. ક્યાંકથી કોઇની મદદથી કાર તો મળી, પણ બે જણાં હોય તો સસ્તું પડે એટલે રાકેશને પૂછ્યું અને તેણે હા પાડી. એટલે એ પણ બરોબર થઇ ગયું. રહેવાની વ્યવસ્થા માટે, પિયુષની ઓળખાણથી ફરી સુરત જીમખાનામાં ગોઠવ્યું, જ્યાંથી સ્ટાર્ટ પોઇન્ટ (અને એન્ડ પોઇન્ટ) કંટ્રોલ ૧૦૦ મીટરના અંતરે જ છે. તો ઓલ સેટ? ના. રાકેશને છેલ્લી ઘડીએ કંઇ કામ આવી ગયું એટલે છેવટે મારે એકલા જ કારમાં જવાનું થયું. ડ્રાઇવર જોડે બે વાર બાબતો સ્પષ્ટ કરી અને શુક્રવાર સવારે (એટલે કે ૧૨ ઓગસ્ટે) કાર આવી ગઇ. સાયકલ અને સામાન બરાબર ગોઠવી અને લાંબી મુસાફરીની શરુઆત થઇ.

સુરત સુધી રસ્તામાં ખાસ વરસાદ નહોતો પણ નવસારીથી વરસાદ શરુ થયો. ડ્રાઇવરે રસ્તામાં સારો એવો ટાઇમપાસ કર્યો અને એનો ઇતિહાસ, બિઝનેશ, ભૂગોળ, કુટુંબ, એણે કેવી રીતે ૧ રુપિયાના રોકાણથી કરોડોનું ટર્નઓવર અને નુકશાન કર્યું અને કુટુંબમાં કોણ છે અને કોણ નથી અને કેટલા આઇફોન લીધા – એવી બધી જ માહિતી આપી દીધી. મને પૂછ્યું – તમે સોશિયલ મીડિયા નથી જોતા? મેં કહ્યું – ના 😀

જલારામના ફાફડા – જેના પછી ડ્રાઇવરનો જોશ બમણો થયો..

સમયસર સુરત પહોંચીને આરામ કર્યો. સાયકલ ફરી જોડી અને બપોરે આરામ કર્યો. સાંજે બી.આર.એમ.ની બ્રિફિંગ મિટીંગમાં જવાનું હતું એ પહેલાં પિયુષ જોડે નજીક જ રહેલા મૈસુર કાફેમાં ડિનર માટે ગયો અને ત્યાંથી બી.આર.એમ. રાઇડર્સ જોડે મુલાકાત. એ સમયે બહુ વરસાદ હતો. હવે આરામ હતો. સમયસર ઉઠી જવું એ સવારની સૌથી સારી શરુઆત કહેવાય એટલે એ માટે જલ્દીથી રુમ પર પાછો ફર્યો.

સોનગઢ, સૂસવાટ અને સવાસોનો કેબલ

સવારે સમયસર ૬ વાગે રાઇડ શરુ થઇ. અમારે પહેલા પલસાણા ચોકડી અને ત્યાંથી સોનગઢ તરફ માંડલ ટોલનાકા સુધી જવાનું ત્યું. ૯૦ કિમી સરસ ગયા. ટ્રાફિક પણ નહી અને રસ્તો પણ એકંદરે સારો. થોડો વરસાદ શરુ થયો પણ બહુ નહોતો. લગભગ બધા જ અંતર સુધી વડોદરાનો જાગૃપ મારી સાથે જ હતો એટલે આરામથી વાતો કરતા-કરતા રસ્તો પૂરો થયો. ૯૦ કિમીના કંટ્રોલ પર બ્રેવે કાર્ડ પર સ્ટેમ્પિંગ અને ફોટો સેશન પછી અમુલ કાફે પર પફ અને ચાનો બેવડો ડોઝ લેવામાં આવ્યો. ત્યાં ધુલેના સુનિલ નાઇક મળ્યા અને થોડી વાતોનો દોર પણ ચાલ્યો.

શાંતનુ, હું, જાગૃપ અને અખિલેશભાઇ

ત્યાંથી ફરી પલસાણા જવા માટે પ્રયાણ કર્યું. હવે પછીનો કંટ્રોલ પોઇન્ટ ૨૬૧ કિમી (કરજણ) પર હતો. એટલે અમારે લગભગ ૧૭૦ કિમી પસાર કરવાના હતા. પલસાણા આવતા પહેલાં સાયલિસ્ટોના નં ૧ દુશ્મન એવા હેડવિન્ડ નો સામનો થયો અને માંડ માંડ પલસાણા પહોંચ્યા. જાગૃપ ત્યારે પાછળ રહી ગયો હતો અને હવે હું એકલો જ હતો. જેવો NH-8 પર આવ્યો ત્યારે ટ્રાફિક અને ખરાબ રસ્તાની શરુઆત થઇ. રસ્તો તો ઠીક પણ ટ્રાફિકનો વારંવાર સામનો થયો. એક વખત તો કંટાળીને સામે દેખાતા મેકડોનાલ્ડમાં બેસીને કોફી પીધી ત્યારે થોડી શાંતિ થઇ. છેક અંકલેશ્વર સુધી લગભગ આમ જ ચાલ્યું અને પછી થોડી સ્પીડ પકડીને કરજણ પહોંચ્યા ત્યારે રાત્રે ૭.૩૦ થઇ ગયા હતા. ત્યાં પહોંચીને આરામથી કોફી પીધી. એ વખતે થયું કે ચાલો હવે પાવરબેંકથી લાઇટ ચાર્જ કરીએ. પણ, પછી થયું કે જવા દો – જરુર પડશે ત્યારે કરીશું. આ એક ભૂલ હતી! હવે ત્યાંથી આગળ વધ્યો ત્યારે ખબર પડીકે ફ્રંટ લાઇટ તો ચાર્જ જ નથી! લો ત્યારે! તો કંઇ નહી, પાવરબેંકનો કેબલ લગાવીને ચાર્જમાં મૂકી – ચાર્જ જ ન થાય. તેનાથી ગારમિન ચાર્જ કર્યું તો ગારમિન પણ ચાર્જ ન થયું. જો પાવરબેંક બંધ પડી તો માર્યા ઠાર. પછી ટેસ્ટ માટે યુએસબી-C કેબલથી મોબાઇલ ચાર્જ કર્યો તો થયો. એટલે કે કેબલ જ ખરાબ હતો. જોકે મારી પાસે બીજી લાઇટ હતી પણ તે પણ ૪-૫ કલાકથી વધુ ચાલે તેમ લાગી નહી એટલે કોઇ મોટી હોટલ જેમાં દુકાન જેવું હોય તો તે શોધતા આગળ વધ્યો અને છેવટે એવી હોટલ મળી એટલે સૌથી પહેલું કામ જૂનાં કેબલને કચરા પેટીમાં નાખવાનું કર્યું. અને, જે કેબલ ૨૦-૩૦ રુપિયામાં મળે તે સવાસોમાં લેવો પડ્યો (અને હા, કંટ્રોલ પોઇન્ટ પરની બેગમાં બીજો કેબલ પણ હતો ;))

બોધપાઠ: કેડમાં છોકરું અને ગામમાં શોધવું.

આણંદથી મંગળ

પછી સવારી ચાલુ થઇ રાતની મજા સાથે. હવે, બે લાઇટ્સ ચાલુ રાખી અને આરામથી આણંદ પસાર કર્યું. રસ્તો સરસ હતો એટલે મઝા આવી. કરજણ પછી હું એકલો જ હતો પણ સરવાળે એકાદ વખત કૂતરાં પાછળ પડવા સિવાય કોઇ ખાસ ઘટના ન બની. હા, રસ્તામાં એક જગ્યાએ સરસ કાઠિયાવાડી સાદી ખીચડી ખાધી (સાદી ખીચડીમાં પણ તજ, લવિંગ અને મસાલાનો ભરભાર – લો બોલો!) હવે, અસલાલી પહોંચ્યો ત્યારે ધ્યાનથી રીંગ રોડ તરફ વળ્યો અને હું આવી પહોંચ્યો – મંગળ ગ્રહ પર! હા, એવો જ અલૌકિક અનુભવ. અંધારુ, ખાડા અને ગંધ મારતું વાતાવરણ. મને એમ કે આવું થોડું જ હશે, પણ મઝા હજુ બાકી હતી. પાંચેક કિમી પછી જ્યાં નવા ફ્લાયઓવર બને છે, તેની બાજુનો રસ્તો પસાર કરતા તો આંખોમાં શુક્ર, બુધ અને પ્લુટો દેખાઇ ગયા. સવારે વહેલા પહોંચવાનો જે પ્લાન હતો તે મૂકાયો તડકે અને આરામથી વૈષ્ણોદેવી સર્કલ ગયો, જ્યાં અમારી હોટેલ હતી. રસ્તામાં કેટલાય અમદાવાદી સાયકલિસ્ટ દેખાયા. હોટેલ પહોંચ્યો ત્યારે અમને મળેલા રુમમાં સુરતના ધર્મેશભાઇ આરામ કરતા હતા (એક રુમમાં ત્રણ સાયકલિસ્ટ). ફટાફટ શાવર લઇને સૂવાની તૈયારી કરતો હતો ત્યારે જાગૃપ આવી ગયો. અને રસ્તામાં તેણે તેનો ફોન ગુમાવ્યો હતો. અમે નક્કી કર્યું કે ત્રણેક કલાકમાં નીકળી જવું. આ ત્રણ કલાક ક્યારે પૂરા થયા તે ખબર જ ન પડી!

અમદાવાદથી પાલનપુર વાયા કડી કલોલ

હવે અમારો ફેવરિટ રસ્તો હતો. પાલનપુર!! મમ્મી-પપ્પા ત્યારે પાલનપુર જ હતા, તો તેમને કહેલું કે જો માનવીય સમય (એટલે કે દિવસના સમયે!) દરમિયાન હું પાલનપુર પસાર કરીશ તો લંચ કે ડિનર માટે તમને હાઇવે પર મળી શકીશ. અને, લાગ્યું કે લંચ માટે મળી શકાય. તો પણ, નક્કી કર્યું કે સિદ્ધપુર પહોંચીને જ ફોન કરું. એ પહેલાં નિઝિલ પણ મહેસાણામાં હતો તો તેને પણ વિકિહેલ્લો કરતા જવાનું નક્કી કર્યું અને કલાક પહેલા ફોન કર્યો. આ વખતે જાગૃપ જોડે હતો અને રસ્તો સારો હતો એટલે સાયકલ ચલાવવાનો સ્ટેમિના સારો રહ્યો. મહેસાણામાં નિઝિલને રાધનપુર ચોકડી પર મળ્યો. કદાચ ચારેક વર્ષ પહેલા આવી જ કોઇ મેહોણા મુલાકાત દરમિયાન મળેલા. વિકિપીડિયા પર થયેલી ઓળખાણ પછી અંગત રીતે બીજી વખત મળવાનું થયું. થોડી વાતો કરી. આઇસક્રીમ ખાધો અને પછી પાલનપુર જવા નીકળ્યા.

સંકલ્પનો સંભાર, પાલનપુર

પાલનપુર હાઇવે પર મમ્મી-પપ્પા પહોંચી ગયા હતા એટલે સીધા જ સંકલ્પમાં ગયા અને આરામથી બેસી વાતો કરી અને ઢોસા ખાધા. સંકલ્પનો સ્વાદ એવો જ લાગ્યો. મુંબઈમાં તો નજીકમાં હવે કોઇ સંકલ્પ હોટેલ રહી નથી એટલે ઘણાં વર્ષો પછી આ ટેસ્ટ મળ્યો. પાલનપુર પર પહોંચ્યા ત્યારે કુલ અંતર મારા ગારમિન પ્રમાણે ૫૮૪ કિમી થયું હતું. હવે અહીંથી આબુરોડ અને પછી ત્યાંથી માઉન્ટ આબુ પહોંચવાનું હતું. પાલનપુરમાં સંખ્યાબંધ ગાય (હે ગાય્સ!) અને ટ્રાફિક પસાર કરી આબુરોડ તરફ પહોંચવાનું શરુ કર્યું. રસ્તામાં બાલારામનું પાટીયું જોયું અને જૂની યાદો તાજી કરી. ફરી ક્યારેક આવીશું સાયકલ પર બાલારામ! આબુરોડ પહોંચતા પહેલા અંધારુ થઇ ગયું હતું અને હાઇવે થી આબુરોડ તરફ જવાનો ફાંટો અદ્ભૂત હતો. આટલા મોટા હીલસ્ટેશન પર જવાનો રસ્તો આટલો સાંકડો, ગંદો અને ભંગાર? :/ જે હોય તે, આબુરોડ પહોંચી થોડો આરામ કર્યો અને સ્થાનિક લોકોની સાથે આગળ પહોંચેલા રાઇડર્સ તરફથી ચેતવણી મળી કે હવેના રસ્તા પર ટ્રાફિક હશે એટલે સંભાળીને ચલાવજો. આમ પણ, ૬૦૦ કિમી પછી પગ થાક્યા હતા એટલે આરામથી જવાનું હતું. માઉન્ટ આબુનું ચડાણ શરુ કર્યું અને સામેથી આવતા ટ્રાફિકથી બચવાની સાથે અઘરું ચડાણ કરવાનું હતું. કુલ ચડાણ હતું – ૧૭.૮ કિમી. થોડા સમય પછી ઉપરથી આવતો ટ્રાફિક બંધ થયો અને જાગૃપ પાછળ રહી ગયો. આજુ-બાજુથી માત્ર વરસાદમાં બનેલા ધોધનો અવાજ અને રીફલેક્ટર્સના ચમકારા – બસ આ જ દ્રશ્ય જોવા મળે! લગભગ ૨ કલાક પછી એક હનુમાન મંદિર આગળ હું રોકાયો. ૧૦ મિનિટ ઊંઘ લીધી પછી ૪ કિમી બાકી હતા, જે એકંદરે સરળ હતા અને માઉન્ટ આબુ શહેરમાં અમારા કંટ્રોલ પોઇન્ટ પહોંચ્યો. ત્યાં ધર્મેશ, શાંતનુ અને અખિલેશભાઇ રુમમાં હતા. થોડી વાતો કરી અને થોડો થાક ખાધો. ભૂખ લાગી હતી અને જાગૃપ આવ્યો પછી થોડા સમયમાં નીકળી ગયા અને સરસ પંજાબી ડીનર કર્યું. હવે નીચે ઉતરવાનો રસ્તો હતો અંધારા કાયમ રહેગા જેવો! અંધારુ, અંધારુ અને માત્ર અંધારુ!

આબુથી અમદાવાદ

માઉન્ટ આબુની તળેટીમાં આવ્યા ત્યારે વરસાદ શરુ થઇ ગયો અને છેક હાઇવે સુધી રહ્યો. રસ્તામાં ન છૂટકે એક કલાકની ઊંઘ લેવી પડી અને જોકે બહુ કામમાં આવી અને તેના પછી ચા-પાર્લે બિસ્કિટના જોર પર છેક પાલનપુર સુધી સાયકલ ચલાવવાની મઝા આવી. હવે જાગૃપ પાછળ હતો અને ધર્મેશનો સાથ હતો. મહેસાણામાં એક જગ્યાએ સરસ લંચ કર્યું.

થાળી!

મહેસાણાથી અમદાવાદની મુસાફરી એકંદરે ઠીક રહી. અમદાવાદ પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઇ હતી અને અમારા પગની રાત પડી હતી. નક્કી કર્યું કે ૨ કલાક આરામ કરીએ પણ નીકળતા ૮.૩૦ જેવા થઇ ગયા. જાગૃપ આવી ગયો હતો અને ધર્મેશ આગળ. મને મોટ્ટો ડર હતો રીંગરોડના ખાડાઓનો એટલે જોડે જ ચલાવવાનું નક્કી કર્યું, તો પણ અસલાલી પહોંચ્યા પછી બધાં અલગ-અલગ થઇ ગયા હતા.

ક કરજણનો ક, પ પગનો પ

રસ્તામાં વિવેક મળ્યો જે તેના દર્દભર્યા પગની સાથે પણ સાયકલ ચલાવતો હતો, પછી ખબર પડીકે પેઇનકીલર લઇને ચલાવતો હતો. મને થયું – આ પેઇનકીલર એટલે શું? 🙂 પેઇનની વાત નીકળી તો યાદ આવ્યું કે વાર્તામાં ખરો પેઇન તો હજુ પેન ડાઉન કરવાનો બાકી છે! પહેલો વળાંક આવ્યો હતો પેટના પેઇન સાથે, જે ટોલનાકાના ટોઇલેટ પર થોડો શમ્યો. પછી, શાંતિ થઇને હું આગળ નીકળ્યો. હવે પછીનો કંટ્રોલ કરજણ હતો. કરજણ પહોંચતા સુધીમાં જોરદાર વરસાદ આવતો-જતો હતો. વડોદરા બાયપાસ આગળ ક્યાંક જાગૃપ મળ્યો અને અમે સાથે જ કરજણ પહોંચ્યા. અહીંથી હવે ખરો ખેલ બાકી હતો. હવે ૧૫૦ કિમી હતા અને મારી પાસે લગભગ ૧૨ કલાક બાકી હતા. ગમે તેવો રસ્તો હોય તો પણ હું ૧૨ કલાકમાં આટલું અંતર પૂરું કરી શકું. એટલે કંટ્રોલ પર પહોંચીને આરામથી નાસ્તો કર્યો. વાતોના વડા કર્યા વગેરે..

ફુડકોર્ડમાં ફુગાયેલો હું – ફું ફું!

નીકળતા પહેલાં હાથમોજાં-રુમાલ કાઢીને ક્યાંક મૂક્યા, જે હું ત્યાં જ ભૂલી ગયો અને ત્યાંથી ભૂલોની પરંપરા ચાલુ થઇ. રાઇડ ચાલુ કર્યા પછી એકાદ કિમીમાં જ પગ અચાનક દુખવા આવ્યા. જાગૃપને કહું, ભાઇ, ધીરો પડ. શૂઝ ખોલીને જોયા તો પાંવમેં પડ ગયે છાલે. હવે આગળ જવાય જ નહી. જેમ તેમ કરીને થોડું અંતર કાપ્યું. આગળ એક હોટેલથી જાગૃપ મારા માટે બે-ત્રણ જોડી ચંપલ ઉઠાવીને લાવ્યો, એમાંથી એક પસંદ કર્યા અને એ દુકાન વાળાએ અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવીને ત્રણ ગણા પૈસા પડાવ્યા. દુઆ મેં યાદ રખના – બીજું શું? 😉

હવે ક્લીટ વાળા પેડલ પર ચંપલ પહેરીએ તો શું થાય એ સાયકલિસ્ટ જ જાણી શકે અને એ દિવસે જાણ્યું કે આ ન જાણીએ તો જ સારું. જાગૃપને આગળ મોકલ્યો. અખિલેશભાઇ હજુ પાછળ જ હતા એટલે તેમની કારની રસ્તામાં રાહ જોઇ અને તેમને મળી બેગમાંથી સેંડલ લીધા. એ વખતે પગની હાલત કંઇક આવી હતી:

તો પણ, આગળ વધ્યો. હવે પગની સાથે રસ્તાની પણ હાલત ખરાબ થતી જતી હતી. ભરુચ નર્મદા બ્રીજ પસાર કર્યો ત્યારે ફરી વરસાદ શરુ થઇ ગયો હતો. એક સમયે લાગ્યું કે પગમાં ફ્રેકચર થવાની શક્યતા લાગે છે. એ પહેલાં કોઇ રેન્ડમ ગામમાં સાયકલ સ્ટોરની પણ તપાસ કરી ૩૦ મિનિટ પણ બગાડી હતી. છેવટે, એક જગ્યાએ બેઠો, વિચાર કર્યો, અખિલેશભાઇને ફોન કર્યો કે હું હવે બી.આર.એમ. છોડી રહ્યો છું. તેમને મને ઘણો સમજાવ્યો, પણ હવે મન અને પગ બંને થાક્યા હતા. પણ, વાર્તા હજુ બાકી હતી. લગભગ ૧૧૨૫ જેવું કુલ અંતર કપાયું હતું (સ્ટાર્વા ૧૧૩૫ બતાવે છે, જે ખોટું હતું!).

મદદ મદદ મદદ

હોટેલમાં થોડો ફ્રેશ થયો, ચા પીધી, પણ મને ઠંડી ચડી હતી. ઉબર-ઓલા કે ટેક્સી ક્યાંય દેખાયા નહી. હોટેલ વાળાને પૂછ્યું તો ત્યાં રહેવાની જગ્યા નહોતી. માર્યા ઠાર. હવે શું કરવું? પિયુષને ફોન કર્યો અને જાણકારી આપી અને ટેક્સીનું સેટિંગ કરવાનું શરુ કર્યું. આ બાજુ અખિલેશભાઇને પણ જણાવ્યું અને તેમણે તરત તેમની ઓળખાણમાં આજુબાજુના લોકો જોડે વાત કરી અને અંકલેશ્વરમાં રહેતા બે સાયકલિસ્ટને મને લેવા મોકલ્યા. હરીશભાઇ અને લલિતભાઇ છેક અંકલેશ્વરથી અજાણ્યા સાયકલિસ્ટને સુરત સુધી ગાડીમાં સાયકલ સાથે મૂકી જાય! તેમની આ મદદ મને હંમેશા યાદ રહેશે. તેઓએ પહેલા પિયુષના ઘરે સાયકલ મૂકાવડાવી પછી મને એન્ડ કંટ્રોલ પોઇન્ટ પર છોડ્યો. ત્યાં સુરતનું નિયમિત એવું સેલિબ્રેશન થયું અને વાતોનો બીજો દોર ચાલ્યો. ત્યાંથી મારો સામાન લઇ રીક્ષામાં પિયુષના ઘરે આવ્યો. જમણો પગ કંઇ ખાસ કામ કરતો નહોતો, તો પણ, ધીમે-ધીમે આરામથી આવી પહોંચ્યો. નહાવામાં ૧ કલાક ગુજારીને જ્યારે સૂઇ ગયો ત્યારે કંઇક શાંતિ થઇ. બીજા દિવસે સવારે નાસ્તો કરી મુંબઈ જવા નીકળ્યો અને ઘરે શાંતિથી પહોંચ્યો. પિયુષનો અત્યંત આભાર, તે પણ તેની ટ્રીપમાંથી થાકીને જ આવ્યો હતો.

હવે શું?

બીજું શું? બીજી ૧૨૦૦ 😉

અપડેટ્સ – ૨૪૪

  • લો અમે ફરી આવ્યા છીએ. એજ જુનાં-પુરાણા અને ઐતિહાસિક સાયકલિંગ અપડેટ્સ સાથે. જુલાઈમાં સુરત-મનોર-સુરત ૪૦૦ બી.આર.એમ. કરી અને ધોવાયેલા રસ્તાઓની સાથે જ અમે ધોવાઇ ગયા. બે વખત પંકચર સાથે માંડ-માંડ રાઇડ પૂરી કરી. જોકે પછીના દિવસે સુરતી લોચાની મઝા લીધી ખરી. હવે ફરી પાછો સમય થઇ ગયો છે – ધોવાઇ જવાનો અને કદાચ જો આ ૧૨૦૦ થોડી જલ્દી પૂરી કરીએ તો લોચો પણ ખાવા મળે. એ લાલચમાં કદાચ જલ્દી પણ થઇ જાય 😉 અર્થાત, લોચા ફોરએવર!
  • જોકે આ વખતની ૧૨૦૦માં મારા માનીતા સ્થળ એવા માઉન્ટ આબુ સુધી જવાનું છે. પહેલાં રસ્તો વધારે રમણીય હતો, પણ રસ્તા રમણીય નહોતા એટલે પછી જૂનાં અને જાણીતા અને ભીડભાડ ધરાવતા NH-8 પર પાછી રાઇડ કરવાની આવશે. સારી વાત એ કે ખાવા-પીવાની કોઇ તકલીફ રહેશે નહી. ૧૨૦૦માં કદાચ વજન વધી પણ જાય.
  • ઓગસ્ટની પેલી પ્રબલગઢ ફૂટહિલ્સ હાફ મેરેથોન દોડ્યા પછી દોડવાનો જોશ ઠંડો પડ્યો છે. વધુમાં ૨૧ ઓગસ્ટની આલ્ફા ટ્રેલ હાફ મેરેથોન રદ થઇ ગઇ છે. એટલે હવે દોડવાની કોઇ તક દેખાતી નથી. જોકે આ ૧૨૦૦ પછી ત્રણેક અઠવાડિયા માટે મારે પ્રોફેસરની ડ્યુટી પાછી આવશે એટલે એ સમય દરમિયાન દોડવાની ઉજ્જવળ તકો રહેલી છે. દોડીને તો કોલેજમાં ન જવાય પણ એ દરમિયાન સાયકલિંગ ઠંડુ પડે એટલે દોડવાનો કાર્યક્રમ ઘડી શકાય તેમ છે. હા, જૂની અને જાણીતી ટાટા મુંબઈ મેરેથોન પાછી આવશે (કાલથી કદાચ રજીસ્ટ્રેશન શરુ થશે એવું ક્યાંક વાંચેલું) તો એ ફૂલ મેરેથોનથી ૨૦૨૩ની શરુઆત થશે.
  • ખાસ સમાચાર: બિલાડો મઝામાં છે.

તાંદુલવાડી ટ્રેક

લગભગ એક વર્ષ પહેલા અમે નવા રેઇનકોટ લીધા હતા, એક જગ્યાએ ટ્રેકિંગમાં જવા માટે, પણ કોઇના કોઇ કારણોસર એ ટ્રેકિંગ થયું જ નહી. અમારા સાયકલિંગ ગ્રુપ – મલાડ સાયકલિંગ ક્લબ (MCC) એ જ્યારે ૯ જુલાઇએ ટ્રેકિંગ રાખવાની જાહેરાત કરી ત્યારે પહેલા તો હું ખુશ થયો અને પછી દુ:ખી થયો, કારણ કે એ જ સમયે વિકિપીડિયાની મિટિંગનું આયોજન થવાનું હતું. અને, પછી વિકિપીડિયાનો કાર્યક્રમ સ્થગિત થયો અને ટ્રેકિંગમાં લોકોની સંખ્યા નિર્ધારિત કરતા વધુ થઇ ગઇ એટલે હું બે બાજુએથી લટક્યો! થોડા સમય પછી, પરેશે કહ્યું કે કાર્તિક તું નથી આવવાનો, ટ્રેકિંગમાં? મારી મજબૂરી તેને જણાવી અને મારી સાથે કોકી-કવિનને પણ ટ્રેકિંગ લિસ્ટમાં મૂકી દીધા (પરિવારવાદ અહીંથી શરુ થાય છે!)

હવે ટ્રેકિંગમાં જવું હોય તો, ટ્રેકિંગ શૂઝ અને તેનો સામાન તો જોઇએ ને? બે દિવસ પહેલાં જ અમે ડિકાથલોન ઉપડ્યા અને ખરીદી કરી આવ્યા. વળી પાછો હું વાઇલ્ડક્રાફ્ટમાં ગયો અને શૂઝ ઉપાડી લાવ્યો. મને ખબર છે કે વર્ષમાં બે થી વધુ ટ્રેકિંગ હું કરવાનો જ નથી 😉 સામાન તો આવી ગયો. કોકી જોડે બે વખત થોડી વોક પ્રેક્ટિસ પણ કરી દીધી. કવિનનું છેલ્લી ઘડીએ નક્કી કરેલું, પણ તેની ફિટનેશમાં કોઇ વાંધો નહોતો.

સવારે નિરવ-નિકિતા જોડે ગાડીમાં જવાનું હતું અને એ લોકો ઘરની જોડે જ રહે છે એટલે અમને અહીંથી લેવા આવી ગયા. ત્યાંથી ચેકનાકા પણ બધા મળવાના હતા. ત્યાં તો મલાડમેળો થયો હતો. લગભગ ૧૭ કાર અને ૮૫ લોકો ટ્રેકિંગ માટે હતા. પેક કરેલો નાસ્તો બધાને આપવામાં આવ્યો, જેમાંથી સેવખમણી અને સમોસા તરત જ પતાવી દેવામાં આવ્યા! ત્યાંથી સફાલે તરફ જવાનું હતું, જે સાયકલિંગ ફોર ઓલની બી.આર.એમ.નો રસ્તો હતો. તાંદુલવાડી ગામથી ટ્રેકિંગ શરુ થવાનું હતું.

વરસાદની આગાહી હતી એટલે અમે રેઇનકોટ સાથે ચાલવાનું શરુ કર્યું. એકાદ કિમી પછી સરસ ચઢાણ વાળો રસ્તો શરુ થયો અને થોડી જ વારમાં અમારું ગ્રુપ રસ્તો ભૂલ્યું. એ પહેલાં રસ્તામાં હું પડ્યો! (ક્રમાંક ૧). થોડી મહેનત પછી રસ્તો મળ્યો અને અમે પહોંચ્યા સાચા રસ્તે.

લીલો રસ્તો..

ત્યાર પછી અમે આવી પહોંચ્યા સીધા ચઢાણ પર! જોકે દૂરથી અઘરું લાગતો આ પર્વત કંઇ ખાસ હતો નહી. ખરી કસોટી તો પછી થવાની હતી..

ફાઇન્ડ ધ કવિન!

આ પછી એવી જગ્યાએ આવ્યા જ્યાં કોઇ હાથ પકડીને ખેંચે નહી ત્યાં સુધી ઉપર ન જવાય. થોડું વધુ ટ્રેકિંગ કરીને લગભગ ૨.૫ કલાક પછી અમે પહોંચ્યા સપાટ જગ્યા પર જ્યાં તાંદુલવાડી કિલ્લો હતો (જે ખરેખર કિલ્લો નથી, સિવાય કે પાણી સંગ્રહ કરવાની ટાંકીઓ અને એક નાનકડી દિવાલ). ત્યાંથી કલાક-દોઢ કલાક ટાઇમપાસ અને થોડું ખાધું. થોડી વારમાં જ જોરદાર વરસાદ શરુ થયો અને અમે થીજી ગયા! સદ્ભાગ્યે વરસાદ બંધ થયો અને ત્યાંથી બધાએ વધુ થોડી ઊંચાઇએ જવાનું શરુ કર્યું..

હવે અમારે વળતી મુસાફરી કરવાની હતી અને એ રસ્તો અલગ હતો. ટ્રેકિંગમાં નીચે ઉતરવાનું હંમેશા કષ્ટદાયક હોય છે, જેનો બરોબર અનુભવ અમને આ વખતે થયો. થોડા સમય બધું સમય ચાલ્યા પછી અમે અને થોડા બીજા લોકો રસ્તો ભૂલ્યા અને પાણીના ધોધનો રસ્તો લીધો. જેમ-જેમ નીચે જતા ગયા તેમ તેમ રસ્તો મુશ્કેલ બનતો ગયો. ડર એ હતો કે કોઇક જગ્યાએ તો આ વોટરફોલ-ધોધ અમને નીચે ના ફેંકી દે. બે-ત્રણ વખત હું પડતા બચ્યો, એક વખત કવિન-કોકી પડતા બચ્યા. ધીમે-ધીમે પથ્થરો પણ લપસણાં અને ઢીલાં થતા ગયા. એક જગ્યાએ તો રીત સરનું સરકવાનું હતું. કવિનને તેની ૬ ફીટ ઊંચાઇનો ફાયદો થયો પણ અમે નાના કદના લોકો શું કરીએ? :/

સદ્ભાગ્યે એક જગ્યાએ કંઇક અવાજ સંભળાયો અને અમારા લોકો અમને મળ્યા, ત્યારે જીવમાં જીવ આવ્યો. તો પણ, છેલ્લા ૧૦ મીટરમાં હું લપસ્યો અને મસ્ત રીતે પડ્યો (નં ૪). પાર્કિંગમાં જઇને કપડાં બદલ્યા, થેપલાં ખાધા, ચા પીધી અને ગાડીમાં ટ્રાફિક જોતા-જોતા પાછા ઘરે આવ્યા.

કોકી-કવિનનું આ પહેલું ટ્રેકિંગ હતું. હજુ બધાંના પગ દુખે છે. દુખાવો ભૂલાઇ જશે પણ આ સરસ યાદો જલ્દી નહી ભૂલાય! હા, વિકિપીડિયા પર તાંદુલવાડીનો લેખ થોડો સુધાર્યો, કોમન્સ પર છબીઓ સરખી કરી અને નવી શ્રેણી બનાવી. એમ કંઇ અમે થોડા એક દિવસ આરામ કરીએ? 😉

સહ્યાદ્રિ ક્લાસિક ૨૦૨૧ – ૩જી આવૃત્તિ!

  • છેલ્લી સહ્યાદ્રિ ક્લાસિક ૨૦૨૧ રેસમાં લખ્યું હતું તેમ, આ રેસ નવેમ્બર-ડિસેમ્બરમાં થાય છે. કોરોનાને કારણે તે જાન્યુઆરીમાં થઇ અને સેકન્ડ વેવ પછી હવે આ વર્ષે રેસ ફરીથી આ જ વર્ષે થવાનું પ્લાનિંગ હતું. આ વખતે રજીસ્ટ્રેશન સમૂહમાં કરાવ્યું અને ૧૦ ટકા ફાયદો મેળવ્યો.
  • શુક્રવારે અહીંથી ગાડીમાં થોડા મોડા નીકળ્યા અને લંચ વગેરે કરીને વાઇ પહોંચ્યા ત્યારે બપોર થઇ ગઇ હતી. ફટાફટ ફોર્માલિટી પૂરી કરી, બીબ નંબર લીધો અને હોટેલ પર આરામ કર્યો. રેસ પહેલા અમારું સ્ટાન્ડર્ડ ડિનર એટલે દાળ-ખિચડી! સદ્ભાગ્યે, દાળ-ખિચડી સારી હતી. નહીંતર આ બાજુ, મરચું એટલે દે દામોદર દાળમાં પાણી રીતે નાંખવામાં આવે છે!
  • આ વખતે અમારો ફેવરિટ આમ્બરનેલી ઘાટ નહોતો એટલે તેની કમી પૂરી કરવા માટે આ રીતે રેસ યોજવામાં આવી હતી: ૧. પરસની (વાઇથી પંચગની), ૨. ત્યાંથી ડાબી બાજુ ભિલાર તરફ જવાનું, ૩. ભિલારથી મેઢા ગામની તળેટીમાં, ૪. ત્યાંથી પાછા ભિલાર ઘાટ ચડીને આવવાનું. ૫. ફરી પાછું નીચે ઉતરવાનું, ૬. ત્યાંથી ૧૦ કિમી દૂર મેઢા ઘાટની તળેટીમાં (કેલઘર ગામ) જવાનું અને ઘાટ ચડવાનો, ૭. ત્યાંથી મહાબળેશ્વર થી તપોલા નીચે જવાનું, ૮. તપોલા ઘાટ ચડીને પાછા મહાબળેશ્વર, ૯. ત્યાંથી મેઢા ઘાટની તળેટીમાં કેલઘર સુધી અને છેલ્લે, ૧૦. મેઢા ઘાટ ફરીથી ચડીને પાછા મહાબળેશ્વર! એટલે કે આ વખતે તપોલા બે વારની જગ્યાએ એક વાર હતો. તપોલાનો રસ્તો ખરાબ હતો એવું અમને એડવાન્સમાં કહેવામાં આવ્યું હતું. અને આમ્બરનેલીનો રસ્તો તો સંપૂર્ણ તૂટી જવાથી તેના પર સાયકલ ચલાવી શકાય તેમ હતું જ નહી!
  • રેસ સવારે ૫.૦૫ વાગે શરૂ થઇ અને પસરની ઘાટ આરામથી પૂરો કર્યો. આ ઘાટ ૧૦ કિમીનો છે પણ, એકંદરે સરસ રસ્તો અને થોડો મુશ્કેલ છે. ત્યાંથી ભિલાર તરફનો રસ્તો ખાડા અને કૂતરાઓથી ભરેલો હતો! પણ, એકદમ સરસ! તેમાં નીચે જવામાં પણ ચડાણ આવે છે. ત્યાં હબ પર થોડો નાસ્તો કર્યા પછી ભિલારનો રસ્તો એકદમ સરસ, સિવાય કે વચ્ચે-વચ્ચે થોડા ખાડા-ખરાબા. તળેટીમાં જઇ થોડો ટાઇમપાસ કર્યા પછી ઘાટ ચડવાનો શરૂ કર્યો. મજા આવી. ત્યાંથી હબ પર બહુ સમય ન વેડફ્યો અને પાછા નીચે આવ્યા. મારી જોડે ગોઆમાં ઓળખાણ થયેલો રાઇડર સતિષ પાટીલ હતો. ત્યાંથી કેલઘર જવાનો રસ્તો પણ સારો છે. બાંધકામ પ્રવૃત્તિઓ ચાલતી હતી એટલે આશા રાખીએ કે હજુ વધુ સારો રસ્તો બને. કેલઘરથી પણ ઘાટ ચડવામાં જરાય વાંધો ન આવ્યો અને આરામથી મહાબળેશ્વર હબ પહોંચ્યા. હવે બે ઘાટ બાકી હતા. અહીં થોડો વધુ પડતો ટાઇમપાસ થયો જે અમને પછી ભારે પડવાનો હતો.
  • તપોલાનો રસ્તો શરુથી ખરાબ હતો પણ સદ્ભાગ્યે થોડા-થોડા અંતરે સારો રસ્તો મળી જતો હતો. તપોલા મારો સૌથી પ્રિય ઘાટ છે. કારણ? ૨૫ કિમી લાંબો ઘાટ! તેને મહારાષ્ટ્રનું કાશ્મીર કહેવાય છે (જે થોડું વધું પડતું છે, પણ સરસ જગ્યા છે!).
  • તપોલા નીચે પહોંચ્યા ત્યારે અમારી પાસે પૂરતો સમય હતો અને બે ઘાટ બાકી હતા. તો, થોડો નાસ્તો કર્યો અને આરામથી ઘાટ ચડવાનું શરુ કર્યું. પાંચ કિમી ગયા પછી મને ખબર પડી કે હેલ્મેટ તો પહેર્યું જ નથી અને તે હું કદાચ કંટ્રોલની બાજુ વાળી હોટેલમાં ભૂલી ગયો છું :/ :/ :/ મને તો ઠીક, મારી જોડે રાઇડ કરતા કે સામેથી નીચે આવતા લોકોએ પણ મને કંઇ ન કહ્યું! કદાચ બધાં રેસિંગ માઇન્ડ ઝોનમાં હશે? 🙂 જે હોય તે, પાંચ કિમી નીચે આવવામાં પણ ચડાણ હતું અને પાંચ કિમી ફરીથી વધારાનું અંતર ચડાવવું પડ્યું. આ ૩૦ મિનીટ અમને પડવાના હતા ભારે!
  • તપોલા પાછા આવ્યા પછી હેલ્મેટ લીધું અને સાયકલ ભગાવી, હા ખરેખર જોશથી ભગાવી. તપોલા ઘાટમાં આજુ-બાજુ ક્યાંય જોયા વગર! લા મેરેડિયન હોટલ કંટ્રોલ પર પહોંચ્યો ત્યારે મારે પાસે મેઢા ઘાટ નીચે ઉતરવા અને ફરી ચડવા માટે ૨ કલાક હતા. કારણ કે, આ રેસમાં રેકિંગ તમારા ઘાટના ક્લામ્બિંગ સમય પર આવે તો પણ આખી રેસ ૧૪ કલાકમાં તો પૂરી કરવી જ પડે એટલે કે સાંજે ૭ વાગ્યા પહેલા!
  • હવે, પાણીની બોટલ ભરીને સાયકલ ભગાવી મેઢા ઘાટ ઉતારવા માટે. સદ્ભાગ્યે સરસ રસ્તો હતો (આ એજ ઘાટ હતો, જ્યાં ૬૦૦ બીઆરએમમાં અમારી વાટ લાગતી હતી!). એટલે લગભગ ૩૯ મિનિટમાં ૧૭ કિમીનો ઘાટ (+ ન્યૂટ્રલ ઝોનનું અંતર, તેના પહેલા) ઉતાર્યો. રસ્તામાં જેમનાથી હું ક્યાંય આગળ હતો એ લોકો મળતા જતા હતા અને તેમને ઉત્સાહિત કરતો હું નીચે પહોંચ્યો ત્યારે મારી પાસે ૧ કલાક ૧૫ મિનિટનો સમય બાકી હતો – ૧૭ કિમીનો ઘાટ પૂરો કરવા માટે!
  • આ વખતે હું ખરેખર જાન હથેલી પર રાખીને સાયકલ ચલાવતો હતો. એક બાજુ વધુ પડતો પ્રયત્ન ન કરાય (કારણ કે તેનાથી મસલ્સ પુલ થઇ જવાની શક્યતા હતી) અને બીજી તરફ ધીમા પણ ન પડાય. સંપૂર્ણ બેલેન્સ રાખીને સાયકલ ચલાવી અને છેલ્લા ૫ કિમીનું માર્ક જોયું ત્યારે અંધારુ તો ઘોર થઇ ગયું હતું. રસ્તામાં કેટલાય સાપ, દેડકાં અને અન્ય નાના પ્રાણીઓ જોતો-જોતો છેલ્લા બે કિમીનું અંતર મારામાં હતી એટલી તાકાતથી ફિનીશ લાઇન પાર કરી ત્યારે મારી પાસે ૧ મિનિટ બાકી હતી!!
  • જીવ આવ્યો અને હજુ બીજા ૨ કિમી હબ તરફ જવાના હતા. એ પહેલાં પાણી પીધું અને મારા હ્દ્યને “આભાર” કહ્યું. એક સરસ રેસ પૂરી થઇ. મળીશું મેઢા ઘાટ આવતા વર્ષે કે એ પહેલાં પણ કદાચ!!

અને હા, આ પણ જુઓ:

કેક્ટસ ગાર્ડન

વેકેશનનો ગેરફાયદો ઉઠાવવા માટે અમે નક્કી કર્યું કે કેક્ટસ ગાર્ડન જોવા જઇએ. એમ તો પ્લાન હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો, પણ મને તો કેક્ટસ ગાર્ડનમાં બહુ રસ હતો. કારણ કે, કાર્તિક ❤ કેક્ટસ!

વડોદરા પહોંચતા પહેલા જ અમને નડી ભારતીય રેલ્વે. છેલ્લી રેલ્વે મુસાફરી વખતે જેવું થયું. ૬ કલાક ટ્રેન વસઇ-વિરાર વચ્ચે પડી રહ્યા પછી અમે સાંજે ૬ વાગ્યાની જગ્યાએ રાત્રે ૧૨ વાગે વડોદરા પહોંચ્યા. બીજા દિવસની ટેક્સી નક્કી કરી. અગાઉથી અમે ટિકિટ લઇ લીધેલી (જે લેવી જ પડે છે!). વડોદરાના સ્થાનિક એવા જાગૃતિબેને કહેલું કે ખાસ તો રાત્રિનો લેસર શો જોયા વગર પાછો ન આવતો એટલે એ પ્રમાણે પ્લાનિંગ કરેલું કે આખો દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ હોઇએ. એક્સપ્રેસ ટિકિટ, કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન અને આરોગ્ય વનની ટિકિટ લીધેલી. બાકીના કોઇમાં અમને રસ નહી. સમયસર પહોંચ્યા ત્યારે ધાર્યું એટલી ભીડ નહોતી એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આરામથી જોયું.

પછી અમે ગયા આરોગ્ય વનના આરોગ્ય કાફેમાં. સરસ જગ્યા પણ લોકોને આવી સરસ જગ્યા ગમે? ખાસ તો, આરોગ્ય વનમાં એકપણ ઇન્ટરનલ બસ સીધી જતી નથી એટલે જો પોતાની કાર હોય (અને ખાસ તો જ્યારે ભીડ હોય ત્યારે અંગત વાહનો અંદર જવા દેવામાં આવતા નથી) તો જ ત્યાં વ્યવસ્થિત જઇ શકાય. સદ્ભાગ્યે અમને બેમાંથી એક પણ વસ્તુ નડી નહી અને બરોડાના બપોરમાં શાંતિથી છોડ, ઝાડ જોયા. આરામથી જમ્યા (જમવાનું ૧૫૦ રૂપિયામાં વસૂલ છે) અને ત્યાંથી કેક્ટસ ગાર્ડન જવા નીકળ્યા.

કેક્ટસ ગાર્ડન સરસ જગ્યા છે. સરસ મજાના કેક્ટસ મૂકવામાં આવ્યા છે, ત્યાંથી ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વ્યૂ પણ સરસ આવે છે.

અમે કેક્ટસ ગાર્ડનમાં બેઠા હતા અને ત્યાં જોયું કે સુવેનિયર શોપ છે. લો ત્યારે અમને તો ફાવતું મળ્યું. ત્યાં ગયા તો તંત્રની સરકારી ઉદાસીનતા દેખાઇ. પણ, ત્યાં એક ફ્રીજ મેગ્નેટ હતું. ઉપર હતો સિંહનો ફોટો અને લખ્યું હતું, કેક્ટસ ગાર્ડન! ત્યાં શોપમાં બેઠેલા બેનને પૂછ્યું કે બેન, આ સિંહ નો ફોટો કેમ? તો કહે: વન વિભાગનું છે એટલે. મૂકો તમે કપાળમાં સિંહ. ત્યાંથી એક બેજ લીધો જેના પર કેક્ટસ ગાર્ડન લખેલું હતું. કંઇ નહી અને છેવટે ઘરે આવીને તેનું ફ્રીજ (એટલે કે કબાટ) મેગ્નેટ બનાવવામાં આવ્યું.

કેક્ટસ ગાર્ડનમાં બેઠેલા એક પ્રવાસી બેન બોલ્યા, બટર ફ્લાય ગાર્ડનમાં તો બે-ચાર પતંગિયા ઉડે છે અને અમારા પેટમાંય પતંગિયા ઉડતા હતા એટલે અમે બટરફ્લાયને કહ્યું બાય અને ત્યાંથી લેસર શો જોવા આવ્યા. સરસ અનુભવ. તમે SOU જાવ તો સાંજનો આ શો ચોક્કસ જોજો. વચ્ચે ન.મો. પણ આવી જાય છે એટલે બ્લોગબાબાની બા ખીજાશે, પણ આપણને મજા આવશે 😉

એમ તો અમારો પ્રવાસ વધુ લાંબો ચાલ્યો, પણ બહુ લાંબુ લખવાની આદત નથી. એમ તો આજ-કાલ બ્લોગ લખવાની પણ આદત નથી એટલે કાલે ફરી બાકીના પ્રવાસનું વર્ણન મૂકીશ. ત્યાં સુધી આવજો!!

પુઅરમેન્સ ટુર દી ફ્રાન્સ

હવે ટુર દી ફ્રાન્સ જેવી સ્પર્ધામાં ભાગ લેવાની આપણી લાયકાત તો છે નહી એટલે અમે નક્કી કર્યું કે કંઇ નહી તો ગરીબ માણસોની ટુર દી ફ્રાન્સ તો કરીએ. અને, અત્યારે ફ્રાન્સ જવાનો સમય (અને પૈસા!) પણ નથી એટલે નક્કી કર્યું કે આપણે ઘરે બેઠા જ ઝ્વિફ્ટ અને RGTમાં સાયકલ ચલાવીને આ કામ કરીએ. આગળ કહ્યું તેમ ગરીબ માણસ એટલે થોડું નમતું જોખવું પડે. સામાન્ય રીતે ટુર દી ફ્રાન્સમાં સાયકલિસ્ટ ૨૧ દિવસમાં ૩૫૦૦ કિમી જેટલું અંતર, ૫૦૦૦૦ મીટર જેટલી ઊંચાઇ પ્રાપ્ત કરવાની સાથે ૯૦ કલાક જેટલો સમયમાં પૂરી કરે છે (આ વખતે પહેલા ક્રમે આવેલા સ્લોવેકિયાના તાદેજ પોગાચરે ૮૨:૫૬:૩૬ કલાકમાં સ્પર્ધા પૂરી કરી!) પણ આપણે તેનાથી ચોથા (૧/૪) ભાગ જેટલું જ અંતર-ઊંચાઇનું લક્ષ્ય રાખ્યું. ૨૧ દિવસમાં વચ્ચે બે રજાના દિવસો પણ આવે. જોકે વચ્ચે ગ્રૂપ રાઇડ્સ કરી, એક દિવસ બહાર પણ સાયકલ ચલાવી આવ્યો એટલે ટેકનિકલી મને એક પણ રજા ન મળી :/

મારી ટુરના આંકડાઓ:
* અંતર: ૭૬૪.૩૬ કિમી
* ઊંચાઇ: ૮૫૭૦ મીટર
* કુલ સમય: ૨૭:૩૯:૦૯ કલાક
* પાવર (સરેરાશ): ૧૫૮.૯૫ વોટ્સ
* હાર્ટ રેટ (સરેરાશ): ૧૬૦.૩૬ bpm

ટુરના સ્ટેજ, અંતરની સાથે અને મારી રેસ, પરિણામ, અંતર, સમય, હાર્ટ રેટ, પાવર વગેરે વગેરે રસપ્રદ ડેટા અહીંથી જોવા મળશે!: https://docs.google.com/spreadsheets/d/1llQx5MB37NkC62VTxg-fNMkiZs0f1TiRm1xh-zH9yLg/edit?usp=sharing

હવે પછી શું? સપ્ટેમ્બરમાં સ્પેન! મજાક બાજુ પર મૂકીએ તો કોરોના કાળ હજુ હાજર જ છે અને હવે તો બે મહિના વરસાદ છે (એટલે કે અહીં તો બહુ જ છે!) એટલે ૧૪ ઓગસ્ટ-૧૫ ઓગસ્ટની અમારી બી.આર.એમ. પહેલા તો ક્યાંય નીકળાય તેમ લાગતુ નથી! જોકે ઝ્વિફ્ટ તો ચાલુ જ રહેશે. ઘરમાં રહો, સલામત રહો!