પુસ્તક: સાહસિકોની સૃષ્ટિ

* એટલે કે, ‘ભેદી ટાપુ’ અથવા The Mysterious Island. છેલ્લી પોસ્ટમાં આવેલી અફલાતૂન કોમેન્ટ્સને કારણે પહેલા તો ખબર પડી કે, ૧. પુસ્તકનું લેટેસ્ટ ગુજરાતી નામ શું છે (ભેદી ટાપુ મને તો સારુ લાગેલું, છતાંય લેખકને ગમ્યું તે ખરું) અને, ૨. તે ફ્લિપકાર્ટપર પ્રાપ્ત છે. પરમ દિવસે ઉઠ્યા પછી પહેલું કામ તેનો ઓર્ડર આપવાનું કર્યું અને કાલે બપોરે તો બીજા પુસ્તકોની જોડે આવી પણ ગયું અને અને પછી રાત્રે, આજે સવારે-બપોરે વાંચી કાઢવામાં આવ્યું. અનુવાદ ખરેખર સરસ છે, કારણ કે કિન્ડલમાં અત્યારે તેની અંગ્રેજી આવૃત્તિ વાંચી રહ્યો છું. ગુજરાતી અનુવાદ જોકે સંક્ષેપ કરેલો છે, એટલે ઘણી વખત ઘટનાઓ જલ્દી જલ્દી બનતી લાગે છે. છતાંય, ક્યાંય સળંગતાનો ભંગ થતો લાગતો નથી. વાર્તા જેને ખબર છે એના માટે લખતો નથી અને જેને નથી ખબર તેને આ પુસ્તક વાંચવું જ જોઈએ. કેટલાકને વળી તેમાંથી રાષ્ટ્રવાદની ગંધ આવશે તો કેટલાકને થશે કે આટલા બધાં પશુ-પંખીઓનો શિકાર? ટાપુના રહેવાસીઓ શુધ્ધ શાકાહારી હોત તો વાર્તા કેવી હોત? એવો કાતિલ વિચાર પણ આવેલો 😉 જે હોય તે પણ, જૂલે વર્નને ન વાંચ્યો હોય અને ‘મોટા’ થયા હોય તો જીવનમાં કર્યું શું? 😉 તેમ છતાંય, પેલું ‘ભેદી ટાપુ’ વાળું ભાષાંતર મને મળ્યું હોત તો વધુ આનંદ થાત, કારણ કે, એ પુસ્તક એ જૂનાં દિવસોની ખાસ યાદગીરી છે. પુસ્તકના મને ગમેલા સંવાદો:

મનુષ્યની નિશાની ન દેખાવાથી ખલાસીને એક રીતે શાંતિ થઈ; કારણ કે આવી જગ્યાએ જો માણસ હોત તો તે પશુથી પણ વધારે ભયંકર હોત એમાં એને શંકા નહોતી. બસ! હવે તું માણસ બન્યો, કારણ કે તને રોવાની ખબર પડી.

અને હા, આ ગુજરાતી આવૃત્તિમાં ખાટલે મોટી ખોડ શું છે? ખબર છે? તેનું મુખપૃષ્ઠ. આ જુઓ. ખબર પડી? પુસ્તકમાં કોઈ હીરોઈન કે સ્ત્રી પાત્ર છે જ નહી. કફ, કફ. છતાંય, યંગ એડલ્ટ્સને મોહિત કરવા માટેની પ્રકાશનની કોઈ ચાલ લાગે છે 🙂