અપડેટ્સ-૨૩૨

નવું વર્ષ, નવા સંકલ્પો (એટલે કે ક્યાં સારી ઇડલી મળે તે શોધવાનું) અને નવી ઇવેન્ટ્સ. આ વર્ષે એટલે કે ૨૦૨૦માં પાંચ ઇવેન્ટ્સ તો હાલથી જ રજીસ્ટર કરાવી છે અને ત્રણ પ્રવાસો પણ પાક્કા કરી લીધા છે. મુંબઈ મેરેથોન, એક ૨૫ કિમી, એક ૧૦ કિમી, એક ૧૨ કલાક. સાયકલિંગ તો ચાલતું જ રહેશે. ૧૨૦૦ કિમીનો પ્લાન હાલ પૂરતો પડતો મૂકાયો છે અને તેની જગ્યાએ મિત્રો સાથે જલ્સા કરવાનો વધુ સારો પ્લાન બનાવવામાં આવ્યો છે.

પ્લાન પરથી યાદ આવ્યું કે જ્યારે સેજલબેનને મળ્યા હતા ત્યારે વાત વાતમાં વાત નીકળી કે તેઓ કેવી રીતે પ્રવાસો કરે છે. તેમની સાથે એક પ્રવાસનો પ્લાન કરવો કે પ્લાન વગર જ ઉપડી જવું એ મુંઝવણ છે 🙂

વેકેશનમાં પાંચ દિવસમાં ૫૩૦ કિમી સાયકલિંગ વત્તા એક નાનકડો પ્રવાસ કર્યો હતો (કેલવે બીચ, ભવાનગઢ કિલ્લો – એમ તો કિલ્લો મજાક છે, તો પણ..) અને નવાં વર્ષની શરૂઆત આમ તો જિમથી કરી છે. જ્યારે બાવડાં દુખશે ત્યારે અમારું મનોબળ કેટલું મજબૂત છે, તે ખબર પડશે. સ્ટે સ્ટ્રોંગ, કાર્તિક!

બાકી, શાંતિ છે. અને હા, પેલાં સીએએ અને એનઆરસી વિશે અમને કંઇ પૂછવું નહી. ક્યાંક કંઇ બોલાઇ જશે તો.. “અરર માડી, છોકરાએ ચીસ પાડી!” થઇ જશે.

મેડલ મેડલ

મેડલ મેડલ

ગઇકાલે ટાટા મુંબઈ મેરેથોન દોડ્યા પછી મેડલ મળ્યો. ઘરે આવીને જોયું તો બે મેડલ હતા. એક હતો ઇન્સિપરેશન મેડલ. એટલે જેણે તમને દોડવા માટે પ્રેરણા આપી હોય તેને આપવાનો. હવે ખાસ કરીને આ ફુલ મેરેથોન દોડવા માટે પ્રોત્સાહિત કરવા પાછળ એક જ જણનો હાથ હતો – કોકીનો! એટલે તેને જ આપી દીધો!

કોકી અને હું - બંનેના મેડલો સાથે

ડિસેમ્બરથી મારું રનિંગ કથળેલું હતું એટલે વસઈ-વિરાર ફુલ મેરેથોન જવા દીધી હતી. મને એમ કે પછી થોડું દોડીશ પણ અનેક બહાનાંઓના કારણે કંઇ એવું થયું નહી અને પછી કફ-શરદી-આળસ નડી. કોકીએ કહ્યું કે દોડ, જેટલું દોડાય એટલું દોડ. ધીમે-ધીમે દોડ. તો આપણે દોડ્યા અને પ કલાક ૧૩ મિનિટ અને ૨૫ સેકંડમાં મેરેથોન આરામથી પૂરી કરી. હા, વચ્ચે ગુંજનની વોટ્સએપ-કોલ પર આપેલી પ્રેરણાએ પણ મદદ કરી હતી, તેનો પણ આભાર!

અપડેટ્સ – ૨૨૩: ખરાબ રાઉટર અને ખરાબ રોડ!

* એમાં થયું એવું કે થોડા દિવસ (ie ગુરૂવારે) વીજળીનો કડાકો થયો અને તેની અસર અમારા રાઉટર પર થઇ. વાઇ-ફાઇ બંધ. અમે પાછાં હાઇ-ફાઇ એટલે વાઇ-ફાઇ વગર ન ચાલે. તરત નવા રાઉટરનો ઓર્ડર કર્યો પણ તે છેક સોમવારે (આજે) આવવાનું હતું અને મારે શનિ-રવિ બહાર (એ વિશે આગલા ફકરામાં) જવાનું હતું. એ પહેલાં કવિનને સમજાવી ગયો કે રાઉટર આવે ત્યારે શું કરવાનું. કયો વાયર ક્યાં લગાવવાનો અને વાઇ-ફાઇ કેવી રીતે એપ વડે સેટઅપ કરવાનું વગેરે. હું પાછો આવ્યો ત્યારે વાઇ-ફાઇ પાસવર્ડ સહિત ચાલુ હતું અને નેટફ્લિક્સ-પ્રાઇમ રેગ્યુલર વપરાતા હતા 😉

હવે, શનિ-રવિ અમારા ફેવરિટ ૬૦૦ બીઆરએમ હતી. છેક વાઇ સુધી બરોબર સાયકલ ચલાવી પણ પછી ખરાબ રસ્તો શરૂ થયો. પંચગની પહોંચ્યો ત્યાં સુધી થાકી ગયો પણ મહાબળેશ્વર ૯ વાગ્યાની આસપાસ પહોંચી ગયો. મને થયું કે એકાદ કલાક આરામ કરું પણ હજુ બીજું કોઇ નહોતું આવ્યું અને રાત્રે બીજું કોઇ સાથે હોય તો સારું એ વાત મનમાં રાખી ફરી સૂઇ ગયો અને નોએલની જોડે ૩૨૫ કિમી પર જવા નીકળ્યા ત્યારે ખબર પડીકે રસ્તો હજુ વધુ ખરાબ છે. ઘાટ ઉપર ચડવા કરતાં નીચે ઉતારાવામાં વધુ વાર લાગી! રસ્તામાં નોએલ એકાદ વાર પડ્યો પણ ખરો. રસ્તાના કૂતરાં, શિયાળ અને ઘુવડોને પાર કરતા જ્યારે ૧૦ કિમી બાકી હતા અને સાતારા કે સતારા આવ્યું ત્યારે થયું કે હવે બસ. અને ખરેખર બસ પકડીને મુંબઈ આવ્યા. સાયકલ માટે બસ કન્ડકટરે એક સાયકલના ૨૨ રૂપિયા લીધા!

હવે મારી પાસે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બે ફૂલ મેરેથોન (વસઇ-વિરાર અને મુંબઈ), ત્રણ બીઆરએમ, સ્વિમિંગ અને ટ્રેનર છે. પણ શરીર એક જ છે! એટલે સાચવવું પડશે, પણ મોટાભાગે વાંધો નહી આવે. હા, એકાદ-બે પ્રવાસો પણ છે અને અમારી ફેવરિટ એવી રજાઓ પણ છે 😛

મુંબઇ મેરેથોન ૨૦૧૫

આખરે આ પોસ્ટ આવી ખરી!

* વેલ, અમને ખબર હતી કે અહીં ધબડકો થવાનો છે. કારણ?
૧. આગલું અઠવાડિયું લગભગ સતત બહુ કામ હતું. ઓફિસ. બહારનું કામ. વગેરે વગેરે. સતત બે દિવસ સુધી મોડા સુધી જાગવાનું આવ્યું, એ પણ ૪-૫ વાગ્યા સુધી.
૨. આગલા દિવસની મીની ડેબકોન્ફ.
૩. અપકમિંગ પ્રવાસની તૈયારીઓ.

જે હોય તે. સવારે પહેલી લોકલ પકડીને આઝાદ મેદાન પહોંચ્યો. ત્યાં જાણીતા ચહેરાઓ મળ્યા અને ૫.૪૦ જેવી રેસ શરુ થઇ. સ્ટાર્ટ પોઇન્ટ પર પહોંચતા અમને પાંચ મિનિટ થઇ. શરુઆતનાં ૧૫ કિલોમીટર (સી-લિંક સુધી) વ્યવસ્થિત રહેવા જોઇએ એની જગ્યાએ ૨ કિમી પર જ પગ લથડવા માંડ્યા, પણ પછી ઓકે-ઓકે લાગ્યું એટલે ૨૦ કિમી સુધી વાંધો ન આવ્યો. ઇન ફેક્ટ, ૩૦ કિલોમીટર સુધી હું બરોબર હતો. ૩૨ કિલોમીટરના બુંદિયાળ માર્કર પર પગ ખરેખર જવાબ દેવા માંડ્યા એટલે લગભગ ચાલવાનું શરુ કર્યું. વળી પાછો, પેડર રોડ આવ્યો (૩૫) એટલે બહુ ધીમો પડી ગયો અને નક્કી કર્યું કે બહુ જોર નથી કરવું અને ચાલીને જ આરામથી રેસ પૂરી કરીએ. એટલે, લોકો જોડે વાત-ચીત કરતાં આરામથી રેસ પૂરી કરી. આ વખતે તો છેલ્લાં ૨૦૦ મીટર પણ આરામથી પૂરા કર્યો. સમય? ૫.૧૧.૧૦. ટેકનિકલી પેથેટિક પ્રદર્શન ફોર સ્યોર.

કેટલાંક નિરિક્ષણો:
૧. મુંબઇ મેરેથોન બોરિંગ બનતી જાય છે. ચીઅર્સ લીડર્સ હતી પણ જોવા આવતાં લોકોની સંખ્યા ઘટેલી લાગી.
૨. ૩૫ કિલોમીટર પછી મેડિકલ-વોટર સપોર્ટ બેકાર હતો.
૩. રેસ પૂરી કર્યા પછી અંધાધૂંધી જેવું વાતાવરણ.
૪. સારી વસ્તુ એ કે આ વખતે મેડલ સારો હતો.

તો આ થઇ નાનકડી પોસ્ટ જેનો વાયદો કર્યો હતો 🙂

અપડેટ્સ – ૧૫૬

* ઓલોલો. ડિસેમ્બર મહિનો આવી ગયો, ૧૦ દિવસ થઇ ગયા અને એકપણ પોસ્ટ નહી? નાઇન્સાફી છે આ તો (એટલે જે કોઇ આને વાંચે છે એના માટે તો ઇન્સાફ જ છે).

* નવેમ્બર મહિનાનો અંત આવ્યો ૧૦૦ વત્તા ૨૮ કિલોમીટરના સાયકલિંગથી. રિલેક્સ મોડમાં સાયકલિંગ કરવાની મજા જ અલગ છે. આ વખતે તો વળી મેડલ વત્તા સાયકલિંગનો મોમેન્ટો પણ મળ્યો. સાયકલિંગમાં મારી ફેવરિટ પાણીની બોટલ ખોવાઇ પણ પછી તે મળી ગઇ છે (હજી હાથમાં આવી નથી, પણ સબ સલામત છે).

* ત્યારબાદ અમદાવાદનો નાનકડો પ્રવાસ કરવામાં આવ્યો. મામાના ઘરે પ્રસંગ હોવા છતાં અમે એકંદરે એકાદ દિવસ મોડા અને એક દિવસ વહેલાં નીકળ્યા. તેમ છતાંય, ઘણાં સમયે મારે લેપટોપ લેવું પડ્યું (હા, લેપટોપનું ટ્રાવેલ એડપ્ટર ભૂલી ગયો).

ઉપરોક્ત ભૂલી જવાના બે પ્રસંગો જોતાં, મારી મેમરીમાં પણ એકાદ જીબીનો ઘટાડો થયો હોય એમ લાગે છે.

* હવે આવતાં અઠવાડિયાંથી મેરેથોન-હાફ મેરેથોનની સીઝન શરુ થાય છે એટલે એવાં ડોઝ માટે તૈયાર રહેજો.

* અને હા, હજી સુધી ગુગલ રીડરને મીસ કરાય છે. એટલે વર્ડપ્રેસમાં જઇને ઢગલાબંધ બ્લોગ્સ-વેબસાઇટ્સને સબસ્ક્રાઇબ કર્યા છે. જો તમે મારા લાઇક્સ-કોમેન્ટ્સ મીસ કરતા હતાં તો તે હવે આવશે 🙂

(ખોવાયેલ) અપડેટ્સ – ૧૪૬

* છેલ્લી અપડેટ્સ પછી વિવિધ પોસ્ટ્સ આવી અને વિવિધ ઘટનાઓ બની એટલે આ બ્લોગ સદંતર ભૂલી જ જવાયો. તેમ છતાંય, હવે ફરી નક્કી કર્યું છે કે કંઇક તો લખવું જ પડશે. રનિંગ અને રાઇટિંગ વચ્ચે સંબંધ બંધાય તેવું કંઇક કરવું જોઇએ, એટલે એ માટેનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે.

* વાત થઇ હતી છેલ્લે લંડનમાં વિકિમેનિયાની. છેલ્લાં ત્રણ દિવસો મજાનાં નીકળ્યાં. પેલાં ક્વિન મુવીથી પ્રભાવિત થઇને અમે હોસ્ટેલ પસંદ કરેલી. ત્યાં ગયા પછી ખબર પડી કે રૂમમાં ૮ બેડ હશે. ઓકે, મને થયું. સાંજે વિપુલભાઇ, ધવલભાઇ, નિરજભાઇ, અનિલભાઇ અને પંચમભાઇ જોડે ડિનર કર્યું. એ વિશે ફેસબુકમાં ફોટાઓ મૂકેલા છે – એટલે અહીં મૂકતો નથી. આ ત્રણ દિવસ દરમિયાન લેપટોપ જરા પણ ન વાપર્યું એનું પરિણામ આ ખોવાયેલી અપડેટ્સમાં આવ્યું. રાત્રે હોસ્ટેલ પર આવ્યો ત્યારે બાકીના ૭માંથી એક જણ સરસ નસકોરાં બોલાવતો હતો. સરસ એટલે અત્યાર સુધી મેં સાંભળેલા મહત્તમ અવાજ વાળા. રાત્રે ત્રણ વાગે ઊંઘ આવી અને સવારે એ સાઉથ આફિક્રન ગ્રીકે બધાંની પાસે આવીને માફી માંગી. બધાંને કહ્યું કે હવે જો આવું કરું તો, મને ફટકારજો 😉 બીજો અને ત્રીજો દિવસ જબર જસ્ત રખડવામાં આવ્યું. ફોટાઓ પરથી તમને ખ્યાલ આવશે કે કેટલું હું રખડ્યો હશું. (પબ્લિક છે, તેમ છતાંય, ફેસબુકમાં લોગીન થયા પછી જ કદાચ દેખાશે)

* હા, હાઇડ પાર્કમાં દોડવાનો કાર્યક્રમ પણ છેલ્લાં દિવસે જ બન્યો અને મજા આવી ગઇ.

* રીટર્ન મુસાફરી ઓકે-ઓકે રહી. ઘરે આવીને તો તરત જ બીજા દિવસે પેલી ૧૨ કલાકની દોડ હતી 🙂

* અને પાછો, શનિ-રવિ હૈદરાબાદ મેરેથોન દોડીને આવ્યો. હવે હાથ જોડ્યાં. બહુ થયું એટલે સતારા (હાફ) મેરેથોનનો કાર્યક્રમ કેન્સલ કર્યો છે પણ તેની જગ્યાએ કદાચ ૩૦૦ કિલોમીટરનું સાયકલિંગનું પ્લાનિંગ થઇ રહ્યું છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ આરામ જેવું જ છે. કદાચ એકાદ હાફ મેરેથોન દોડી લઇશું, ત્યારબાદ ડિસેમ્બરમાં ફરી રનિંગ સીઝન ચાલુ થશે.

* મોબાઇલ રીપેરિંગ માટે આપવાનો છે. ગરરરર…

* નવી અપડેટ આવે ત્યાં સુધી, આવજો. છેલ્લાં કેટલાય દિવસથી કોઇ પણ ગુજરાતી બ્લોગ્સ વાંચ્યા નથી, એટલે એકદમ અલગ-અલગ લાગી રહ્યું છે. શનિ-રવિએ પાક્કું.

મોટિવેશન

* મોટિવેશન એટલે શુ? મોટા લોકો રિનોવેશન કરાવે એને મોટિવેશન કહેવાય? 😉 (એટલિસ્ટ, અમારા જેવાં મિસ્ત્રીઓ માટે કહેવાય!). મોટિવેશનનો વિષય એટલા માટે છેડવામાં આવ્યો છે કે (એને છેડતી કહેવાય?) અત્યારે બે દિવસ પછી મેરેથોન હોવા છતાં મારો આત્મવિશ્વાસ તળિયે જઇને બેઠો છે. થોડુંક, મોટિવેશન છે કે દુનિયામાં ૦.૦૧ ટકા લોકોએ મેરેથોન દોડી છે (સંદર્ભ આપો!) અને એમાં ફરીથી મારો સમાવેશ થશે.

* મોટિવેશન એટલા માટે પણ નથી કે, બાકી બીજી બધી જગ્યાઓએ મારાં મોટિવેશનને મુક્કા પડી રહ્યા છે. આ મુક્કાઓનો જડબાંતોડ જવાબ કેવી રીતે આપવો એનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, પણ જોઇએ કે આ લડાઇ ક્યાં જઇને અટકશે!

* ડેબિયન માટે પણ મારું મોટિવેશન પહેલાં જેવું નથી (દુનિયાનાં ૦.૦૦૦૦૨ ટકા લોકો ડેબિયન ડેવલોપર્સ છે), તેમ છતાંય, થોડા સમય પછી ફરી સેલ્ફ-મોટિવેશન મેળવી ત્યાં પણ કંઇક કરવું છે, આ વર્ષમાં.

* મોટિવેશન વિડિઓ, આ લેખ જોવાઇ રહ્યા છે. મજા આવે છે 🙂

વૉક ફોર બ્લોગબાબા!

* બ્લોગબાબા સીરીઝ ઇઝ બેક!

મને ક્યાંક કહેવામાં આવ્યું કે ‘ટેક અ વૉક’ તો, પછી અમે કેમ ન ચાલીએ? કેમ ન દોડીએ? કેમ ન ઉડીએ? તો હવે, અમદાવાદ-સાબરમતી મેરેથોન સુધી દરરોજ એક કિલોમીટર હું ચાલીશ (રનિંગ અને સાયકલિંગની સાથે-સાથે) અને જેટલા કિલોમીટર થાય એટલા પૈસા (હા, રુપિયા નહી) બ્લોગબાબાના ખાતામાં જમા કરાવીશ. તમે પણ આ નેક-ઉમદા કાર્યમાં મદદ કરીને તમારો યથાશક્તિ ફાળો શકો છો. કેવી રીતે? તમે ચાલેલા કિલોમીટરના પૈસા પણ હું આપીશ તેવી ખાતરી આપું છું.

તમે આ ફોર્મમાં તમારી વિગતો ભરી અપડેટ કરતાં રહેજો. યાદ રાખજો, છેલ્લી તારીખ છે – ૦૫ જાન્યુઆરી, ૨૦૧૪!

આભાર.

PS: બાબાજી કી જય હો!

અપડેટ્સ – ૧૧૪

* છેલ્લાં બે મહિનામાં બ્લોગની આવૃત્તિ ૮ પોસ્ટ્સ/મહિનો પર આવી ગઇ છે અને લાગે છે કે આવું હજુ થોડા વધુ વર્ષો સુધી ચાલુ રહેશે (એટલે હું ૪૨ નો ન થાઉં ત્યાં સુધી. કોઇક જ્યોતિષે મને કહેલું કે તમે ૪૨ વર્ષ જીવશો. લો ત્યારે, ૪૨ આપણો ફેવરિટ નંબર!).

* પાછાં આવતાં એઝ યુઝયલ, એર ઇન્ડિયાનું વિમાન મોડું હતું. કસ્ટમ વાળાઓએ મારી લાવેલી ચોકલેટ્સ કે રમકડાંઓ પર ધ્યાન ન આપ્યું, એ બદલ તેમનો આભાર અને ખાસ આભાર કૃનાલભાઇનો જેમણે મને સિંગાપોરની રાત્રિની ઝલક દેખાડી. લાગે છે કે, સિંગાપોરની મુલાકાત ભવિષ્યમાં વધતી જશે એટલે હવે મજા આવશે 😉 હજી થાક ઉતર્યો નથી તેમ છતાંય ગઇકાલે નવી ઘડિયાળનું સાયકલિંગ સાથે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આજે પણ પાંચેક કિલોમીટર રનિંગ વત્તા થોડું સાયકલિંગ પણ શરુ કર્યું છે. અમદાવાદ મેરેથોન એ મુંબઇ મેરેથોનની બહુ જ નજીક હોવાથી ‘મિસ’ થશે (જોકે હાફ-મેરેથોનનો પ્લાન છે).

* નવું સ્પાઇકગાર્ડ લાવવાનું છે – કોઇ સજેશન આપશો? એમ તો Nexus 5 પણ લેવાનો છે, પણ હજુ મન મારાં જૂનાં-પુરાણાં Galaxy R થી ઉઠતું નથી. નવાં ઉપકરણોમાં એપલનાં મેજીક માઉસ (જે હજી લિનક્સમાં ટેસ્ટ નથી કર્યું) અને મિનિજામબોક્સનો ઉમેરો થયો છે. સરસ વસ્તુ છે!

* બાકી, જીવનમાં અત્યારે તો દોડ-મ-દોડી છે. ડિસેમ્બરમાં એકાદ પ્રવાસનું આયોજન થઇ રહ્યું છે. વધુ વિગતો માટે જોતા રહો, આ બ્લોગ 😉

આવજો, સિંગાપોર!!

* એમ તો આજે નહી પણ આવતી કાલે જવાનો છું, પણ આખરી રાત છે, કાલે ખબર શું થાય એટલે આજે સાંજે જ પોસ્ટ મૂકી દઉં છું. ઓકે, મજાક કરું છું. મોડે રાત્રે ઘરે પાછો આવીશ ત્યારે સામાન પેક કરવાનો હશે જ એટલે કોઇ પોસ્ટ કરવાનો સમય નહી મળે.

* તો શું કર્યું અહીં? થોડી શોપિંગ, થોડી પાર્ટી, થોડું કામ-કાજ. એકંદરે કામ-કાજ જ વધુ કર્યું, કારણ કે ઓફિસ તો ચાલુ જ હતી અને હું સિંગાપોર હોઉં કે સિંકદરાબાદ, કોઇ ફરક પડતો નથી. હા, તાપમાન પ્રમાણે મારો મૂડ બદલાય ખરો. અહીં ઓર્ચાડ રોડ થોડો ઝાકમઝોળ વાળો એટલે મજા આવી ગઇ. હજી પણ પેલી કાલની મેરેથોનની વાત યાદ આવે છે, તો અત્યંત દુ:ખ થાય છે.

* પરમ દિવસે, કુણાલભાઇને મળ્યો અને લિટલ ઇન્ડિયામાં બેઠા-બેઠાં સુખ, દુ:ખ, સિંગાપોર, ઇન્ડિયા અને ગામનાં ગપ્પાં માર્યા. પછી, મુસ્તફામાંથી થોડી મેન્ડેટરી શોપિંગ કરી અને પાછો આવ્યો. ડિનર સરસ રહ્યું. કેમેરો લઇ જવાનો ભૂલી ગયેલો. અહીં આવ્યા છતાંય, બહુ ઓછી છબીઓ લીધી છે, એ દુર્ભાગ્યની વાત છે. ટેકનિકલી, અહીંના જેટલા પણ પ્રવાસી આકર્ષણ છે ત્યાં ગયો જ નથી 😉 આજે કેટલાંક ખાસ રાત્રિ આકર્ષણોમાં જવાનો પ્લાન છે. મજા આવશે!

* ગઇકાલે હેકરસ્પેસ.sg ની મુલાકાત લીધી. સરસ લોકો. એક ડેબિયન ડેવલોપર અને બીજો એક જુનો ડેબિયન વાળો મળી ગયેલો. મોટાભાગના મલેશિયાના હતા, એટલે મલેશિયા v/s સિંગાપોરની ચર્ચાઓ અને પછી Archlinux vs/ Debian ની ચર્ચાઓ ચાલી. સરસ ડેઝર્ટ અને વાતો વાગોળતાં થોડું ફર્યા અને રાત્રે પાછો આવ્યો ત્યારે ઢગલાબંધ કામ પડ્યું હતું.

PS: સિંગાપોર મોંધુ છે!

PS ૨: થોડાંક ચિત્રો. ફરી પાછું ફ્લિકર મને ગમવા માંડ્યું છે!