મીની ડેબકોન્ફ મુંબઇ ૨૦૧૫

* હોની (મીની ડેબકોન્ફ) અને અનહોની (મુંબઇ મેરેથોન ૨૦૧૫)ને કોણ ટાળી શકે છે? જે થવાનું હતું તે થયું. હવે આ પોસ્ટને બે ભાગમાં વિભાજીત કરી દેવામાં આવી છે, જેથી જેને દોડવાં વિશેની પોસ્ટ ન જોવી હોય એમને શાંતિ રહે. આ શું, દોડ-દોડ કરે છે, આ માણસ?

* સૌથી પહેલાં વાત કરીએ હોનીની (ના. ધોનીની નહી). મુંબઇ મીનીડેબકોન્ફ ૨૦૧૫ની. તારીખ મોડાં-મોડાં આવી કારણ કે મુંબઇમાં કોઇ કોન્ફરન્સ કરવી હોય તો ક્યા ંકરવી એ સળગતો પ્રશ્ન છે. વધુમાં બજેટ પણ જોવું પડે. આઇ.આઇ.ટી. મુંબઇનું કામકાજ એમ તો સારું, પણ સરકારી કામકાજ તમને ખ્યાલ જ છે. છેવટે, બધું સારું થયું અને તારીખો નક્કી થઇ. મને પછી યાદ આવ્યુ ંકે બીજા દિવસે તો મેરેથોન છે! વેલ, જે હોય તે, મારી ટોક પણ સબમિટ કરી દેવામાં આવી. વેબસાઇટ અપડેટ કરવા (એ પણ, જસ્ટ ડેબિયન સર્વર પર, એક્ચ્યુલ વેબસાઇટ નહી) સિવાય આમાં મારો કોઇ ફાળો નહોતો. વોલિયન્ટર્સ ઓછાં હતાં, પણ મજબૂત હતા.

કોન્ફરન્સ માટે વહેલી સવારે નીકળ્યો અને સમયસર પહોચ્યો ત્યારે સૌથી પહેલાં કુમાર અને જલધર વ્યાસ મળ્યા. અમે ત્રણેય જણાંએ ડેબકોન્ફ ૧૦ (ન્યૂ યોર્ક)ની ટી-શર્ટ પહેરી હતી. એ એવી અનેક ડેબકોન્ફમાંની હતી, જ્યાં હું જતાં-જતાં રહી ગયો હતો 😉

ત્રણ ડેબિયન ડેવલોપર્સ
જલધર, કુમાર અને કાર્તિક – ત્રણ ડીડી.

ઉપરોક્ત ચિત્રમાં મારા મોઢાં પર જે ખુશીની ઝલક દેખાય છે, એ જલધર અને કુમારને મળીને છે, બાકી આખું અઠવાડિયું ભયંકર થાક લાગે એવું જ કામ-કાજ, દોડાદોડી હતી (એની વાત વળી અલગ પોસ્ટમાં, પછીથી).

થોડો સમય આડા-અવળી વાતો કરી અને કોન્ફરન્સ શરુ થઇ. પ્રો. કુમાર અને કાનને શરુઆતી પરિચય આપ્યો અને ફોસી ટીમ વિશે માહિતી આપી. ત્યારબાદ ત્રણ રુમમાં અલગ-અલગ વિષયો પર ટોક હતી. લંચ પછી મને રવિ અને કૃપા મળ્યા. રવિની ઓળખાણ બ્લોગ (કે ફેસબુક)થી થયેલી અને અમે મીનીડેબકોન્ફ ૨૦૧૧માં મળેલાં. અચાનક કોઇને મળવાનો આનંદ થાય એ વાત અલગ પોસ્ટનો વિષય છે.

લંચ ઓકે હતું (બજેટ પ્રમાણે સારું હતું). ચા-કોફી તો ગુલમહોરમાં જ કરવા પડે. મારી ટોકમાં કંઇ ખાસ ભલીવાર હતો નહી, પણ જલધર, કુમાર અને બીજાં લોકો જોડે ડેબિયનનાં ભારતમાં ભવિષ્ય વિશે શું કરી શકાય – પર મોટી ચર્ચા કરી (જે મારી અને જલધરની ટોક હતી)! ગુગલ સમર ઓફ કોડનાં ડેબિયનનાં સ્ટુડન્ટ્સ પણ આવ્યાં હતાં, જેઓએ સરસ વિષયો પર ટોક આપી. એમાં એક એન્ડ્રોઇડ પર ડેબિયન ઇન્સ્ટોલ કરવા વિશે હતી (કુમાર સુખાની) અને બીજી એપસ્ટ્રીમ ડેટા (અભિજીત) પર.

સીજી સન્ની, શિરિષ અને અમારા બીજાં ડેબિયન ડેવલોપર – પ્રવિણ જોડે ઘણી ચર્ચા-વિચારણાએ આ ડેબકોન્ફનું બીજું જમા પાસું હતું. (PS: આઇ લવ કોરિડોર ચર્ચાઓ. દા.ત. કોઇના ઘર જઇએ અને બાય-બાય કહેતી વખતે ઘરે બેઠાં હોઇએ એનાં કરતાં વધુ સમય બારણાં પર વાતો કરવા વીતાવીએ – એ ઘટનાને શું કહેવાય? એનાં માટે કોઇ શબ્દ ખરો?)

સાંજે ૫.૪૦ જેવો ઘરે જવાં નીકળ્યો. ઘરે જતાં રીક્ષામાં પૂરા ૧ કલાક ૧૫ મિનિટ (મીટર કેટલું થયું, એ પૂછવું નહી) મેરેથોન અને બીજી વસ્તુઓ માટે પેકિંગ પણ બાકી હતું. હવે, ટૂંક સમયમાં મેરેથોનની બોરિંગ પોસ્ટ માટે તૈયાર રહેજો!

3 thoughts on “મીની ડેબકોન્ફ મુંબઇ ૨૦૧૫

  1. સર, મને ઓપન-સોર્સ, ડેબિયન, તમારી અને અન્ય ઘણી વસ્તુઓ (વ્યક્તિઓની) ઓળખાણ તમારા આ બ્લોગે કરાવી છે ! 🙂 એ માટે તમારા બ્લોગ નો ખુબ ખુબ આભાર… 🙂

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.