સ્માર્ટ ટ્રેઇનર, સ્માર્ટ કાર્તિક

હવે મારી પાસે Tacxનું Neo સ્માર્ટ ટ્રેઇનર છે, એટલે હું પણ સ્માર્ટ બન્યો છું 🙂

આ સ્માર્ટ ટ્રેઇનર એટલે શું? ટૂંકમાં સાયકલ ઘરની બહાર ન ચલાવવી હોય તો તે માટેનું આ ઉપકરણ છે. ઘરમાં જ વિવિધ સેન્સર્સની મદદથી (દા.ત. હાર્ટ રેટ, કેડેન્ડ (કેટલા ઝડપથી એક પેડલ કરો છો, તે મિનિટમાં મપાય – rpm), સ્પીડ (ઝડપ બતાવે)) તમે ટ્રેઇનિંગ કરી શકો છો. Neo જેવા સ્માર્ટ ટ્રેઇનર તમને “રોડ ફિલિંગ” આપે. તમે કાંકરા વાળા રોડ, સામાન્ય રોડ, કોંક્રિટ રોડ, બરફ, લાકડાનો પુલ – વગેરેમાંથી એક પસંદગી કરી શકો છો. હા, અડધા પોણા કલાકથી વધુ ટ્રેઇનિંગ કરવી તકલીફદાયક છે. કારણ કે, ૧. પરસેવો બહુ જ થાય અને ૨. બોરિંગ છે. એક જ જગ્યાએ બેસીને પેડલ મારવા એ મુશ્કેલ છે. જોકે આનો પણ ઉપાય છે, ઝ્વીફ્ટ જેવી એપ. જે તમારા બોરિંગ વર્કઆઉટને ગેમનું સ્વરૂપ આપે છે. ટીવી, ટેબ્લેટ કે મોબાઇલ પર તમે વર્ચ્યુલ જગ્યાઓએ (ક્યાંક પેસેફિકના ટાપુ પર પણ) રાઇડ (હવે તો રન પણ થાય છે) કરી શકો છો અને રેસ પણ કરી શકાય છે. એન્ડ્રોઇડ માટે આ સોફ્ટવેર હજુ શરૂઆતી તબક્કામાં છે અને મોંઘું છે એટલે હાલ પૂરતું તો તેને હાથ અડાવવાનો નથી. બીજો સસ્તો રસ્તો એપલ ટીવી લેવાનો છે, પણ એપલના પેંગડામાં પગ ન નાખવાનો નિર્ણય પણ વચ્ચે આવે છે. હાલ પૂરતો પરસેવો નોર્મલ ગારમિન વડે મનગમતા રસ્તાઓ પર ચલાવવીને પાડવાનો છે.

ગુજરાતીઓ આરંભે શૂરાની જેમ આ વસ્તુ ઘરના ખૂણામાં ન પડી રહે (કારણ કે જેની પાસેથી લીધું ત્યાં એવા જ હાલ હતા!) તેવી અપેક્ષા સાથે કાલના વર્કઆઉટનું પ્લાનિંગ કરી રહ્યો છું 😀

મેકબુકને જીવનદાન

.. એટલે કે રેસક્યૂ મિશન.

ગઈકાલે રાત્રે ઊંઘતા પહેલા લેપટોપ શટડાઉન કર્યા પછી સવારે બ્રશ કરતાં પહેલાં લેપટોપ શરુ કરવાના દરરોજના નિયમ મુજબ પ્રયત્નમાં નિષ્ફળતા મળી. લોગીનનો પ્રોમ્પટ આવવાની જગ્યાએ સ્ક્રિન ફ્લિક થયો અને પછી કાળું ધબ. મેકમાં બૂટ કરી જોયું તો બરોબર હતું. મિ. ગ્રબ બરાબર હતા એટલે એની જોડે કંઈ છેડખાની કરી શકાય તેમ નહોતું. તો? બેકઅપ લીધેલો હતો. બીજું લેપ્પી ચાલુ કરી આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરી શકાય એનો વિચાર કરતાં-કરતાં થોડું કામ તો ચાલુ કરી દીધું. વચ્ચે કવિનને સ્કૂલમાંથી લેવા જવાનું (આજે મૂકવા માટે તો દાદા આવી ગયા હતા!) અને પછી જમવાનું અને પછીની નિદ્રાની દરરોજની ક્રિયાઓ તો ચાલુ જ હતી. પહેલાં મેકમાંથી લિનક્સ પાર્ટિશન માઉન્ટ કરીને બૂટ ઓર્ડરમાંથી કંઈક નિષ્ક્રિય કરવાનો પ્રયત્ન કર્યો પણ એ સફળ ન થયો. પછી, USB વડે ડેબિયનની ઈમેજ બૂટ કરવાનો પ્રયત્ન કર્યો – નિષ્ફળતા. કેમ? થેન્ક્સ ટુ, EFI પાર્ટિશન. ઓ, હેલો, એપલ. આવું કેમ? ૨૦૧૨ ચાલે છે, દોસ્તો. વેલ. છેલ્લો ઉપાય એ હતો કે, સીડી વડે ડેબિયનની સીડી ચલાવી કંઈક રેસ્ક્યૂ પ્રયત્ન કરી શકાય અથવા તો ફરી ઈન્સ્ટોલેશન (આ મશીનમાં છેલ્લે, જૂન ૨૦૦૮ માં ઈન્સ્ટોલેશન-સ્થાપન કરવામાં આવ્યું હતું!), પણ ઈન્સ્ટોલેશનમાં બહુ સમય જાય, ફરીથી બધું સેટ કરતાં જીવ નીકળી જાય તેમ હતું પણ કોઈ ઉપાય નહોતો. ખાટલે મોટી ખોડ એ હતી કે – લેપટોપનું સીડી-ડ્રાઈવ તો ચાલતું નહોતું 🙂 હવે શું?

જીટોક પર જયેશભાઈ જોડે આ વાત નીકળી અને એક્સટર્નલ સીડી-ડ્રાઈવનો ઉલ્લેખ થયો. એમને પણ ઓફિસ માટે એની જરુર હતી. પછી નક્કી કર્યું કે ભાગીદારીમાં એક લઈ લેવું, કારણ કે હવે સીડી-ડ્રાઈવનો ઉપયોગ ક્યારેક જ થાય છે (હવે તો બીજા લેપટોપ, PS/2 બન્નેમાં ડીવીડી ડ્રાઈવ છે, એટલે મારે તો મુવી વગેરેનો વાંધો નથી આવતો..). પણ, જ્યારે આ મશીનમાં આવી જરુર પડે ત્યારે તકલીફ થાય. ક્રોમામાં તપાસ કરી, મજા ન આવી. છેવટે, એક કોમ્પ્યુટર વાળા ઓળખીતાની દુકાનમાંથી સરસ Asusનું ડ્રાઈવ મળ્યું. ઘરે આવ્યો, બીજા લેપટોપમાં સીડી બર્ન કરી, લેપટોપ બૂટ કર્યું અને,

૧. એડવાન્સ ઓપ્શન – રેસક્યૂ – પછી થોડાં પ્રશ્નોનાં જવાબો.

૨. કયું પાર્ટિશન root તરીકે માઉન્ટ કરવું છે, તે પસંદ કરો.

૩. પછી, તમને લિનક્સનો પ્રોમ્પટ મળશે. /usr પાર્ટિશન અલગથી માઉન્ટ કરવું પડશે (સદ્ભાગ્યે, મારા માટે / અને /usr એક જ પાર્ટિશનમાં હતા!).

૪. બસ, મને લાગતું હતું તેમ plymouth માં ગરબડ હતી. એટલે, apt-get remove plymouth. જા ચૂડેલ!!

૫. reboot.

૬. લિનક્સ ફરી પાછું, જેમ નું તેમ.

એટલે, નવું ડેસ્કટોપ લેવાનો વિચાર હાલપૂરતો પડતો મૂક્યો, પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં ડેસ્કટોપ દેખાય છે. એક જ ફાયદો એ કે ડેસ્કટોપ એકંદરે સસ્તું પડે અને જોઈએ ત્યારે અપગ્રેડ કે નવાં પાર્ટ્સ ઉમેરી શકાય. અત્યારે તો બેક ટુ વર્ક.

ઇન્ટરનેટ સેન્સરશિપ અને આપણે..

* અમેરિકન સંસદમાં અત્યારે ઇન્ટરનેટ પર સેન્સરશિપ લાદવા માટેના કાયદાની ચર્ચા ચાલે છે. આપણે શું? ના. તેની તરફેણમાં MPAA એ કહ્યું, જ્યાં સેન્સરશિપ છે ત્યાં ય ઇન્ટરનેટ ચાલે છે, તો અહીં પણ ચાલશે. એક જમાનો હતો જ્યારે ફ્રી કલ્ચરનો ઉદ્ભવ અમેરિકામાં થયો અને આ જમાનો છે જ્યાં ફ્રી કલ્ચર પર સેન્સરશિપ લાદવામાં આવે છે. કહેવાની જરુર નથી કઈ-કઈ કંપનીઓ આ કાયદાને સાથ આપે છે. એક લિસ્ટ.

જો તમે ત્યાં હોવ (આ પરફ્યુમ ત્યાંથી લાવ્યા હતા. કફ) તો અમેરિકનસેન્સરશિપ.ઓર્ગ પર જઈને વિરોધ નોંધાવી શકશો છો (અને વધુ વિગત મેળવી શકો છો). જો તમે અહીં હોવ તો આશા રાખજો કે આવો કોઈ કાયદો અહીં આવશે અને આપણને વિરોધ કરવાની તક મળ્યા વગર સંસદમાં આરામથી પસાર થશે તેવી સંપૂર્ણ શક્યતા છે.

આણંદ મુલાકાત, iPhone->iPod અને ગુલાબજાંબુ

.. એટલે કે આજ-કાલની ઘટનાઓ.

શનિવારે મામાના ઘરે ધામા નાખ્યા અને બધાં મામા એન્ડ ફેમિલી ભેગા થઈને ધમાલ કાઢી. વત્તા ટેણિયાંઓની ધમાલ એકસ્ટ્રા ચીઝ તરીકે. આણંદમાં મામાના ફ્રેન્ડનો દીકરો મારો ક્લાસમેટ નીકળ્યો અને થયું કે દુનિયા ગોળ છે (કાજુકતરી જેવી ત્રિકોણાકાર ખૂણા વાળી પણ છે, એ વાત અલગ છે). શનિ-રવિ મસ્તીમાં (અને હેપ્પી બર્થ ડે, મમ્મી) પસાર કર્યા પછી, મેમુમાં પાછા આવવાનું દુસાહસ કર્યુ અને ઊભા-ઊભા (અ)મારી હાલત ખરાબ થઈ અને અપ-ડાઉન વાળાઓની પરિસ્થિતિ પર દયા આવી. કવિને જોકે બારીમાં બેઠેલી એક છોકરીને ફ્રેન્ડ બનાવી વિન્ડો સીટ પર હક્ક જમાવી લીધો અને તેમની વાતો સાંભળવાની મજા આવી ગઈ. એકદમ ટાઈમપાસ. ઘરે આવીને અત્યંત થાકી ગયો. પેટ પણ જાત-જાતની વસ્તુઓ ખાઈને થાકી ગયું હતું, જીભને મજા આવી (વજન સીધું જ ૧.૫ કિલો વધી ગયું. બીજી શી સાબિતી જોઈએ? :)).

ફોટા વગેરે ફેસબુક પર મૂક્યા છે. ફ્રેન્ડ લોગને દેખાશે.

આજે સવારે પેલો iPhone ઉઠ્યો નહી અને એક જ એન્ટર દબાવવાની ભૂલથી તેનું બેઝબેન્ડ વર્ઝન અપગ્રેડ થઈ ગયું ને ફોન લોક થઈને iPhone માંથી iPod બની ગયો. રે એપલ, આવા તાળાં ના મારો તો ના ચાલે. ખેર, આપણે પાછાં એન્ડ્રોઈડ પર, સારું થયું (પણ ત્રણ ડબ્બા સાચવવાના થયા).

અને હા, ગુલાબજાંબુ. અત્યારે ખાઉં છું અને મિટિંગની રાહ જોવાય છે.

એપલ: જ્યુશ, ફ્રુટ અને સલાડ: ઓવરડોઝ?

* નોંધ: ઘરમાં એપલની ઘણી પ્રોડક્ટસ છે. વધુમાં આ ઓટમીલ.કોમનું આ કાર્ટૂન જોવું. આ બ્લોગ પોસ્ટ જયભાઈની ફેસબુક વોલ વત્તા થોડા દિવસથી ચાલતી ચર્ચાઓનું પરિણામ છે.

સ્ટિવ જોબ્સ પછી આજ-કાલ દરેક જગ્યાએ તેમની મહાનતાની ચર્ચા થાય છે. કોઈક તેમને ભગવાનની જોડે તો કોઈક તેમને આઈન્સ્ટાઈન જોડે સરખાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે થાય છે કે માત્ર એપલ કંપનીની પ્રોડક્ટ્સ જોઈને એક વ્યક્તિને આટલી મહાન બનાવવી એ યોગ્ય છે કે કેમ? એપલની શરુઆત થઈ ત્યારે તેના બે પ્રથમ મોડેલ Apple I અને Apple II એ બનાવવામાં સ્ટિવના સહયોગી સ્ટિવ વોઝનિઆક (તેને બોઝનિઆક પણ કહે છે, સાચો શબ્દ તો મને ખબર નથી) નો મુખ્ય ફાળો હતો (વાંચો: iWoz – Steve Wozniak). ત્યાર પછી શરુ થયો ખેલ માર્કેટિંગનો અને 1984 જેવી જાહેરાતો પણ બનાવવામાં આવી. એક સમયના કટ્ટર દુશ્મન બિલ ગેટ્સ જોડે સ્ટિવ જોબ્સે હાથ મેળવવા પડ્યા અને છેવટે એનાં પ્રેક્ટિકલ (?) નહી તેવા વિચારોથી તેમની જ કંપનીમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા.

અને, પેલી જાહેરાતમાં શું હતું? બિગ બ્રધર એટલે કે IBMને પડકાર હતો. સ્ટિવના ગયા પછી થયું એવું કે માઈક્રોસોફ્ટ અને પીસીનું ગાડું ચાલ્યું અને એપલના મોંઘા કોમ્પ્યુટરો લોકોને ખરેખર મોંઘા પડ્યા. આ બાજુ સ્ટિવે NeXT બનાવી અને વળી પાછા મોંઘાદાટ ક્યુબ કોમ્પ્યુટરો વેચ્યા ન વેચ્યા. પણ, તેમણે પિક્સાર એનિમેશન ઊભી કરી (થેન્ક્સ ટુ જ્યોર્જ લુકાસ!!) અને વિઝ્યુઅલી સરસ લાગે તેવો ઈન્ટરફેસ બનાવવાની શરુઆત કરી.

એપલ આમેય લડખડાતી હતી. સ્ટિવ જોબ્સ પાસે આઈડ્યાસનો ભંડાર હતો (અને તેને અમલમાં મૂકી શકે તેવા માણસો હતા). બન્ને પાછાં ભેગા થયા અને iMac, iPod અને છેલ્લે iPhone, iPad વડે કંપની બની માલામાલ.

આ તો મોટાભાગના લોકોને ખબર છે એટલે એમાં કશું નવું નથી. હવે જે વાત કરીશું તે કદાચ મોટાભાગના લોકોને ખબર નહી હોય.

૧. એક વાર તમે એપલની પ્રોડક્ટ ખરીદો એટલે તમે લોક-ઈન થઈ જાવ છે. iPod લીધું? ફરજિયાત iTunes વાપરો (જે વર્સ્ટ સોફ્ટવેર છે, સોરી વિન્ડોઝ વપરાશકર્તોઓ, તમે જે iTunes વાપરો છો એનો પેલા મેકના વર્સ્ટ સોફ્ટવેર કરતાંય ભંગાર છે!). મેક લીધું? ફરજિયાત એપલનો પ્રોજેક્ટર કેબલ જ વાપરવો પડે. એય પાછો દર મેક પ્રોડક્ટ સાથે બદલાય. દરેક મોડેલમાં અલગ કેબલ.

૨. સરવાળે મેક કોમ્પ્યુટર્સ જમાનાથી પાછળ હોય છે. i7 સીરીઝ હજી હમણાં રજૂ કરવામાં આવી.

૩. સામાન્ય લેપટોપની જેમ તમે મેકને આસાનીથી રીપેર કરી શકતા નથી. મારા મેકબૂકને ખોલવામાટે ગણીને ૨૮ સ્ક્રૂ ખોલવા પડે છે. એપલ પાછું દરેકે મોડેલે સ્ક્રૂના પ્રકાર બદલ્યા કરે છે – નવાં સ્ક્રૂડ્રાઈવર લાવવા પડે!

૪. હાર્ડેવેરની ગુણવત્તાને ધ્યાનમાં લો તો પણ દરેક એપલ પ્રોડક્ટ ઓવરપ્રાઈસ્ડ છે.

૫. એપલ સરવાળે મોનોપોલિસ્ટિક કંપની છે. આજે નહી તો કાલે તેના પર એન્ટિટ્રસ્ટનો કેસ થાય તો નવાઈ ન પામતા. આ કંપનીએ પાછી સેમસંગ, HTC, ગુગલ અને બીજી અનેક કંપનીઓને પેટન્ટ વડે બહુ હેરાન કરી છે (સોફ્ટવેર પેટન્ટ).

૬. મેક ઓપરેટિંગ સિસ્ટમનો બેઝ યુનિક્સ છે – જે તેઓ ક્યારેય માર્કેટિંગ કરતાં નથી (અથવા છુપાવે છે). સ્માર્ટ લોકોએ એવાં યુનિક્સ (FreeBSD) લીધું જેથી તેઓને તેનો સોર્સકોડ પાછો ન આપે તો ચાલે.

૭. iTunesની દરેક એપ્લિકેશન પર એપલ ૩૦ ટકા જેટલું કમિશન લે છે (જે વેચાણ કિંમત પર હોય છે). નાનાં ડેવલોપર્સને આથી કંઈ ખાસ મળતું નથી અને ઈબુક્સ વેચતી ઘણી કંપનીઓને આના કારણે તાળાં લગાવવા પડ્યા છે.

ઓકે. આ બધાં મુદ્દાઓને સ્ટિવ જોબ્સની મહાનતા જોડે શું મતલબ? એવો સવાલ થાય. પણ, આ બધાં મુદ્દાઓ એપલનાં છે, એપલ વગર સ્ટિવ જોબ્સનું અંગત રીતે કોઈ યોગદાન નથી (સિવાય કે પેલા સ્ટેનફોર્ડના લેક્ચર). એટલે આ સવાલ ઉઠાવવો નહી.

કોઈકે ફેસબુક પર લખ્યું તેના કરતાં ઉલ્ટું, હું માર્કેટિંગનો વિરોધી નથી. એમ મોટાભાગના લોકોની જેમ માર્કેટિંગની આંધળી પૂજા નથી કરતો. માર્કેટિંગ વત્તા ટેકનોલોજીકલ પોઈન્ટ્સ મેચ ખાતા હોય તો હું એ પ્રોડક્ટ લઉં છું. બરોબર વાપરું છું, નિચોવું છું. દા.ત. મારુ ધોળું મેકબુક 🙂

અને હા, આ પહેલાં મેં એપલ-સ્ટિવ જોબ્સનાં ૧૦ સરસ મુદ્દાઓ લખ્યા જ છે. એટલે બન્ને બાજુઓ જોઈને આ પોસ્ટ લખાઈ છે.

અસ્તુ.

સ્ટિવ જોબ્સ અને એપલ – ૧૦ વસ્તુઓ

* ખેર, સ્ટિવ જોબ્સે તો આપણને iBye કીધું, પણ તેના જીવન, કર્મો અને એપલ કંપનીમાંથી શીખવા જેવી ૧૦ વસ્તુઓ મેં અત્યાર સુધીના અવલોકન, નિરીક્ષણ, લોકો સાથેની વાત-ચીત અને એપલની પ્રોડક્ટ રજૂઆત વગેરેમાંથી તારવી છે.

૧. જ્યાં સુધી તમારી સંપૂર્ણ પ્રોડક્ટ ના બની જાય ત્યાં સુધી તેની વાતો ન ફેલાવો. ફલાણી વસ્તુ અને આવતા વર્ષના પ્રથમ સપ્તાહમાં રજૂ કરશો – આ તદ્ન બેકાર માર્કેટિંગ છે. એપલ પાસેથી હજીયે કંપનીઓ શીખતી નથી અને સરવાળે નિષ્ફળ જાય છે.

૨. મોટાભાગે નકલમાં અક્કલ હોતી નથી. દા.ત. બ્લેકબેરી પ્લેબુક, સેમસંગ ગેલેક્સી ટેબ ૭ ઈંચ (૧૦ ઈંચ વાળા ટેબ્લેટની સ્ટોરી અલગ છે).

૩. ગુણવત્તા એ સૌથી મોટી વસ્તુ છે, ભલે તમારી પ્રોડક્ટ લેટેસ્ટ ન હોય.

૪. જીવનમાં એકવાર નિષ્ફળ જવું જોઈએ. એટલે, સફળ થાવ ત્યારે તમને એ વસ્તુ યાદ આવે.

૫. પ્રેઝન્ટેશન કરતાં એપલ કંપની પાસેથી શિખવું.

૬. ટેકનિકલ પાસાં કરતાં માર્કેટિંગ પાસાંથી લોકો વધુ ભોળવાય છે.

૭. સરપ્રાઈઝ આપવું.

૮. આગળ કહ્યું તેમ ગુણવત્તા સામે ભાવમાં પણ કોમ્પ્રોમાઈઝ ન કરવું. એપલનાં અહીંના સ્ટોરમાં લેવા કરતાં વિન્ડો શોપિંગ વધુ થાય છે (એમાં મારોય સમાવેશ થાય છે).

૯. જૂની ટેકનોલોજી ફેંકી દેવામાં અગ્રેસર બનવું (ફ્લોપી, સીડી-રોમ અને કદાચ ફાયરવાયર લાવવા અને લઈ જવા બેમાં એપલનો હાથ છે :))

૧૦. એપલ કંપની જોકે થોડા વર્ષોથી માર્કેટિંગ પર વધુ અને ટેકનિકલ એક્સલન્સ ઓછું ધ્યાન આપ્યું, પણ એપલના શરુઆતી વર્ષો હતા તેમ તેમણે એક એપલ કલ્ટ (cult) ઉભો કર્યો. આ કલ્ટ એ એપલની લોકપ્રિયતા માટે જવાબદાર ગણી શકાય. તમારી પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે તેનો કલ્ટ તમારી પાછળ ગાંડો હોય.

એપલની ખરેખર જો સ્ટોરી વાંચવી હોય તો iWoz – Steve Wozniak વાંચવી.

iદુ:ખી

* આજનો દિવસ એમ તો રેગ્યુલર અપડેટ્સ પોસ્ટનો હતો પણ, સવારના પહોરમાં હજી ટી-શર્ટ પહેર્યા વગર ટોપલેસ ફરતા-ફરતા લેપટોપ ચાલુ કર્યું અને ટ્વિટર વગેરે જોતા ખબર પડી કે સ્ટિવ જોબ્સે દુનિયાને iBye-Bye કહ્યું છે.

Sad Mac, Cry Mac

You’ll be missed, Steve.

બગડેલું સફરજન

* ના. આ પોસ્ટ કંઈ એપલ કંપનીની કોઈ નવી પ્રોડક્ટ વિશે નથી.

કોકી ગઈકાલે સફરજન લઈ આવેલી ને આજે રાત્રે કવિને યાદ કર્યું તો તેની હાલત નીચે પ્રમાણેની હતી. તો શું આ “બેસ્ટ ક્વોલિટી કાશ્મીર”ના સ્ટિકર ક્વોલિટી બતાવવા માટે લગાવવામાં આવે છે કે ક્વોલિટી છુપાવવા માટે? કહેવાની જરુર છે કે આવા ત્રણ સ્ટિકરની નીચે ઊંડા ખાડા હતા..

ફૂલણજી બેટરી

* એક હતું મેકબુક અને એમાં હતી એક બેટરી. મેકબુક બહુ ડાહ્યું પણ બેટરી ચપ-ચપ કર્યા કરે છેવટે એક દિવસ એ ચપ-ચપ કરતી બેટરી તેના સ્વભાવ પ્રમાણે ફૂલી ગઈ અને તેનું નામ પડ્યું ‘ફૂલણજી બેટરી’. હવે મેકબુકે કંટાળીને નવી બેટરી લાવવાનું વિચાર્યું પણ, તે તો છેક સાત-સાત હજાર કિલોમીટર દૂર રહેતી હતી. છેવટે, પરિણામ શું આવ્યું તે તમે નીચે જોઈ શકશો:

સાર: બેટરી વગર લેપટોપ ચાલી શકે છે..

વિરામ પછી..

* એટલે કે બ્રેક કે બાદ!

સવારે મુંબઈ આવ્યો અને હવે લગભગ ૧ મહિનાના વિરામ પછી ફરી પાછી આ બ્લોગની શરુઆત કરી રહ્યો છું. પહેલાં તો મેં જ્યારે એપ્રિલ ફૂલ માટેની પેલી છેલ્લી પોસ્ટ લખેલ ત્યારે એમ હતું કે બીજા દિવસ પછી ફરી બ્લોગિંગ એમ જ રાબેતા મુજબ ચાલુ થઈ જશે પણ, પછી નક્કી કર્યું કે એકાદ મહિનાનો વિરામ (?) લેવો. તો મેં શું કર્યું આ સમયમાં?

+ બારકેમ્પ અમદાવાદ ૩માં જઈ આવ્યો. સરસ લોકો (અમિત પંચાલ (ગુજરાતી બ્લોગર), વિશાલ જોષી (જાવા પ્રોગ્રામર), સમ્યક વગેરે) સાથે સરસ મુલાકાતો થઈ. મેં પાઈ ઈ-બુક રીડર વિશે અહીં લખ્યું છે. વિશલિસ્ટમાં ઉમેરી દીધું છે. તે થોડો સમય મચડવા મળ્યું.
+ ચાર વર્ષનાં બ્લોગ જીવનમાં સૌપ્રથમ વાર મારા પર અંગત આક્રમણ થયું.
+ કવિનનું વેકેશન પડ્યું અને અમારા સુખનાં દિવસો પૂરા થયાં 😉
+ એક વીક-એન્ડમાં સુરત જઈ આવ્યા. તેના વિશે અલગથી પોસ્ટ થોડીક ક્ષણોમાં દ્રશ્યમાન થશે..
+ અત્યારે મુંબઈ ખાતે માઈક્રો-વેકેશન ચાલે છે. કાલે પાછાં અમદાવાદ રવાના. જોકે હું તો માત્ર બે વીક-એન્ડ દરમિયાન જ બન્ને Kને લેવા-મૂકવા માટે અહીં હતો.
+ આખો મહિનો ઓફિસ, ડેબિયન અને બીજાં અનેક કાર્યોમાં ખૂબ જ વ્યસ્ત રહ્યો. બેક-પેઈન, RSI વગેરે વગેરે નો ડર લાગે છે.. 😛
+ ટ્વીટરનો ઉપયોગ કરી અપડેટ તો ચાલુ જ રહે છે.

બીજા નોંધવા લાયક ટેકનોલોજીના સમાચાર:
+ એપલનું આઈપેડ આવ્યું. આજ એપલે આઈફોન ૪.૦માં બધાંની વાટ લગાવી. હવે તમે માત્ર c, c++ અને objective-cનો જ ઉપયોગ આઈફોન એપ્લિકેશન બનાવવા કરી શકશો. વળી. પાછી શરત મૂકીકે આ પ્રેસનોટ કોઈ જગ્યાએ પબ્લિશ નહી કરવાની. દેખીતી રીતે આ એક ચાલ છે જે Adobe અને Google જેવી કંપનીને હેરાન (અને પછાડવા) માટે બનાવેલ છે (નોંધ: મારે એડોબી, ગુગલ કે એપલ જોડે કંઈ લેવાદેવા નથી!). એક જમાનામાં સાચું હશે કે એપલ તેના હાર્ડવેર માટે ડેવલોપર્સમાં માનીતી હતી (હજી પણ છે), પણ જરા હવા ભરાઈકે એપલ હવે તરબૂચ બની ગયું છે. અને, આ માટે મારે મારું વેકેશન પાડવાનું વચન તોડવું પડ્યું.
+ નેક્સેન્ટા પ્રોજેક્ટમાં કામ કરવાનું શરુ કર્યું.

બાકી તો તમે જાણો જ છો. એ જ સરસ મજાનું જીવન છે 😛