ACMA IT Expo

.. એટલે કે ACMA હાર્ડવેર એક્સપો.

આ વખતે આ એક્સપો હતો ગુજરાત યુનિવર્સિટીના પેલા ફેમસ એક્ઝિબિશન સેન્ટરમાં. હજી પહેલો દિવસ હતો એટલે કાગડા પણ ન દેખાયા, પણ ગઈ વખતની જેમ મારે નવું માઉસ પેડ લેવાનું હતું એટલે એક ઝડપી મુલાકાત લેવામાં આવી. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું અને ત્યાં ગયો ત્યારે મારું નામ સિસ્ટમમાં આવ્યું નહોતુ. તરત આઈ-કાર્ડ મળ્યું અને અંદર ગયો તો, ઓહ, હાર્ડવેરનાં ઢગલાબંધ સ્ટોલ્સ. એકાદ-બે સારાં સ્ટોલ્સ છે. મોનિટર વગેરેની વધુ તપાસ કરી. એકાદ ટેબ્લેટ મચડ્યાં અને પછી માઉસ પેડ લીધું. યુ ટેલિકોમનો ઈન્ટરનેટ પ્લાન સારો લાગ્યો. આ વખતે કોઈ ખાસ સ્કિમ હોય એમ લાગ્યું નહી અને હમણાં જ લેપટોપ કુલર લીધું એટલે બીજી કંઈ ખરીદી કરવાની હતી નહી. સિક્યોરીટી સિસ્ટમ કે કેમેરા વેચતા સ્ટોલ્સની સંખ્યા વધુ હોય એમ લાગ્યું. લોકો હજીયે VB.Net વાપરે છે એ જોઈને ય નવાઈ લાગી 😀

કેમેરો સાથે લીધો નહોતો, નહિતર બુથ બેબીસ ના ફોટા જોવા મળત. નેક્સ્ટ ટાઈમ!

તારીખ: ૧૬-૧૭-૧૮ ડિસેમ્બર.
સ્થળ: ગુ.યુ. એક્ઝિબિશન સેન્ટર.

ઠંડી…

* આપણા જેવા પામર (અને અમારા જેવા પાતળા) લોકોને ઠંડી લાગે પણ, ભગવાનને ઠંડી લાગે ત્યારે થાય કે ભલું થજો કે હું કોઈ સંપ્રદાય, પંથ, માળા-ટીલાં કે ટપકાંમાં માનતો નથી. દંભની પણ હદ હોય છે. કિન્નરભાઈએ ખાસ લખેલો આ આર્ટીકલ વાંચવા અને વંચાવવા જેવો છે.

આજનો સુવિચાર

વારંવાર મિત્રતાની દુહાઈ દેતા મિત્રો(?)થી દૂર રહેવું. kthnxbye.

આજની કડી

* કાઉચ પોટેટો અથવા જરાય ન ચાલતા (એટલે કે થોડા સમય પહેલાનાં મારા જેવા) લોકોએ ખાસ જોવા, સમજવા અને પછી ચાલવા જેવો વિડીઓ.

(સોર્સ: ગોપાલ દ્વારા)

અપડેટ્સ

* ગાંધીનગર હાફ-મેરેથોન પાછી ઠેલાઈ છે 😦 જ્યારે ભૂલથી સાબરમતી મેરેથોનના દિવસે બીજુ કંઈ પ્લાન થઈ ગયુંને બન્ને દોડની વાટ લાગી ગઈ. છતાંય, નિયમિત દોડવાનું સારું ચાલે છે, તે આનંદની વાત છે. અમદાવાદમાં નિયમિત રનિંગ કરવા વાળાનું ગ્રુપ છે એ જાણીને આનંદ થયો. શનિવારે ઘણાં દિવસ પછી સવારે દોડવા માટે ગયો ત્યારે કેન્યન દોડવીરો વસ્ત્રાપુર લેકમાં પ્રેક્ટિસ કરતાં જોયા. તેમનાં શરીર જાણે દોડવા માટે જ બન્યા હોય એવું લાગ્યું 🙂

* કવિનની પરીક્ષાઓ સફળ રીતે પૂરી થઈ છે! 😀 (રીઝલ્ટ અબી બાકી હૈ!)

* ઠંડી પડવાની શરુઆત આવતી ગઈકાલથી થઈ છે એમ લાગે છે. ક્યાં છે મારી ટોપી? (જુઓ: comments!)

* ગઈકાલે ચંદ્રગ્રહણ જોવાની મજા આવી ગઈ. ટ્રાઈપોડ હજી નથી એ વાત મિસ કરાય છે. એના ફોટાઓ અહીં મૂક્યા છે.

ઓછું પીવો..

*પરમ દિવસે રાત્રે મને થોડી ખાંસી આવતી હતી, કવિન ત્યારે જમવા બેઠો હતો અને બોલ્યો..

ઓછી પીતા હોવ તો..

મારાં અને કોકી બન્નેનાં મોઢાં જોવા જેવા હતાં, અને થોડી વાર પછી તે બોલ્યો..

કોફી.

😀

ચોરી..

* ગઈકાલે સાંજે દરરોજ મુજબ દોડવા જવાનું મોડું થઈ ગયું અને થોડું અંધારુ ઘેરાયું હતું. અત્યારે વસ્ત્રાપુર લેકમાં થોડું સમારકામ ચાલે છે અને નવી પાળી અને છોડવાંઓ ઉગાડવામાં આવ્યા છે. ટ્રેક પણ થોડો રીપેર કરવાનો પ્રયત્ન કરાયો હોય એમ લાગે છે, પણ અનિયંત્રિત પાણી ઢોળાવાના કારણે પાછું જેમનું તેમ છે. વેલ, વાત એમ હતી કે દોડતી વખતે એક સારા લાગતા બહેનને કોઈ ન જોવે એમ એક નાનકડાં છોડની ચોરી કરતાં જોયા. જોડે તેમની ૩ કે ૪ વર્ષની બાળકી પણ સાથે હતી. મેં તેમને અટકાવ્યા નહી એ વાતનું મને દુખ છે, પણ એમને એમ કરતી વખતે જરાય શરમ ન આવી હોય? પેલી ૩-૪ વર્ષની બાળકીને શું લાગ્યું હશે? મને લાગે છે કે જો હું તેમને અટકાવવા ગયો તો ૧૦૦ ટકા તેમણે ચોરી ઉપર સીનાજોરી કરી જ હોત.

ક્રોમ વત્તા ગુજરાતી – ફિક્સ્ડ (ફરીથી)

* 17.0.963.0 dev આવૃત્તિ વાળા ગુગલ ક્રોમ (એટલે કે લિનક્સમાં) વડે હવે ગુજરાતી પરફેક્ટ દેખાય છે. જુઓ આ સ્ક્રિનશોટ. હવે કોઈ ચેડાં ના કરે અને રીગ્રેશન ન આવે તો ક્રોમ ઝીંદાબાદ!

ક્રોમ વત્તા ગુજરાતી

ધ ગ્રેટ ઈન્ડિયન ઇન્ટરનેટ સેન્સરશીપ

* અમે તો પહેલા કહ્યું જ હતું. ધ ગ્રેટ ઈન્ડિયન ઇન્ટરનેટ સેન્સરશીપ આવી રહી છે.

બળતું ઘર

.. એટલે કે પ્રોજેક્ટ ધ બર્નિંગ હાઉસ. એટલે આમ કોઈ પણ ન ઈચ્છે કે પોતાનું ઘર બળે, પણ ન કરે નારાયણ (અહીં તમે તમને ગમતાં દેવી-દેવતા મૂકી શકો છો) અને આગ લાગે અને તમને કોઈક વસ્તુઓ લઈને બહાર નીકળી જવાનું હોય તો કઈ-કઈ વસ્તુઓ લઈને ભાગો? આજ વિચાર પર ધ બર્નિંગ હાઉસ ની વેબસાઈટ બનાવવામાં આવી છે. શું તમે દાદાએ આપેલો કેમેરો લઈ જાવ કે તાજેતરમાં લીધેલું નવું ટીવી કે પછી પહેલી એનિવર્સરી પર મળેલું ફ્લાવર વાઝ? (મેરિડ હોય એવા લોકોએ સ્વાભાવિક રીતે પોતાના હસબન્ડ-વાઈફ ને લે (ના પણ લે :)) અને બાળ-બચ્ચાંઓ ને સાથે લે) વિચાર સરસ છે. હું મારું સેટઅપ તૈયાર કરીને ક્યારેક ફોટો મૂકીશ. અત્યારે તો ખાલી યાદી ચાલશે?

૧. લેપટોપ.

૨. ઓફિસનું લેપટોપ 😦

૩. કેમેરા અને તેનાં લેન્સ.

૪. કવિન, કોકી. (અહા).

૫. પાસપોર્ટ, પાનકાર્ડ વગેરેનું વોલેટ.

૬. ફોન.

૭. એક્સટર્નલ હાર્ડડિસ્ક.

૮. વોલેટ.

બીજો આવો સરસ કન્સપ્ટ છે – પોસ્ટ ઈટ વોર. સાઈટ જોવાથી જ ખ્યાલ આવી જશે. મેં થોડી સ્ટિકી નોટ બગાડીને કંઈક બનાવવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ જામ્યું નહી 😦