પેરિસ-બ્રેસ્ટ-પેરિસ ૨૦૧૯

ગયા અઠવાડિયે થયેલી ૧૯મી પેરિસ-બ્રેસ્ટ-પેરિસ બી.આર.એમ.નો વિગતે અહેવાલ અહીં મૂકી રહ્યો છું. શું થયું એ મહત્વનું છે, એ પાછળની બીજી બધી વાર્તાઓ મહત્વની નથી. ૨૦૨૩માં આ વખતે થયેલી ભૂલો ફરીથી ન કરું એટલા માટે આ પોસ્ટ મહત્વની બની રહેશે.

સૌથી પહેલાં તો આ પેરિસ-બ્રેસ્ટ-પેરિસ શું છે? આ સાયકલિંગ ઇવેન્ટ દર ચાર વર્ષે પેરિસ નજીકથી શરૂ થાય છે અને પશ્ચિમ કાંઠે આવેલા બ્રેસ્ટ શહેર સુધી જઇ ફરી પાછા પેરિસ આવવાનું હોય છે. કુલ અંતર ૧૨૨૦ જેટલું હોય છે (દર વખતે થોડા કિમી આગળ પાછળ થઇ શકે છે). સમય હોય છે, ૮૦, ૮૪ અથવા ૯૦. તમારી મરજી. આ માટેની ક્વોલિફિકેશન એ હોય કે એ વર્ષમાં ૨૦૦-૩૦૦-૪૦૦ અને ૬૦૦ કિમીની બી.આર.એમ. પૂરી કરેલી હોવી જોઇએ. આ વખતે કુલ ૬૫૦૦ કરતા વધુ સ્પર્ધકોએ ૬૬ દેશોમાંથી ભાગ લીધો હતો. ભારતમાંથી આશરે ૩૧૫ રાઇડર્સ ગયા હતા. મુંબઈમાંથી માત્ર ૧૨. એ પણ કુલ આંકડો તો મને છેલ્લા દિવસે જ જાણવા મળ્યો 🙂

તો પેકિંગ પછી અને પેરિસ પહોંચ્યા પછીના દિવસો ૧ અને ૨ પછી કોઇ અપડેટ લખવાનો સમય મળ્યો નહોતો. રેસના આગલા દિવસે એટલે કે ૧૭ તારીખે બાઇક ચેક કરાવવાનું હતું. ભૂલ #૧: બાઇક ચેક માટે સાંજનો સમય પસંદ કર્યો. મારા રૂમ પાર્ટનર વિશાલનું બાઇક ચેક સવારે હતું. મને એમ કે એકલા કોણ જાય? એટલે તેની સાથે સવારે જ પહોંચી ગયો અને ત્યાં ઢગલાબંધ ઓળખીતા-નવાં રાઇડર્સની ઓળખાણ થઇ. સદ્ભાગ્યે મારું પણ બાઇક ચેક સવારે જ પૂરું થયું એટલે બપોરે સરસ લંચ કરીને અમે પાછા પણ આવી ગયા. એ દિવસે સારો એવો વરસાદ પણ હતો. ૧૭મીએ બાઇક બરાબર તૈયાર કરીને અમે જલ્દી સૂઇ ગયા પણ બીજા દિવસે સાંજે ૫.૪૫એ મારા ગ્રૂપની શરૂઆત હતી એટલે બીજા દિવસે પણ આરામ જ કર્યો અને બપોરે ટ્રેનમાં સ્ટાર્ટ પોઇન્ટ પહોંચ્યા. ટેકનિકલી, જે પેરિસથી ૭૦-૭૫ કિમી દૂર છે 🙂

ભૂલ #૨: પહેલા ન ટ્રાય કરેલી વસ્તુ રેસના દિવસે ટ્રાય કરવી. અહીં શું હતું? સેડલ બેગ? હાથી જેવી આ બેગનો લેવાનો દુ:ખ્યાલ મને પીબીપી ના એક મહિના પહેલા જ આવ્યો અને અમે છેલ્લી ઘડીએ તે લેવાનું નક્કી કર્યું. આ વિશે વિગતે પછી.

સ્ટાર્ટ પોઇન્ટ પર ક્રમ અનુસાર ૩૦૦-૩૫૦ લોકોની શરૂઆત થતી હતી. મારો ક્રમાંક H052 હતો અને H ગ્રૂપ મુજબ મારે જવાનું હતું. સમયસર શરૂઆત થઇ અને I ગ્રૂપના લોકોથી રસ્તો કરતો-કરતો હું આગળ નીકળ્યો. બ્રેવે કાર્ડમાં સ્ટેમ્પ કરીને શરૂઆત થઇ. સૌ પહેલા ૩૦ કિમી તો સરસ ગયા પછી ખ્યાલ આવ્યો કે સાયકલમાંથી ક્યાંક અવાજ આવે છે. ઉભા રહીને જોયું તો બેગ ટાયરને અડતી હતી. ઓ તારી! આ તો ગરબડ થઇ. માંડ-માંડ બેગ સરખી કરી અને આગળ વધ્યો અને રસ્તાની અદ્ભૂત લ્હાવો લેતો આગળ વધતો રહ્યો. ૮૦ કિમી આસપાસ ફરીથી બેગ સરખી કરી અને જેકેટ અને મોજા પહેરી લીધા. ઠંડીની શરૂઆત થઇ ગઇ હતી.

સૌપ્રથમ કંટ્રોલ પોઇન્ટ હતો ૧૧૭ કિમી પર. ત્યાં પહોંચ્યો એ પહેલા રાત પડી ગઇ હતી અને ફ્રાન્સમાં રાત કોને કહેવાય એ ખબર પડી. અહીં રસ્તામાં કંઇ ન હોય. જંગલ એટલે માત્ર જંગલ. સૂનકાર. સરરરર કરતી સાયકલના અવાજ અને લાલ લાઇટ્સ સિવાય બીજું કંઇ નહી! ઘનઘોર, કાળુ ડબાંગ અંધારુ અહીં પહેલી વાર જોવા મળ્યું. ડર ન લાગ્યો કારણ કે અહીં કોઇ જંગલી પ્રાણીઓ કે જંગલી માણસો નહોતા. રસ્તામાં લોકો ચિઅર્સ એટલે Ale ના પોકારો કરતા હતા. તે જોઇને નવાઇ લાગે. કારણ કે રાત્રે લોકો ઘરની બહાર ૧ કે ૨ વાગે પણ પાણી, કોફી, ચોકલેટ્સ ઓફર કરતા હતા. કલ્ચર ડિફરન્સ!

૧૧૭ પર કંઇ ખાધું-પીધુ નહી. પાણી ભર્યા સિવાય. બીજી નાની ભૂલ. ૨૧૭ સુધી પહોંચતા ફ્રેશ હતો પણ આ બ્રેક થોડો લાંબો ચાલ્યો. પીબીપીમાં સમય હંમેશા મહત્વનો હોય છે અને કંટ્રોલ પર થતો સમયનો બગાડ એકંદરે મને ભારે પડવાનો હતો. જૂની આદત એમ જાય? ૨૧૭ પર પ્રશાંત ઉર્ફે એંગ્રી બર્ડ મળ્યો અને તેની જોડે નાસ્તો વગેરે કર્યો.

ત્યાર પછી લગભગ Fougeres ઉર્ફે ફુજે પહોંચ્યો ત્યારે ત્રણ કલાક પછીના ગ્રૂપમાં રાઇડ સ્ટાર્ડ કરેલા અમારા એરબીએનબી પાર્ટનર ક્રેગ મળ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઇ આપણે સ્લો થઇ ગયા છીએ.

પછીનો જે રસ્તો હતો, Brest પહોંચ્યા સુધીનો. ઓએમજી. ધુમ્મસ, અંધારુ અને ઢાળ-ઢોળાવો. એવું કહેવાય છે કે ૧૦૦ મીટર પણ રસ્તો સીધો નહોતો. ક્યાં તો ઉપર જાય અથવા નીચે જાય. સ્વાભાવિક રીતે ભારતના મેદાની પ્રદેશોમાં રહેતા લોકોને આવા રસ્તાનો અનુભવ ન જ હોય. અને, સ્વાભાવિક રીતે ફ્રેંચ લોકો આને સપાટ રસ્તો કહે છે, કારણ કે એમના માટે દક્ષિણ ફ્રાંસ જ પહાડી વિસ્તાર છે. ભારતમાં પણ પહાડો છે, જે બહુ ઉંચા છે, જેનો આપણને અનુભવ નથી હોતો. બ્રેસ્ટ પહોંચ્યા પહેલા હું એકદમ આરામથી ચલાવતો હતો અને એ પહેલા એક નાનકડી ઉંઘ ખેંચી લીધી હતી. જે ૪૫ મિનિટ આસપાસ હતી, જે ખરેખર તો ૨ કલાક જેટલી હોવી જોઇતી હતી.

હવે નીચેનો ફોટો જુઓ. દૂર એક નાની છોકરી રસ્તા પર ઉભી રહીને (ડાબી બાજુએ) ચિઅર્સ કરતી હતી, તે જોઇને આંખમાંથી આંસુ આવી જાય. દુર્ભાગ્યે ખરા સમયે મારા ફોનનો મુખ્ય કેમેરો કામ કરતો બંધ થઇ ગયો અને તેનો ક્યુટ ફોટો લેવાનો રહી ગયો!

બ્રેસ્ટ કંટ્રોલ પોઇન્ટ સૌથી બોરિંગ હતો. ક્યાંક ખાવા-પીવાનું નહી. શહેર પણ બોરિંગ. માંડ-માંડ ક્યાંકથી વેજ ફૂડ મળ્યું જેમાં ૧ કલાક બગડ્યો. પછી, થોડી સાયકલ ભગાવી પછીના કંટ્રોલ પોઇન્ટ પર પહોંચ્યો. ત્યાં થોડો આરામ કર્યો. વચ્ચે થોડો સમય મારું ગારમિન ક્યાંક મૂકાઇ ગયું તો તે શોધવામાં ૧૫-૨૦ મિનિટ બગડી. હવે થાક લાગ્યો હતો અને શરીર આરામ માંગતું હતું. નક્કી કર્યું કે થોડો આરામ કરી આગળ વધું. ફરી પાછો ફુજે પહોંચ્યો અને થોડી ઉંઘ ખેંચી કાઢી, જે ૨ કલાકની જગ્યાએ એલાર્મ મિસ કરી ૩ કલાક ઉપર થઇ.

ભૂલ #૩ હંમેશા ૪ એલાર્મ મૂકવા. પછીના ૨ કંટ્રોલ પોઇન્ટ્સ પર થોડી ઝડપ મેળવી કારણ કે સારો એવો આરામ પણ કરી લીધો હતો. હવે ફરી પાછી રાત થવા આવી હતી અને અચાનક મને લાગ્યું કે કંઇક ગરબડ છે બેગમાં. ભૂલ #૪ સેડલ બેગમાંથી થોડો સામાન કાઢી ફોલ્ડિંગ બેગમાં મૂક્યો. બેગ હળવી હતી, પણ બેગ હતી. હવે, ફરીથી ઉંઘ દેખાતી હતી અને થાક પણ લાગવો શરૂ થયો હતો. ૧૦૧૨ના કંટ્રોલ પોઇન્ટ પર પહોંચ્યો એ પહેલા એક કોફી શોપમાંથી કોફી પીધી અને ત્યાં જ પેલી ફોલ્ડિંગ બેગ ભૂલી ગયો. શરીર અને મગજ બંને થાક્યા હતા એ નક્કી થયું. આ પછી, જે ઝડપે શરીર જવાબ દેવા માંડ્યું, તે જીવનમાં પહેલી વખત બન્યું. સદ્ભાગ્યે પગના વાર્મર વગેરે લગાવેલા હતા, પણ મારી મુખ્ય ટી-શર્ટ, રેઇન જેકેટ અને શૂ-કવર હું ભૂલી ગયેલી બેગમાં હતા. છેવટે ૧૦૧૨ કંટ્રોલ પોઇન્ટ પછી મારે રસ્તા પર આવી રીતે કયાંક સૂવાનું આવ્યું.

થોડી વાર સૂવાનો પ્રયત્ન કર્યો. ૧૦૪૭ કિમી પર હવે, પેટ-પગ અને ગરદન – ત્રણેય થાક્યા હતા અને અંતે કોકીને ફોન કર્યો અને નક્કી કર્યું કે ૩ મહિના હોસ્પિટલમાં ગાળવા એના કરતા રાઇડ ત્યાં જ પૂરી કરું. મને કોઇજ દુખ નથી કે પીબીપી પૂરું નથી થયું. જે કંઇ રાઇડ કરી પૂરા મનથી સાચી રીતે કરી છે. જાતને છેતરવી નહી, એ મારો મોટ્ટો છે.

૨૦૨૩ – અમે આવીએ છીએ, આ અધૂરી વાત પૂરી કરવા માટે!

સ્ટાર્વા કડી: https://www.strava.com/activities/2640453242

આ પણ જુઓ: https://gu.wikipedia.org/wiki/પેરિસ-બ્રેસ્ટ 🙂

12 thoughts on “પેરિસ-બ્રેસ્ટ-પેરિસ ૨૦૧૯

  1. Very well said. I also took part in PBP 2019. I ride for 670km then did DNF due to severe cold I found on 3rd night. Not able to control break and gear with left hand numbness. I think we need to learn too much for PBP because it’s very trick. Too much climb and slop that I never thought and clod environment in night I think ITs below 5′. It’s very difficult to ride in such odd situation.

    Liked by 1 person

  2. આવા અનુભવો અન્ય માટે દિશાસૂચક જ નહીં, પ્રેરણાદાયી પણ બને છે, મારા યુવાન મિત્ર! અભિનંદન! આપની સાહસિકતા અને નિખાલસતા ઊગતી પેઢીને અનોખો સંદેશ આપે છે.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.