અપડેટ્સ – ૨૪૨

પેલી ૧૨૦૦ બી.આર.એમ.ની પોસ્ટ ગયા અઠવાડિયે લખી પછી અજય અને અન્ય લોકો અંગ્રેજી આવૃત્તિ માટે સતત પૃચ્છા કરતા હતા એટલે પછી અજયની વેબસાઇટ પર તેનું અંગ્રેજી સંસ્કરણ મૂક્યું. બેઠ્ઠું ભાષાંતર ન કર્યું એટલે વધુ મઝા આવી. એ પોસ્ટ એમ તો આ બ્લોગ પર પણ છે, પરંતુ હાલ પૂરતી ખાનગી રાખી છે! એકાદ-બે મહીના પછી જાહેરમાં મૂકીશ.

બક્ષીબાબુની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલી. આજે કદાચ તેમનું એક પુસ્તક ફરી હાથમાં લઇશ.

આ બ્લોગના ૧૬ વર્ષ પૂરા થયા. થોડાં ચમકારા સિવાય મારો ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન નિષ્ફળ ગણી શકાય. કારણો અનેક છે, પણ તેમાં સૌથી મોટો ફાળો મારી આળસ અને એકંદરે સમય અભાવ છે. થોડા વર્ષો પહેલા મારી પાસે પુસ્તકો અને કોમ્પ્યુટર સિવાય અન્ય શોખ નહોતા પછી તેમાં દોડવાનો અને પછી સાયકલિંગનો ઉમેરો થયો એટલે જે કંઇ સમય હતો એ પણ ગયો. તેમ છતાંય, હજુ પણ આ બ્લોગ ચાલે છે, તે નવાઇની વાત છે. કદાચ આ વર્ષમાં ૧૦ દિવસ દરરોજ ૧૦ કિમી દોડવું કે ૧૦ દિવસ દરરોજ ૧૦૦ કિમી સાયકલ ચલાવવી જેવા પડકારો સાથે ૧૦ દિવસ દરરોજ ૧ પોસ્ટ લખવી (૧૦ તો ના લખાય, બાચકો ખિજાય!) જેવા પડકારો લઇ શકાય. ખાલી એક જ ચિંતા કે તેમાં મારું તો ભલું થાય પણ આ બ્લોગના જે બે-ચાર વાચકો હશે તેમનો મરો થશે 😉

કવિનની ૯મા ધોરણની પરીક્ષાઓ પૂરી થઇ અને હવે કવિન ૬ ફૂટ કરતા થોડી જ ઓછી ઊંચાઇ ધરાવે છે. મારે તેની સામે આંખો કાઢવા માટે પણ ઊંચું જોવું પડે તેવી સ્થિતિ થઇ છે. એકાદ વર્ષમાં તે ઊંચાઇની સાથે કદમાં પણ મને આંબી જશે. હાલમાં, જોકે તે અમારી જેમ ખાવાનો બહુ શોખીન નથી (કે નથી લાગતો).

હવે માર્ચથી લઇને લગભગ જૂન સુધી સાયકલિંગના ખાસ મોટા કાર્યક્રમો નથી. ઇન્ડોર સાયકલિંગ ઘટનાઓ બનતી રહે છે. ત્રણ દિવસથી થોડું દોડવાનું ફરી શરુ કર્યું, તો લાગ્યું કે આ દોડવાનું હજુ પણ અઘરું છે. પણ, છેલ્લાં બે વર્ષમાં ખાસ ન દોડ્યા પછી તે અઘરું લાગવું સ્વાભાવિક છે.

બાકી, અમારો બિલાડો મઝામાં છે. ખાય છે, ઊંઘે છે, મારામારી કરે છે અને અમને પણ મારે છે (ખાસ કરીને સવારે!). હા, તે પરથી યાદ આવ્યું કે સામેના બિલ્ડિંગમાં એક બિલાડીનું બચ્ચું વોચમેનની કેબિન પર ચડી ગયું તો કવિનને તેને બચાવવા મોકલ્યો. કવિને માંડમાંડ તેને નીચે ઉતાર્યું પણ ત્યાં સુધી બચ્ચાએ કવિનને નખ અને બચકાં ભર્યા. ડોક્ટરની સલાહ મુજબ રેબિઝના ઇન્જેક્શન લેવા પડ્યા. આ વેક્સિન પેલી સિરમ ઇન્સ્ટિટ્યુટ જ બનાવે છે!

૨૦૧૮: વાર્ષિક અહેવાલ

IMG_20181202_203727
આ ચિત્ર આ પોસ્ટની લાઇક્સ અને કોમેન્ટ વધારવા માટે જ મૂકવામાં આવ્યું છે જેની નોંધ લેવી 😉

* ગયા વર્ષની જેમ ફરીથી શરમજનક આંકડાઓ સાથે હાજર છે, ૨૦૧૮નો વાર્ષિક બ્લોગ અહેવાલ! હવે તો ફેસબૂક-વર્ડપ્રેસનું જોડાણ પણ તૂટી જવાને કારણે ફેસબૂકથી પણ અહીં કોઇ ફરકતું નથી 🙂

ના, હું લખવાનું બંધ નહી કરું. ભલે વર્ડપ્રેસ.કોમનો હું છેલ્લો યુઝર હોઉં!

૧. આખા વર્ષની પોસ્ટ સંખ્યા – ૬૪ (આ પોસ્ટ સાથે)

૨. સૌથી ઓછી પોસ્ટ ધરાવતો મહિનો – એપ્રિલ, મે, જુલાઇ. દરેકમાં માત્ર ૩ જ પોસ્ટ.

૩. સૌથી વધુ પોસ્ટ ધરાવતો મહિનો – જાન્યુઆરી. ૧૦ પોસ્ટ. ગુજરાતીઓ આરંભે શૂરા!

૪. સૌથી વધુ મુલાકાતીઓ – ઓગસ્ટ.

૫. સૌથી ઓછા મુલાકાતીઓ – મે.

૬. આ વર્ષની કોમેન્ટ્સ – ૪૩.

૭. આ વર્ષના લાઇક્સ – ૧૪૩.

૮. શૂન્ય કોમેન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ – આની તો વાત જ ન કરવી.  જૂન આખા મહિનામાં એક પણ કોમેન્ટ નથી 😛

૯. સૌથી વધુ કોમેન્ટ્સ વાળી પોસ્ટ – જવા દો. મોટાભાગના પિંગબેક જ છે.

૧૦. સૌથી વધુ લાઇક્સ – આ પણ જોવા જેવું નથી!

આશા રાખીએ કે ૨૦૧૯માં કંઇક સારો અહેવાલ આવે!!

૨૦૧૭: વાર્ષિક બ્લોગ અહેવાલ

* થોડા વર્ષો પહેલા (જુઓ: ૨૦૧૦ (પંચવર્ષીય અહેવાલ), ૨૦૧૧, ૨૦૧૨ અહેવાલો) હું વર્ષનું બ્લોગ સરવૈયું લખતો હતો. સમય જતાં બ્લોગ પોસ્ટની આવૃત્તિમાં ભારે ઘટાડો આવ્યો અને શરમજનક આંકડાઓ મૂકવાનું બંધ કર્યું. હવે આજે ફરી તે લખી રહ્યો છું. ના, આંકડાઓમાં કંઇ રાતોરાત વાયરલ વિડિયોને મળેલા ક્લિક્સ જેટલો વધારો થયો નથી, પણ શું લખવું તે વિષયનો અભાવ વત્તા ટાઇમપાસ કરવાની કીડા-વૃત્તિ જવાબદાર છે.

૧. આખા વર્ષની પોસ્ટ સંખ્યા – ૬૧

૨. સૌથી ઓછી પોસ્ટ ધરાવતો મહિનો – ફેબ્રુઆરી (૨), જુલાઇ (૨)

૩. સૌથી વધુ પોસ્ટ ધરાવતો મહિનો – ડિસેમ્બર (૧૦)

૪. સૌથી વધુ મુલાકાતીઓ – ઓગસ્ટ

૫. સૌથી ઓછા મુલાકાતીઓ – મે

૬. આ વર્ષની કોમેન્ટ્સ – ૧૧૧

૭. આ વર્ષના લાઇક્સ – ૨૦૧

૮. શૂન્ય કોમેન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ – ૨૮!

૯. સૌથી વધુ કોમેન્ટ્સ વાળી પોસ્ટ – પુસ્તક: જાતકકથા

૧૦. સૌથી વધુ લાઇક્સ – ડેબકોન્ફ – થોડી ટિટબિટ્સ..

તમે જોયું કે આંકડાઓમાં કંઇ ભલીવાર નથી, તો પણ, કીટાણુંઓ.. 😉

આઠ વર્ષ

* હેલ્લો વર્લ્ડ!

* બ્લોગ જગતમાં (અ)મારા આઠ વર્ષ પૂરા થયા એ બદલ મને અભિનંદન પાઠવું છું. દિવસે-દિવસે આ બ્લોગની આવૃત્તિ ઘટતી જઇ રહી છે. આ વર્ષમાં તેનું મુખ્ય કારણ કે છે – કિટાણું? ના, કામ-કાજ. આજ-કાલ ફેસબુક પણ બંધ જેવું જ છે, પણ ટ્વિટર હજી અડીખમ છે. તેમ છતાંય, મહિને-દહાડે દસેક પોસ્ટ (સરેરાશ) થઇ જાય છે, જેમાં મુખ્યત્વે અપડેટ્સની પોસ્ટ રહે છે.

* આવતા મહિને થોડો પ્રવાસ છે, એટલે બ્લોગમાં કંઇ નવીનતા આવવાની શક્યતા છે.

બાકી, કવિન પણ હવે મોટો થઇ ગયો છે, અને મને બહુ ભાવ આપતો નથી (સિવાય કે કંઇ રમકડું વગેરે જોઇતું હોય ;)).

વાચન ખાતે, હું પણ આજ-કાલ હવે કિન્ડલમાં વ્યસ્ત રહું છું. હમણાં જ એક યાદી પરથી આ વર્ષમાં વાંચવાનાં પુસ્તકો વિશલિસ્ટમાં ઉમેરીને એક પછી એક વાંચવાના શરુ કર્યા છે. PS: સાયન્સ ફિક્શન પર તમારો કોઇ સુઝાવ હોય તો કહેજો.

લો ત્યારે વધુ એક અપડેટ્સ પોસ્ટ બની જાય એ પહેલાં – સૌ બ્લોગજનોનો આભાર. મળતા રહીશું!

વૉક ફોર બ્લોગબાબા!

* બ્લોગબાબા સીરીઝ ઇઝ બેક!

મને ક્યાંક કહેવામાં આવ્યું કે ‘ટેક અ વૉક’ તો, પછી અમે કેમ ન ચાલીએ? કેમ ન દોડીએ? કેમ ન ઉડીએ? તો હવે, અમદાવાદ-સાબરમતી મેરેથોન સુધી દરરોજ એક કિલોમીટર હું ચાલીશ (રનિંગ અને સાયકલિંગની સાથે-સાથે) અને જેટલા કિલોમીટર થાય એટલા પૈસા (હા, રુપિયા નહી) બ્લોગબાબાના ખાતામાં જમા કરાવીશ. તમે પણ આ નેક-ઉમદા કાર્યમાં મદદ કરીને તમારો યથાશક્તિ ફાળો શકો છો. કેવી રીતે? તમે ચાલેલા કિલોમીટરના પૈસા પણ હું આપીશ તેવી ખાતરી આપું છું.

તમે આ ફોર્મમાં તમારી વિગતો ભરી અપડેટ કરતાં રહેજો. યાદ રાખજો, છેલ્લી તારીખ છે – ૦૫ જાન્યુઆરી, ૨૦૧૪!

આભાર.

PS: બાબાજી કી જય હો!

હેપ્પી એનિવર્સરી!

* શેની?

થેન્ક્સ, વર્ડપ્રેસ!!

વિરામ પછી..

* એટલે કે બ્રેક કે બાદ!

સવારે મુંબઈ આવ્યો અને હવે લગભગ ૧ મહિનાના વિરામ પછી ફરી પાછી આ બ્લોગની શરુઆત કરી રહ્યો છું. પહેલાં તો મેં જ્યારે એપ્રિલ ફૂલ માટેની પેલી છેલ્લી પોસ્ટ લખેલ ત્યારે એમ હતું કે બીજા દિવસ પછી ફરી બ્લોગિંગ એમ જ રાબેતા મુજબ ચાલુ થઈ જશે પણ, પછી નક્કી કર્યું કે એકાદ મહિનાનો વિરામ (?) લેવો. તો મેં શું કર્યું આ સમયમાં?

+ બારકેમ્પ અમદાવાદ ૩માં જઈ આવ્યો. સરસ લોકો (અમિત પંચાલ (ગુજરાતી બ્લોગર), વિશાલ જોષી (જાવા પ્રોગ્રામર), સમ્યક વગેરે) સાથે સરસ મુલાકાતો થઈ. મેં પાઈ ઈ-બુક રીડર વિશે અહીં લખ્યું છે. વિશલિસ્ટમાં ઉમેરી દીધું છે. તે થોડો સમય મચડવા મળ્યું.
+ ચાર વર્ષનાં બ્લોગ જીવનમાં સૌપ્રથમ વાર મારા પર અંગત આક્રમણ થયું.
+ કવિનનું વેકેશન પડ્યું અને અમારા સુખનાં દિવસો પૂરા થયાં 😉
+ એક વીક-એન્ડમાં સુરત જઈ આવ્યા. તેના વિશે અલગથી પોસ્ટ થોડીક ક્ષણોમાં દ્રશ્યમાન થશે..
+ અત્યારે મુંબઈ ખાતે માઈક્રો-વેકેશન ચાલે છે. કાલે પાછાં અમદાવાદ રવાના. જોકે હું તો માત્ર બે વીક-એન્ડ દરમિયાન જ બન્ને Kને લેવા-મૂકવા માટે અહીં હતો.
+ આખો મહિનો ઓફિસ, ડેબિયન અને બીજાં અનેક કાર્યોમાં ખૂબ જ વ્યસ્ત રહ્યો. બેક-પેઈન, RSI વગેરે વગેરે નો ડર લાગે છે.. 😛
+ ટ્વીટરનો ઉપયોગ કરી અપડેટ તો ચાલુ જ રહે છે.

બીજા નોંધવા લાયક ટેકનોલોજીના સમાચાર:
+ એપલનું આઈપેડ આવ્યું. આજ એપલે આઈફોન ૪.૦માં બધાંની વાટ લગાવી. હવે તમે માત્ર c, c++ અને objective-cનો જ ઉપયોગ આઈફોન એપ્લિકેશન બનાવવા કરી શકશો. વળી. પાછી શરત મૂકીકે આ પ્રેસનોટ કોઈ જગ્યાએ પબ્લિશ નહી કરવાની. દેખીતી રીતે આ એક ચાલ છે જે Adobe અને Google જેવી કંપનીને હેરાન (અને પછાડવા) માટે બનાવેલ છે (નોંધ: મારે એડોબી, ગુગલ કે એપલ જોડે કંઈ લેવાદેવા નથી!). એક જમાનામાં સાચું હશે કે એપલ તેના હાર્ડવેર માટે ડેવલોપર્સમાં માનીતી હતી (હજી પણ છે), પણ જરા હવા ભરાઈકે એપલ હવે તરબૂચ બની ગયું છે. અને, આ માટે મારે મારું વેકેશન પાડવાનું વચન તોડવું પડ્યું.
+ નેક્સેન્ટા પ્રોજેક્ટમાં કામ કરવાનું શરુ કર્યું.

બાકી તો તમે જાણો જ છો. એ જ સરસ મજાનું જીવન છે 😛

ડમી કોમેન્ટ, અંગત આક્રમણ અને ગુજરાતી બ્લોગ જગત

* હવે, એમાં થયું એવું કે ચોતરો નામનો બ્લોગ (?) ચલાવતાં ભાઈ (કે બેન કે પછી કંઈક બીજું) પહેલાં, કોપી-પેસ્ટ, પછી પાયરસી અને વાતોનાં વડાંની જગ્યાએ પર્સનલ આક્રમણ કરવા લાગ્યા છે. એટલે હવે, આ બ્લોગ પાછો સક્રિય કરવો પડ્યો છે.

ગઈકાલે ચકાસણી કરવા માટે તેમનાં જ નામથી (wbtacker320) જ્ઞાનનું (કે કોપી-પેસ્ટનું) નાળું નામના બ્લોગ પર ટેસ્ટ કોમેન્ટ કરી. હવે આ નાળું અને ચોતરો બન્ને એક જ હોય એમ લાગતું હતું કારણકે ચોતરાએ પોતાની ઓળખાણ આપી નહોતી. છેવટે, નક્કી થયું કે આ નાળું તો ચોતરાવાળાનું જ છે.

તમે જ નક્કી કરજો. આવાં નફ્ફટ ચોતરા અને નાળાં માટે કયા શબ્દો વપરાય? વર્ડપ્રેસને યોગ્ય ફરિયાદ પણ કરવામાં આવી છે. તમે પણ આવા બ્લોગને રીપોર્ટ એઝ સ્પામ કરીને ફરિયાદ કરી શકો છો.

(હવે એક ઊંડો શ્વાસ અને મોટો બ્રેક!! આવજો!)

એક ન ખોવાયેલ બ્લોગ..

ઊંમર: આજે ૪ પૂરા કરી ૫મું બેઠું.
રંગ: આછો જાંબલી, ક્યારેક કાળો મેશ, ક્યારેક ધોળો ધબ.
ઊંચાઈ: બહુ જ સામાન્ય.
ભાષા: ગુજરાતી ભાષા થોડી ઘણી લખી જાણે છે, ગુજરાતી-અંગ્રેજી અને ટેકનોલોજીથી ભરેલ ભાષા બોલે છે.
સ્વભાવ: સામાન્યથી આંશિક ઉગ્ર.

આ થયો હજી સુધી ન ખોવાયેલ બ્લોગનો પરિચય – એટલે કે આ બ્લોગનો પરિચય. ૨૫ માર્ચે એટલે કે આજે ચાર વર્ષ પૂરા થાય છે અને પાંચમું વર્ષ શરુ થાય છે. દર વર્ષે બ્લોગની ક્વોલિટી અને આવૃત્તિ બન્નેમાં સુધારા-ઘટાડા-વધારા થયા છે. હું મને ગમે તેવું અને મારા વિચારોને રજૂ કરતો રહ્યો છું, કોઈક વખત ટેકનોલોજીકલ હથોડાં પણ માર્યા છે – તેમ છતાં, વાચકો વધતા રહ્યાં છે અને સરસ મજાની કોમેન્ટ્સ (વચ્ચે હમણાં કોઈને મારો બ્લોગ કે પોસ્ટ ન ગમ્યો એટલે ભરપૂર ગાળો પણ લખી ;)) આપતા રહ્યા છે.

બધા વાચકો, મિત્રો, યાર-બાદશાહોનો ખૂબ-ખૂબ આભાર. તમારા વગર ચાર વર્ષની લાંબી (અને કોઈક વખત થકવી નાખનાર) સફર જે લેપટોપ આગળ બેસીને જ ખેડવાની હતી તે શક્ય નહોતી. સાથે સાથે, વર્ડપ્રેસનો પણ આભાર – જેનાં વગર આ બ્લોગની રજૂઆત આટલી સરળતાથી ક્યારેય શક્ય ન બનત 🙂

મળતા રહીશું.

આટલી વાતો મને ગમતી નથી..

૧. કોઈ મેં કરેલી કોમેન્ટમાં ફેરફાર કરે. દા.ત. આ ઉદાહરણ.

૨. આખેઆખી કોમેન્ટ દૂર કરી દે. દા.ત. ઘણાં બધા બ્લોગ્સ..

૩. ટ્વીટર પર કોઈ આપણને ફોલો કરે પણ, પોતાનાં અપડેટ્સ પ્રોટેક્ટેડ રાખે..

૪. અનામી-નનામી કોમેન્ટ કરે..